Charchapatra

ભારત અને ચીન વચ્ચેના કરારને ગુપ્ત કેમ રાખવામાં આવ્યો છે?

ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ બાબતમાં કાંઈક રંધાઈ ગયું છે, રંધાઈ રહ્યું છે, જેની માહિતી સરકાર દ્વારા આપણને આપવામાં આવતી નથી. આ બાબતમાં કેટલીક માહિતી ભારત સરકારે બહાર પાડી છે, જેને ચીને પણ અનુમોદન આપ્યું છે, પણ આ કરારની સંપૂર્ણ વિગતો કેમ જાહેર કરવામાં આવતી નથી, તે મોટું રહસ્ય છે. આ પહેલાં ચીને ડોકલામ સરહદ પર સ્વૈચ્છિક રીતે પીછેહઠ કરી તેના સમાચાર પણ આપણે વાંચ્યા હતા. ત્યાર બાદ ભારત અને ચીન વચ્ચે પડદા પાછળ સતત કંઈક હિલચાલ ચાલી રહી છે, જેની આસપાસ રહસ્યનું આવરણ છે.

ચીને કહ્યું છે કે ઉકેલને અસરકારક રીતે લાગુ કરવા માટે ચીન આગામી તબક્કામાં ભારત સાથે મળીને કામ કરશે. કોંગ્રેસ પાર્ટીએ સમજૂતી અંગે વિગતવાર માહિતીની માંગણી કરી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે સરહદની સ્થિતિ પર ચર્ચા કરવાની મંજૂરી આપવામાં આવી નથી. શું દેશ ૧૯ જૂન, ૨૦૨૦ ના રોજ વડા પ્રધાન દ્વારા કરવામાં આવેલી આ ટિપ્પણીઓને ક્યારેય ભૂલી શકે છે, જેણે આપણું વલણ ઘણું નબળું પાડ્યું છે?

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે સોમવારે કહ્યું હતું કે ભારતીય સૈનિકો ચીન સાથેની સરહદ પર તે હદે પેટ્રોલિંગ કરી શકશે, જેટલું તેઓ ૨૦૨૦ પહેલાં ચીન સાથેની સરહદ પર પેટ્રોલિંગ કરતા હતા. ભૂતકાળમાં એવી ઘણી ઘટનાઓ બની છે જે દર્શાવે છે કે ચીન સાથે કરવામાં આવેલા કરારો જમીન પર કડક રીતે લાગુ કરવામાં આવ્યા નથી. છેલ્લાં ચાર વર્ષથી ચીન સાથેની સરહદ પર તણાવ છે, પરંતુ સોમવારે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે બંને દેશો સરહદ પર પેટ્રોલિંગને લઈને સમજૂતી પર પહોંચી ગયા છે. રશિયાના કઝાનમાં યોજાનારી બ્રિક્સ સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લે તે પહેલાં જ ભારતે આ જાહેરાત કરી હતી. ચીનના વિદેશ મંત્રાલયે પણ મંગળવારે ભારત અને ચીન વચ્ચે બોર્ડર પેટ્રોલિંગ બાબતમાં થયેલા કરારની પુષ્ટિ કરી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને આ મામલે પ્રગતિની પુષ્ટિ કરતાં કહ્યું કે ચીન અને ભારત સરહદી મુદ્દાઓ પર રાજદ્વારી સ્તરે વાતચીત ચાલુ રાખી રહ્યા છે.

મિડિયા સંસ્થા ધ પ્રિન્ટ દ્વારા કરાર અંગે પ્રકાશિત કરવામાં આવેલા અહેવાલ અનુસાર સંરક્ષણ સૂત્રોએ કહ્યું છે કે કોઈ પણ રીતે LAC પર શિયાળામાં પેટ્રોલિંગ બંધ કરી દેવામાં આવશે. આ સમયગાળા દરમિયાન સૈનિકોની સંખ્યામાં ઘટાડો થશે, જેમ કે છેલ્લાં ચાર વર્ષથી થઈ રહ્યું છે. તે તમામ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવશે, જ્યાં ૨૦૨૦ પહેલાં પેટ્રોલિંગ થતું હતું. ડેપસાંગ ઉપરાંત પીપી-૧૦ અને પીપી-૧૩ તરીકે ઓળખાતા વિસ્તારમાં મહિનામાં બે વખત પેટ્રોલિંગ કરવામાં આવશે અને સૈનિકોની સંખ્યા ૧૫ સુધી મર્યાદિત કરવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે.

જ્યારે ચીન સાથે ભારતનો સીમા વિવાદ વધ્યો ત્યારે લદ્દાખના ઘણા વિસ્તારો જેવા કે ડેપસાંગ, દૌલત બેગ ઓલ્ડી (ડીબીઓ), ગલવાન, પેંગોંગ ત્સો, ફિંગર એરિયા અને ડેમચોકમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું હતું, કારણ કે બંને દેશો વચ્ચેનો વિશ્વાસ તૂટી ગયો હતો. ગયા વર્ષ સુધી બંને દેશોના સૈનિકો જે વિસ્તારોમાં પીછેહઠ કરી છે, તેમાં ગલવાન, પેંગોંગ ત્સોના ઉત્તર અને દક્ષિણ કાંઠા, પેટ્રોલિંગ પોઈન્ટ ૧૭ અને પેટ્રોલિંગ પોઈન્ટ ૧૫ ગોગરા-હોટ સ્પ્રીંગ્સ વિસ્તારો સામેલ છે. આ સ્થળોએ નાગરિક બફર ઝોન બનાવવામાં આવ્યા છે.

ફેબ્રુઆરી ૨૦૨૧માં પેંગોંગ ત્સોમાંથી ખસી જવા અંગે સર્વસંમતિ સધાઈ હતી. એ જ રીતે, બંને દેશોની સેનાઓ ઓગસ્ટ ૨૦૨૧માં ગોગરા-હોટ સ્પ્રિંગ્સ વિસ્તારમાં પેટ્રોલિંગ પોઈન્ટ ૧૭ પરથી હટી ગઈ હતી, પરંતુ અનેક રાઉન્ડની વાટાઘાટો બાદ પણ ડેમચોક અને ડેપસાંગ વિસ્તારો અંગે કોઈ ઉકેલ આવી શક્યો નહોતો. ભારતના ભૂતપૂર્વ વિદેશ સચિવ નિરુપમા રાવે ડેમચોક અને ડેપસાંગ અંગે એક્સ પર એક પોસ્ટ લખી છે. તેમણે લખ્યું છે કે એલએસીના છેલ્લા વિસ્તારો ડેમચોક અને ડેપસાંગમાં સમસ્યા ચાલુ હતી અને આ વિસ્તારોમાં જ સમાધાન થશે. આ માત્ર પહેલું પગલું છે, પરંતુ તે જો અસરકારક રીતે તણાવ ઘટાડશે તો એલએસી નજીકના ગાલવાન જેવા વિસ્તારોમાં ભૂતકાળનાં ઉદાહરણોના આધારે શાંતિ સુનિશ્ચિત કરવાનાં પગલાં વધારી શકાય છે.

ભારત અને ચીન વચ્ચે ૨૦૨૦ ના સંઘર્ષ પછી ગલવાન વેલી, પેંગોંગ ત્સો, ગોગરા અને હોટ સ્પ્રિંગ્સ જેવા વિસ્તારોમાં ત્રણ બફર ઝોન બનાવવામાં આવ્યા હતા. ભારતીય સેના બફર ઝોન પહેલાં આ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરતી હતી પરંતુ બફર ઝોન પછી તે બંધ થઈ ગયું હતું. શિવ નાદર યુનિવર્સિટીમાં એસોસિયેટ પ્રોફેસર જેકબ કહે છે કે મારું માનવું છે કે જો સમજૂતી લાગુ થશે તો બફર ઝોનની જરૂર નહીં રહે. આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ બફર ઝોનને લઈને કહ્યું કે અમે વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમારે એકબીજાને ખાતરી આપવી પડશે કે બફર ઝોન બનાવવામાં આવ્યા છે ત્યાં કોઈ શરતોનું ઉલ્લંઘન કરવામાં આવતું નથી.

ભારતના જાણીતા વ્યૂહાત્મક નિષ્ણાત બ્રહ્મા ચેલાનીએ પણ બફર ઝોનનો મુદ્દો ઉઠાવ્યો છે. એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં બ્રહ્મા ચેલાની કહે છે કે મોટા ભાગના ત્રણ બફર ઝોન ભારતમાં આવે છે, જેમાં ભારતીય સેના ૨૦૨૦ સુધી પેટ્રોલિંગ કરતી હતી. આ સમજૂતીમાં બફર ઝોન વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. ભારતને તેમાં નુકસાન થયું છે. આ નવી પેટ્રોલિંગ વ્યવસ્થા હેઠળ પૂર્વીય લદ્દાખના ૬૬ પેટ્રોલિંગ પોઈન્ટ્સમાંથી ૨૬ પેટ્રોલિંગ પોઈન્ટ્સ સુધી પહોંચવા માટેની કોઈ માહિતી આપવામાં આવી નથી. નિષ્ણાતો આ જાહેરાતના સમય પર સવાલ ઉઠાવી રહ્યા છે કે બ્રિક્સમાં મોદી અને પુતિનની બેઠક માટે ભૂમિકા તૈયાર કરવામાં આવી રહી છે.

ગલવાન વિવાદ પહેલાં બંને દેશોએ એકબીજા પર એલએસી નજીક નિર્માણકાર્ય હાથ ધરવાનો આરોપ લગાવ્યો હતો. ભારતે કહ્યું હતું કે અક્સાઈ ચીન સ્થિત ગલવાન ઘાટીના કિનારે ચીની સેનાના કેટલાક તંબુ જોવા મળ્યા હતા. આ પછી ભારતે પણ ત્યાં પોતાની સેનાની તૈનાતી વધારી દીધી હતી. ચીને આરોપ લગાવ્યો હતો કે ભારત ગલવાન ખીણની નજીક સંરક્ષણ સંબંધિત ગેરકાયદે બાંધકામ કરી રહ્યું છે. ઘણા મિડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ચીને પેંગોંગ ત્સોની બાજુમાં રસ્તાઓ પણ બનાવ્યા છે. દેખીતી રીતે બાંધકામ પછી ચીન હવે ભારતને અન્ય નિયંત્રણો સાથે પેટ્રોલિંગ કરવાની મંજૂરી આપવા વધુ તૈયાર છે. જો ચીને તણાવના કાળ દરમિયાન મોટું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું હોય તો તે ભારત માટે ચિંતાનો વિષય છે.

આ પહેલી વાર નથી કે જ્યારે ભારતે બ્રિક્સ બેઠક પહેલાં સરહદી તણાવ ઘટાડવા અથવા કોઈ ઉકેલ તરફ આગળ વધવાની જાહેરાત કરી હોય. અગાઉ ૨૦૧૭માં ડોકલામ સંકટ સમયે ભારતે જાહેરાત કરી હતી કે ચીન સાથે વાતચીત દ્વારા આ મુદ્દાનો ઉકેલ લાવવામાં આવ્યો છે. તે સમયે ચીનમાં બ્રિક્સ સમિટ ચાલી રહી હતી અને વડા પ્રધાન મોદીને ત્યાં જવાનું હતું. ભારતે પોતે ઘણી વખત કહ્યું છે કે ચીન LACને લઈને ભારત સાથે થયેલા કરારોનું પાલન કરતું નથી. આવી સ્થિતિમાં ભારતે ભલે કરારની જાહેરાત કરી હોય પરંતુ તે કોઈ પણ વિગતો વગરની જાહેરાત છે.

ઘણા નિષ્ણાતો માને છે કે ભારત સાથેની આક્રમકતા ઓછી કરવા માટે ચીન માટે કોઈ મજબૂરી નથી. એસ. જયશંકર સતત કહેતા રહ્યા છે કે સરહદ પર શાંતિ હશે તો જ બાકીના સંબંધો પણ સામાન્ય રહેશે, પરંતુ ચીન સાથે સાવ વિપરીત થઈ રહ્યું છે. ભારત સાથે સરહદ પર તણાવ હોવા છતાં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ૧૦૦ અબજ ડોલરને પાર કરી ગયો છે અને સતત વધી રહ્યો છે. જો કે સંભાવના એવી છે કે ઈઝરાયેલ-ઈરાન વચ્ચેના સંઘર્ષમાં જરૂર પડે તો ભારતનો સાથ લેવા રશિયાના દોરીસંચાર હેઠળ ચીન ભારત સાથે સમાધાન કરવા તૈયાર થયું હોય.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top