રાજાની પત્ની શંકાથી પર હોવી જોઈએ તેમ હાઈ કોર્ટના અને સુપ્રીમ કોર્ટના જજો ભ્રષ્ટાચારથી પર હોવા જોઈએ. સામાન્ય માણસ જો ભ્રષ્ટાચાર કરે તેની દસ વર્ષની સજા હોય તો જજ સાહેબો માટે તે સજા વીસ વર્ષની હોવી જોઈએ, કારણ કે તેઓ ન્યાયાલયમાં બેઠા છે. જજ સાહેબો જો ભ્રષ્ટાચાર આચરે તો તેનો અર્થ એવો થાય છે કે તેમણે લાંચ લઈને કોઈ ચોરને છોડી દીધો છે. જજ સાહેબ જો લાખ રૂપિયાની લાંચ લે તો તેને કારણે દેશની તિજોરીને કરોડ રૂપિયાનું કે તેથી પણ વધારે નુકસાન થયું હોય છે.
આપણા દેશમાં હાઈ કોર્ટના કે સુપ્રીમ કોર્ટના જજોના ભ્રષ્ટાચારના કિસ્સાઓ જ્યારે બહાર આવતા હોય છે ત્યારે તેને દબાવી દેવામાં આવતા હોય છે અને ભીનું સંકેલી લેવામાં આવતું હોય છે. કોઈ સરકારી કર્મચારી જો હજાર રૂપિયાની લાંચ લેતાં રંગે હાથે પકડાઈ જાય તો તેની સામે એફઆઈઆર થતી હોય છે અને તેને જેલમાં ધકેલી દેવામાં આવતો હોય છે. દિલ્હી હાઈ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ યશવંત વર્માના બંગલે આગ લાગતાં તેમાં લગભગ પંદર કરોડ રૂપિયાની ચલણી નોટ બળી ગઈ હોવાના ચોંકાવનારા સમાચારો આવ્યા હતા.
જસ્ટિસ વર્માએ તેનો ઇનકાર કર્યો હતો પણ તમામ સાંયોગિક પુરાવાઓ કહેતા હતા કે આ રૂપિયા તેમના જ હતા, જે ભ્રષ્ટાચાર આચરીને પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ સુપ્રીમ કોર્ટના કોલેજિયમને થતાં તેમણે તાત્કાલિક તપાસ માટે કમિટિની રચના કરી હતી અને જસ્ટિસ વર્માની બદલી અલ્લાહાબાદ હાઈ કોર્ટમાં કરી નાખી હતી. હવે સુપ્રીમ કોર્ટ દ્વારા નીમવામાં આવેલી ત્રણ સભ્યોની સમિતિનો હેવાલ આવી ગયો છે, જેમાં જસ્ટિસ વર્માને ભ્રષ્ટાચાર માટે ગુનેગાર જાહેર કરવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા તપાસનો હેવાલ ભારતના રાષ્ટ્રપતિને મોકલી આપવામાં આવ્યો છે અને જસ્ટિસ વર્મા સામે સંસદમાં મહાભિયોગનો પ્રસ્તાવ લાવવાની ભલામણ કરવામાં આવી છે. નવાઈની વાત એ છે કે આટલું થયા પછી પણ જસ્ટિસ વર્મા રાજીનામું આપવા તૈયાર નથી. સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા જસ્ટિસ વર્મા માટેનો રિપોર્ટ જાહેર પણ કરવામાં આવ્યો નથી. હવે તો ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ પૂછી રહ્યા છે કે જસ્ટિસ વર્મા સામે એફઆઈઆર કેમ નથી થતી?
જસ્ટિસ યશવંત વર્મા અગાઉ દિલ્હી હાઈકોર્ટમાં હતા. ૧૪ માર્ચ ૨૦૨૫ ના રોજ, હોળીની રાત્રે તેમના સત્તાવાર નિવાસસ્થાનના સ્ટોર રૂમમાં આગ લાગી હતી. તે સમયે જસ્ટિસ વર્મા મધ્યપ્રદેશ ગયા હતા. તેમના પરિવારના સભ્યો અને સ્ટાફે દિલ્હી પોલીસ અને ફાયર બ્રિગેડને આગ વિશે જાણ કરી હતી. આગ ઓલવ્યા બાદ મોટી માત્રામાં બળી ગયેલી રોકડ મળી આવી હતી, જેનો વિડિયો દિલ્હી પોલીસ અધિકારીઓ અને ફાયર બ્રિગેડનાં કર્મચારીઓ દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ વિડિયો દિલ્હી પોલીસ કમિશનરને મોકલવામાં આવ્યો હતો.
તેમણે આ વીડિયો દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ડીકે ઉપાધ્યાયને મોકલ્યો હતો. જસ્ટિસ ઉપાધ્યાયે આ બાબતની જાણ CJI સંજીવ ખન્નાને કરી હતી. જસ્ટિસ યશવંત વર્માએ જસ્ટિસ ઉપાધ્યાયને કહ્યું હતું કે આગ બુઝાયા પછી તેમના પરિવારે પણ બળી ગયેલી રોકડ જોઈ ન હતી. જસ્ટિસ યશવંત વર્માએ ષડયંત્રની શંકા વ્યક્ત કરી હતી. આ પછી, CJI એ જસ્ટિસ વર્માને અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કર્યા હતા અને ૩ જજોની તપાસ સમિતિની રચના કરી. ઘટનાના થોડા દિવસો પછી મિડિયાને જસ્ટિસ યશવંત વર્માના નિવાસસ્થાન પાસે બળી ગયેલી રોકડ પણ મળી આવી હતી.
દિલ્હીમાં જસ્ટિસ યશવંત વર્માના નિવાસસ્થાને લાગેલી આગમાં રોકડ બળી જવાના મામલાને ત્રણ ન્યાયાધીશોની તપાસ સમિતિએ સાચો ઠેરવ્યો છે. આ ઘટનાની તપાસ માટે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ શીલ નાગુ, હિમાચલ પ્રદેશ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જીએસ સંધાવલિયા અને કર્ણાટક હાઇકોર્ટના ન્યાયાધીશ અનુ શિવરામનનો સમાવેશ કરતી એક સમિતિની રચના કરી હતી. આ સમિતિએ ૪ મેના રોજ મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાને પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે બુધવારે દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્મા સામે તેમના સત્તાવાર નિવાસસ્થાનમાંથી રોકડ રકમ મેળવવાના કેસમાં FIR નોંધવાની માંગણી કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. એડવોકેટ મેથ્યુઝ નેદુમ્પરા અને અન્ય ત્રણ લોકો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં તાત્કાલિક ફોજદારી કાર્યવાહી શરૂ કરવાની માંગણી કરવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે આંતરિક સમિતિએ ન્યાયાધીશ સામેના આરોપોને પ્રથમ દૃષ્ટિએ સાચા ગણાવ્યા છે.
ન્યાયાધીશ અભય એસ. ઓકા અને ઉજ્જવલ ભુયાનની બેન્ચે જણાવ્યું હતું કે ૮ મેના રોજ સર્વોચ્ચ અદાલત દ્વારા જારી કરાયેલી પ્રેસ રિલીઝ મુજબ CJI એ તપાસ સમિતિનો અહેવાલ અને ન્યાયાધીશનો જવાબ રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનને મોકલી આપ્યો છે. અરજદારે યોગ્ય અધિકારીઓ સમક્ષ પોતાનો કેસ રજૂ કરીને પોતાની ફરિયાદનું નિવારણ કરવું પડશે. તેથી અમે આ રિટ અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરીએ છીએ. સુપ્રીમ કોર્ટે પણ ઇનકાર કરતાં જસ્ટિસ વર્મા સામે પોલીસ ફરિયાદ કરવાના દરવાજા બંધ થઈ ગયા છે.
દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માના દિલ્હી નિવાસ સ્થાનમાંથી લગભગ બે મહિના પહેલાં મળેલી મોટી રકમની રોકડ રકમના કેસને સ્થગિત કરવા પર ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે આ ઘટનાને બે મહિના વીતી ગયા છે. અત્યાર સુધીમાં FIR નોંધાઈ જવી જોઈતી હતી. એવું લાગે છે કે આ મામલો પડતો મૂકવામાં આવ્યો છે. ઉપરાષ્ટ્રપતિએ ન્યાયતંત્રને કઠોર પ્રશ્ન પૂછ્યો કે શું આવી ઘટનાઓ ન્યાયતંત્રને ભ્રષ્ટ નથી કરતી? ઉપરાષ્ટ્રપતિએ ન્યાયિક પ્રણાલી પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે આ કેસમાં ઓછામાં ઓછું સત્ય બહાર આવે તેની લોકો રાહ જોઈ રહ્યાં હતાં, પરંતુ અત્યાર સુધી FIR પણ નોંધવામાં આવી નથી.
ઉપરાષ્ટ્રપતિ કહે છે કે જસ્ટિસ યશવંત વર્માના ઘરેથી રોકડ રકમની વસૂલાતના કેસની તપાસ કરી રહેલી ત્રણ ન્યાયાધીશોની આંતરિક સમિતિએ કેસ સાથે સંબંધિત સાક્ષીઓના ઇલેક્ટ્રોનિક ઉપકરણો પણ જપ્ત કર્યાં હતાં. આ ખૂબ જ ગંભીર બાબત છે. આ ઘટના પર ઉપરાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે કોઈ ગમે તે કહે, તમે જમીની વાસ્તવિકતાઓથી ભાગી ન શકો. પુસ્તકો ગમે તે કહે, સત્ય એ છે કે લુટિયન્સ દિલ્હીમાં રહેતા અમારા ન્યાયાધીશના ઘરેથી રોકડ રકમ મળી આવી હતી. પરંતુ આ કેસમાં અત્યાર સુધી કોઈ FIR કેમ નોંધાઈ નથી? લોકો સત્ય જાણવા માંગે છે, કારણ કે અભિવ્યક્તિની સ્વતંત્રતા શબ્દો અને માન્યતાઓ પર આધારિત છે.
આ વિવાદમાં નીચેના ૧૦ પ્રશ્નો હજુ સુધી અનુત્તરિત છે : (૧) જો કોઈ ચલણી નોટો હોય તો તે કોણ લાવ્યું અને ક્યારે સ્ટોરહાઉસમાં રાખી? (૨) સૌથી અગત્યનું, ચલણી નોટો કોની હતી? (૩) પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૨૬ (f) હેઠળ FIR કેમ નોંધી નહીં? (૪) દિલ્હી પોલીસે ગુનાના સ્થળને કેમ ઘેરી ન લીધું? (૫) ૧૫ માર્ચ, ૨૦૨૫ ના રોજ સવારે બળેલી ચલણી નોટો કોણે કાઢી? (૬) ચલણી નોટો જસ્ટિસ વર્માના પરિવારનાં સભ્યોને કેમ બતાવવામાં ન આવી?
(૭) દિલ્હી પોલીસ કમિશનર દ્વારા ચીફ જસ્ટિસ ઉપાધ્યાય સાથે શેર કરાયેલા વિડિયોમાં દેખાતી બળી ગયેલી ચલણી નોટોના અવશેષો ક્યાં છે? શું તે જપ્ત કરવામાં આવી હતી? (૮) બળી ગયેલી ચલણી નોટો કોણે જોઈ? શું અવશેષોનો નિકાલ કરવામાં આવ્યો છે? જો એમ હોય, તો શા માટે? અને કોના દ્વારા? વિડિઓ કોણે રેકોર્ડ કર્યો હતો?
(૯) જસ્ટિસ વર્માના બંગલાના સીસીટીવી ફૂટેજ ક્યાં છે? (૧૦) શું આંતરિક તપાસમાં શપથ પર પુરાવા લેવાની અને સાક્ષીઓની ઊલટતપાસ કરવાની સત્તા છે? જો નહીં, તો તે તપાસ કેવી રીતે ચોક્કસ નિષ્કર્ષ તરફ દોરી જશે?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.