Columns

રશિયાના પ્રમુખ પુટિન યુક્રેન સાથેના યુદ્ધનો અંત કેમ લાવવા માગે છે?

કોઈ પણ યુદ્ધના અંતે કોઈ વિજેતા હોતા નથી. યુદ્ધ લડનારા બંને પક્ષોને ભારે હાનિ થયા વિના રહેતી નથી. મહાભારતના યુદ્ધમાં પાંડવોનો વિજય થયો હતો પણ તેમનું મોટા ભાગનું સૈન્ય અને તેના સેનાપતિઓ નાશ પામ્યા હતા. બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટન અને મિત્રરાજ્યોનો વિજય થયો હતો, પણ તેમનું અર્થતંત્ર ખતમ થઈ ગયું હતું. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ શરૂ થયું તેને ૧૦ મહિના પૂરા થયા છે, પણ રશિયાનો વિજય ક્ષિતિજ પર પણ દેખાતો નથી. રશિયાએ ૨૪ ફેબ્રુઆરીના યુક્રેન પર હુમલો કર્યો ત્યારે દાવો કર્યો હતો કે તે ૭ દિવસમાં યુદ્ધ ખતમ કરશે. ૭ દિવસમાં ખતમ થનારું યુદ્ધ ૧૦ મહિના પછી પણ ખતમ થયું નથી. રશિયા દ્વારા યુદ્ધના આરંભમાં જે પ્રદેશો જીતી લેવામાં આવ્યા હતા તે યુક્રેનનું લશ્કર હવે ફરીથી જીતી રહ્યું છે.

યુદ્ધમાં યુક્રેનની જેમ રશિયાના લશ્કરની પણ ભારે ખુવારી થઈ છે. યુદ્ધમાં માર્યા ગયેલા રશિયન સૈનિકોના સ્થાને સરકાર નવા સૈનિકોની ભરતી કરવા માગે છે, પણ રશિયાના યુવાનો યુદ્ધ કરવા તૈયાર નથી. તેમને બાવડા પકડીને લશ્કરમાં ભરતી થવાની ફરજ પાડવામાં આવી રહી છે. જે યુવાનો યુદ્ધમાં શહીદ થવા ચાહતા નથી તેઓ દેશ છોડીને જઈ રહ્યા છે. યુરોપ અને અમેરિકાના દેશો દ્વારા યુક્રેનની મદદમાં સૈન્ય નથી મોકલવામાં આવ્યું, પણ તેમણે યુક્રેનને ચિક્કાર નાણાંની અને હથિયારોની મદદ કરી છે.

યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી તાજેતરમાં અમેરિકાની મુલાકાતે જઈ આવ્યા અને ૧. ૮૫ અબજ ડોલરની મદદનું વચન લઈ આવ્યા. અમેરિકાએ અદ્યતન પેટ્રિયોટ એન્ટી મિઝાઇલ ડિફેન્સ સિસ્ટમ યુક્રેનને આપવાનું વચન આપ્યું છે. અમેરિકા કોઈ પણ ભોગે રશિયા જીતે તેવું ચાહતું નથી. રશિયાના પ્રમુખ વ્લાદીમિર પુટિને બહુ સૂચક વિધાન કર્યું છે કે રશિયા આ યુદ્ધનો ઝડપથી અંત આણવા ચાહે છે. પુટિનને હવે ડહાપણની દાઢ ફૂટી છે કે દરેક યુદ્ધનો અંત મંત્રણાઓના માધ્યમથી જ આવતો હોય છે. હવે પરિસ્થિતિ એવી છે કે રશિયા મંત્રણાના ટેબલ પર બેસવા તૈયાર છે, પણ યુક્રેન પોતાની શરતે જ યુદ્ધનો અંત લાવવા માગે છે.

રશિયાના પ્રમુખ વ્લાદીમિર પુટિને મંગળવારે યુક્રેનનું યુદ્ધ લડી રહેલા રશિયન કમાન્ડરો સમક્ષ પેટછૂટી કબૂલાત કરી હતી કે રશિયા દ્વારા યુક્રેનના જે ચાર પ્રદેશો પર કબજો જમાવવામાં આવ્યો છે તેને ટકાવી રાખવામાં મુશ્કેલીનો અનુભવ થઈ રહ્યો છે. વ્લાદીમિર પુટિને જે ચાર પ્રદેશો પર બળજબરીથી કબજો જમાવ્યો હતો તેમાં બનાવટી જનમત લેવામાં આવ્યો હતો અને તેમને રશિયામાં જોડી દેવામાં આવ્યા હતા. જો કે તેની પ્રજા રશિયાની વિરોધી હોવાથી તેણે રશિયાના સૈનિકોનો પ્રતિકાર કરવાનું ચાલુ રાખ્યું હતું. થાણાં નાખીને બેઠેલા સૈન્ય પર તેના ગેરિલા હુમલા ચાલુ થઈ ગયા છે. કોઈ પણ પ્રજાને તેની મરજીથી વિરુદ્ધ ગુલામ રાખી શકાતી નથી.

રશિયાના સૈનિકો પણ આ અશક્ય યુદ્ધથી થાકી ગયા છે. તેઓ પોતાના ઘરે જવા માગે છે અને ચેનની જિંદગી જીવવા માગે છે. રશિયાનો સામનો કરવા માટે યુક્રેન દ્વારા પ્રતિઆક્રમણ કરવામાં આવ્યું હતું. તેમાં પશ્ચિમી દેશો દ્વારા આપવામાં આવેલા દ્રોન અને મિઝાઇલ ભારે વિનાશક પુરવાર થયા હતા. રશિયાના આક્ષેપ મુજબ યુક્રેનના મિઝાઇલો તેના શહેરોમાં પણ વિનાશ વેરી રહ્યા છે. યુક્રેન હવે રશિયાને તેની જ દવાનો કડવો ઘૂંટડો પીવડાવી રહ્યું છે. રશિયા યુદ્ધનો અંત આણવા માગે છે, પણ પોતાનો હાથ ઉપર રાખવા માગે છે. રશિયાની શરત એવી છે કે યુક્રેન જીતેલા પ્રદેશો રશિયાના છે, તેવું સ્વીકારી લે તો જ તે યુદ્ધવિરામ જાહેર કરે. યુક્રેનની માગણી છે કે રશિયાએ કોઈ પણ જાતની શરત વગર જીતેલા પ્રદેશો ખાલી કરી દેવા જોઈએ. રશિયા નામોશી સાથે યુદ્ધવિરામ કરવા માગતું નથી.

રશિયા સાથેનું યુદ્ધ શરૂ થયું તે પછી યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી પહેલી વખત અમેરિકાની મુલાકાતે જઈ આવ્યા અને જો બાઇડેન પાસેથી ઢગલાબંધ મદદનાં વચનો લઈ આવ્યા છે. અમેરિકા દ્વારા છેલ્લા ૧૦ મહિનામાં યુક્રેનને આશરે ૫૦ અબજ ડોલરની મદદ કરવામાં આવી છે. તાજેતરની મુલાકાત દરમિયાન તેમને સરકાર તરફથી બીજા ૪૪.૯ અબજ ડોલરની મદદનો પ્રસ્તાવ કોંગ્રેસમાં પસાર થવાની તૈયારીમાં છે.

અમેરિકા દ્વારા શસ્ત્રોના રૂપમાં બીજા ૧.૮૫ અબજ ડોલરની મદદ કરવામાં આવી હતી, જેમાં પેટ્રિયોટ એર ડિફેન્સ સિસ્ટમનો સમાવેશ થાય છે. જો કે રશિયાના પ્રમુખ પુટિને પેટ્રિયોટની શક્તિને ઓછી આંકતાં કહ્યું હતું કે રશિયાની એસ-૩૦૦ સિસ્ટમ કરતાં તે જૂની છે. પુટિનના મતે યુક્રેન આ યુદ્ધને લાંબું ચલાવવા માગે છે. યુક્રેનની આ નીતિ બરાબર કામ કરી રહી છે. યુદ્ધ લાંબું ચાલવાને કારણે રશિયાના સૈનિકો થાકી ગયા છે. તેઓ વતન પાછા ફરવા માગે છે. જો પુટિન હવે યુદ્ધવિરામ જાહેર નહીં કરે તો રશિયાના લશ્કરમાં બળવો પણ થઈ શકે છે.

હકીકતમાં રશિયા દ્વારા ૨૦૧૪માં યુક્રેનના ક્રીમિયા પ્રાંતને જીતી લેવામાં આવ્યો ત્યારે જ યુક્રેન સાથેના યુદ્ધનો પ્રારંભ થઈ ગયો હતો. રશિયા ત્યારે યુક્રેનના ડોન્બાસ ક્ષેત્રને રશિયામાં જોડી દેવાની અણી ઉપર હતું, જેમાં ડોન્ટેસ્ક અને લોહાન્સ્કનો સમાવેશ થતો હતો. રશિયાને તેમ કરતું રોકવા યુરોપની મહાસત્તાઓ દ્વારા તેને ૨૦૧૫માં મિન્સ્ક કરાર પર સહી કરવાની ફરજ પાડવામાં આવી હતી. આ કરાર રશિયા, યુક્રેન, જર્મની અને ફ્રાન્સ વચ્ચે કરવામાં આવ્યા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે ડોન્બાસ ક્ષેત્રને સ્વાયત્તતા આપવામાં આવશે અને યુક્રેન તેનું લશ્કર પાછું ખેંચી લેશે.

ડોન્બાસ ક્ષેત્રની બહુમતી પ્રજા રશિયન ભાષા બોલતી હોવાથી રશિયા તેને સહેલાઈથી પોતાની અંદર ભેળવી શકે તેમ હતું, પણ મિન્સ્ક કરારને કારણે તે તેમ કરી શક્યું નહોતું. ૨૦૧૫ અને ૨૦૨૦ દરમિયાન યુક્રેને યુરોપિયન દેશોની મદદથી ડોન્બાસ ક્ષેત્રનો ઝડપી વિકાસ કર્યો હતો. લોકોને વિકાસનાં ફળો ચાખવા મળ્યાં હતાં. હવે તેમને ડર લાગ્યો હતો કે જો તેમનો પ્રદેશ સામ્યવાદી રશિયાના આધિપત્ય હેઠળ આવશે તો તેમની સ્વતંત્રતા ઝૂંટવાઈ જશે. આ કારણે રશિયાને ખ્યાલ આવી ગયો હતો કે તેમણે ડોન્બાસના નામનું નાહી નાખવું પડશે. આ કારણે રશિયાએ હુમલો કર્યો હતો.

રશિયા દ્વારા યુક્રેન ઉપર હુમલો શરૂ કરવામાં આવ્યો તેની સજાના રૂપમાં યુરોપના દેશો અને અમેરિકા દ્વારા તેની સામે આર્થિક નાકાબંધીનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું હતું. રશિયાને આંતરરાષ્ટ્રીય લેવડદેવડ માટેની સ્વિફ્ટ સિસ્ટમમાંથી બાકાત કરવામાં આવ્યું હતું. રશિયામાંથી ખનિજ તેલ અને ગેસની આયાત ઉપર મર્યાદા મૂકવામાં આવી હતી. આ પ્રતિબંધો બૂમરેંગ થયા હતા. યુરોપના દેશોમાં બળતણની તંગી સર્જાઇ હતી અને ભાવો વધી ગયા હતા. પ્રતિબંધોને કારણે અમેરિકાને ઝાઝું નુકસાન નહોતું થયું પણ યુરોપના દેશોમાં ફુગાવો વધી ગયો હતો. રશિયાના ખનિજ તેલની નિકાસ યુરોપમાં ઘટી ગઈ તો ભારતે તેની આયાત ચાલુ કરી હતી. આ યુદ્ધમાં ભારત તટસ્થ રહેવાનો દેખાવ કરીને રશિયા તરફ ઢળ્યું હતું. ભારત અને રશિયા નજીક આવ્યા હતા.

બીજાં વિશ્વયુદ્ધ પછી બે ધ્રૂવ ધરાવતા વિશ્વનું સર્જન થયું હતું, જેમાં રશિયા અને અમેરિકા મુખ્ય ખેલાડીઓ હતા. ૧૯૪૫થી ૧૯૯૦ સુધી કોલ્ડ વોર ચાલી હતી. ૧૯૯૦માં સોવિયેટ રશિયાના વિઘટન સાથે કોલ્ડ વોરનો અંત આવ્યો હતો અને અમેરિકાના એકચક્રી સામ્રાજ્યનો પ્રારંભ થયો હતો. હવે યુક્રેન યુદ્ધ સાથે તેનો અંત આવ્યો છે. દુનિયા હવે બહુધ્રૂવીય બની રહી છે. તેમાં અમેરિકા ઉપરાંત રશિયા, ચીન, ભારત અને ઇરાન જેવા દેશો પણ ચાવીરૂપ ભૂમિકા ભજવી રહ્યા છે.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top