કોઈ પણ બે દેશોના વડાઓ મળતા હોય છે ત્યારે તેમાં ઘણી બધી વાતો બનતી હોય છે, જેને જાહેર કરવા જેવી હોતી નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ પાયાની નીતિમાં માનતા નથી. તેઓ વારે ને તહેવારે તેવી વાતો જાહેરમાં કરીને વટાણા વેરી દેતા હોય છે. ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર એવી વાતો કહેવાનું શરૂ કર્યું છે જેનાથી મોદી સરકાર અસ્વસ્થ થઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે વડા પ્રધાન મોદીએ તેમને મુલાકાત માટે કહ્યું હતું કે ‘‘સાહેબ, કૃપા કરીને હું તમને મળી શકું છું. મેં હા પાડી કારણ કે મારા તેમની સાથે ખૂબ સારા સંબંધો છે.’’
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદન પર ભારતમાં ચર્ચા ચાલી રહી છે કે શું ભારતના વડા પ્રધાને અમેરિકન રાષ્ટ્રપતિ સાથે આ ભાષામાં વાત કરી હતી? ભારતના મુખ્ય વિપક્ષી પક્ષ કોંગ્રેસે તેના X હેન્ડલ પરથી ટ્રમ્પનો એક વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું કે ‘‘ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા પછી ભારતના વડા પ્રધાન મોદી આમંત્રણ વગર અમેરિકા ગયા હતા. તમને યાદ હશે કે વિશ્વના નેતાઓમાં મોદી એકમાત્ર એવા છે જેમને ડોનાલ્ડ ટ્રમ્પ ગેટ પર આવકારવા આવ્યા ન હતા. હવે મને સમજાયું કે શા માટે?’’ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી મોદીનું નાક કપાયું છે, તો પણ ભારતે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિભાવ આપ્યો નથી.
ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને વડા પ્રધાન મોદી અંગે સતત અપમાનજનક ટિપ્પણીઓ કરી છે. મંગળવારે તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે ભારત પર ઊંચા ટેરિફને લઈને મોદી તેમનાથી નારાજ છે. રવિવારે તેમણે કહ્યું કે મોદી રશિયન તેલ ખરીદી પરના તેમના ગુસ્સાથી વાકેફ છે અને આપણે તેમના પર ખૂબ જ ઝડપથી ટેરિફ વધારી શકીએ છીએ અને તે તેમના માટે ખૂબ જ ખરાબ હશે. આ ટિપ્પણીઓએ શંકા વ્યક્ત કરી હતી કે શું ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રત્યે આકરું વલણ જાળવી રાખવા માંગે છે કે વેપાર સોદા સાથે ઝડપથી આગળ વધવા માંગે છે. ડિસેમ્બરમાં રશિયાથી ભારતની તેલ આયાત જૂનમાં ૨૧ લાખ બેરલ પ્રતિ દિવસની ટોચથી ૪૦ ટકા ઘટી ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે, કારણ કે તેઓ વ્લાદિમીર પુતિનના યુદ્ધના મશીનમાં રોકડનો પ્રવાહ રોકવા અને યુક્રેન સંઘર્ષનો અંત લાવવાના પ્રયાસો કરી રહ્યા છે.
કેનેડી સેન્ટર ખાતે હાઉસ રિપબ્લિકન્સ કાર્યક્રમમાં, ટ્રમ્પે અમેરિકન ફાઇટર જેટ અને ટેરિફ વિશે વાત કરતી વખતે વડા પ્રધાન મોદી અને ભારત વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે F-35 મેળવવામાં ઘણો સમય લાગે છે. ભારત અપાચે હેલિકોપ્ટર અંગે મારી પાસે આવ્યું અને કહ્યું, સાહેબ, અમે પાંચ વર્ષથી આની રાહ જોઈ રહ્યા છીએ. અમે હવે તેને બદલી રહ્યા છીએ. ભારતે ૬૮ અપાચે હેલિકોપ્ટરનો ઓર્ડર આપ્યો હતો. વડા પ્રધાન મોદીએ મને પૂછ્યું કે સાહેબ, કૃપા કરીને હું તમને મળી શકું? મેં હા પાડી કારણ કે મારા તેમની સાથે ખૂબ સારા સંબંધો છે. જો કે તેઓ મારાથી એટલા ખુશ નથી કારણ કે તેમને ચૂકવવા પડતા ટેરિફ છે. પરંતુ હવે તેમણે રશિયાથી તેલની આયાત ઘણી હદ સુધી ઘટાડી દીધી છે. ટેરિફને કારણે આપણે વધુ સમૃદ્ધ થઈ રહ્યા છીએ.
જો કે, ભારતીય મીડિયા ટ્રમ્પના દાવાને ખોટો ગણાવી રહ્યું છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ મુજબ ભારતે અમેરિકા પાસેથી ૬૮ નહીં, પરંતુ ફક્ત ૨૮ અપાચે હેલિકોપ્ટર ખરીદ્યાં હતાં. આમાંથી ૨૨ અપાચે માટેનો સોદો સપ્ટેમ્બર ૨૦૧૫ માં ઓબામા વહીવટના અંતિમ દિવસોમાં થયો હતો, જ્યારે બાકીનાં છ માટેનો સોદો ૨૦૨૦ માં ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન થયો હતો. રવિવારે, એરફોર્સ વનમાં સવાર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન ટેરિફ અને રશિયાથી ભારત દ્વારા તેલની આયાતમાં ઘટાડો કરવાના પ્રશ્ન પર કહ્યું હતું કે તેઓ મને ખુશ કરવા માંગતા હતા.
મોદી મૂળભૂત રીતે ખૂબ જ સારા વ્યક્તિ છે. તેઓ જાણતા હતા કે હું ખુશ નથી અને મને ખુશ કરવું મહત્ત્વપૂર્ણ છે. ગયા વર્ષે ૨૨ એપ્રિલના રોજ ટ્રમ્પે પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી સંઘર્ષ અટકાવવાનો દાવો કર્યો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને રોકવાની જાહેરાત સૌ પ્રથમ ડોનાલ્ડ ટ્રમ્પે કરી હતી. ત્યારથી ટ્રમ્પ વારંવાર દાવો કરી રહ્યા છે કે તેમના હસ્તક્ષેપથી લડાઈ બંધ થઈ હતી. આ દાવાઓ ભારત માટે અસ્વસ્થતાભર્યા રહ્યા છે, કારણ કે ભારતની કાશ્મીર મુદ્દા પર કોઈ પણ મધ્યસ્થી સ્વીકારવાની નીતિ નથી.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં પોતાનો એક વીડિયો શેર કર્યો અને વડા પ્રધાન મોદી પર અમેરિકા સામે ઝૂકવાનો આરોપ લગાવ્યો હતો. જો કે, કોંગ્રેસ પાર્ટીના સાંસદ અને વરિષ્ઠ નેતા શશિ થરૂરે ભારતના વલણને રાષ્ટ્રીય હિત સાથે જોડ્યું છે. ટ્રમ્પના મોદી પરના નિવેદન વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે દરેક દેશ માટે તેનું રાષ્ટ્રીય હિત સર્વોપરી છે. મારા માટે, તે રાષ્ટ્રીય હિતનો અર્થ એ છે કે શક્ય હોય ત્યાં સુધી, આપણે કોઈ મોટો દુશ્મન કે કોઈ મોટી સમસ્યા ઊભી કરવા માંગતા નથી.
આપણે દરેક સાથે વાતચીતના માર્ગો ખુલ્લા રાખવા માંગીએ છીએ. મેં ઘણા લેખોમાં આ બહુ-ધ્રુવીય અભિગમને સમર્થન આપ્યું છે. જ્યારે આપણા રશિયા સાથે સારા સંબંધો છે, ચીન સાથે સારા સંબંધો છે, અમેરિકા સાથે સારા સંબંધો છે, ત્યારે આપણે યુરોપ સાથે ખૂલી રહ્યાં છીએ, આફ્રિકામાં નવા સંબંધો બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં પરિસ્થિતિ સુધારવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. આપણી સાથે જાપાન, દક્ષિણ કોરિયા અને દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશો છે. આ બધી બાબતો વિકલ્પો વધારવાની રાજનીતિનો ભાગ છે.
વ્યૂહાત્મક બાબતોના નિષ્ણાત બ્રહ્મા ચેલ્લાનીએ ટ્રમ્પના નિવેદન સાથે અસંમત થઈને લખ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર નરેન્દ્ર મોદીને મારા ખૂબ સારા મિત્ર કહે છે. વાસ્તવમાં, આ વાક્ય રાજદ્વારી નરમાઈનું કામ કરે છે, જ્યારે અમેરિકાએ ભારત પર સૌથી કડક આર્થિક દબાણ લાદ્યું છે, જેમાં ૫૦ ટકા ટેરિફનો પણ સમાવેશ થાય છે. દાયકાઓમાં ભારતે કોઈ પણ સાથી તરફથી આવા દબાણનો સામનો કર્યો નથી. અપાચે હેલિકોપ્ટરની ડિલિવરીમાં વિલંબ વિશે વાત કરતી વખતે ટ્રમ્પે કહ્યું કે મોદીએ તેમને પૂછ્યું કે સાહેબ, શું હું તમને મળી શકું? મોદી ટ્રમ્પ અથવા અન્ય કોઈ નેતાને ‘સાહેબ’ કહીને બોલાવે તેવી શક્યતા ખૂબ જ ઓછી છે. હકીકતમાં, આ નિવેદન ડોનાલ્ડ ટ્રમ્પની શૈલી સાથે મેળ ખાય છે, કારણ કે તેઓ કોઈ બીજા સાથેની વાતચીત યાદ કરતી વખતે સમાન સૂત્રનો ઉપયોગ કરે છે. આ કોઈ પણ વાતચીતમાં પોતાને શ્રેષ્ઠ બતાવવાની એક રીત છે.
ભારતના ભૂતપૂર્વ વિદેશ સચિવ કંવલ સિબ્બલે લખ્યું કે ફક્ત બાળકો જ આ વાતો માને છે. શરૂઆતમાં, એવી વાર્તા ફેલાવવામાં આવી રહી હતી કે મોદી ટ્રમ્પના ફોન કોલ્સ ઉપાડવાનો ઇનકાર કરી રહ્યા હતા. કેટલાક સારા ઈરાદાવાળા મધ્યસ્થીઓએ બંને વચ્ચે ફોન કોલ્સ ગોઠવવાનો પ્રયાસ કર્યો હતો. પરિણામે ટ્રમ્પે મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. ટ્રમ્પનાં તથ્યો પણ ખોટાં છે. તેમના ખોટા દાવાથી વિપરીત, ભારતે ૬૮ નહીં, પરંતુ ફક્ત ૨૮ અપાચે હેલિકોપ્ટરનો ઓર્ડર આપ્યો હતો. તેમાંથી ૨૨ની સમયસર ડિલિવરી કરવામાં આવી હતી. ૨૦૨૦ માં ઓર્ડર કરાયેલાં છ હેલિકોપ્ટરની ડિલિવરીમાં વિલંબ થયો હતો. કોઈ પણ સંજોગોમાં, વિલંબ એટલો ગંભીર નહોતો કે વડા પ્રધાન મોદીએ ટ્રમ્પ પાસે ભીખ માંગવી પડે.
ગયા વર્ષે ઓગસ્ટમાં જર્મન અખબાર ફ્રેન્કફર્ટર ઓલ્ગેમાઈન ઝેઈટંગે અહેવાલ આપ્યો હતો કે ટેરિફ અંગેના તણાવ વચ્ચે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચાર ફોન કોલ્સને અવગણ્યા હતા. જાપાની અખબાર નિક્કી એશિયાએ પણ એક અહેવાલમાં આવો જ દાવો કર્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પનાં સતત નિવેદનો પરથી લાગે છે કે મોદી અને ટ્રમ્પ વચ્ચે એવું કાંઈક બન્યું છે, જેને મોદી ભૂલી જવા માગે છે, પણ ટ્રમ્પ તેમને તે વાત વારંવાર યાદ કરાવ્યા કરે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.