તિબેટના બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામા માત્ર ધર્મગુરુ નથી પણ તિબેટના રાજા થવા શાસક પણ છે. ૧૪મા દલાઈ લામા વર્ષ ૧૯૫૯માં ભાગીને ભારત આવ્યા હતા અને ભારતે તેમને રાજકીય આશ્રય આપ્યો હતો. દલાઈ લામા હિમાચલ પ્રદેશની ધર્મશાળામાં રહીને તિબેટની આરઝી સરકારનું સંચાલન કરી રહ્યા છે. દલાઈ લામા ૬ જુલાઈએ ૯૦ વર્ષના થવા જઈ રહ્યા છે ત્યારે એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે કે તેમના ઉત્તરાધિકારી કોણ હશે? તિબેટિયન બૌદ્ધ ધર્મ અનુસાર તેનો જવાબ સ્પષ્ટ છે, પરંતુ ચીન તેમાં દખલ કરી રહ્યું છે અને આ પ્રક્રિયામાં અવરોધો ઊભા કરી રહ્યું છે. ધર્મશાળાના મેકલિયોડગંજમાં ૩૦૦ થી વધુ ધાર્મિક નેતાઓ ઉત્તરાધિકારીની પસંદગી કરવા એકઠા થયા છે. દલાઈ લામાએ કહ્યું છે કે મારા ઉત્તરાધિકારી પસંદ કરવાનો અધિકાર ચીન પાસે નથી પણ તિબેટિયન લોકો અને તેમના બનેલા ગાડેન ફોદ્રાંગ ટ્રસ્ટ પાસે છે.
પ્રાચીન સમયમાં વરિષ્ઠ સાધુઓને કેટલાક સંકેતો મળતા હતા અને સપનાં આવતાં હતાં, જેનાથી તેમને એવા બાળકની ઓળખ કરવામાં મદદ મળતી હતી જેમાં દલાઈ લામા બનવા માટે ચોક્કસ ગુણો હતા. આ પરંપરા ૧૪મી સદીથી ચાલી આવે છે. સામાન્ય રીતે આ શોધ દલાઈ લામાના મૃત્યુ પછી શરૂ થાય છે. પરંપરાગત પ્રક્રિયામાં એક સમસ્યા એ છે કે તિબેટીઓની મોટી વસ્તી તેમના મૂળ સ્થાને રહે છે અને તેમાંથી એક મોટો ભાગ દેશનિકાલની સજા ભોગવી રહેલા દલાઈ લામા સાથે ભારતમાં રહેવા માટે મજબૂર છે.
ચીન સાથે દુશ્મનાવટનું જોખમ હોવાથી વર્તમાન સંયોગોમાં તિબેટમાં પરંપરાગત પ્રક્રિયા અપનાવવી અશક્ય છે, કારણ કે તિબેટ હજુ પણ સંપૂર્ણપણે ચીનના કબજા હેઠળ છે. બદલાયેલા સંયોગોમાં દલાઈ લામાએ તેમના ઉત્તરાધિકારીની પસંદગી કરવા માટે કેટલીક વૈકલ્પિક પદ્ધતિઓ પણ સૂચવી છે. આ પદ્ધતિ મુજબ તેઓ તેમના જીવનકાળમાં જ ઉત્તરાધિકારીની નિમણૂક કરી શકે છે. દલાઈ લામાએ કહ્યું છે કે તેમના ઉત્તરાધિકારી જૂના રીતરિવાજો અનુસાર શોધવા જોઈએ. તેમણે તેમના પુસ્તક વોઈસ ફોર ધ વોઈસલેસમાં પણ આ વાત કહી છે. તેમણે કહ્યું હતું કે તેમના ઉત્તરાધિકારી ચીનના નિયંત્રણની બહાર જન્મશે. તેમની પસંદગી ચીનની દખલગીરી વિના જ કરવામાં આવશે.
તિબેટિયન બૌદ્ધ ધર્મની પરંપરામાં દલાઈ લામાને પસંદ કરવામાં આવતા નથી પરંતુ તેઓ દિવ્ય સંકેત દ્વારા મળી આવે છે. એવું માનવામાં આવે છે કે મૃત્યુ પછી દલાઈ લામા એક નવા શરીરમાં જન્મે છે. દલાઈ લામાના મૃત્યુ પછી વરિષ્ઠ સાધુઓ એક ખાસ છોકરાની શોધ કરે છે, જે દલાઈ લામાનો આગામી અવતાર હશે. સૌ પ્રથમ બૌદ્ધ સાધુઓ કેટલાક આધ્યાત્મિક સંકેતોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરે છે.
ઉદાહરણ તરીકે આ સમયગાળા દરમિયાન વરિષ્ઠ સાધુઓનાં સપનાંમાં જોવા મળતી છબીઓનું વિશ્લેષણ કરવામાં આવે છે. મૃત્યુ સમયે દલાઈ લામાનું શરીર કઈ દિશામાં હતું અથવા તેમની મુદ્રા કઈ હતી તે જોવામાં આવે છે. અગ્નિસંસ્કાર દરમિયાન ધુમાડાની દિશાને પણ એક સંકેત માનવામાં આવે છે. આ બધાનો હેતુ એ જાણવાનો છે કે દલાઈ લામાનો જન્મ કઈ દિશામાં કે વિસ્તારમાં થયો હશે. અહીં લ્હામો લાત્સો નામનું એક ખાસ તળાવ છે. તે તિબેટની રાજધાની લ્હાસાથી લગભગ ૧૫૦ કિલોમીટર દૂર છે. બૌદ્ધ સાધુઓ અહીં બેસીને ધ્યાન કરે છે અને માને છે કે તળાવનાં પાણીમાં ભવિષ્યના દલાઈ લામાનાં ચિહ્નો દેખાય છે.
આ બધા સંકેતોના આધારે સાધુઓ અને અધિકારીઓની એક ટીમ તિબેટ અને હિમાલયના પ્રદેશોની યાત્રા કરે છે. તેઓ એવાં બાળકો શોધે છે જેઓ દલાઈ લામાના મૃત્યુ સમયે જન્મ્યાં હતાં અને જેમની પાસે અસાધારણ બુદ્ધિ, અસામાન્ય ક્ષમતાઓ હોય અથવા જેઓ મહત્ત્વપૂર્ણ બાબતો યાદ રાખી શકે. જ્યારે કેટલાંક બાળકો ઓળખાય છે, ત્યારે તેમનું પરીક્ષણ શરૂ થાય છે. આ બાળકોને કેટલીક વસ્તુઓ આપવામાં આવે છે.
આમાંની કેટલીક વસ્તુઓ ભૂતપૂર્વ દલાઈ લામાની પ્રિય હોય છે અને કેટલીક અન્ય વસ્તુઓ હોય છે. જે બાળક સાચી વસ્તુઓ ઓળખે છે તેને દલાઈ લામાનો સંભવિત પુનર્જન્મ માનવામાં આવે છે. જો બાળક અગાઉના દલાઈ લામાની નજીકની કોઈ વ્યક્તિ, સ્થળ અથવા વસ્તુને ઓળખે તો તે એક વધુ મજબૂત સંકેત માનવામાં આવે છે. આ પરીક્ષણો પછી જ્યોતિષીય ગણતરીઓ અને તીવ્ર આધ્યાત્મિક ચર્ચાઓ થાય છે. જ્યારે બધું મેળ ખાય છે, ત્યારે બાળકને સત્તાવાર રીતે નવા દલાઈ લામા જાહેર કરવામાં આવે છે. આ પછી બાળકને એક મઠમાં લઈ જવામાં આવે છે.
અહીં તેને બૌદ્ધ શિક્ષણ અને આધ્યાત્મિક તાલીમ આપવામાં આવે છે. વર્ષો સુધી ધ્યાન કર્યા પછી તે દલાઈ લામાની ભૂમિકા ભજવવાનું શરૂ કરે છે. રસપ્રદ વાત એ છે કે જ્યારે વર્તમાન દલાઈ લામા હજુ પણ જીવિત છે તો તેમના પુનર્જન્મની શોધનો પ્રશ્ન કેવી રીતે ઊભો થયો? વર્તમાન દલાઈ લામાએ પહેલેથી જ કહ્યું છે કે તેઓ તેમના જીવનકાળ દરમિયાન તેમના ઉત્તરાધિકારીનું નામ જાહેર કરી શકે છે. તેથી એવું માનવામાં આવતું હતું કે તેમના ૯૦મા જન્મદિવસની આસપાસ તેઓ કોઈ સંકેત અથવા સૂચના આપી શકે છે, જેનાથી તેમના અનુગામીની પસંદગી સરળ બનશે અને આ પરંપરા ચાલુ રાખી શકાય છે. દલાઈ લામા ૬ જુલાઈના શું જાહેરાત કરે છે તેના પર તેમનાં કરોડો અનુયાયીઓનું ધ્યાન કેન્દ્રિત થયેલું છે.
ચીન ઇચ્છે છે કે આગામી દલાઈ લામાની પસંદગી સુવર્ણ કુંભ પદ્ધતિ દ્વારા કરવામાં આવે. આ પદ્ધતિ ૧૭૯૩ માં કિંગ રાજવંશ દરમિયાન શરૂ થઈ હતી. આ પદ્ધતિમાં સંભવિત ઉત્તરાધિકારીઓનાં નામોની ચિઠ્ઠીઓ સુવર્ણના કુંભમાં મૂકવામાં આવે છે. પછી સરકારી અધિકારીઓની દેખરેખ હેઠળ એક ચિઠ્ઠી ખેંચવામાં આવે છે. આ ચિઠ્ઠીમાં જેમનું નામ નીકળે તે નવા દલાઈ લામા બને છે. ચીન કહે છે કે આ પ્રક્રિયા પર તેનો ઐતિહાસિક અને કાનૂની અધિકાર છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે દલાઈ લામાના પુનર્જન્મને કેન્દ્ર સરકારની મંજૂરી મળવી જોઈએ. તિબેટીઓ આને ચીનની રાજનીતિ અને ખોટી દખલ માને છે.
વર્તમાન દલાઈ લામાની ઓળખમાં આ પ્રક્રિયા અપનાવવામાં આવી હતી કે કેમ તે જાણી શકાયું નથી.દલાઈ લામાએ કહ્યું છે કે આ પદ્ધતિ યોગ્ય નથી, કારણ કે ચીની સામ્યવાદીઓ ધર્મમાં માનતા નથી, માટે તેમણે દલાઈ લામાના કે કોઈ પણ લામાઓના પુનર્જન્મમાં દખલ કરવી જોઈએ નહીં. વિશ્વભરનાં તિબેટિયનો, બૌદ્ધ ધાર્મિક નેતાઓ અને વિદ્વાનો ચીનના આ વલણને તિબેટિયન ઓળખ અને ધાર્મિક સ્વતંત્રતાને નકારવાનો પ્રયાસ માને છે. આ લોકોને ડર છે કે બેઇજિંગ પોતાની કઠપૂતળી સમાન દલાઈ લામાની નિમણૂક કરવા માંગે છે. આનાથી તિબેટ પર તેનું નિયંત્રણ વધુ મજબૂત થશે. આનો વિરોધ કરવા માટે દલાઈ લામાએ તિબેટિયનોને ચીન દ્વારા રાજકીય કારણોસર પસંદ કરાયેલા કોઈ પણ ઉત્તરાધિકારીને ન સ્વીકારવા કહ્યું છે. આમાં બેઇજિંગ દ્વારા બળજબરીથી નિયુક્ત કરાયેલા દલાઈ લામાના ઉત્તરાધિકારીનો પણ સમાવેશ થાય છે.
શું વર્તમાન દલાઈ લામા જીવતા હશે ત્યારે તેમના પુનર્જન્મ વિશે કોઈ સંકેત આપશે? આ પ્રશ્નના જવાબમાં દલાઈ લામાના કાર્યાલય હેઠળ ચાલતા ગાડેન ફોદ્રાંગ ટ્રસ્ટના ઉપપ્રમુખ સામધોંગ રિનપોચેએ કહ્યું કે દલાઈ લામાની સંસ્થા ચાલુ રહેશે. ૧૪મા દલાઈ લામા પછી ૧૫મા દલાઈ લામા હશે, ૧૬મા દલાઈ લામા પણ હશે. આ અંગે સંમતિ થઈ ગઈ છે. તેઓ ક્યારે આવશે, તેમને કેવી રીતે માન્યતા મળશે, આ સંપૂર્ણપણે અલગ પ્રશ્નો છે. જ્યારે સમય આવશે, ત્યારે વર્તમાન દલાઈ લામા તેની સૂચનાઓ આપશે.
દલાઈ લામાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ગાડેન ફોદ્રાંગ ટ્રસ્ટને આગામી દલાઈ લામાના પુનર્જન્મને માન્યતા આપવાનો એકમાત્ર અધિકાર છે અને બીજા કોઈને આ બાબતમાં દખલ કરવાનો કોઈ અધિકાર નથી. એવું માનવામાં આવે છે કે આ નિવેદન દ્વારા દલાઈ લામા આડકતરી રીતે ચીન તરફ ઈશારો કરી રહ્યા છે, જે કહે છે કે આગામી દલાઈ લામાની નિમણૂક ચીનના કાયદા અનુસાર કરવામાં આવશે. દલાઈ લામાના સંદેશને નકારી કાઢતા ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે દલાઈ લામાના પુનર્જન્મ માટે ચીની સરકારની મંજૂરી જરૂરી છે. ચીને એમ પણ કહ્યું કે દલાઈ લામાના ઉત્તરાધિકારીની પસંદગીની પ્રક્રિયા ચીનના કાયદા તેમજ ધાર્મિક વિધિઓ અને ઐતિહાસિક પરંપરાઓનું પાલન કરતી હોવી જોઈએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે