World

ટ્રમ્પે પાકિસ્તાની આર્મી ચીફ આસીમ મુનીરને કેમ લંચ પર બોલાવ્યા?, બંને વચ્ચે શું વાતો થઈ, વિગતો બહાર આવી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે બુધવારે તા. 18 જૂનની બપોરે વ્હાઈટ હાઉસમાં લંચ માટે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરને આમંત્રણ આપ્યું હતું. આ સાથે જ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ સંઘર્ષને રોકવામાં મુનીરની ભૂમિકાની પ્રશંસા કરી હતી.

ટ્રમ્પે લંચ મિટીંગમાં કહ્યું કે, મે તેમણે અહીં એટલા માટે બોલાવ્યા છે કારણ હું તેમને યુદ્ધ રોકી દેવા માટે તેમનો આભાર માનવા માંગુ છું.

આ પહેલી એવી ઘટના હતી જ્યારે કોઈ અમેરિકી પ્રેસિડેન્ટે વ્હાઈટ હાઉસમાં લંચ પર પાકિસ્તાનના આર્મી ચીફને આમંત્રણ આપ્યું હોય. મુનીર સાથે આ લંચ મિટીંગમાં પાકિસ્તાનના અન્ય કોઈ અધિકારી સામેલ નહોતા.

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતા તણાવ દરમિયાન આ બેઠક થઈ છે, જેમાં ટ્રમ્પ વોંશિગ્ટનની સંભવિત ભાગીદારી શોધી રહ્યાં છે. ઈસ્લામાબાદ તહેરાન સાથે પોતાના ઘનિષ્ઠ સંબંધો માટે ઓળખાય છે.

અમેરિકી પ્રેસિડેન્ટ ટ્રમ્પે મીડિયાને કહ્યું કે, તેઓએ પાછલા મહિને ભારત સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટે મુનિરનો આભાર માન્યો છે. ટ્રમ્પે વધુમાં કહ્યું કે, આ મામલે મેં બુધવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ પ્રશંસા કરી છે. તેમની સાથે ફોન પર વાત કરી હતી. ટ્રમ્પે કહ્યું કે બે ખૂબ જ સ્માર્ટ નેતાઓએ આ યુદ્ધને આગળ ન વધારવાનો નિર્ણય કર્યો. કારણ કે તે પરમાણુ યુદ્ધ બનવાનું જોખમ હતું.

ચાર દિવસ સુધી બોર્ડર પર ડ્રોન અને મિસાઈલ હુમલા પછી ભારત અને પાકિસ્તાને તા. 10 મેના રોજ સંઘર્ષ અટકાવવાનો નિર્ણય લીધો હતો.

અમેરિકી પ્રેસિડેન્ટ ટ્રમ્પે કહ્યું કે, શ્રીમાન મુનીરને મળીને હું સન્માનની લાગણી અનુભવુ છું. અમે બંનેએ ઈરાન વિશે ચર્ચા કરી. જેના વિશે તેમણે (મુનીર) કહ્યું કે, પાકિસ્તાન સૌથી સારી રીતે જાણે છે. તે (પાકિસ્તાની નેતૃત્વ) ઈરાનને ખૂબ સારી રીતે ઓળખે છે, સૌથી સારી રીતે. તેઓ કોઈ પણ વાતથી ખુશ નથી. એવું નથી કે ઈઝરાયલ સાથે ખરાબ છે. ખરેખર હું તે બંનેને જાણું છું. પરંતુ તેઓ કદાચ, કદાચ ઈરાનને વધુ સારી રીતે જાણે છે. પરંતુ તે જોઈ રહ્યાં છે કે શું થઈ રહ્યું છે અને તેઓ મારી સાથે સહમત છે.

પાકિસ્તાને ઈરાન વિરુદ્ધ ઈઝરાયલના હવાઈ હુમલાની નિંદા કરતા કહ્યું કે આ આંતરરાષ્ટ્રીય કાનૂનનું ઉલ્લંઘન છે અને ક્ષેત્રીય સ્થિરતા માટે જોખમી છે. વ્હાઈટ હાઉસના કેબિનેટ રૂમમાં લંચ દરમિયાન એક કલાકથી વધુ સમય બેઠક ચાલી હતી. આ બેઠકમાં પાકિસ્તાની સેનાના પ્રમુખની સાથે આઈએસઆઈ પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ અસીમ મલિક પણ સામેલ હતા.

આ અગાઉ જ્યારે તેમને પૂછ્યું કે શ્રીમાન મુનીર સાથે મુલાકાતથી તેઓ શું ઈચ્છે છે, તો અમેરિકી પ્રેસિડેન્ટે કહ્યું કે, મેં એક યુદ્ધ રોક્યું. હું પાકિસ્તાનને પ્રેમ કરું છું. મને લાગે છે કે મોદી એક શાનદાર વ્યક્તિ છે. મેં તેમની સાથે કાલે રાતે વાત કરી હતી. અમે ભારતના મોદી સાથે એક ટ્રેડ ડીલ કરવા જઈ રહ્યાં છે.

આ અગાઉ બુધવારે મોદી અને ટ્રમ્પ વચ્ચે 35 મિનિટ સુધી ફોન પર વાતચીત થઈ હતી. મુખ્યત્વે ઓપરેશન સિંદૂર પર ચર્ચા થઈ હતી, જેમાં એપ્રિલમાં પહેલગામમાં આતંકી હુમલાના જવાબમાં ભારતે મે મહિનામાં ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હોવાનો ઉલ્લેખ મોદીએ કર્યો હતો. આ વાતચીત બાદ પીએમ મોદીએ ટ્રમ્પને સ્પષ્ટ કહ્યું હતું કે ભારત-અમેરિકા વેપાર સમજૂતી અથવા ભારત-પાકિસ્તાન વચ્ચે શાંતિ સ્થાપિત કરવા અમેરિકાની મધ્યસ્થી જેવા મુદ્દે કોઈ જ ચર્ચા થઈ નથી.

Most Popular

To Top