Columns

શા માટે વિશ્વ US ડોલરને સલામ કરે છે? જાણો તેના ‘બાદશાહ’ બનવાની કહાની

બીવી ન બચ્ચા, ન બાપ બડા ન ભૈયા… the whole thing is that કી ભૈયા સબસે બડા રૂપૈયા!’ પૈસાનું મહત્ત્વ સમજાવતું આ ગીત આપણે બધાએ સાંભળ્યું છે. તક જોઈને એનો ઉપયોગ પણ સ્ટાઈલથી ડાયલોગ તરીકે કર્યો છે! ટૂંકમાં, ખિસ્સાં ભરેલાં હોવા જરૂરી છે પણ શું રૂપિયાની ઘટતી કિંમતથી ખરેખર આપણાં ખિસ્સાં ભરેલાં રહેશે? ક્યારેય વિચાર્યું છે કે જ્યારે ‘પૈસા’ની વાત આવે છે ત્યારે ડોલરને આટલું મહત્ત્વ કેમ આપવામાં આવે છે? હા, તે વિશ્વની સૌથી મજબૂત કરન્સીમાંની એક છે પરંતુ તે શા માટે છે? ‘US ડૉલર છે ભાઈ!’ પણ ડોલરની આટલી દાદાગીરી કેમ? શા માટે બધા દેશો તેમના ફોરેક્સ રિઝર્વને ડોલરમાં જાળવી રાખે છે? આ ક્યારે શરૂ થયું? આ નિર્ણય કોણે લીધો અને આપણે સૌ કેમ હામાં હા માનીને આજે અહીં પહોંચ્યા?

રિઝર્વ મની એ કેન્દ્રિય બેંકો અને મોટી નાણાંકીય સંસ્થાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય વ્યવહારો માટે ઉપયોગમાં લેવાતી મોટી રકમને કહેવામાં આવે છે. જેવી રીતે આપણા દેશની સેન્ટ્રલ બેંક રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) ડોલરમાં ફોરેક્સ રિઝર્વ મેન્ટેન રાખે છે. તેથી જ્યારે આપણે વૈશ્વિક સ્તરે વેપાર કરીએ છીએ ત્યારે આપણે માત્ર ડોલરમાં ચૂકવણી કરીએ છીએ. ઉપરાંત, પેમેન્ટ પણ ડોલરમાં લેવામાં આવે છે. રિઝર્વ કરન્સીના પણ ઘણા ફાયદા છે. અનામત ચલણ વિનિમય દરનું જોખમ ઘટાડે છે. આ એટલા માટે છે કારણ કે કોઈ પણ દેશને વેપાર કરવા માટે અનામત ચલણ સાથે તેનું ચલણ બદલવાની જરૂર નથી. એટલું જ નહીં આ અનામત વૈશ્વિક વ્યવહારોને સરળ બનાવવામાં પણ મદદ કરે છે.

સમગ્ર વિશ્વમાં માલની કિંમત અનામત ચલણમાં હોય છે. ઉદાહરણ તરીકે ડોલર. તેથી દેશોએ સમાન ચલણમાં અનામત જાળવવી પડશે, જેથી તેઓ આ વસ્તુઓ ખરીદી અથવા વેચી શકે.  અન્ય દેશો US નાણાંકીય નીતિઓ પર નજીકથી દેખરેખ રાખે છે, તેની ખાતરી કરવા માટે કે તેમના વિદેશી અનામતને ફુગાવો અથવા વધતી કિંમતોથી અસર ન થાય. હવે એ સમજીએ કે ડૉલર બધાનો ‘નેતા’ કેવી રીતે બની ગયો? અમેરિકામાં કાગળના ચલણનો ઇતિહાસ ખૂબ જૂનો છે. પ્રથમ US ડોલર વર્ષ 1914માં છાપવામાં આવ્યો હતો. આ ફેડરલ રિઝર્વ એક્ટની સ્થાપનાના એક વર્ષ પછી થયું હતું. વાસ્તવમાં, પ્રથમ વિશ્વ યુદ્ધ પછી જ ડોલર એક મહત્ત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય અનામત ચલણ બની ગયું હતું. ડોલરે બીજા વિશ્વ યુદ્ધના અંતે વિશ્વના પ્રાથમિક અનામત ચલણ તરીકે પાઉન્ડ સ્ટર્લિંગનું સ્થાન લીધું હતું.

વર્ષ 1944. વિશ્વમાં ઊથલપાથલ ચાલી રહી હતી. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન 44 દેશોની બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે આ દેશોની કરન્સીને US ડોલર સાથે લિંક કરવામાં આવે. આપણને સવાલ થાય કે, અમેરિકા જ શા માટે? કારણ કે સાથી દેશોમાં અમેરિકા સૌથી મજબૂત દેશ હતો. યુદ્ધ સમાપ્ત થયા પછી, એક્સિસ પાવર્સની પુનઃસંગઠિત સરકારો તેમના પોતાના ચલણ અનામત માટે ડોલરનો ઉપયોગ કરવા સંમત થયા હતા, જેને બ્રેટોન વુડ્સ કરાર તરીકે આપણે ઓળખીએ છીએ.

આ અંતર્ગત વિશ્વ બેંક અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પણ અસ્તિત્વમાં આવ્યા હતા. બ્રેટોન વુડ્સ કરારને કારણે US ડોલરને સત્તાવાર રીતે વિશ્વનું અનામત ચલણ બનાવવામાં આવ્યું હતું. આ એટલા માટે પણ, કારણ કે વિશ્વનો સૌથી મોટો ગોલ્ડ રિઝર્વ આ ચલણને ટેકો આપતો હતો. 1944થી વિવિધ દેશોએ પોતાના એક્સચેન્જ દરને આંકયો હતો, જે તે વખતે સોનામાં કન્વર્ટ થઈ શકતો હતો. સોનાને સમર્થિત ડોલર એકદમ સ્થિર હતો. પરિણામ સ્વરૂપ અન્ય દેશો પોતાના ચલણને સ્થિર કરવામાં સક્ષમ બની રહ્યા હતા.

જો કે, આ મુદ્રા ગોલ્ડ સમર્પિત હતી પરિણામે અન્ય દેશોએ ગોલ્ડ રિઝર્વ મેન્ટેન કરવાને બદલે અમેરિકી ડોલરના ભંડારો ભરી દીધા હતા! એટલું જ નહીં, ડોલર્સને સ્ટોર કરવા માટે અમુક દેશોએ તો અમેરિકી ટ્રેઝરી સિક્યોરિટીઝ ખરીદવાની શરૂ કરી દીધી! જે ડોલર માટે એક સુરક્ષિત ભંડાર હતો. ટ્રેઝરી સિક્યોરિટીઝ US સરકાર દ્વારા સમર્થિત સૌથી સુરક્ષિત રોકાણોમાંનું એક છે. જો કે તેને ઓછા જોખમ તરીકે ગણવામાં આવે છે છતાં કેટલાક જોખમો તો સાથે આવે જ છે. ઉદાહરણ તરીકે, વ્યાજ દરોમાં ફેરફાર, ફુગાવો વગેરે.

ટ્રેઝરી સિક્યોરિટીઝની વધતી માગ, વિયેતનામ યુદ્ધ જેવી પરિસ્થિતિઓએ અમેરિકાને પેપર મનીને પ્રોત્સાહન આપવા મજબૂર કર્યું હતું. એવું માની લો કે પેપર મનીનું પૂર આવી ગયું! અને છેવટે ડૉલરની નાણાંકીય સ્થિરતા અંગે ચિંતા વધી રહી હતી. આ કારણે દેશોએ ડોલરના ભંડારને સોનામાં બદલવાનું શરૂ કર્યું.  તેનાં પરિણામો આવવા લાગ્યા, સોનાની માગ એવી વધી ગઈ કે તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સનને દરમિયાનગીરી કરવી પડી હતી. બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો એ હતો કે ડૉલરને સોના સાથે અનિવાર્યપણે ડી-લિંક કરવું. આ કારણે ફ્લોટિંગ વિનિમય દરો આવ્યા, જે આજે પણ પ્રચલિત છે.

સ્ટેગફ્લેશનની સ્થિતિ હોવા છતાં, US ડોલર વિશ્વની રિઝર્વ કરન્સી બની ગયો. સ્ટેગફ્લેશન ત્યારે થાય છે, જ્યારે બેરોજગારી અને ફુગાવો બંને ખૂબ વધારે હોય છે. 1970ના દાયકામાં US ડોલર ગોલ્ડ સ્ટાન્ડર્ડ કરતાં નીચે ગયો હતો. આનાથી સમકાલીન ફ્લોટિંગ દરોમાં વધારો થયો હતો પરંતુ ડૉલર આજે પણ વિશ્વનું અનામત ચલણ છે. IMF અનુસાર, વિશ્વની મોટાભાગની સેન્ટ્રલ બેંકો પોતાનું લગભગ 59% અનામત US ડોલરમાં  રાખે છે. ઉપરાંત, તે વૈશ્વિક વેપાર અને વ્યવહારો માટે સૌથી વધુ રિડીમેબલ ચલણ છે. રિડીમેબલ એટલે કે જે ચલણ સરળતાથી માલ કે પૈસા માટે બદલી શકાય છે. US અર્થતંત્ર, સત્તા અને નાણાંકીય બજારોનું વર્ચસ્વ પણ આમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

ઘણાં લોકો માને છે કે આ ચલણ વિશ્વનું સૌથી મજબૂત ચલણ છે પરંતુ એવું નથી. CMC માર્કેટ્સ અનુસાર, કુવૈતી દિનાર વૈશ્વિક બજારોમાં સૌથી મજબૂત ચલણ છે. બ્રિટિશ પાઉન્ડ પાંચમા અને યુરો આઠમા ક્રમે છે. US ડોલર દસમા નંબરે આવે છે. આંતરરાષ્ટ્રીય વ્યવહારોમાં ડોલર સૌથી વધુ ઉપયોગમાં લેવાતું તેમ જ ફ્રી ફ્લોટિંગ ચલણ હોવાથી આજે ઘણા દેશોમાં તે સત્તાવાર ચલણ છે અને અન્ય દેશોમાં વાસ્તવિક ચલણ છે. 1944થી ઘણા દેશો US ડોલરનો ઉપયોગ મુખ્યત્વે અનામત ચલણ તરીકે કરી રહ્યા છે. આ જ કારણ છે કે આજે ડોલરનું આટલું મહત્ત્વ છે.

હવે સમજીએ કે ડોલર સામે આજે આપણો રૂપિયો કેમ નતમસ્તક છે? મોદી સરકારના પ્રથમ કાર્યકાળથી રૂપિયાની ચાલ કેવી રહી છે? મળતી માહિતી મુજબ, મોદી સરકાર પહેલી વાર સત્તામાં આવ્યાના લગભગ 5-6 મહિના પછી, અત્યાર સુધી રૂપિયામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. આ વાતની પુષ્ટિ ખુદ દેશના નાણાંમંત્રીએ સંસદમાં કરી છે. ગત સોમવારે નાણાંમંત્રી નિર્મલા સીતારમણે RBIને ટાંકીને સંસદમાં એક પ્રશ્નનો જવાબ આપ્યો હતો. જણાવ્યું હતું કે 31 ડિસેમ્બર, 2014થી આપણો રૂપિયો ડોલર સામે લગભગ 25 % નબળો પડ્યો છે.

એક લેખિત જવાબમાં નાણાંમંત્રીએ રિઝર્વ બેંકના ડેટાને ટાંકીને કહ્યું કે 2014માં ડોલર સામે રૂપિયાનો વિનિમય દર 63.33 રૂપિયા પ્રતિ ડોલર હતો. મતલબ કે એક ડોલર માટે લગભગ 63 રૂપિયા ચૂકવવા પડતા હતા. હવે 19 જુલાઈ, 2022ના રોજ રૂપિયાની કિંમત ડોલરની સરખામણીએ 80 રૂપિયાથી વધુ થઈ ગઈ છે. એવું નથી કે સરકાર આ સ્થિતિથી ચિંતિત નથી. સરકાર પણ કદાચ પરિસ્થિતિથી વાકેફ છે. બે અઠવાડિયાં પહેલાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, રિઝર્વ બેંક રૂપિયા પર નજર રાખી રહી છે. સરકાર વિનિમય દરને લઈને ભારતીય રિઝર્વ બેંક સાથે સતત સંપર્કમાં છે. રૂપિયામાં ઘટાડા પાછળ અનેક સ્થાનિક અને વૈશ્વિક કારણો છે.

ઉદાહરણ તરીકે, રશિયા-યુક્રેનનું યુદ્ધ, ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો અને સમગ્ર વિશ્વની પાતળી થતી નાણાંકીય સ્થિતિ. રૂપિયામાં નબળાઈનું બીજું કારણ વિદેશી રોકાણકારો દ્વારા આપણા બજારોમાંથી નાણાં પાછા ખેંચવાનું પણ છે. વિદેશી રોકાણકારોએ છેલ્લા એક વર્ષમાં ભારતના શેરબજારોમાંથી 32 બિલિયન ડોલરથી વધુનું ભંડોળ પાછું ખેંચ્યું છે.  તમને જણાવી દઈએ કે જૂન 2022માં દેશની વેપાર ખાધ 25.63 અબજ ડોલરની નવી ટોચે પહોંચી હતી. આવી સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય નાણાંકીય સેવા કંપની નોમુરાનું અનુમાન છે કે નાણાંકીય વર્ષ 2022-23 દરમિયાન ભારતની ચાલુ ખાધ વધીને 3.3 % થઈ શકે છે. એ વાત સાચી છે કે રૂપિયો ઝડપથી પોતાની ઓળખ ગુમાવી રહ્યો છે પરંતુ એ પણ સાચું છે કે માત્ર આપણો રૂપિયો જ નહીં, વિશ્વની મોટાભાગની મોટી કરન્સી ડોલર સામે ઝૂકી રહી છે. મતલબ કે ડૉલર મજબૂત થઈ રહ્યો છે.

Most Popular

To Top