Columns

કુંભ મેળામાં સ્નાન કરનારાં શ્રદ્ધાળુઓને હૃદયરોગના આંચકાઓ કેમ આવે છે?

આજકાલ કરોડો લોકો તેમની શ્રદ્ધા સાથે મહાકુંભ મેળામાં પહોંચી રહ્યાં છે. જાન્યુઆરીની કડકડતી ઠંડી પણ તેમને સંગમનાં પાણીમાં ડૂબકી મારતાં રોકી રહી નથી, પરંતુ શરીરની પોતાની મર્યાદા હોય છે, જેની અવગણના કરવી ખતરનાક બની શકે છે. આ ઉપરાંત ઠંડા પાણીમાં ડૂબકી મારવાની ખોટી રીત આ જોખમને વધારે છે. આ ભૂલ હાર્ટ એટેક અને અચાનક મૃત્યુનું કારણ પણ બની શકે છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર જૂથ)ના નેતા મહેશ કોઠેનું થોડા દિવસો પહેલાં હાર્ટ એટેકથી અવસાન થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ સંગમમાં ડૂબકી લગાવી રહ્યા હતા. મિડિયામાં નોંધાયેલો આ એકમાત્ર કેસ નથી. હેવાલો મુજબ મહાકુંભમાં ત્રિવેણી સ્નાન કર્યા બાદ ઘણાં લોકોને હાર્ટ એટેક આવ્યો હતો, જેમાંથી કેટલાંક લોકોએ જીવ ગુમાવ્યા હતા અને કેટલાંક લોકોનો બચાવ થયો હતો. આ પીડિતોમાં સામાન્ય લોકો ઉપરાંત સંન્યાસીઓ પણ હતા.

શિયાળાનું ઠંડું હવામાન અને નદીનું ઠંડું પાણી રક્તવાહિનીઓને સંકુચિત કરે છે. ઠંડી આબોહવામાં લોકો જે રીતે નદીનાં પાણીમાં ડૂબકી મારી રહ્યા છે તે પણ ખોટું છે. નહાતાં લોકોમાં ઘણાં હૃદયરોગનાં દર્દીઓ હશે. સૌથી મોટી વાત એ છે કે કેટલાક હાર્ટ એટેક સાયલન્ટ હોય છે, જે કોઈ પ્રાથમિક લક્ષણો આપ્યા વગર અચાનક આવે છે. તેથી, તમે હાર્ટ પેશન્ટ હો કે ન હો, શિયાળામાં ઠંડા પાણીથી સ્નાન કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

પહેલી વાત એ કે નહાવાનું પાણી વધારે ઠંડુ ન હોવું જોઈએ. અમેરિકન હાર્ટ એસોસીએશને નેશનલ સેન્ટર ફોર કોલ્ડ વોટર સેફ્ટીને ટાંકીને જણાવ્યું છે કે ૫૦ થી ૬૦ ડિગ્રી ફેરનહીટ નીચેના પાણીમાં અચાનક પ્રવેશ એક મિનિટ કરતાં પણ ઓછા સમયમાં મૃત્યુ કરી શકે છે. આનો અર્થ એ છે કે ૧૦ થી ૧૫ ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ ઠંડાં પાણીમાં ડૂબકી મારવી તંદુરસ્ત વ્યક્તિ માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે. ઠંડું પાણી શરીર પર પડવાથી આંચકો લાગે છે. જ્યારે કોઈ વ્યક્તિ પાણીની અંદર અચાનક પ્રવેશ કરે છે, ત્યારે ઠંડા આંચકા ગંભીર હોઈ શકે છે. અચાનક હૃદયના ધબકારા અને શ્વાસ ઝડપી બને છે, બ્લડ પ્રેશર વધવા લાગે છે અને હૃદય પર ઘણું દબાણ આવે છે.

અમેરિકન મેડિકલ એસોસિયેશનના ડૉ. જોર્જ પ્લુત્સ્કીએ કહ્યું કે કોઈ પણ વૃદ્ધ માણસે કે હૃદયરોગના દર્દીએ અચાનક જરૂર કરતાં વધુ ઠંડા પાણીમાં સ્નાન કરવું જોઈએ નહીં. જે લોકો બીટા બ્લૉકર જેવી હાર્ટ દવાઓ લેતા હોય તેમના માટે તે વધુ નુકસાનકારક હોઈ શકે છે, કારણ કે આવી દવાઓ તેમના બ્લડ પ્રેશર, હૃદયના ધબકારા ઘટાડે છે અને શરીરને ઠંડા આંચકા સામે લડવા માટે વધુ મહેનત કરવી પડે છે. ઘણી વાર લોકો સીધા ઠંડાં પાણીમાં જાય છે. કેટલાંક લોકો કપડાં પહેરીને પ્રવેશ કરે છે અને આ વધુ જોખમી બની શકે છે. આયુર્વેદ અનુસાર સ્નાન કરતાં પહેલાં પગને પાણીમાં પલાળવા જોઈએ. પછી પેટ, છાતી અને અંતે માથું પાણીના સંપર્કમાં લાવો. ડૉ. પ્લુટ્ઝકી કહે છે કે પ્રથમ તબક્કે ગરદનના પાછળના ભાગમાં ઠંડુ પાણી રેડવું જોઈએ. આ સ્થાન પર એક ન્યુરોલોજીકલ સિસ્ટમ હોય છે, જે શરીરને ઠંડા આંચકા માટે તૈયાર કરે છે.

જો તમે વૃદ્ધ છો અથવા હૃદયના દર્દી છો અને સ્નાન કરવા માંગો છો, તો તેની તૈયારી ઘણા દિવસો પહેલાંથી શરૂ કરો. શરદીની શરૂઆત સાથે, ધીમે ધીમે ઠંડા પાણીથી નહાવાની આદત કેળવો. ડૂબકી મારતાં પહેલાં થોડી વાર ઠંડી હવામાં શ્વાસ લો અને ધીમે ધીમે તમારાં કપડાં ઓછાં કરો. ડૂબકી મારવાને બદલે, તમે સ્નાન માટે થોડું પાણી ઉમેરી શકો છો. અમેરિકન મેડિકલ એસોસિયેશન અનુસાર, ઠંડા પાણીમાં જવાની પ્રથમ ૧૦ સેકન્ડથી ૧ મિનિટ સુધીનો સમય જોખમી છે. તમારા શ્વાસને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરો અને કોઈ પણ સમસ્યાના કિસ્સામાં, તરત જ પાણીમાંથી બહાર આવો. તમારા શરીરને સુકાવો, ગરમ કપડાં પહેરો અને આગ અથવા ગરમ વાતાવરણમાં જાઓ. જો તમને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, ભારેપણું, ઝડપી ધબકારા જેવી સમસ્યાઓ હોય તો સ્નાન કરતાં પહેલાં કોઈ પણ ડૉક્ટર પાસે તપાસ કરાવો.

કુંભ મેળામાં સ્નાન કરવાથી જળપ્રદૂષણનો ભોગ પણ બની શકાય છે. કુંભ મેળો શરૂ થઈ ગયો છે તો પણ યમુના અને ગંગા નદીઓમાં કચરો જોવા મળી રહ્યો છે. ત્રિવેણી સંગમ ઘાટ પર ભક્તો ફૂલો અને અન્ય પૂજા-સામગ્રી બેધડક નદીમાં પધરાવી રહ્યાં છે. સ્વચ્છતા કર્મચારીઓ નદીની સફાઈ કરતાં જોવા મળી રહ્યાં છે. કચરો નદીમાં ન જાય તે માટે સાવચેતી રાખવામાં આવી રહી છે. નદીની સ્વચ્છતા અંગે NGTના નિર્દેશો અનુસાર તમામ પગલાં લેવામાં આવી રહ્યાં છે. ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય મંત્રી કેશવપ્રસાદ મૌર્યે સ્પષ્ટતા કરી કે સ્વચ્છતા માટે તમામ પગલાં લેવામાં આવી રહ્યાં છે. ઉત્તર પ્રદેશ સરકારે વધારાના દોઢ લાખ શૌચાલયો બનાવ્યાં છે, પણ તેનાં ગંદાં પાણીના નિકાલની કે તેનું શુદ્ધિકરણ કરવાની કોઈ કાર્યક્ષમ યોજના અસ્તિત્વમાં ન હોવાથી કરોડો ભક્તોને ગંગા અને યમુનાનાં ગંદાં પાણીમાં ડૂબકી મારવાની ફરજ પડી રહી છે.

મહાકુંભના ઇતિહાસ વિશે બહુ માહિતી નથી, પરંતુ કેટલાક ગ્રંથોમાં કુંભ મેળો ૮૫૦ વર્ષથી વધુ જૂનો હોવાની માહિતી આપવામાં આવી છે. આદિ શંકરાચાર્યે મહાકુંભની શરૂઆત કરી હતી. કેટલીક કથાઓમાં ઉલ્લેખ છે કે મહાકુંભ મેળાનું આયોજન સમુદ્રમંથન બાદથી થતું આવે છે. કેટલાક ઇતિહાસકારો કહે છે કે તેની શરૂઆત ગુપ્તકાળના શાસન દરમિયાન થઈ હતી. જો કે, કુંભમેળાના પુરાવા સમ્રાટ હર્ષવર્ધનના શાસનકાળથી મળે છે. આ પછી શંકરાચાર્ય અને તેમના શિષ્યોએ સંગમ કિનારે સન્યાસી અખાડાઓ માટે શાહી સ્નાનની વ્યવસ્થા કરી હતી. બૌદ્ધ ધર્મના અનુયાયીઓના દાવા મુજબ તેમના આચાર્યો દ્વારા કુંભ મેળો શરૂ કરાયો હતો.

પ્રયાગરાજમાં યોજાતો મહાકુંભ મેળો વધુ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે અહીં ત્રણ પવિત્ર નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીનો સંગમ થાય છે. સરસ્વતી નદી આજે લુપ્ત થઈ ગઈ હોવા છતાં, તે હજુ પણ સપાટી નીચે ભૂગર્ભમાં વહે છે. એવું માનવામાં આવે છે કે જે કોઈ આ ત્રણ નદીઓના સંગમ પર શાહી સ્નાન કરે છે, તેમને મોક્ષ જલદી મળે છે. સંગમ કિનારા ખાસ કરીને મહાકુંભ દરમિયાન શાહી સ્નાન માટે જાણીતા છે. કુંભ મેળા દરમિયાન આધ્યાત્મિક જ્ઞાનની સાથે, સાંસ્કૃતિક અને સામાજિક સંવાદિતાનું પણ આદાન-પ્રદાન થાય છે. પ્રયાગરાજમાં આ કાર્યક્રમ દરમિયાન, સંતો, ઋષિઓ અને યોગીઓના ધ્યાન અને સાધના માટે ખાસ સમય હોય છે.

જ્યારે ૧૨ પૂર્ણ કુંભ પૂરા થાય છે ત્યારે મહાકુંભનું આયોજન થાય છે. તેથી ૧૪૪ (૧૨×૧૨) વર્ષ પછી મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ અર્ધ કુંભ વર્ષ ૨૦૧૯માં અને પૂર્ણ કુંભ મેળો વર્ષ ૨૦૧૩માં યોજાયો હતો. હકીકતમાં ગુરુ ગ્રહને સૂર્યની આસપાસ એક પરિક્રમા પૂર્ણ કરવામાં લગભગ ૧૨ વર્ષ લાગે છે. તેથી દર ૧૨ વર્ષે કુંભ મેળાનું સ્થાન નક્કી કરવામાં આ ગ્રહની ખાસ ભૂમિકા છે. આ ઉપરાંત એવું માનવામાં આવે છે કે ગ્રહોની સ્થિતિ અને તેમની રાશિમાં ફેરફારને કારણે, નદીઓ પણ દર ૧૨ વર્ષે પોતાનો કાયાકલ્પ કરે છે, જેના કારણે તેનું પાણી અમૃત જેવું બની જાય છે, તેથી કુંભ ૧૨ વર્ષના સમયગાળા પર અલગ અલગ સ્થળોએ ઉજવવામાં આવે છે.

કુંભ મેળાનું એક ચક્ર છે, જે હરિદ્વારના કુંભ મેળાથી શરૂ થાય છે. કુંભ દર ત્રણ વર્ષે યોજવામાં આવે છે, જે વારાફરતી અલગ અલગ ૪ જગ્યાએ યોજાય છે. જેમાં હરિદ્વાર, પ્રયાગ, ઉજ્જૈન અને નાસિક છે. જ્યારે નાસિકમાં કુંભ મેળાનું આયોજન થાય છે, ત્યારે ગુરુ સિંહ રાશિમાં પ્રવેશ કરે છે અને સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે છે. આને સિંહસ્થ કુંભ કહેવાય છે. ગ્રહોની આવી સ્થિતિ ૧૨ વર્ષે એક વાર થાય છે. ભારતના કુંભ મેળાનો સંબંધ જ્યોતિષચક્ર ઉપરાંત ઋતુચક્ર સાથે પણ હોવાથી કુંભ મેળાનો ઉપયોગ આરોગ્યને સુધારવા માટે પણ કરી શકાય તેમ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top