Charchapatra

ભારતનું બુદ્ધિધન અભ્યાસ અર્થે વિદેશ જઈને ત્યાં કેમ સેટલ થાય છે?

યુનેસ્કોએ જાહેર કરેલા આંકડા મુજબ ભારતની ભ્રષ્ટ અને સડેલી સિસ્ટમથી કંટાળીને દર વર્ષે દસ લાખ આસપાસ વિદ્યાર્થીઓ વિદેશ સેટલ થવાના પાકા ઈરાદા સાથે અભ્યાસ અર્થે જાય છે. એક વિદ્યાર્થીનો સરેરાશ ખર્ચ ઓછામાં ઓછો 25 લાખ ગણો તો આ હજારો કરોડનો બિઝનેસ છે. છેલ્લાં પાંચ વર્ષમાં વિદેશ જવાની બાબતમાં 20 થી 30% નો સરેરાશ ઉછાળો આવ્યો છે તેની પાછળ ક્યાં પરિબળો જવાબદાર છે તે ચર્ચાનો વિષય છે.

બહુ મોટી સંખ્યામાં બ્રેઈન વિદેશમાં ટ્રાન્સફર થઈ રહ્યું છે તેની કોઈને ચિંતા નથી. ખરેખર આ પ્રશ્ન દેશની સંસદ અને વિધાનસભાઓમાં ચર્ચાવો જોઈએ કે આ દેશનાં પ્રતિભાશાળી યુવાનો આ દેશમાં શા માટે રહેવા ઈચ્છતા નથી? પરંતુ સંસદ અને વિધાનસભાઓમાં બિરાજતા માનનીય અભણ કક્ષાનાં મહાનુભાવો માટે એ અગત્યની બાબત ન હોય તે સમજી શકાય છે. વિશ્વ ગુરુની ફાંકા ફોજદારી ઠોકવાથી અને Wtsap યુનિ. માં ભ્રમણાઓ ફેલાવવાથી ખરેખર દેશ મહાન બની જતો નથી એ વરવી વાસ્તવિકતા છે.

ભારતની મૂડી મોટા પ્રમાણમાં અભ્યાસના નામ પર વિદેશોમાં ઠલવાઈ રહી છે અને વિદેશોની યુનિ.ઓ ભારતીય વિદ્યાર્થીઓ માટે લાલ જાજમ આ અબજોના ટર્ન ઓવર માટે પાથરે છે એ હકીકત છે. ભારતીય વિદ્યાર્થીઓ ન પણ નહિવત્ ભ્રષ્ટાચાર અને નહિવત્  ગુનાખોરી ધરાવતાં તેમજ કોમવાદ કે જાતિવાદની માનસિકતાથી  ઉપર ઊઠીને માણસને માત્ર માણસ તરીકે ટ્રીટ કરતાં અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જર્મની જેવા દેશ આકર્ષી રહ્યા છે.

પ્રતિભાશાળી અને તાર્કિક યુવાનોને આ દેશમાં પોતાનું ભવિષ્ય દેખાતું નથી એ હકીકત છે, જેનો ઇનકાર થઈ શકે તેમ નથી. ટી.વી. ચેનલોએ મંદિર મસ્જિદના મુદ્દા છોડીને ખરેખર દેશને ભવિષ્યમાં બુદ્ધિધનથી વંચિત કરી દેનારા વિષય પર કામ કરવું જોઈએ પરંતુ તે નહીં કરે કારણકે લોકો જાગૃત થઈ જાય તો પછી તેમના આકાઓની ઘેંટાંશાહી થોડી ચાલે? બીજું અગત્યનું પરિબળ તે આંતરરાષ્ટ્રીય બજારમાં નબળો રૂપિયો. હાલમાં એક યુ એસ ડોલરના રૂ.૭૦ (સિત્તેર ગણા), એક પાઉન્ડના રૂ.૧૦૦ (સો ગણા), એક કેનેડિયન કે ઓસ્ટ્રેલિયન ડોલરના રૂ.૪૦ થી ૫૦ ની વચ્ચે (૪૦ થી ૫૦ ગણા) મળતા હોય તો સ્વાભાવિક છે કે ઝોક તે તરફનો જ રહેવાનો.
સુરત     – સુરેન્દ્ર દલાલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top