આપણે અત્યારે ૨૧ મી સદીમાં જીવી રહ્યા છીએ. પરંતુ કેટલાક માણસોના વિચારો ૨૧૦૦ વર્ષ પૂર્વેના હોઇ શકે. કેટલાક માણસો એવું વિચારી શકે કે, બળાત્કાર થવા પાછળ છોકરીઓએ પહેરેલ ટૂંકાં વસ્ત્રો અને અંગપ્રદર્શન જવાબદાર છે. પરંતુ બળાત્કાર તો બે – ત્રણ વર્ષ કે દસ-પંદર વર્ષની બાળાઓ ઉપર પણ થતાં જોવામાં આવ્યા છે. તો એની પાછળ કયું અંગપ્રદર્શન જવાબદાર? ટૂંકાં વસ્ત્રોમાં થતું અંગપ્રદર્શન જોનારા ઘણા છે, પરંતુ એમાંના બધા બળાત્કારીઓ તો નથી જ?
એ તો જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ. અને વસ્ત્રોની બીજી એક બાબતમાં ભારતીય સામાજિક જીવનમાં સાડીનો પહેરવેશ સ્ત્રીઓનો અભિન્ન અને ઉત્તમ પહેરવેશ ગણવામાં આવે છે. ‘ભારતીય નારી સાડીમાં જ સારી’ એવું પણ કહેવાય છે. પરંતુ શું સાડી પહેરવાથી જ નારી સન્નારી બની શકે. પહેલાંના સમયની સ્ત્રીઓ સાડી પહેરીને ઘર અને ખેતીનું કામકાજ સંભાળતી. પરંતુ અત્યારની સ્ત્રીઓ ઘરની સાથે સાથે કેટલીય ઊંચી પદવીઓ સંભાળે છે. અને હા, સાડી પહેરીને ઊંચી પદવીઓ તો સંભાળી શકાય. પરંતુ શું સાડી પહેરી એવરેસ્ટ સર કરી શકાય?
સાડી પહેરીને વિમાન ઊડાડી શકાય? તો પછી કેટલાક રૂઢિચુસ્ત સમાજમાં સાડી જ સંસ્કારી હોવાની નિશાની શા માટે. શું પંજાબી અને વેસ્ટર્ન કપડાં પહેરતી સ્ત્રીઓ સંસ્કારી ન હોઇ શકે? રૂઢિચુસ્ત અને સાડી પહેરેલી (સંસ્કારી હોવાનો દેખાડો કરતી) સ્ત્રીઓને પણ ઘરમાં કલેશનું કારણ બનતાં જોઇ છે અને વેસ્ટર્ન કપડાં પહેરીને વડીલોની સેવા કરતી સ્ત્રીઓ પણ આ સમાજમાં છે.
કહેવાનો મતલબ પોશાક ઉપરથી વ્યકિતના સંસ્કારનું મૂલ્યાંકન શા માટે? આપણા સામાજિક જીવનમાં એવી ઘણી બધી જગ્યાએ નારીએ પોતાના અલગ અલગ પહેરવેશથી પોતાની પ્રતિભા સાબિત કરી છે. પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને પોતાના અલગ અલગ અને સુયોગ્ય પોશાકથી નયનરમ્ય બનાવવાની આવડત નારીમાં છે જ! અને જો કોઇ નારીમાં આ આવડત ન હોય તો તે કેળવવી જોઇએ અને યોગ્ય જગ્યાએ સુયોગ્ય પોશાકને પસંદગી આપવી જોઇએ. પરંતુ સાડી જ એક સુયોગ્ય પોશાક છે એવું માની લેવાની જરૂર તો નથી જ!
અમરોલી – પાયલ વી. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.