કેન્દ્ર સરકારમાં કામ કરતાં તેમજ રાજ્ય સરકારમાં ફરજ બજાવતાં લાખો કર્મચારીઓને વર્ષમાં બે વાર આપવામાં આવતું મોંઘવારી ભથ્થું હાલમાં જુલાઇ-23માં જાહેર કરેલ છતાં કર્મચારીઓને ચૂકવવામાં આવ્યું નથી. છ મહિના ઉપરાંતનો સમય થઈ ગયો હોવા છતાં ડબલ એન્જિનની સરકાર, ગેરંટીની સરકારના પેટનું પાણી હાલતું નથી. કેન્દ્ર સરકાર-રાજ્ય સરકાર-મ્યૂ. કોર્પો. દરરોજ તેમની પ્રસિદ્ધિની લોકાર્પણ, ઉદ્દઘાટનોના પ્રચાર અર્થે શહેરનાં તમામ દૈનિક ન્યૂઝ પેપરમાં આખા પેઇજ-અડધા પેઇજની જાહેરાત પાછળ લાખો રૂપિયા ખર્ચ કરતાં અચકાતાં નથી. કર્મચારીઓને સમયસર મોંઘવારી ભથ્થું આપવા આંખ આડા કાન કરે છે.
સુરત મ્યુ. કોર્પો.ની ઓક્ટ્રોય (જકાત)ની આવક સને 2005-06ના નાણાંકીય વર્ષમાં રૂપિયા સાતસો કરોડ હતી. જે જકાત તે વર્ષથી નાબૂદ થવાથી તેની ઉત્તરોત્તર આજ સુધી વધતી કરોડોની આવક રાજ્ય સરકાર પાસે છે. હાલમાં સુરતના વિકાસ માટે ગુજરાત સરકારે ફકત રૂપિયા 568 કરોડનો ચેક આપ્યો. સુરતના વિકાસ માટે મ્યુ. કોર્પો.એ ગત બજેટમાં શહેરીજનોને માથે રૂપિયા 300 કરોડનો વેરો ઝીંકી દીધો. રાજ્ય સરકાર અને મ્યુ.કોર્પો.ની આવક જોતાં કર્મચારી-પેન્શનરોને સમયસર મોંઘવારી ભથ્થું ચૂકવવામાં ગેરંટીવાળી સરકાર સમયસર ગેરંટેડ મોંઘવારી ભથ્થું ચૂકવશે?
કતારગામ – નાનજીભાઈ ભાણાભાઈ પડાયા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સબળ વિરોધપક્ષ અનિવાર્ય
અબ્રાહમ લિંકને લોકશાહીની વ્યાખ્યા કરી હતી લોકોનું લોકો માટે લોકો વડે ચાલતું રાજ્ય. પરિસ્થિતિ સાવ પલટાઇ ગઈ! કોલેજમાં પોલીટીકલ સાયન્સનો અભ્યાસ કરતાં લોકશાહીની સફળતાનાં કારણોમાં એક મજબૂત કારણ વિરોધપક્ષની અનિવાર્યતા દર્શાવેલી. ભારતની હાલની પરિસ્થિતિનું અવલોકન વિરોધપક્ષની હાજરી ધૂંધળી દીસે છે. ચૂંટણી જાહેર થતાં તક ચૂકી જવાશે, દોડાદોડ, કુદાકુદ, અદલાબદલી પક્ષોમાં વર્તાય છે. વર્તમાનપત્રો ટી.વી. સમાચાર જોતાં ભારત-રાજકારણમાંથી સબળ વિરોધપક્ષ, ખોટું થતું અટકાવે તેનો અભાવ નજરે ચઢે છે.
એક તરફી વિશાળ બહુમતીના લાભાલાભ સ્પષ્ટ દેખાય. ગરીબ-મધ્યમ વર્ગના, આસમાને ઊડતી, છલાંગ મારતી મોંઘવારી કચડતી જાય છે. વિશાળ બહુમતીના ફાયદા-ગેરફાયદા છે જ. આપણા દેશમાં વિરોધ પક્ષ મજબૂત એકતા આવે તે પહેલાં જ વેરવિખેર થઈ જાય છે. પૈસાથી નોકર, ચાકર, ભોજન, પુસ્તકો, હોદ્દા, વસ્તુ, વાહન, દવા અરે માણસ સુદ્ધાં ખરીદી શકાય. મા-બાપ કે વફાદારી નહીં. એક કવિએ સુંદર પંકિતઓ લખી છે.
‘એક તમારા મતને ખાતર ખોટો ન ચૂંટાય તે જોજો
એક તમારા મતને ખાતર સાચો ન રહી જાય તે જોજો.
એક તમારા મતની કિંમત નથી જાણતા?
એ સોનાની વસ્તુ છે, લોઢામાં ન ખર્ચાય તે જોજો.’
અડાજણ – કુમુદભાઈ બક્ષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.