Columns

બાંગ્લા દેશનું અનામત વિરોધી આંદોલન કેમ હિંસક બની ગયું છે?

બાંગ્લા દેશમાં સરકારી નોકરીઓમાં જાતિના આધારે અનામત નથી પણ મહિલાઓ, મુક્તિ યોદ્ધાઓ તેમ જ જિલ્લાના આધારે અનામત છે. આ આરક્ષણ રદ કરવાની માંગને લઈને હિંસક વિરોધ પ્રદર્શન અને અથડામણમાં મંગળવારથી ઓછામાં ઓછા સાત લોકોનાં મોત થયાં છે, જેમાં વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોનો પણ સમાવેશ થાય છે. આ સિવાય સેંકડો લોકો ઘાયલ થયાં છે. આ હિંસાએ સમગ્ર બાંગ્લા દેશને ઘેરી લીધો છે. મંગળવારે દેશભરમાં ઘણી શૈક્ષણિક સંસ્થાઓનાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઊતરી આવ્યાં હતાં અને તેમણે દેખાવો અને નાકાબંધી શરૂ કરી હતી. આના કારણે ઢાકા ઉપરાંત રાજશાહી, ચિત્તાગોંગ અને બગુડા સહિતનાં અનેક શહેરોમાં વાહનોની અવરજવર ઠપ થઈ ગઈ હતી. નેશનલ હાઈ વે પર પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી.

બાંગ્લા દેશની આઝાદી પછી વર્ષ ૧૯૭૨માં પ્રથમ આરક્ષણની પ્રથા શરૂ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૮ માં અનામત રદ કરવાની સૂચના બહાર પાડવામાં આવી તે પહેલાં પાંચ શ્રેણીઓમાં સરકારી નોકરીઓમાં કુલ ૫૬ ટકા અનામતની જોગવાઈ હતી. આ શ્રેણીઓમાં  મુક્તિ યોદ્ધા, જિલ્લાવાર, મહિલા, લઘુમતી અને વિકલાંગનો સમાવેશ થતો હતો.  શરૂઆતમાં અનામતની જોગવાઈ માત્ર મુક્તિ યોદ્ધાઓ માટે હતી, જેમણે દેશના સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લીધો હતો. ત્યાર બાદ આ લાભ મુક્તિ યોદ્ધાઓનાં પુત્રો-પુત્રીઓ માટે પણ લંબાવવામાં આવતાં ગણગણાટ શરૂ થયો હતો.

વર્ષ ૨૦૧૧માં મુક્તિ યોદ્ધાનાં પૌત્ર-પૌત્રીઓ માટે પણ અનામતનો લાભ લંબાવવામાં આવતાં વિદ્યાર્થીઓમાં અસંતોષ વધી ગયો હતો. તેમનું કહેવું હતું કે જેમણે ૧૯૭૨માં દેશના આઝાદી સંઘર્ષમાં ભાગ લીધો હતો, તેમની ત્રીજી પેઢીને અનામતનો લાભ આપવાની કોઈ જરૂર નથી. આંદોલનકારીઓ સરકારી નોકરીઓમાં અનામત રદ કરીને અનામત પ્રણાલીમાં સુધારો કરવાની અને માત્ર પછાત જાતિઓ માટે મહત્તમ પાંચ ટકા અનામત ચાલુ રાખવાની માંગણી કરી રહ્યાં છે. વિદ્યાર્થીઓનું આંદોલન હિંસક બની ગયું છે. બાંગ્લા દેશનાં વડાં પ્રધાન શેખ હસીનાએ સર્વોચ્ચ અદાલતના નિર્ણય સુધી ધીરજ રાખવાની વિનંતી કરી છે.

બાંગ્લા દેશમાં ૧૯૭૨ થી સરકારી નોકરીઓમાં મુક્તિ યોદ્ધાઓ, જિલ્લા અને મહિલાઓ માટે અનામતની જોગવાઈ હતી. સરકારે ૫ સપ્ટેમ્બર, ૧૯૭૨ના રોજ સરકારી, સ્વાયત્ત અને અર્ધ સ્વાયત્ત સંસ્થાઓ અને વિવિધ કોર્પોરેશનોમાં નિમણૂક અને અનામતની જોગવાઈને લગતો એક કાર્યકારી આદેશ બહાર પાડ્યો હતો. તેમના જણાવ્યા મુજબ, આવી સંસ્થાઓમાં પ્રથમ વર્ગની નોકરીઓ માટે નિમણૂકના કિસ્સામાં ૨૦ ટકા મેરિટના આધારે અનામત રાખવામાં આવે છે અને બાકીના ૮૦ ટકા જિલ્લાઓ માટે અનામત રાખવામાં આવે છે. આ ૮૦ ટકામાંથી ૩૦ ટકા મુક્તિ લડવૈયાઓ માટે અને ૧૦ ટકા યુદ્ધથી અસરગ્રસ્ત મહિલાઓ માટે અનામત રાખવાનો નિર્ણય લેવાયો હતો. અનામતનો મોટો હિસ્સો મુક્તિ યોદ્ધાઓને ફાળવવામાં આવ્યો હતો.

ભૂતપૂર્વ સચિવ અબુ આલમ મોહમ્મદ શહીદ ખાન કહે છે કે મોટા ભાગના વાસ્તવિક મુક્તિ લડવૈયાઓ ખેડૂતો, મજૂરો અને વણકર હતા. આ સમાજના પછાત વર્ગનાં લોકો હતાં. આ જ કારણ છે કે દેશની આઝાદી પછી તેમને આરક્ષણ આપવામાં આવ્યું હતું. ચાર વર્ષ પછી વર્ષ ૧૯૭૬ માં પ્રથમ વખત અનામત પ્રણાલીમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. તે સમયે મેરિટના આધારે નિમણૂકોની ટકાવારી વધારવામાં આવી હતી અને માત્ર મહિલાઓ માટે અનામતની અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી. એટલે કે કુલ નોકરીઓમાંથી ૪૦ ટકા અનામત યોગ્યતાના આધારે, ૩૦ ટકા મુક્તિ લડવૈયાઓ માટે, ૧૦ ટકા મહિલાઓ માટે, ૧૦ ટકા યુદ્ધમાં ઘાયલ મહિલાઓ માટે અને બાકીની ૧૦ ટકા નોકરીઓ જિલ્લાના આધારે ફાળવવામાં આવી હતી.

વર્ષ ૧૯૮૫માં બહાર પાડવામાં આવેલ એક નોટિફિકેશનમાં અનામતનું વિતરણ યથાવત્ રાખવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે જો યોગ્ય મુક્તિ યોદ્ધાની કેટેગરીમાં લાયક ઉમેદવારો ઉપલબ્ધ ન હોય તો મુક્તિ યોદ્ધાઓનાં પુત્ર-પુત્રીઓને મુક્તિ યોદ્ધાઓ માટે નિર્ધારિત અનામતના ૩૦ ટકા અનામત આપવામાં આવશે. વર્ષ ૧૯૯૭માં મુક્તિ યોદ્ધાઓનાં બાળકોને પણ સત્તાવાર રીતે સરકારી નોકરીમાં અનામતમાં સામેલ કરવામાં આવ્યાં હતાં.

થોડા દિવસો પછી મુક્તિ યોદ્ધાઓનાં બાળકોને અનામત મુજબ નોકરીઓ ન મળવાની ફરિયાદનું નિવારણ કરવા માટે ઘણી સૂચનાઓ બહાર પાડવામાં આવી હતી. સૂચનામાં કહેવામાં આવ્યું છે કે માર્ગદર્શિકાનું પાલન ન કરવાના કિસ્સામાં સંબંધિત નિમણૂક સત્તાધિકારી સામે પગલાં લેવામાં આવશે. જો કે, ૨૦૦૨ માં બાંગ્લા દેશ નેશનલ પાર્ટીની આગેવાની હેઠળની ચાર પક્ષીય ગઠબંધન સરકાર દરમિયાન મુક્તિ યોદ્ધાઓ માટે અનામતની ફાળવણી અંગેની અગાઉની તમામ સૂચનાઓને રદ કરતી સૂચના જારી કરવામાં આવી હતી, જેનો વિરોધ કરવામાં આવ્યો હતો.

એટલે કે, મુક્તિ લડવૈયાઓની કેટેગરીમાં યોગ્ય ઉમેદવારો ન મળવાના કિસ્સામાં તેમના માટે અનામત રાખવામાં આવેલી ૩૦ ટકા જગ્યાઓ મેરિટ લિસ્ટમાંથી ઉમેદવારોથી ભરવાની સૂચના આપવામાં આવી હતી. પરંતુ ૨૦૦૮માં અવામી લીગની આગેવાની હેઠળની ગઠબંધન સરકાર સત્તામાં આવ્યા બાદ આ નિર્દેશ રદ કરવામાં આવ્યો હતો. આ સાથે સ્થાપના મંત્રાલયે મુક્તિ યોદ્ધાઓનાં બાળકો માટે અનામત જગ્યાઓ ભરવાનું શક્ય ન હોય તો તે જગ્યાઓ ખાલી રાખવા માટે જાહેરનામું બહાર પાડ્યું હતું. આરક્ષણ પ્રણાલીમાં આગામી ફેરફાર વર્ષ ૨૦૧૧માં કરવામાં આવ્યો હતો.

ત્યારે આ ૩૦ ટકા અનામતમાં મુક્તિ યોદ્ધાઓનાં પૌત્ર-પૌત્રીઓને પણ સામેલ કરવાનો નિર્ણય લેવાયો હતો. તે પછી વર્ષ ૨૦૧૨ માં સરકારે વિકલાંગો માટે એક ટકા અનામતની જોગવાઈ કરતું જાહેરનામું બહાર પાડ્યું હતું. વર્ષ ૨૦૧૮માં પ્રથમ વખત મોટા પાયે અનામત વિરોધી આંદોલન થયું હતું. તે વર્ષે જાન્યુઆરીમાં ઢાકા યુનિવર્સિટીના એક વિદ્યાર્થી અને બે પત્રકારોએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને સરકારી નોકરીઓમાં અનામત પ્રણાલીને રદ કરવાની અને તેના પુનઃમૂલ્યાંકનની માંગણી કરી હતી. તેમાં અનામત પ્રથાને બંધારણની વિરુદ્ધ હોવાનું કહેવાયું હતું. પરંતુ ૨૦૧૮ના માર્ચમાં સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી.

સુપ્રીમ કોર્ટમાં અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ સરકારે આદેશ જારી કર્યો હતો કે અનામત પ્રણાલીમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. પરંતુ સરકારે અનામતની જોગવાઈઓ થોડી હળવી કરી. સરકારે મુક્તિ યોદ્ધાઓ માટે અનામત જગ્યાઓ ખાલી રાખવાનો વિચાર હટાવી દીધો અને મેરિટ લિસ્ટમાંથી તે પદો પર નિમણૂક કરવાની વાત કરી હતી, પરંતુ વિદ્યાર્થીઓ પોતાની માંગ પર અડગ રહ્યાં હતાં. તે સમયે, આંદોલનકારીઓના વિરોધ દરમિયાન, સુરક્ષા દળોએ ઘણી જગ્યાએ ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને હવામાં ગોળીબાર કર્યો હતો. સતત આંદોલનને કારણે વડા પ્રધાન શેખ હસીનાએ ગયા વર્ષે ૧૧ એપ્રિલે સંસદમાં તમામ પ્રકારનાં આરક્ષણો રદ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ તેનું નોટિફિકેશન ઓક્ટોબરમાં બહાર પાડવામાં આવ્યું હતું.

તેમાં કહેવામાં આવ્યું હતું કે જો યોગ્ય ઉમેદવારો ન મળે તો તેઓને મેરિટ લિસ્ટમાંથી ઉમેદવારોથી ભરવામાં આવશે. આ જાહેરાત અને જાહેરનામું બહાર પાડવાની વચ્ચે આંદોલનકારીઓ પર હુમલા અને ધરપકડના બનાવો વધ્યા હતા. બીજી તરફ, મુક્તિ યોદ્ધાઓનાં કેટલાંક બાળકોએ અનામત રદ કરવાના નિર્ણય સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી. નિર્ણય તેમની તરફેણમાં આવ્યો હતો. સરકારે આ નિર્ણયને રોકવા માટે અપીલ દાખલ કરી હતી. દરમિયાન વિદ્યાર્થીઓએ પહેલી જુલાઈથી અનામત રદ કરવાની માંગણી સાથે ઉગ્ર આંદોલન શરૂ કર્યું હતું. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top