Columns

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભારતનું બંધારણ કેમ બદલવા માગે છે?

ઈ.સ. ૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટે ભારતના ભાગલા પડ્યા ત્યારે મુસ્લિમો માટે પાકિસ્તાન નામનું નવું રાષ્ટ્ર પેદા થયું હતું. તે સમયે જે ભારત બાકી રહ્યું તે સ્વાભાવિક રીતે હિન્દુ રાષ્ટ્ર હોવું જોઈએ, પણ હકીકતમાં તેવું બન્યું નહોતું. ભારતના ભાગલા થયા તે પછી ભારતમાં મોટી સંખ્યામાં મુસ્લિમો રહ્યાં હતાં. તેમની લાગણીઓને ધ્યાનમાં રાખીને ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવામાં આવ્યું નહોતું. વળી ભારતની આઝાદી પછી જે કોંગ્રેસ સરકાર સત્તામાં હતી તેનો ઇરાદો મુસ્લિમોનું તુષ્ટિકરણ કરીને તેમની મતબેન્ક ઊભી કરવાનો હતો, માટે પણ ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવામાં નહોતું આવ્યું. તે વખતે હિન્દુ મહાસભા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવાં સંગઠનોની માગણી પણ ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની હતી, પણ ડો. બાબાસાહેબ આંબેડકરે ભારતનું જે બંધારણ બનાવ્યું તેમાં પણ ક્યાંય ભારતનો ઉલ્લેખ હિન્દુ રાષ્ટ્ર તરીકે કરવામાં આવ્યો નહોતો પણ સાથે સાથે ભારત બિનસાંપ્રદાયિક (સેક્યુલર) છે, તેવો ઉલ્લેખ પણ બંધારણમાં ક્યાંય કરવામાં આવ્યો નહોતો.

૧૯૭૫માં ભારતમાં કટોકટી હતી અને મોટા ભાગના વિપક્ષી નેતાઓ જેલમાં હતા ત્યારે શ્રીમતી ઇન્દિરા ગાંધીએ બંધારણના આમુખમાં સુધારો કરાવીને ભારતને ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ રાષ્ટ્ર જાહેર કરી દીધું હતું. હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપ ભારતને હિન્દુ રાષ્ટ્ર તરીકે જાહેર કરવા માગે છે ત્યારે તેને બંધારણના આમુખના આ બે શબ્દો તેમને બહુ ખૂંચે છે. તેમને લાગે છે કે આ બે શબ્દો બંધારણના આમુખમાંથી દૂર કરીને જ ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની દિશામાં આગળ વધી શકાશે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મહાસચિવ દત્તાત્રેય હોસબલેએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે કટોકટી દરમિયાન બંધારણની પ્રસ્તાવનામાં ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પણ હવે તે શબ્દો પ્રસ્તાવનામાં રહેવા જોઈએ નહીં. કોંગ્રેસ કહે છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપના નેતાઓ ખુલ્લેઆમ કહી રહ્યા હતા કે બંધારણ બદલવા માટે અમને સંસદમાં ૪૦૦ થી વધુ બેઠકોની જરૂર છે. હવે ફરી એક વાર તેમણે પોતાનાં કાવતરાં શરૂ કરી દીધાં છે, પરંતુ કોંગ્રેસ પક્ષ કોઈ પણ કિંમતે તેમનાં આયોજનોને સફળ થવા દેશે નહીં.

૨૦૨૪ની લોકસભાની ચૂંટણી પહેલાં કેટલાંક ભાજપનાં નેતાઓનાં નિવેદનો વચ્ચે એવું કહેવામાં આવ્યું હતું કે જો ભાજપ ‘અબકી બાર ૪૦૦ પાર’ના નારાને વાસ્તવિકતામાં ફેરવે તો તે બંધારણ બદલી નાખશે. આ સમય દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તેમની ચૂંટણી રેલીઓ અને સભાઓમાં બંધારણના પુસ્તક સાથે જોવા મળ્યા હતા. ભાજપે ઘણી વખત સ્પષ્ટતા કરી છે કે તેમનો આવું કરવાનો કોઈ ઈરાદો નથી, પરંતુ ઘણી વખત એવા પ્રસંગો બન્યા છે જ્યારે ભાજપે બંધારણમાં મૂળભૂત ફેરફારો કરવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે. ભારતીય બંધારણ, રાષ્ટ્રધ્વજ અને જાતિ વ્યવસ્થા અંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારોની ઘણી વાર ટીકા કરવામાં આવી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ભારતના બંધારણ સાથેનો સંબંધ ઘણો જટિલ રહ્યો છે. સ્વતંત્રતાથી લઈને અત્યાર સુધી સંઘે આ ત્રણ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ઘણી વખત પોતાના વિચારો બદલ્યા છે.

આરએસએસના બીજા વડા માધવ સદાશિવરાવ ગોલવલકર તેમના પ્રખ્યાત પુસ્તક ‘બંચ ઓફ થોટ્સ’ માં લખે છે કે ‘‘આપણું બંધારણ પણ પશ્ચિમી દેશોના વિવિધ બંધારણોના વિવિધ કલમોનું એક બોજારૂપ અને વિચિત્ર સંયોજન છે. તેમાં એવું કંઈ નથી જેને આપણું પોતાનું કહી શકાય. ‘‘ભાજપના નેતાઓ પણ અલગ અલગ સમયે ભારતના બંધારણના મુદ્દા પર પોતાના વિચારો વ્યક્ત કરતા રહ્યા છે.

૨૪ જાન્યુઆરી, ૧૯૯૩ના રોજ, આંધ્ર પ્રદેશના અનંતપુરમાં તત્કાલીન ભાજપ પ્રમુખ મુરલી મનોહર જોશીએ પણ બંધારણ પર નવેસરથી નજર નાખવાની માંગણીનો પુનરોચ્ચાર કર્યો હતો. જ્યારે અટલબિહારી વાજપેયીના નેતૃત્વમાં સરકારની રચના થઈ, ત્યારે તેમણે બંધારણની સમીક્ષા માટે એક સમિતિ બનાવવાનો નિર્ણય લીધો હતો. જ્યારે ભાજપ સત્તામાં ન હતો ત્યારે આવા મુદ્દાઓ પર સંઘનાં મંતવ્યોનું અલગ મહત્ત્વ હતું અને જ્યારે તમારો સત્તામાં રહેલા પક્ષ પર પ્રભાવ હોય છે, ત્યારે તેનું અલગ મહત્ત્વ હોય છે. ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપે ખુલ્લેઆમ આવું કંઈ કહ્યું ન હતું, પરંતુ તેના કેટલાક નેતાઓએ બંધારણ બદલવાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ભાજપને ચૂંટણીમાં નુકસાન થયું હતું.

જો કે, ૨૦૧૪ માં વડા પ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીએ બંધારણને ભારતનો એકમાત્ર પવિત્ર ગ્રંથ અને સંસદને લોકશાહીનું મંદિર કહીને તેમના કાર્યકાળની શરૂઆત કરી હતી. છેલ્લાં કેટલાંક વર્ષોમાં સંઘે પણ બંધારણ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. ૨૦૧૮ માં દિલ્હીના વિજ્ઞાનભવનમાં સંઘના વર્તમાન વડા મોહન ભાગવતે કહ્યું હતું કે ‘‘આ બંધારણ આપણાં લોકો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને આ બંધારણમાં આપણા દેશની સર્વસંમતિ છે, તેથી બંધારણનું પાલન કરવું એ દરેકની ફરજ છે.

સંઘ પહેલાથી જ આમાં માને છે. અમે સ્વતંત્ર ભારતનાં તમામ પ્રતીકો અને બંધારણની ભાવનાનો સંપૂર્ણ આદર કરીએ છીએ.’’હવે સંઘના મહાસચિવ દત્તાત્રય હોસબલે સંઘના મૂળ એજન્ડા મુજબ બંધારણ બદલવાની વાત કરી રહ્યા છે. જો ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવું હોય, તો આ માટે શું કરવાની જરૂર છે, આવો પ્રશ્ન ઘણાં લોકોએ ઉઠાવ્યો છે અને તેમાં પ્રોફેસર રાજીવ ભાર્ગવનું નામ મહત્ત્વપૂર્ણ છે. તેમણે આ મુદ્દા પર ઘણું સંશોધન કર્યું છે. તેઓ કહે છે કે ‘‘આ માટે સૌથી પહેલું કામ પ્રસ્તાવનામાંથી સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દો દૂર કરવાનું છે’’ અને દત્તાત્રય હોસબલે આ જ કહી રહ્યા છે.

ભારતની સંસદ બંધારણ અપનાવવાનાં ૭૫ વર્ષની ઉજવણી કરી રહી હતી ત્યારે પણ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ બંધારણ અને મનુસ્મૃતિના મુદ્દા પર સ્વાતંત્ર્યવીર સાવરકરનાં લખાણોનો ઉલ્લેખ કરીને ભાજપ પર નિશાન સાધ્યું હતું. જમણા હાથમાં બંધારણ અને ડાબા હાથમાં મનુસ્મૃતિની નકલ પકડીને રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સાવરકરે તેમનાં લખાણોમાં સ્પષ્ટપણે કહ્યું છે કે આપણા બંધારણમાં કંઈ ભારતીય નથી અને બંધારણને મનુસ્મૃતિથી બદલવું જોઈએ. આ નિવેદનથી સંસદના સત્રમાં ઘણા દિવસો સુધી હોબાળો થયો. કોંગ્રેસ સહિત ઘણા વિપક્ષી રાજકીય પક્ષો મનુસ્મૃતિ અને બંધારણના મુદ્દા પર સતત આરએસએસને ઘેરી રહ્યા છે.

પ્રોફેસર શમસુલ ઇસ્લામે દિલ્હી યુનિવર્સિટીમાં રાજકીય વિજ્ઞાન ભણાવ્યું છે અને તેઓ આરએસએસ અને હિન્દુ રાષ્ટ્રવાદના વિષયો પરનાં અનેક પુસ્તકોના લેખક છે. પ્રોફેસર શમસુલ ઇસ્લામ કહે છે કે બંધારણ પ્રત્યે આરએસએસ નો વિચાર પહેલાં જેવો જ છે અને તેઓ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા છે. હાલમાં CAA હેઠળ, નાગરિકતાને ધાર્મિક ઓળખ સાથે જોડવામાં આવી છે. આ તે લોકો માટે છે જે બહારથી આવીને ભારતમાં સ્થાયી થયા છે, પરંતુ મુસ્લિમોને આ લોકોમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. વર્તમાન સરકારે બંધારણના મૂળભૂત માળખા પર ચર્ચા શરૂ કરી છે, જે મૂળભૂત માળખા માટે સુપ્રીમ કોર્ટે ૧૯૭૩ માં આદેશ આપ્યો હતો કે તેને બદલી શકાતું નથી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને ભૂતપૂર્વ કાયદાપ્રધાન કિરેન રિજિજુ દલીલ કરી રહ્યા છે કે બંધારણના મૂળભૂત માળખા જેવી કોઈ વસ્તુ નથી, બધું જ બદલી શકાય છે. જાતિગત વસ્તી ગણતરી અને અનામતના મુદ્દાઓ અંગે પણ સંઘ મૂંઝવણમાં હોય તેવું લાગે છે.

ડિસેમ્બર ૨૦૨૩ માં વિદર્ભ ક્ષેત્રના સહસંઘચાલક શ્રીધર ગાડગેએ કહ્યું હતું કે જાતિ આધારિત વસ્તી ગણતરી ન થવી જોઈએ કારણ કે આવી વસ્તી ગણતરી એક બિનજરૂરી પ્રક્રિયા સાબિત થશે જેનો લાભ ફક્ત થોડાં લોકોને જ મળશે. આ નિવેદન સાથે રાજકીય હોબાળો શરૂ થયો અને બે દિવસ પછી જ સંઘે સ્પષ્ટતા કરી હતી કે તે જાતિગત વસ્તી ગણતરીની વિરુદ્ધ નથી. ૨૦૧૫ ની બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાં સંઘના વડા મોહન ભાગવતે અનામત નીતિની સમીક્ષા કરવાની જરૂરિયાત વિશે વાત કરી ત્યારે આરએસએસ વિવાદમાં આવ્યું હતું. અનામતના મુદ્દા પર ભાગવતના નિવેદનને બિહાર ચૂંટણીમાં ભાજપની હારનું એક મહત્ત્વપૂર્ણ કારણ માનવામાં આવતું હતું. આ ઘટના પછી સંઘે સતત સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કર્યો કે તે અનામતની વિરુદ્ધ નથી.

Most Popular

To Top