જમ્મુ અને કાશ્મીરના લોકપ્રિય પર્યટન સ્થળ પહેલગામમાં આવેલી બૈસરન ખીણ આતંકવાદી હુમલાને કારણે સમાચારોમાં છવાઈ ગઈ છે, પણ હકીકતમાં તે તેનાં લીલાંછમ ઘાસનાં મેદાનો અને કુદરતી સૌંદર્ય માટે વિખ્યાત છે. કાશ્મીરની પીર પંજાલ પર્વતમાળામાં સ્થિત બૈસરન ખીણ અનંતનાગ જિલ્લાના પહેલગામથી લગભગ પાંચથી છ કિલોમીટર દૂર છે. બૈસરન સમુદ્ર સપાટીથી ૭,૫૦૦ ફૂટની ઊંચાઈ પર આવેલું છે.
આ સુંદર ખીણ લીલાછમ ઘાસનું એક મોટું મેદાન છે. તેની આસપાસ પાઈન અને દેવદારનાં ગાઢ જંગલો છે. જંગલોની પેલે પાર ઊંચા બરફથી ઢંકાયેલાં પર્વત શિખરો દૃશ્યને વધુ મનમોહક બનાવે છે. ઉનાળામાં આ ખુલ્લું મેદાન ઘાસ અને જંગલી ફૂલોના છોડથી ભરેલું હોય છે. શિયાળામાં તે બરફની ચાદરથી ઢંકાયેલું હોય છે. કદાચ આ જ કારણ છે કે આ ખીણ પ્રવાસીઓમાં મીની સ્વિટ્ઝર્લેન્ડ તરીકે લોકપ્રિય છે.

અહીં પ્રકૃતિનો નજારો એટલો મનમોહક છે કે અહીં આવતાં પ્રવાસીઓને એક અલગ જ પ્રકારની શાંતિનો અનુભવ થાય છે. સૌથી નજીકનું વસ્તી ધરાવતું શહેર પહેલગામ છે. અહીં આવતાં પ્રવાસીઓ પહેલગામમાં રહે છે. પછી લોકો દિવસ દરમિયાન અહીં પિકનિકનો આનંદ માણવા આવે છે. પહેલગામ આવતાં પ્રવાસીઓ હંમેશા બૈસરન જવા માટે ઉત્સુક હોય છે. પહેલગામના મુખ્ય બજારમાંથી ઘણા રસ્તાઓ બૈસરન તરફ જાય છે. સામાન્ય રીતે પ્રવાસીઓ પહેલગામથી ખચ્ચર અથવા ઘોડા લઈને બૈસરન પહોંચે છે. કેટલાંક લોકો પગપાળા પણ જાય છે.
પહેલગામથી બૈસરન ખીણ સુધી કોઈ પાકો રસ્તો નથી. અહીં પહોંચવા માટે ઉબડખાબડ અને કાચા રસ્તાઓ છે. આ રસ્તાઓ દેવદાર અને પાઈન વૃક્ષોમાંથી પસાર થાય છે. પ્રવાસીઓ માટે બૈસરન પહોંચવું એ એક રોમાંચક અનુભવ છે. જ્યારે આ માર્ગો બૈસરન પર અટકે છે, ત્યારે પ્રવાસીઓને મુલાયમ ઘાસથી ભરેલો લહેરાતો ઉચ્ચ પ્રદેશ દેખાય છે. જો તમે તેના ઢોળાવ પરથી ઉપર જુઓ તો તમને જંગલની પેલે પાર બરફથી ઢંકાયેલાં પર્વતનાં શિખરો દેખાશે. આ કુદરતી સૌંદર્યે ભારતના પર્યટન નકશા પર બૈસરનને મહત્ત્વપૂર્ણ સ્થાન આપ્યું છે. ઉનાળામાં અહીંનું તાપમાન ૧૫ થી ૨૫ ડિગ્રી સુધી હોય છે અને શિયાળામાં તાપમાન શૂન્યથી નીચે જાય છે.
સેટેલાઇટ છબીઓમાં જોવામાં આવે ત્યારે બૈસરન વૃક્ષો અને બરફથી ઘેરાયેલા સપાટ મેદાન જેવું લાગે છે. તેની વાસ્તવિક રચના કુદરતી ગોલ્ફ કોર્સ જેવી છે. નજીકના કોલાહી ગ્લેશિયરમાંથી નીકળતી લિડર નદી પહેલગામ અને આસપાસના વિસ્તારોમાંથી પસાર થાય છે. તેમાંથી નીકળતી નાની પર્વતીય નદીઓ આ ખીણના સમગ્ર દૃશ્યને વધુ સુંદર બનાવે છે. બૈસરન બહારની દુનિયાના ઘોંઘાટથી અલગ છે. તે ટ્રેકર્સ માટે પણ એક પ્રિય સ્થળ છે. લોકોને અહીં ફોટા પાડવાનું ગમે છે.
દરરોજ બે થી ત્રણ હજાર વિદેશી પ્રવાસીઓ પહેલગામ આવે છે અને તેમાંથી ૯૦ ટકાથી વધુ બૈસરનની મુલાકાત લે છે. પ્રવાસીઓને ઘોડા દ્વારા પહેલગામથી બૈસરન પહોંચવામાં દોઢથી બે કલાક લાગે છે. આ ટ્રેક પગપાળા પૂર્ણ કરવામાં બે થી ત્રણ કલાક લાગે છે. ૨૨ એપ્રિલે જ્યારે ઉગ્રવાદીઓએ હુમલો કર્યો ત્યારે સુરક્ષા દળોને અહીં પહોંચવામાં લગભગ વીસ મિનિટ લાગી હતી. ઘાયલો અને મૃતકોને હેલિકોપ્ટર અને ઘોડાઓ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. બૈસરનનો સૌથી નજીકનો રોડ શ્રીનગર – પહેલગામ હાઇ વે છે. શ્રીનગર પહેલગામથી લગભગ ૯૦ કિલોમીટર દૂર છે. આ મુસાફરીમાં બે થી ત્રણ કલાકનો સમય લાગે છે.
કાશ્મીરની સુંદર ખીણમાંથી પસાર થતો આ હાઇ વે પ્રવાસીઓની અવરજવર અને પહેલગામ વિસ્તારમાં પહોંચવા માટે મહત્ત્વપૂર્ણ છે. તે અનંતનાગ અને બિજબેહરા જેવાં શહેરોમાંથી પસાર થાય છે. પહેલગામની બીજી બાજુ બેતાબ ખીણ છે. ૧૯૮૩માં બોલિવૂડ ફિલ્મ બેતાબ રિલીઝ થયા પછી આ વિસ્તાર પ્રખ્યાત બન્યો હતો. આ કારણે તેનું નામ બેતાબ વેલી રાખવામાં આવ્યું છે. ૧૯૭૦ના દાયકાથી પહેલગામની આસપાસની ખીણોમાં ફિલ્મોનું શૂટિંગ થઈ રહ્યું છે. સલમાન ખાનની પ્રખ્યાત ફિલ્મ બજરંગી ભાઈજાનનો ક્લાઈમેક્સનો સીન બૈસરન ખીણમાં શૂટ કરવામાં આવ્યો હતો.
૨૦૧૪ માં આવેલી હૈદર ફિલ્મનાં ઘણાં દૃશ્યો બરફથી ઢંકાયેલી પહેલગામ ખીણમાં શૂટ કરવામાં આવ્યાં હતાં. આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ હાઈ વેમાં નજીકની અરુ ખીણનાં દૃશ્યો દર્શાવવામાં આવ્યાં છે. પહેલગામની સુંદરતા સિનેમા સ્ક્રીન અને ટી.વી. સ્ક્રીન દ્વારા લોકોને અહીં આવવા માટે આકર્ષિત કરી રહી છે. બૈસરનમાં આ હુમલો એવા સમયે થયો છે જ્યારે અમરનાથ યાત્રાની તૈયારીઓ ચાલી રહી છે. આ વર્ષે અમરનાથ યાત્રા ૩ જુલાઈથી શરૂ થશે. આ યાત્રા માટે વિસ્તારમાં ભારે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
હિન્દુ ધર્મના સૌથી અગ્રણી ધાર્મિક યાત્રાધામોમાંના એક અમરનાથની યાત્રામાં પણ પહેલગામ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભગવાન શિવ સાથે સંકળાયેલાં મહત્ત્વપૂર્ણ સ્થળોમાંના એક અમરનાથ ગુફાની યાત્રા સનાતન ધર્મમાં મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. દર વર્ષે થતી અમરનાથ યાત્રામાં અમરનાથની ગુફા તરફ જતા ઘણા રસ્તાઓમાંથી એક રસ્તો પહેલગામમાંથી પસાર થાય છે. ઘણાં શ્રદ્ધાળુઓ અમરનાથના બેઝ કેમ્પ તરીકે પહેલગામનો ઉપયોગ કરે છે.
જો કે આ પહેલાં પણ જમ્મુ અને કાશ્મીરમાં મોટા આતંકવાદી હુમલા થઈ ચૂક્યા છે. ૨૦૦૦માં નુવાન બેઝ કેમ્પ પર થયેલા હુમલામાં ઓછામાં ઓછાં ૩૨ લોકો માર્યા ગયાં હતાં. તે જ સમયે ૨૦૦૨માં ચંદનબારી બેઝ કેમ્પ પર થયેલા હુમલામાં ૧૧ લોકો માર્યા ગયાં હતાં. ૨૦૧૭ માં કુલગામમાં યાત્રાળુઓને લઈ જતી બસ પર હુમલો થયો હતો. આ હુમલામાં ઓછામાં ઓછાં આઠ લોકો માર્યા ગયાં હતાં. આ હુમલાએ પ્રવાસીઓના આત્મવિશ્વાસને હચમચાવી નાખ્યો છે. સહેલ કરવા આવેલાં લોકો જમ્મુ અને કાશ્મીર છોડીને જઈ રહ્યાં છે. હવે જોવાનું એ રહે છે કે આ ભયાનક ઘટના પછી બૈસરનની આ સુંદર ખીણ ક્યારે ફરી પ્રવાસીઓથી ધમધમતી બનશે.
બ્રિટિશ મેગેઝિન ધ ઇકોનોમિસ્ટે તેના એક અહેવાલમાં લખ્યું છે કે ભારતીય સેનાના ભૂતપૂર્વ અધિકારીઓ માને છે કે આ હુમલાના કાવતરાખોરો આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન કાશ્મીર તરફ ખેંચવા માંગતા હતા. એટલા માટે આ હુમલો ત્યારે કરવામાં આવ્યો જ્યારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે હતા અને વડા પ્રધાન મોદી સાઉદી અરેબિયાની મુલાકાતે હતા.
તેઓ એમ પણ કહે છે કે આ હુમલો કાશ્મીરના પ્રવાસન ઉદ્યોગને નબળો પાડવા માટે કરવામાં આવ્યો હતો. અગાઉ જૂન ૨૦૨૪ માં હિન્દુ યાત્રાળુઓને લઈ જતી બસ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો ત્યારે થયો જ્યારે પાકિસ્તાનના સેના પ્રમુખે હિન્દુઓ વિરુદ્ધ નફરતભર્યું ભાષણ આપ્યું હતું અને કાશ્મીરને પાકિસ્તાનની ગળાની નસ ગણાવ્યું હતું. હુમલાખોરોનો ઉદ્દેશ સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત કરવાનો અને કાશ્મીર મુદ્દાને ગરમ રાખવાનો હતો. સ્થાનિક અર્થતંત્રને નુકસાન પહોંચાડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પહેલગામમાં આતંકવાદી હુમલો એવા સમયે થયો છે જ્યારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ ભારતની મુલાકાતે છે. અમેરિકન નેતાઓની ભારત મુલાકાત દરમિયાન કાશ્મીરમાં આતંકવાદી હુમલો થયો હોય તેવી આ પહેલી ઘટના નથી. ૨૦ માર્ચ, ૨૦૦૦ ના રોજ, ઉગ્રવાદીઓએ અનંતનાગના ચટ્ટીસિંઘપોરા પર હુમલો કર્યો અને ૩૬ શીખ ગ્રામજનોની હત્યા કરી હતી. આ હુમલો તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનની ભારત મુલાકાતના એક દિવસ પહેલાં થયો હતો. તત્કાલીન વડા પ્રધાન અટલબિહારી વાજપેયીએ આ હુમલાની સખત નિંદા કરી હતી અને તેના માટે પાકિસ્તાનને દોષી ઠેરવ્યો હતો.
બે વર્ષ પછી, ૧૪ મે, ૨૦૦૨ ના રોજ, અમેરિકાના વિદેશ સચિવ ક્રિસ્ટીના રોકાની ભારત મુલાકાત દરમિયાન ઉગ્રવાદીઓએ ફરીથી હુમલો કર્યો હતો. આ વખતે તેઓએ પહેલાં કાશ્મીરના કાલુચકમાં મુસાફરોથી ભરેલી બસ પર હુમલો કર્યો અને પછી આર્મી ફેમિલી ક્વાર્ટર્સને નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં ૨૩ લોકો માર્યા ગયાં હતાં. એવું લાગે છે કે અમેરિકન નેતાઓની ભારત મુલાકાત દરમિયાન કાશ્મીરમાં ઉગ્રવાદી હુમલાઓનો હેતુ કાશ્મીર મુદ્દા પર આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન દોરવાનો છે.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.