અફઘાનિસ્તાનમાં રાતોરાત સત્તાપલટો થઈ ગયો તેમાં ભારતનો ગરાસ લૂંટાઈ ગયો હતો. ભારતે અમેરિકાના કહેવાથી અફઘાનિસ્તાનની અશરફ ગની સરકારમાં અબજો રૂપિયાનું રોકાણ કર્યું હતું. ભારત તાલિબાનને પોતાનું દુશ્મન માનતું હોવાથી તેની ટીકા કરવાની એક પણ તક છોડતું નહોતું. અમેરિકા અફઘાનિસ્તાનમાંથી કોઈ પણ હિસાબે પોતાનું લશ્કર પાછું બોલાવવા માગતું હોવાથી તેણે ભારતને કોરાણે મૂકીને પાકિસ્તાનની મદદથી તાલિબાન સાથે તડજોડ કરી લીધી હતી. ભારતને ત્યારે છેતરાઈ ગયા હોવાની લાગણી થઈ આવી હતી. અફઘાનિસ્તાનમાં હવે તાલિબાનની સરકાર સ્થિર થઈ ગઈ છે ત્યારે ભારતે અફઘાન નીતિની ચર્ચા કરવા અને તાલીબાન સાથે ક્યા પ્રકારના સંબંધો રાખવા તેનો નિર્ણય કરવા આઠ દેશોની પરિષદ દિલ્હીમાં બોલાવી છે. નવાઈની વાત તો એ છે કે આ પરિષદમાં અફઘાનિસ્તાનને આમંત્રણ જ મોકલવામાં આવ્યું નથી.
ભારતે ૨૦૧૮ માં અફઘાન નીતિ નક્કી કરવા માટે દસ રાષ્ટ્રોનું સંગઠન બનાવ્યું હતું, જેમાં ભારત ઉપરાંત ઇરાન, રશિયા, ચીન, પાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તાજીકિસ્તાન, કઝાકસ્તાન, કિર્ગીસ્તાન અને તુર્કમેનિસ્તાનનો સમાવેશ થતો હતો. આ સંગઠનની બે મીટિંગો ૨૦૧૮ માં અને ૨૦૧૯ માં મળી ગઈ હતી. ૨૦૨૦ ની મીટિંગ કોરોનાને કારણે યોજાઈ શકી નહોતી. ત્યારે અફઘાનિસ્તાનમાં લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકાર સત્તા પર હતી, જેને વિકાસનાં કાર્યો માટે ભારતના ટેકાની જરૂર હતી. હવે અફઘાનિસ્તાનમાં તાલીબાનની સરકાર સત્તા પર છે, જેને ભારતના ટેકાની બહુ જરૂર નથી; કારણ કે ચીને અને પાકિસ્તાને તેને ટેકો જાહેર કર્યો છે. દિલ્હીની મીટિંગમાં ભાગ લેવા ચીનને અને પાકિસ્તાનને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું, પણ તેમણે હાજર રહેવામાં બિલકુલ રસ દેખાડ્યો નથી. પાકિસ્તાને તો ભારતનું આમંત્રણ ઠુકરાવતાં કટાક્ષ કર્યો હતો કે ભારત વાતાવરણ બગાડવાના પ્રયાસો કરી રહ્યું છે, માટે તે શાંતિસ્થાપક બની શકે નહીં.
દિલ્હીમાં જે સાત દેશોના નેશનલ સિક્યુરિટી સલાહકારો અફઘાન નીતિની સમીક્ષા કરવા ભેગા થયા છે, તે બધાની હાલત ભારત જેવી છે. તેમને અફઘાનિસ્તાનમાં રસ છે, પણ તેઓ તાલીબાન સાથે કોઈ સંબંધો રાખવા માગતા નથી. તાજેતરમાં જી-૨૦ ના દેશોની મીટિંગ મળી ગઈ, તેમાં ભારતના વડા પ્રધાને તાલીબાનને આતંકવાદી સંગઠન જણાવીને પોતાની નીતિ સ્પષ્ટ કરી દીધી હતી. ભારત, રશિયા અને ઇરાન જેવા દેશો અફઘાનિસ્તાનના પડોશીઓ છે. તેમને અફઘાનિસ્તાનના વિપુલ ખનિજ ભંડારોમાં રસ છે, પણ તેમનો કોઈ ભાવ પૂછતું નથી. આ સાત દેશોની હાલત બેગાની શાદીમેં અબ્દુલ્લા દિવાના જેવી છે. જો અફઘાનિસ્તાન બાબતમાં કોઈ પણ નક્કર ચર્ચા કરવી હોય તો તેમાં અફઘાનિસ્તાન ઉપરાંત પાકિસ્તાન અને ચીનની સામેલગીરી હોવી જોઈએ. તેમને સામેલ કર્યા વિના ભારત પાણીનું વલોણું કરવાની કસરત કરી રહ્યું છે.
અફઘાનિસ્તાનમાં તાલીબાનની સરકાર આવી તે પછી તેના વિષયમાં એક પછી એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સો મળી રહી છે. રશિયા દ્વારા જે કોન્ફરન્સ યોજવામાં આવી તેમાં ભારત, ઇરાન, રશિયા, પાકિસ્તાન અને ચીન ઉપરાંત અફઘાનિસ્તાને પણ ભાગ લીધો હતો. રશિયાની વગને કારણે તાલીબાનનું ઉચ્ચ કક્ષાનું પ્રતિનિધિમંડળ તેમાં ભાગ લેવા આવ્યું હતું. રશિયાની બેઠકનો ઉદ્દેશ અફઘાનિસ્તાનના તમામ પડોશી દેશોને એક અફઘાન નીતિ પર સંમત કરવાનો હતો. અફઘાનિસ્તાનના તમામ પડોશી દેશો એક નીતિ પર સંમત નથી. ઇરાન જેવા દેશો રશિયા ભણી ઝૂકી રહ્યા છે તો તાજીકિસ્તાન જેવા દેશો અમેરિકા ભણી ઝૂકી રહ્યા છે. રશિયા અમેરિકી સૈન્યની વિદાય પછી અફઘાનિસ્તાનમાં પોતાનો પ્રભાવ વધારવા માગે છે. તેમાં તેને સફળતા મળી નથી.
રશિયાની કોન્ફરન્સ પછી થોડા સમયે ઇરાને પણ અફઘાનિસ્તાનના પડોશીઓની કોન્ફરન્સ યોજી હતી. ઇરાનનો મુખ્ય ઉદ્દેશ અફઘાનિસ્તાનમાં જે શિયા મુસ્લિમો લઘુમતીમાં છે, તેમનાં હિતોની રક્ષા કરવાનો છે. અફઘાનિસ્તાનની જે હઝારા કોમ છે તે શિયા ધર્મ પાળે છે, પણ તે તાલીબાનની હિંસાનો શિકાર બની છે. રશિયાની જેમ ઇરાન પણ અફઘાનિસ્તાનના પડોશી દેશોને એક નીતિ પર સંમત કરી શક્યું નહોતું. હવે ભારત તે દિશામાં પ્રયત્નો કરી રહ્યું છે. હકીકતમાં અફઘાનિસ્તાનમાં તાલીબાનના રાજને કારણે ભારતનું વજૂદ ઘટી ગયું તે પાછું મેળવવા ભારત પણ પુરુષાર્થ કરી રહ્યું છે. જો ભારતની દરખાસ્તો બીજા દેશો સ્વીકારી લે તો તાલીબાન ઉપર આંતરરાષ્ટ્રીય દબાણ લાવી શકાય અને દરેક દેશ અફઘાનિસ્તાનમાં પોતાનાં હિતોની રક્ષા કરી શકે.
દિલ્હીમાં ભારત સહિતના આઠ દેશોના જે પ્રતિનિધિઓ ભેગા થયા છે, તેઓ અફઘાનિસ્તાન બાબતમાં કેટલીક સહિયારી ચિંતાઓ ધરાવે છે. તેમની સૌથી મોટી ચિંતા અફઘાનિસ્તાનમાંથી આતંકવાદની નિકાસ બાબતની છે. અફઘાનિસ્તાનમાં તાલીબાનનું શાસન આવ્યું તે પછી ત્યાંના આતંકવાદીઓ જોરમાં આવી ગયા છે. તેમને મળતા દારૂગોળા અને શસ્ત્રોનો પુરવઠો પણ વધી ગયો છે. આ આતંકવાદીઓ સરહદ પાર કરીને પડોશી દેશોમાં પણ આતંક ફેલાવી શકે છે.
બીજી ચિંતા હિજરતની છે. અફઘાનિસ્તાનમાં કટ્ટરવાદી શાસન આવ્યું હોવાથી ઉદારમતવાદી લોકો અને લઘુમતી કોમ અત્યાચારના ભયથી હિજરત કરીને પડોશી દેશોમાં જાય તો તેમની સરકારો પણ મુસીબતમાં મૂકાઈ જાય તેમ છે. ત્રીજી ચિંતા ડ્રગ્સની છે. અફઘાનિસ્તાનમાં હેરોઇનનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. તીવ્ર નાણાંખેંચ અનુભવતી તાલીબાન સરકાર પૈસા રળવા પડોશી દેશોમાં ગેરકાયદે ડ્રગ્સની નિકાસ કરે તેવી સંભાવના પણ રહેલી છે. તાલીબાનની સરકાર આવ્યા પછી અફઘાનિસ્તાનનું અર્થતંત્ર અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હૂંડિયામણના અભાવે અનાજની આયાત બંધ થઈ ગઈ હોવાથી અફઘાનિસ્તાનમાં ભૂખમરાનો ભય પેદા થયો છે. જો લાખો લોકો રોટીની શોધમાં પડોશી દેશો ભણી હિજરત કરી જાય તો તેમના પર બોજો આવી જાય તેમ છે.
અમેરિકા, ચીન અને પાકિસ્તાને તો નક્કી કરી લીધું છે કે અફઘાન નીતિ ઘડવા માટે તેમને ભારતની મદદની બિલકુલ જરૂર નથી. આ કારણે જ દોહામાં તાલીબાન સાથે મંત્રણાના રાઉન્ડ ચાલ્યા તેમાં ભારતને યાદ પણ કરવામાં આવ્યું નહોતું. તેમની સાથે ભારત અફઘાન નીતિની ચર્ચા પણ કરી શકે તેમ નથી; પણ ઇરાન અને રશિયાની વાત અલગ છે. તેમને લાગે છે કે ભારત હજુ પણ અફઘાનિસ્તાનમાં કોઈ ભૂમિકા ભજવી શકે તેમ છે. જો તેઓ ભારત સાથે જોડાઇ જાય તો તમામને ફાયદો થાય તેમ છે. કદાચ જે કામ રશિયા કે ઇરાન ન કરી શક્યા તે ભારત કરી શકે તેમ છે.
અફઘાનિસ્તાનમાં તાલીબાન ભલે સત્તા પર હોય, તેના દુશ્મનો કંઈ ઓછા નથી. ઇસ્લામિક સ્ટેટનું જે ખોરાસાન સંગઠન છે તે તાલીબાનનું વિરોધી છે. અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહ પંજશીરમાં રહીને તાલીબાનને ટક્કર આપતા હતા. પંજશીરના પતન પછી તેમણે તાજીકિસ્તાનમાં શરણું લીધું છે અને તાલીબાન સાથેનો પોતાનો સંઘર્ષ ચાલુ રાખ્યો છે. ભારત, રશિયા અને ઇરાનનો પ્રયત્ન આ વિરોધીઓને બળ આપીને તાલીબાનને ઉથલાવી પાડવાનો હશે. આ પ્રયાસોમાં અફઘાનિસ્તાનના પડોશી દેશો કેટલા સફળ થાય છે તે જોવાનું રહે છે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.