ભારતમાં તેમ જ દુનિયાના અન્ય દેશોમાં કોરોનાને કારણે કેટલીક કંપનીઓ તરી ગઈ તો કેટલીક તરી ગઈ. તરી જનારી કંપનીઓમાં જેનો બ્રાન્ડ એમ્બેસેડર શાહરૂખ ખાન હતો તેવી ઓનલાઈન ટ્યુશનો આપતી બૈજુ કંપની પણ હતી. સમગ્ર દેશની સ્કૂલો જ્યારે બંધ હતી ત્યારે સરકારી શાળાઓમાં ભણતાં વિદ્યાર્થીઓને પણ ઓનલાઈન ભણવાની ફરજ પાડવામાં આવતી હતી. આ મહામારીનો લાભ લઈને બૈજુએ પોતાના ગ્રાહકોની સંખ્યા વધારી મૂકી હતી અને તેના ધંધામાં પણ પ્રચંડ ઉછાળો આવ્યો હતો.
હવે દુનિયાનાં બાળકો કાયમ માટે ઓનલાઈન ભણવાનાં છે, તેવું માનીને બૈજુએ અનેક કંપનીઓ ખરીદવાની હોડ માંડી હતી. આ કંપનીઓ ખરીદવા તેણે અબજો ડોલરનું રોકાણ કર્યું હતું અને રોકાણ કરવા માટે દેવું પણ કર્યું હતું. દુનિયામાં મહામારીનો લગભગ અંત આવતાં બાળકો ફરી ઓફલાઈન શિક્ષણ ભણી વળી જતાં બૈજુની નફો રળવાની ગણતરીઓ બહુ ખરાબ રીતે ખોટી પડી હતી. બૈજુના ૨૦૨૦-૨૧ ના હિસાબો મુજબ કંપનીને વર્ષ દરમિયાન ૨,૪૨૮ કરોડ રૂપિયાના વકરા સામે ૪,૫૮૮ કરોડ રૂપિયાની ખોટ ગઈ હતી.
ખોટ વધતી ગઈ અને નફો ઘટતો ગયો ત્યારે ખોટ ઘટાડવા કંપની દ્વારા બેઈમાનીનો ધંધો શરૂ કરવામાં આવ્યો હતો. પોતાનાં બાળકોના શિક્ષણની ચિંતા કરતાં મધ્યમ વર્ગનાં લાખો વાલીઓને દેવું કરીને બૈજુના શૈક્ષણિક પેકેજો ખરીદવા માટે લલચાવવામાં આવ્યા હતા. આ પેકેજો વેચવા માટે વાલીઓને મોટાં મોટાં વચનો આપવામાં આવ્યાં હતાં, જેને કંપની પાળી શકે તેમ જ નહોતી. જ્યારે વાલીઓ દ્વારા ટોલ ફ્રી નંબર પર ફોન કરવામાં આવ્યા તો તેમના ફોન બ્લોક કરી દેવામાં આવ્યા હતા. એક બાજુ નારાજ થયેલા વાલીઓ કંપનીની ચોતરફ બદનામી કરી રહ્યા હતા તો બીજી તરફ કંપનીના સેલ્સમેનો નવા નવા બકરાઓ શોધતા હતા. આ પરિસ્થિતિ પર ઢાંકપિછેડો કરવા બૈજુના હિસાબો દોઢ વર્ષ મોડા બહાર પાડવામાં આવ્યા હતા. હવે આ માતબર કંપની ફડચામાં જવાની તૈયારીમાં છે.
શિક્ષણના ક્ષેત્રમાં ડિજિટલ ટેકનોલોજીનો વ્યાપ વધારવાના ઉમદા ધ્યેય સાથે બૈજુ રવીન્દ્રન અને દિવ્યા ગોકુલનાથ નામના બે સાહસિકોએ મળીને ૨૦૧૧ માં બૈજુ નામની ઇન્ટરનેશનલ કંપનીની સ્થાપના કરી હતી. ભારતમાં અને દુનિયામાં ડિજિટલ ક્રાંતિ આગળ વધતી ગઈ તેમ બૈજુ કંપનીનો પણ ઝડપથી વિકાસ થવા લાગ્યો. સરકાર દ્વારા દાયકાઓથી શિક્ષણ માટે ટી.વી.ના માધ્યમનો ઉપયોગ કરવામાં આવતો હતો, પણ તેમની દૃશ્યશ્રાવ્ય સામગ્રી એટલી કંગાળ હતી કે વિદ્યાર્થીઓ તેના ભણી આકર્ષિત થતાં નહોતાં.
બૈજુ દ્વારા શિક્ષણના તેમ જ દૃશ્યશ્રાવ્ય ટેકનોલોજીના નિષ્ણાતોની ટીમો કામે લગાડવામાં આવી અને ઉત્તમ સામગ્રીઓનું નિર્માણ કરવામાં આવ્યું. ૧૦ થી ૧૨ મિનિટના મનોરંજક વીડિયો દ્વારા તેમણે બાળકોને જ્ઞાન આપવા સાથે તેમના મનોરંજનની ભૂખ પણ સંતોષી હતી. બૈજુના માર્કેટિંગ મેનેજરો પણ કુશળ હોવાથી તેમણે પ્રાઇવેટ ટ્યૂશનના ક્ષેત્રમાં જોવા મળતો શૂન્યાવકાશ ભરીને પોતાનો ગ્રાહક બેઝ ઝડપથી વિકસાવી કાઢ્યો. આજની તારીખમાં બૈજુના ૧૧.૫ કરોડ વિદ્યાર્થીઓ છે અને કંપનીની કિંમત ૨૨ અબજ ડોલર જેટલી છે.
બૈજુ કંપનીના ગ્રાહકો કૂદકે ને ભૂસકે વધી રહ્યા હતા અને તેનો નફો પણ વધી રહ્યો હોવાથી બેન્કો અને ફાઈનાન્સ કંપનીઓ પણ તેને રૂપિયા ધીરવામાં પાછું વાળીને જોતી નહોતી. બૈજુએ પણ પોતાનો પાયો વિશાળ બનાવવા માટે ડિજિટલ શિક્ષણના ક્ષેત્રમાં કામ કરી રહેલી અનેક સફળ કંપનીઓ ખરીદવા તરફ પોતાનું લક્ષ્ય કેન્દ્રિત કર્યું. બાળકોને પર્સનલ ટ્યૂશન આપતી વિદ્યાર્થા નામની કંપની ૨૦૧૬ ના ડિસેમ્બરમાં ખરીદી લેવામાં આવી હતી. બૈજુ કંપનીનો આત્મવિશ્વાસ એટલો વધી ગયો કે તેણે વિદેશોમાં પણ પોતાના ધંધાનો વિસ્તાર કરવા માંડ્યો હતો.
એક બાજુ વિદેશમાં વસતા ભારતીય બાળકો તેના ગ્રાહકો બનતા ગયા તો બીજી બાજુ તેણે વિદેશી કંપનીઓ પણ ખરીદવાનું શરૂ કર્યું હતું. બ્રિટનની ઓનલાઈન શિક્ષણમાં નામાંકિત કંપની પિયર્સન પાસેથી તેણે ૨૦૧૭ ના જુલાઈમાં ટ્યૂટરવિસ્ટા અને એજ્યુરાઇટ નામની કંપનીઓ ખરીદી હતી. બૈજુએ બીજી રાક્ષસી કંપનીઓની જેમ ક્ષેત્રની મોટી કંપનીઓને ગળી જવા દ્વારા પોતાનો વિકાસ સાધવાની જમાના જૂની પદ્ધતિ અખત્યાર કરી હતી. વીડિયો ગેમ બનાવતી ઓસ્મો નામની અમેરિકન કંપની તેણે ૧૨ કરોડ ડોલરમાં ખરીદી હતી.
વાલીઓમાં કોડિંગનો ક્રેઝ પેદા થયો ત્યારે તેણે વ્હાઇટ હેટ જુનિયર નામની કોડિંગ શીખવતી કંપની ૩૦ કરોડ ડોલરમાં ખરીદી લીધી હતી. આકાશ એડ્યુકેશન નામની ભારતીય કંપની તો તેણે એક અબજ ડોલરમાં ખરીદી હતી. કોરોના મહામારી દરમિયાન તો બૈજુના સંચાલકો દ્વારા ઓનલાઈન શિક્ષણ સાથે નાતો ધરાવતી આશરે એક ડઝન કંપનીઓ ખરીદી લીધી હતી. આ ખરીદી કરવા તેણે બેન્કો ઉપરાંત નાણાં સંસ્થાઓ પાસેથી મોટી લોન લીધી હતી અને જોખમ વહોરી લીધું હતું. બૈજુની ગણતરી મુજબ જો દુનિયાની શિક્ષણ વ્યવસ્થા સંપૂર્ણપણે ઓનલાઈન પ્લેટફોર્મ પર ચાલી ગઈ હોત તો તેનો ખર્ચો લેખે લાગત અને કમાણીમાં ધરખમ વધારો થાત, પણ મહામારી પૂરી થતાં કરોડો વિદ્યાર્થીઓ પાછા નિશાળે જવા લાગ્યા તેમ બૈજુની ડિમાન્ડ પણ વધી ગઈ. મહામારી દરમિયાન બૈજુએ અબજો ડોલરનું રોકાણ કરીને જે કંપનીઓ ખરીદી હતી તે હવે ધોળા હાથી જેવી પુરવાર થઈ હતી.
બૈજુ કંપનીની ધારણા મુજબ ધંધામાં વૃદ્ધિ ન થતાં કર્મચારીઓના પગારો ચૂકવવાના પણ ફાંફા પડવા લાગ્યા. ખર્ચા ઘટાડવા તેણે પોતાની શાખા કંપનીઓના ૬૦૦ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા. બાકીના કર્મચારીઓને પણ પગાર ચૂકવવામાં વિલંબ થતો હોવાથી બીજા ૮૦૦ કર્મચારીઓ નોકરી છોડીને જતા રહ્યા. કુશળ કર્મચારીઓ નોકરી છોડીને ચાલ્યા જતાં બૈજુ દ્વારા ગ્રાહકોને આપવામાં આવતી સેવાઓ પણ કથળવા લાગી. જે વાલીઓએ પોતાના પસીનાની કમાણીથી મોંઘાદાટ પેકેજો ખરીદ્યા હતા તેઓ ફરિયાદ કરવા લાગ્યા, પણ તેમની ફરિયાદ સાંભળવાની કોઈને ફુરસદ નહોતી.
બૈજુનો બ્રાન્ડ એમ્બેસેડર શાહરૂખ ખાન હતો, પણ શાહરૂખ ખાનનાં પોતાનાં બાળકોની મર્યાદાહીન વાતો બહાર આવતાં તેની પણ ટીકા થવા માંડી. આર્યન ખાનની ડ્રગ્સના કેસમાં ધરપકડ થતાં બૈજુને શાહરૂખ ખાન પર બ્રેક મારવાની ફરજ પડી.
ઘટતી જતી કમાણી અને વધતી જતી ખોટમાંથી બહાર નીકળવા બૈજુના સંચાલકો દ્વારા છેતરપિંડીનો આશરો લેવામાં આવ્યો. મધ્યમ વર્ગના વાલીઓને બૈજુના ખર્ચાળ પેકેજો પરવડતા ન હોવાથી તેમને લોનની સવલત આપવામાં આવી. તેમને ચીટ ફંડ જેવી સ્કિમોમાં રૂપિયા રોકવા સમજાવવામાં આવ્યા.
તેમાં લાખો લોકોની મૂડી ડૂબી જતાં કંપનીની શાખ ખરાબ થઈ ગઈ. કંપની ખોટ ખાવા લાગી હોવાથી તેને લોન આપનારાઓ પણ હવે તેનાથી દૂર ભાગવા લાગ્યા છે. બૈજુ કંપનીએ પોતાના ઓડિટરો પર દબાણ લાવીને દોઢ વર્ષ સુધી હિસાબો બહાર ન પાડ્યા, પણ કંપનીના કાયદાઓ મુજબ હિસાબો બહાર પાડવાની ફરજ પડી ત્યારે તેનો ભાંડો ફૂટી ગયો છે. વાલીઓ હવે બૈજુથી દૂર ભાગવા લાગ્યા છે અને રોકાણકારો તેનાથી સલામત અંતર રાખવા લાગ્યા છે. જો બૈજુ ફડચામાં જાય તો તેના માટે તેના સંચાલકોનો અતિ લોભ જ જવાબદાર હશે.