આજના સમયમાં મોબાઈલ અને ટીવી આપણા જીવનનો અવિભાજ્ય ભાગ બની ગયા છે. સવારે ઉઠતા જ મોબાઈલ, જમતા સમયે મોબાઈલ, સૂતા પહેલાં પણ મોબાઈલ – જાણે આપણે જીવતા માણસો કરતાં નિર્જીવ સ્ક્રીન સાથે વધારે જોડાયેલા થઈ ગયા હોઈએ. દુઃખની વાત એ છે કે આ આદતના કારણે આપણે આપણા નજીકના લોકોને, ખાસ કરીને માતાપિતાને, ભૂલતા જઈ રહ્યા છીએ. આપણે પત્ની અને બાળકો સાથે પણ પૂરતી વાતચીત નથી કરતા, તો માતાપિતાની વાત સાંભળવાની તો વાત જ શું? માતાપિતા કંઈ કહે ત્યારે આપણે મોબાઈલમાં મગ્ન રહીએ છીએ, નજર મળાવવાનું પણ ટાળીએ છીએ.
તેમની સલાહ, અનુભવ અને લાગણીઓ આપણને બોજા જેવી લાગે છે. જે ઘરમાં આપણે આરામથી રહીએ છીએ, તે માતાપિતાની વર્ષોની મહેનતનું પરિણામ છે, એ વાત આપણે ભૂલી ગયા છીએ. તેમના ત્યાગ, બલિદાન અને પ્રેમનો ઉલ્લેખ આપણે ક્યારેય નથી કરતા. આશીર્વાદ લેવાનું, દવા-દારોની ચિંતા રાખવાનું, આદરપૂર્વક વાત કરવાનું – આ બધું હવે યાદોમાં જ રહી ગયું છે. યાદ રાખો, માતાપિતા કરતાં મોટું ભગવાન આ ધરતી પર કોઈ નથી. આજે સમય છે, તો તેમના પગે પડી માફી માંગી લો. કાલે કદાચ મોકો પણ ન મળે.
સુરત – અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.