વડા પ્રધાન રાહુલ ગાંધીનું નામ પોતાના મોઢેથી નથી લેતા, પણ રાહુલ ગાંધીનો અને કૉન્ગ્રેસનો જપ ચોવીસ કલાક કરે છે. એવી એક પણ સભા નહીં હોય જેમાં તેમણે રાહુલ ગાંધી અને કૉન્ગ્રેસ પર હુમલો ન કર્યો હોય. તેઓ ૨૩ વર્ષથી અનુક્રમે ગુજરાતમાં અને દેશમાં શાસન કરી રહ્યા છે અને તેમાં શાસક તરીકે કૉન્ગ્રેસને ખતમ કરવાની એક પણ તક તેમણે જતી નથી કરી. ગૃહ પ્રધાન અમિત શાહે તો દેશને કૉન્ગ્રેસમુક્ત કરવાની જાહેરાત કરી હતી અને એ માટે તમે જાણો છો કે વર્તમાન શાસકોએ દરેક પ્રયત્નો કર્યા છે.
આ એક પક્ષ થયો. બીજો પક્ષ એ છે કે કૉન્ગ્રેસ ૧૯૮૯થી સતત નબળી પડતી રહી છે. તેનું મતોનું પ્રમાણ ઘટે છે અને છેલ્લાં ૩૫ વરસમાં એકેય વખત તેને લોકસભામાં બહુમતી મળી નથી. ૧૯૮૪ની લોકસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસને કુલ ૫૧૪ બેઠકોમાંથી ૪૦૪ બેઠકો મળી હતી. તેને ૪૯.૧૦ ટકા મત મળ્યા હતા. અડધોઅડધ. આટલી બેઠકો કૉન્ગ્રેસને જવાહરલાલ નેહરુ અને ઇન્દિરા ગાંધીના વખતમાં પણ મળી નહોતી. એનું કારણ ઇન્દિરા ગાંધીની હત્યા અને રાષ્ટ્રીય સુરક્ષા હતું. ભારતના ઇતિહાસમાં પહેલી વાર કોઈ એક પક્ષે ચારસો પારનો આંકડો મેળવ્યો હતો.
એ પછી કૉન્ગ્રેસનું પતન શરૂ થાય છે. ૧૯૮૯ની ચૂંટણીમાં કૉન્ગ્રેસને ૩૯.૫૩ ટકા મત સાથે ૧૯૭ બેઠકો, ૧૯૯૧માં વધીને ૩૬.૨૬ ટકા મત સાથે ૨૩૨ બેઠકો, ૧૯૯૬માં ૨૮.૮૦ ટકા મત સાથે ૧૪૦ બેઠકો મળી હતી. આ વખતે ઇતિહાસમાં પહેલી વાર કોંગ્રેસે બહુમતી તો ઠીક સૌથી મોટા પક્ષ તરીકેનું સ્થાન પણ ગુમાવ્યું હતું. એ સ્થાન ૧૫૧ બેઠકો સાથે ભાજપને મળ્યું હતું અને એ પણ એક ઐતિહાસિક ઘટના હતી. અલબત્ત મત મેળવવામાં ભાજપ કૉન્ગ્રેસ કરતાં આઠ ટકાથી પાછળ હતો.
૧૯૯૮માં કૉન્ગ્રેસને ૨૫.૮૨ ટકા મત સાથે ૧૪૧ બેઠકો મળી હતી અને સામે ભાજપને એટલા જ ૨૫.૫૯ મત સાથે ૧૮૨ બેઠકો મળી હતી. ૧૯૯૯માં કૉન્ગ્રેસની બેઠકોમાં હજુ ઘટાડો થયો હતો અને તેને માત્ર ૧૧૪ બેઠકો મળી હતી. સામે ભાજપને એટલી જ ૧૮૨ બેઠકો મળી હતી, પરંતુ મતના પ્રમાણમાં ચાર ટકાનો ઘટાડો થયો હતો. આનું કારણ કારગિલમાં પાકિસ્તાનના પ્રવેશનું હતું અને ભારત સરકારે દાખવેલી બેદરકારી હતું.
૨૦૦૪માં કૉન્ગ્રેસને ૨૬.૫૩ ટકા મત સાથે ૧૪૫ બેઠકો મળી હતી અને ભાજપને ૨૨.૧૬ ટકા મત સાથે ૧૩૮ બેઠકો મળી હતી. ૨૦૦૯માં કૉન્ગ્રેસને ૨૮.૫૫ ટકા મત સાથે ૨૦૬ બેઠકો મળી હતી અને ભાજપને ૧૮.૮૦ ટકા મત સાથે ૧૧૬ બેઠકો મળી હતી. ૨૦૧૪માં કૉન્ગ્રેસને માત્ર ૪૪ બેઠકો મળી હતી, પણ તેને મળેલા મતોનું પ્રમાણ ૧૯.૩૧ ટકા હતું. સામે ભાજપને ૩૧ ટકા મત સાથે ૨૮૨ બેઠકો મળી હતી. ૨૦૧૯માં કૉન્ગ્રેસને ૧૯.૪૬ ટકા મત સાથે ૫૨ બેઠકો મળી હતી અને ભાજપને ૩૭.૩૦ ટકા મત સાથે ૩૦૩ બેઠકો મળી હતી. નરેન્દ્ર મોદીના જુવાળમાં કૉન્ગ્રેસનું ધોવાણ થયું હતું અને ઇતિહાસમાં પહેલી વાર કૉન્ગ્રેસ બે ડીજીટ પર આવી ગઈ હતી. ભારતના સંસદીય ઇતિહાસમાં પહેલી વાર ૨૦૧૪માં ભાજપને કૉન્ગ્રેસ કરતાં વધુ મત મળ્યા હતા. લગભગ બમણું.
આગળ વધતાં પહેલાં મારી વાચકોને સલાહ છે કે કૉન્ગ્રેસ-બીજેપીની ૩૫ વર્ષની રાજકીય યાત્રા પર ફરી એક વાર નજર કરી લો. ભાજપને સૌથી વધુ મત ૨૦૧૯માં ૩૭.૩૦ ટકા મળ્યા હતા અને હજુ સુધી ૪૦ ટકાનો આંકડો પાર કર્યો નથી. કૉન્ગ્રેસ બે ડીજીટમાં આવી ગઈ હોવા છતાં તેના મતના પ્રમાણમાં એવો અધધધ કહી શકાય એવો ઘટાડો થયો નથી. ૨૦૧૪માં કૉન્ગ્રેસના મતનું પ્રમાણ ૧૯.૩૧ ટકાનું હતું અને ૨૦૧૯માં ૧૯.૪૬ ટકાનું હતું. ઉલટું ભાજપ ૨૦૦૯માં મતના પ્રમાણમાં ૨૨ ટકાથી ૧૮ ટકાએ નીચે આવી ગયો હતો. કૉન્ગ્રેસ હજુ સુધી ૧૮ ટકાથી નીચે નથી ગઈ.
હવે સમજાય છે શા માટે વડા પ્રધાન દિવસરાત કૉન્ગ્રેસનો જપ કરે છે અને આદુ ખાઈને કૉન્ગ્રેસની તેમ જ રાહુલ ગાંધીની પાછળ પડ્યા છે? ખરાબમાં ખરાબ દિવસોમાં પણ કૉન્ગ્રેસ કમસેકમ સરેરાશ ૨૦ ટકા મત કેવી રીતે મેળવે છે? લોકસભામાં માત્ર ૪૪ બેઠકો મેળવનારી કૉન્ગ્રેસનું મતનું પ્રમાણ ૧૦ ટકાની અંદર કેમ નથી આવતું? કોણ તેને જીવતી રાખે છે અને શા માટે? અને બીજો પ્રશ્ન; કૉન્ગ્રેસ શા માટે નબળી પડી? તેનું પતન માત્ર અને માત્ર હિંદુ રાષ્ટ્રવાદના લોકસ્વીકારને કારણે થયું છે કે પછી ભારતના બદલાતા જતા સમાજનાં બદલાતાં જતા સંસદીય રાજકારણના સમીકરણોના કારણે થયું? ભક્તો માટે હિન્દુત્વના જયજયકારનો નેરેટિવ તેની જગ્યાએ ખપનો છે, પણ વાસ્તવિકતા જુદી છે અને એ નરેન્દ્ર મોદી અને અમિત શાહ એ સુપેરે જાણે છે.
કૉન્ગ્રેસ એ સહિયારા ભારતનો વિચાર છે અને કૉન્ગ્રેસ દેશની વાસ્તવિક સામાજિક સંરચના (સોશ્યલ કંપોઝીશન) નું પ્રતિનિધિત્વ કરે છે. ભારતની જે સામાજિક સંરચના છે એ વાસ્તવિક છે જેને ભાજપ બદલવા માગે છે, કૉન્ગ્રેસ નહીં. સ્વાભાવિક સામાજિક વાસ્તવિકતાના અસ્વીકારને કારણે ભાજપની રાજકીય યાત્રા સામે વિઘ્નો આવે છે જે રીતે આજે નજરે પડી રહ્યાં છે અને સ્વાભાવિક સામાજિક વાસ્તવના સ્વીકારને કારણે કૉન્ગ્રેસ મર્યા પછી પણ મરતી નથી. ઘડીભર માની લઈએ કે રાહુલ ગાંધી સાવ નબળો અને નકામો માણસ છે, કૉન્ગ્રેસ માટે બોજારૂપ છે તો પણ કૉન્ગ્રેસ મરતી નથી, કારણ કે તે એક વિચાર છે અને દેશની સાચુકલી સામાજિક સંરચનાનું પ્રતિનિધિત્વ કરે છે. લોકો તેને જીવતી રાખે છે, કારણ કે લોકોને ભાજપની કલ્પનાનું ભારત સ્વીકાર્ય નથી.
પણ તો પછી કૉન્ગ્રેસનું પતન કેમ થયું? બે કારણ છે. પહેલું એ કે કોન્ગ્રસે સત્તાની પાછળ દોટ મૂકી જેમાં તેણે કૉન્ગ્રેસના વિચારો સાથે સમાધાનો કર્યાં. આ સિવાય સત્તા મેળવવા દેશની સામાજિક સંરચના સાથે ચેડાં કર્યાં. સત્તાની ભૂખ પણ હતી અને તુમાખી પણ હતી. બીજું વધારે મહત્ત્વનું કારણ એ કે સમાજનાં વિવિધ ઘટકોમાં જેમ જેમ શિક્ષણનો પ્રસાર થયો અને જાગૃતિ આવી એમ તેમણે સત્તામાં ભાગીદારી માગવાનું શરૂ કર્યું. તેમને તેમની સંખ્યાની રાજકીય તાકાતની સમજ પડવા લાગી. તેઓ વધુ ભાગીદારી મેળવવા કૉન્ગ્રેસથી દૂર થવા લાગ્યા, અલગ પક્ષો સ્થાપવા લાગ્યા અને લોકસભામાં કૉન્ગ્રેસની બેઠકોમાં ભાગ પડાવવા લાગ્યા.
આ જે થયું એ થવાનું જ હતું અને તેને માટે હરખાવું જોઈએ. કોઈ પોતાનો ભાગ માગે એમાં ખોટું શું છે? એ તો જાગૃતિ અને સશક્તિકરણનાં લક્ષણો છે. એમ નિશ્ચિતપણે કહી શકાય કે કોંગ્રેસે જે જગ્યા ગુમાવી છે એ સહિયારા ભારતમાં સગા-સહિયારાઓની વચ્ચે ભાગીદારીના પ્રશ્ને ગુમાવી છે, કોઈ હિંદુઓના એકલાના હોવા જોઈતા હિંદુ ભારતના પક્ષે નથી ગુમાવી. સંઘપરિવાર તો તેનો લાભાર્થી છે.
સામાજિક-રાજકીય સમાજચક્રમાં પછાત પ્રજાઓ આગળ આવી, તેમની અંદર મધ્યમવર્ગ અસ્તિત્વમાં આવ્યો અને હંમેશા બને છે એમ મધ્યમવર્ગ હિંદુ ધર્મની સર્વોપરિતાના કેફમાં ઘેરાતો ગયો. પણ હવે પરંપરાગત પછાત પ્રજાની અંદર હિંદુ રાષ્ટ્રની અંદર તેમની ભાગીદારી વિષે શંકા જાગવા માંડી છે. ભાજપ ભારતની વાસ્તવિક અને સ્વાભાવિક સામાજિક સંરચનાનું પ્રતિનિધિત્વ નથી કરતો, બલકે તેને બદલવા માગે છે એવી લોકોને સમજ પડવા માંડે ત્યારે તેઓ ભારતની સહિયારાપણાની સામાજિક સંરચનાનું પ્રતિનિધિત્વ કરનાર કૉન્ગ્રેસ તરફ વળે એવું બને.
પણ કૉન્ગ્રેસ જ ન હોય તો? તો લોકો પાછા ફરીને કોને શરણે જાય? માટે કૉન્ગ્રેસને જ ખતમ કરી નાખવી જોઈએ. પણ સમસ્યા એ છે કે કૉન્ગ્રેસ ખતમ થતી નથી, કારણ કે એ સહિયારા ભારતની વિચારધારા અને વાસ્તવિક તેમ જ સ્વાભાવિક ભારતીય સમાજની સંરચનાનું પ્રતિનિધિત્વ કરે છે અને ઓછામાં પૂરું, હવે રાહુલ ગાંધી કૉન્ગ્રેસને તેનાં મૂળ તરફ પાછી લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.