મહારાષ્ટ્રમાં મરાઠા જાતિને અનામત આપવાનો મુદ્દો ફરીથી સળગ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા સમૃદ્ધ મરાઠા કોમને અનામત આપવાનો ઇનકાર કરવામાં આવ્યો તે પછી મરાઠા લોબી શાંત થઈ ગઈ હતી. હવે અચાનક મરાઠા કોમને કુણબી ગણીને તેમને ઓબીસી ક્વોટામાંથી અનામત આપવાની હિલચાલને કારણે નવું તોફાન પેદા થયું છે. હાલમાં રાજ્યમાં ઓબીસી ક્વોટા હેઠળ અનામત ૧૯ ટકા છે. ઓબીસી સમુદાયનું માનવું છે કે જો મરાઠા સમુદાયને પણ તેમાં સામેલ કરવામાં આવે તો ઓબીસીનાં લોકોને તેટલું નુકસાન થશે. ઓબીસી સમુદાયનું એમ પણ કહેવું છે કે અમારો વિરોધ મરાઠા આરક્ષણ સામે નથી પરંતુ તેમને ઓબીસીમાંથી અનામત આપવા સામે વિરોધ છે. જાણકારો કહે છે કે વર્તમાન આંદોલનનો સૌથી વધુ ફાયદો ભાજપને જ થશે.
સોમવારે મરાઠા સમુદાય માટે આરક્ષણની માંગ સાથેનો વિરોધ અચાનક હિંસક બન્યો અને ઘણાં લોકોએ ધારાસભ્યોનાં ઘરો અને કાર્યાલયો પર હુમલો કર્યો હતો. પ્રદર્શનકારીઓએ છત્રપતિ સંભાજી નગરમાં ભાજપના ધારાસભ્ય પ્રશાંત બંબના કાર્યાલય પર પથ્થરમારો કર્યો હતો. મરાઠા આરક્ષણના વિરોધ વચ્ચે હિંસા ફાટી નીકળ્યા બાદ મહારાષ્ટ્રના ધારાશિવ અને બીડ જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. સોમવારે બીડમાં એનસીપીના ધારાસભ્ય પ્રકાશ સોલંકીના નિવાસસ્થાને વિરોધીઓએ આગ લગાવી દીધી હતી. આ સિવાય એનસીપીના અન્ય એક ધારાસભ્યના ઘર પર પણ તોફાની ટોળાંએ હુમલો કર્યો હતો. બીડના પોલીસ અધિક્ષક નંદકુમાર ઠાકુરે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે સ્થિતિ હવે નિયંત્રણમાં છે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં ૪૯ પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે. રાતોરાત કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. કાયદો અને વ્યવસ્થા જાળવવા વધારાનાં પોલીસ દળોને તૈનાત કરવામાં આવ્યાં છે. મહારાષ્ટ્રના તમામ રાજકીય પક્ષો મરાઠા આંદોલનમાં પોતાની ભાખરી શેકવા મેદાને પડ્યા છે.
મરાઠાવાડામાં મરાઠા સમુદાયને કુણબી પ્રમાણપત્રો આપવાની પ્રક્રિયા નક્કી કરવા માટે રાજ્ય સરકારે ન્યાયમૂર્તિ સંદીપ શિંદેની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી. સરકારે કહ્યું હતું કે આ કમિટી ૩૦ દિવસમાં પોતાનો રિપોર્ટ આપશે. આ સમયમર્યાદા ૨૪ ઓક્ટોબરે પૂરી થઈ ગઈ હતી પરંતુ સમિતિનો રિપોર્ટ હજુ પેન્ડીંગ છે. અલ્ટીમેટમ આપવા છતાં સરકારે મરાઠા આરક્ષણ પર કોઈ નિર્ણય ન લીધો ત્યારે મનોજ જરાંગે પાટીલે ભૂખ હડતાળ શરૂ કરી હતી. હવે રાજ્ય સરકારે આ સમિતિની સમયમર્યાદા સીધી ૨૪ ડિસેમ્બર સુધી લંબાવી છે. મનોજ જરાંગે પાટીલની માંગણીને સમગ્ર રાજ્યમાંથી સમર્થન મળી રહ્યું છે. ભૂખ હડતાળ પર બેઠેલા મનોજ જરાંગે પાટીલની તબિયત લથડવા લાગી તેથી મરાઠા અનામત આંદોલન હિંસક બની ગયું છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વિરોધનું નેતૃત્વ કરી રહેલા જરાંગે પાટીલને હિંસા રોકવા કહ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે કુણબી જાતિ માટે નવાં પ્રમાણપત્રો આપવામાં આવશે. બીજી તરફ મનોજ જરાંગે પાટીલ ગયા શુક્રવારથી ઉપવાસ પર છે. તેમની માંગણી છે કે સરકારે તમામ મરાઠાઓને કુણબી (મરાઠાની પેટા જાતિ) તરીકે માનવા જોઈએ, જેથી કરીને તેમને અન્ય પછાત વર્ગો (ઓબીસી) હેઠળ નોકરી અને શિક્ષણમાં અનામતનો લાભ મળે. દરમિયાન મંગળવારે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે મરાઠા અનામતના મુદ્દે મહારાષ્ટ્રના તમામ ૪૮ સાંસદોએ રાજીનામું આપવાની હિંમત બતાવવી જોઈએ.
સમગ્ર મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને અનામત મળે તે માટે ફરી એક વાર આંદોલન શરૂ કરનારા મનોજ જરાંગે પાટીલે તેમની સભામાં આ અપીલ કરી છે કે “આ તમારી પહેલી અને છેલ્લી તક છે. તમને આવી તક ફરીથી નહીં મળે. આ તકનો લાભ લો. અમારી માંગણી છે કે મહારાષ્ટ્રમાં સમસ્ત મરાઠા સમાજને કુણબી પ્રમાણપત્ર આપવામાં આવે.’’સરકારને ૪૦ દિવસનું અલ્ટીમેટમ આપ્યા બાદ પણ કોઈ નિર્ણય ન લેતાં જરાંગે પાટીલ ફરી ભૂખ હડતાળ પર ઊતર્યા છે. જરાંગે પાટીલે પોતાની સભાઓમાં કહ્યું છે કે “‘જ્યાં સુધી અમને આરક્ષણ નહીં મળે ત્યાં સુધી અમે એક ઇંચ પણ પાછળ નહીં હટીએ.’’આના પરથી સંકેત મળે છે કે મરાઠા સમુદાયનું આંદોલન આગામી સમયમાં વધુ ઉગ્ર બનશે. બીજી તરફ રાષ્ટ્રીય ઓબીસી ફેડરેશન મરાઠા સમુદાયને કુણબી પ્રમાણપત્ર દ્વારા અનામત આપવાનો સખત વિરોધ કરે છે. રાજ્યના ઓબીસી નેતાઓએ પણ તેનો વિરોધ કર્યો છે, જેના કારણે મરાઠા અને ઓબીસી સમુદાય એકબીજાની સામે લડવા તૈયાર થઈ ગયા છે.
મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ પણ નજીકના ભવિષ્યમાં યોજાવાની છે. આ પરિસ્થિતિમાં મરાઠા વિરુદ્ધ ઓબીસીના સંઘર્ષથી રાજકીય રીતે કોને ફાયદો થઈ શકે છે? તે વિચારવા જેવું છે. કોલ્હાપુરની શિવાજી યુનિવર્સિટીમાં રાજકીય વિજ્ઞાનના પ્રોફેસર પ્રકાશ પવાર મહારાષ્ટ્રના રાજકારણના વલણમાં અચાનક આવેલા બદલાવ પર સવાલ ઉઠાવે છે. તેઓ કહે છે કે ‘“મને લાગે છે કે આ પરિસ્થિતિથી ભાજપને ફાયદો થવાની શક્યતા વધુ છે; કારણ કે થોડા દિવસો પહેલાં સુધી રાજ્યમાં જાહેર લાગણી કે નિવેદનો પરથી એવું લાગતું હતું કે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે ભાજપ માટે મુશ્કેલી પેદા કરી શકે છે. હવે આ ચર્ચાને હાંસિયામાં ધકેલી દેવામાં આવી છે અને એક નવી ચર્ચા ઊભરી રહી છે, જે મરાઠા વિરુદ્ધ ઓબીસી સમુદાયનો સંઘર્ષ છે. આ અર્થમાં હું કહું છું કે ભાજપને આનો ફાયદો થઈ શકે છે. તે માત્ર એક શક્યતા છે. અમે હમણાં ખાતરીપૂર્વક કહી શકતા નથી.’’
વરિષ્ઠ પત્રકાર પ્રશાંત કદમ કહે છે કે “‘જો આપણે વોટિંગની વાત કરીએ તો છેલ્લી ચૂંટણીઓમાં પણ ભાજપના મુખ્ય મતદારો ઓબીસી હતા. તેથી મને નથી લાગતું કે તેઓ ઓબીસી સમુદાયના આરક્ષણમાં કાપ મૂકશે અને મરાઠા સમુદાયને અનામત આપશે. જરાંગે પાટીલના આંદોલન પર લાઠીચાર્જ થયો તે પહેલાં આ આંદોલનની ક્યાંય ચર્ચા નહોતી. કોર્ટ દ્વારા અનામત રદ થયા પછી પણ એવી કોઈ ગુસ્સે ભરેલી પ્રતિક્રિયા જોવા મળી નથી. લોકોએ તેનો સ્વીકાર કર્યો હતો પણ અચાનક જ જરાંગે પાટીલ ચળવળમાં લાઠીચાર્જને કારણે આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.’’
મરાઠા આરક્ષણના સમર્થનમાં શિવસેના (શિંદે જૂથ) ના સાંસદ હેમંત પાટીલે રાજીનામું આપ્યું હતું. આ પછી ભાજપના ધારાસભ્ય લક્ષ્મણ પવારે બીડની ગેવરાઈ બેઠક પરથી રાજીનામું આપી દીધું છે. સોમવારે મુંબઈમાં મુખ્ય મંત્રી એકનાથ શિંદેની હાજરીમાં મરાઠા આરક્ષણ માટે નિમાયેલી સમિતિની બેઠક યોજાઈ હતી. દરમિયાન વિપક્ષમાં રહેલી મહાવિકાસ અઘાડીનું એક પ્રતિનિધિમંડળ મરાઠા આરક્ષણની માંગણીને લઈને સોમવારે રાજ્યપાલ રમેશ બૈન્સને મળ્યું હતું. તેમાં મહાવિકાસ અઘાડીના ત્રણેય પક્ષોના ધારાસભ્યો હાજર હતા.
આ રીતે મહારાષ્ટ્રના તમામ રાજકીય જૂથો બહારથી મરાઠા અનામતને સમર્થન આપી રહ્યા છે, પણ અંદરથી તેમને પોતાની ઓબીસી મતબેન્ક ચાલી જવાનો ડર પણ સતાવી રહ્યો છે. વર્તમાન રાજકીય માહોલ જરાય ભાજપની તરફેણમાં નથી. મરાઠા આંદોલનને કારણે માહોલ બદલાવાની આશા ભાજપ રાખે છે.a