ન્યાયમંદિર સંબંધિત છેલ્લા દિવસોમાં જે ઘટનાઓ બની છે, તેનાથી ન્યાય માટેના આશાના આખરના દરવાજાને લઈને અવિશ્વાસ ઊભો થયો છે. થોડા દિવસો અગાઉ અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ રામમનોહર નારાયણ મિશ્રાએ એક ચુકાદો આપતાં એમ કહ્યું કે ‘સ્તનોને અડકવું અને પાયજામાનું નાડું ખોલવું’ બળાત્કાર અથવા તો બળાત્કારના પ્રયાસોમાં સમાવિષ્ટ થતું નથી! ન્યાયાધીશ મિશ્રાએ આ ચુકાદો આપ્યો હતો તે કેસની વિગત એમ હતી કે ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં એક બાળકી પર થયેલા જાતિય શોષણનો કેસ હતો. આ કેસમાં ‘પોક્સો’[પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઑફેન્સ એક્ટ] કાયદા અંતર્ગત સુનાવણી થઈ રહી હતી. બાળકોના જાતિય શોષણના મામલામાં આરોપીઓ પર ‘પોક્સો’ કાયદો લાગે છે. પરંતુ ન્યાયાધીશ મિશ્રા જાણે આરોપીઓની તરફેણ કરતાં હોય તેમ ચૂકાદા વખતે એવી પણ ટિપ્પણી કરી કે, બળાત્કાર થયો છે તેવું સાબિત કરવું હશે તો ફરિયાદી પક્ષે આરોપીનો ઇરાદો ગુનો કરવાનો હતો – તે દાખવવું પડશે. બાળકીના જાતિય શોષણને લઈને હાઈકોર્ટના ન્યાયાધીશ તરફથી આવું વલણ દાખવતા હોય ત્યારે ન્યાયની અપેક્ષા કેવી રીતે રાખી શકાય? દેશભરમાંથી આ મુદ્દે ન્યાયાધીશ મિશ્રા પર માછલાં ધોવાયાં, ટીકા થઈ. સુપ્રીમમાં અરજીઓ આવી. આખરે સુપ્રીમ કોર્ટે મામલો હાથ પર લીધો અને ન્યાયાધીશ મિશ્રાના આ ચુકાદાને અટકાવી દીધો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ ટિપ્પણી ગંભીર છે અને ન્યાયાધીશ આ મુદ્દે સંવેદનહિનતા દાખવી છે.
ન્યાયાધીશ મિશ્રાની જેમ દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ યશંવત વર્મા અંગે પણ દેશભરમાં ભ્રષ્ટાચારની ચર્ચા ચાલી રહી છે. આ પૂરી ઘટનામાં બન્યું હતું એમ કે, 14 માર્ચના રોજ ન્યાયાધીશ યશવંત વર્માના દિલ્હી સ્થિત ઘર તુઘલક ક્રેસેન્ટમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડના જવાન જ્યારે વર્માના ઘરના બહારના ભાગમાં આવેલા સ્ટોર રૂમમાં આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે ત્યાં ખૂબ મોટી સંખ્યામાં રોકડ મળી. કેટલાક અહેવાલ મુજબ આ રોકડ અંદાજે 15 કરોડની હતી. આ તમામ રોકડ કોથળામાં ભરીને રાખવામાં આવી હતી અને આગ દરમિયાન તેમાંથી થોડી ચલણી નોટો બળી પણ ગઈ હતી. આ પૂરી ઘટના બની ત્યારે ન્યાયાધીશ વર્મા ભોપાલમાં હતા અને તેમણે આ રોકડ વિશે કશુંય ન જાણવાનો દાવો કર્યો. તેમણે એમ પણ કહ્યું કે, પોતાના ઘરથી સ્ટોરરૂમનો હિસ્સો ‘બિલકુલ અલગ’ છે. ઉપરાંત તેમાં કોઈ પણ અવરજવર કરી શકે છે. ન્યાયાધીશ યશવંત વર્માના આ સ્પષ્ટીકરણ પછી પણ તેમના પર શંકા દૂર થઈ નથી. સુપ્રીમ કોર્ટ આ મુદ્દે પ્રવેશી છે અને ત્રણ સભ્યની એક સમિતિ બનાવી, તપાસના આદેશ આપવામાં આવ્યા છે. અને હાલ પૂરતા ન્યાયાધીશ વર્માને અલ્હાહાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમને ન્યાય સંબંધિત કામોથી દૂર કરવામાં આવ્યા છે.
હાઈકોર્ટના ન્યાયાધીશોના ભ્રષ્ટાચારોના કિસ્સાઓની કોઈ કમી નથી. ન્યાયાધીશ S.N.શુકલા પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. ન્યાયાધીશ S.N.શુકલા જ્યારે અલ્હાહાબાદ હાઈકોર્ટમાં હતા ત્યારે તેમની સમક્ષ કાનપુરની ‘પ્રસાદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ’સંલગ્ન એડમિશન પ્રક્રિયાનો એક કેસ આવ્યો હતો. આ મેડિકલ કોલેજ સમાજવાદી પક્ષના નેતા B.P.યાદવની હતી. ‘પ્રસાદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ’માં પૂરતી સુવિધા છે કે નહીં તે અંગે જ્યારે મેડિકલ કોલેજનું સંચાલન કરતી સંસ્થા ‘મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા’એ તપાસ કરી તો કોલેજ કોઈ પણ બાબતે માપદંડ પર ખરી ઉતરતી નહોતી. એટલે ‘પ્રસાદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ’ સમેત દેશની અન્ય 46 મેડિકલ કોલેજોના પ્રવેશ પ્રક્રિયા અટકાવી દેવામાં આવી.આ ચૂકાદો આવ્યો એટલે પૂરા દેશમાં તે અંગે હોબાળો મચ્યો અને S.N.શુકલાએ આ ચૂકાદાની ટીકા થવા માંડી. આ પ્રકરણને સુપ્રીમ કોર્ટે હાથમાં લીધું અને તે વિશે તપાસના આદેશ આપ્યા. સુપ્રીમ કોર્ટની અનુમતિથી સીબીઆઈ પણ તપાસમાં પ્રવેશી. CBI આ પ્રકરણમાં મોટી રકમની આપલે થઈ છે તેવા પુરાવા લઈ આવી. સુપ્રીમ કોર્ટે પણ તપાસ સમિતિ નીમી અને તે તપાસમાં S.N.શુકલા વિરુદ્ધ પુરાવા પણ મળ્યા. 2018માં સુપ્રીમ કોર્ટના તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાએ ન્યાયાધીશ S.N.શુકલાને રાજીનામું આપવાની અથવા તો VRS લેવા અંગે જણાવ્યું હતું, પરંતુ ન્યાયાધીશ શુકલા રજા પર જતા રહ્યા અને ત્રણ વર્ષ સુધી કોઈ કામ કર્યા વિના તેઓ મસમોટો પગાર લેતા રહ્યા. આ તમામ ન્યાયાધીશો પર ગંભીર આરોપો લાગ્યા હતા. આમાં અન્ય નામો પણ ઉમેરી શકાય. બધા જ ન્યાયાધીશો એવા નથી તેમ છતાં માર્ચ-2025 સુધી જે માહિતી પ્રકાશમાં આવી છે તેમાં સુપ્રીમ અને હાઈકોર્ટના 1100 ન્યાયાધીશો પૈકી માત્ર 98 ન્યાયાધીશોએ જ પોતાની સંપત્તિને જાહેર કરી છે! આ રીતે ન્યાય તોળનારાઓના જ ખાટલે ખોડ છે. તેમ છતાં ન્યાયાધીશો વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નથી અને તેમના પર ઝડપથી કેસ પણ દર્જ થતો નથી. આવું કેમ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, ન્યાયાધીશો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવી હોય તો તેમાં પ્રથમ વિકલ્પ છે કે સુપ્રીમ કોર્ટ કાર્યવાહી કરે. જેમાં ન્યાયાધીશનું રાજીનામું લેવામાં આવે અથવા તો તેમને ન્યાયિક કાર્યોથી મુક્ત કરી દેવામાં આવે. હાલમાં ન્યાયાધીશ યશવંત વર્માના કિસ્સામાં સુપ્રીમ કોર્ટે આ જ કાર્યવાહી કરી છે.
બીજો વિકલ્પ છે કે ન્યાયાધીશના આરોપો સાબિત થાય તો સંસદમાં તેમના પર મહાભિયોગ થાય અને પદ પરથી દૂર કરવામાં આવે. જોકે જ્યારે કોઈ પણ હાઈકોર્ટના ન્યાયાધીશ વિરુદ્ધ ફરિયાદ આવે તો તેને પ્રથમ રાષ્ટ્રપતિ, સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવામાં આવે છે. જો આરોપ ગંભીર હોય તો ન્યાયાધીશોએ તેનો જવાબ આપવાનો થાય. અને તેમનો જવાબ સંતોષકારક હોય તો પ્રકરણ બંધ કરી દેવામાં આવે છે. આ રીતે અનેક ન્યાયાધીશો ખોટું કર્યા છતાં બચી નીકળ્યા હોય તેવા કિસ્સા છે. ન્યાયાધીશો પર જ્યારે તપાસ નિમાય ત્યારે બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને એક ન્યાયાધીશ અનૌપચારિક રીતે તપાસ કરે છે. તેમાં આરોપી ન્યાયાધીશ પણ સહભાગી થઈ શકે. પરંતુ તેમાં કોઈ વકીલની હાજરીની કે ઊલટતપાસની જોગવાઈ નથી. અને જો આરોપોમાં કશુંક પુરાવા મળે તો પહેલાં તો ન્યાયાધીશને રાજીનામું આપવાની જ સલાહ આપવામાં આવે છે. ન્યાયાધીશ જો રાજીનામું ન આપે તો દેશના મુખ્ય ન્યાયાધીશ આરોપી ન્યાયાધીશ પર મહાભિયોગનું સૂચન કરી શકે. આરોપો ગંભીર ન હોય તો તપાસ સમિતિનો અહેવાલ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને સુપરત કરી દેવામાં આવે છે. જોકે આવા અહેવાલ મહદંશે ગુપ્ત રહે છે અને તેથી ન્યાયાધીશો કોઈ નૈતિક દબાણમાં પણ નથી આવતાં અને તેમની કાર્યશૈલી બદલ્યા વિના પોતાનો કાર્યકાળ પૂરો કરે છે. 2022માં કેન્દ્રિય કાયદા મંત્રી દ્વારા સંસદમાં એવી માહિતી આપવામાં આવી હતી કે 2017થી 2021 સુધી ન્યાયિક ભ્રષ્ટાચારની 1631 ફરિયાદો મળી હતી, જે તમામ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને મોકલી દેવામાં આવી છે. આવા કિસ્સામાં કોઈ કાર્યવાહી થતી નથી તેનો એક ઉલ્લેખ ‘ધ સ્ક્રોલ’ ન્યૂઝ નામની વેબસાઈટ પર આપવામાં આવ્યો છે, જે મુજબ અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ શેખર કુમારે હાઈકોર્ટમાં યોજાયેલા વિશ્વ હિંદુ પરિષદના એક કાર્યક્રમમાં એવી ટિપ્પણી કરી હતી કે મુસ્લિમો દેશ માટે નુકસાનકારક છે. તે ઘટના પછી પણ ન્યાયાધીશ શેખર કુમાર હજુ પણ હાઈકોર્ટમાં બરકરાર છે. ન્યાયાધીશો પર મહાભિયોગની જોગવાઈ હોવા છતાં તેનો અમલ થયો નથી. 1993માં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ વી. રામાસ્વામી પ્રથમ વાર મહાભિયોગની કાર્યવાહી શરૂ જરૂર થઈ હતી, પરંતુ સંસદમાં તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પૂરતા મત નહોતા મળ્યા.
સંસદના સ્પીકર દ્વારા ન્યાયિક સમિતિ ઘડીને ન્યાયાધીશ વી. રામાસ્વામી પરના કુલ 14 આરોપોમાંથી 11 પુરવાર થયા છતાં તેમના પર મહાભિયોગ ન થઈ શક્યો. આખરે તેમને પદ પરથી દૂર ન કરી શકાયા. ન્યાયાધીશો તેમના પાયાના ગુણો ગુમાવી રહ્યા છે અને તેનાથી પ્રજામાં ન્યાયાધીશ અને ન્યાયપ્રક્રિયાને લઈને અવિશ્વાસ જન્મ્યો છે. આવી ઘટનાઓનો અંત દેખાતો નથી.

