મજબૂરીનું બીજું નામ રાજકારણ છે. રાજકારણમાં સત્તા ટકાવી રાખવા માટે ઘણી વખત અણગમતા નિર્ણયો કરવા પડતા હોય છે અને થૂંકેલું પણ ચાટવું પડતું હોય છે. વક્ફ કાનૂન સંશોધન બાબતમાં પોતાનો કક્કો ખરો કરવામાં સફળ રહેલી મોદી સરકારે જાતિગત વસતિગણતરીની વિપક્ષોની માગણી સામે નમતું જોખવું પડ્યું છે. મોદી સરકાર હવે કોરોનાને કારણે કોરાણે મૂકવામાં આવેલી વસ્તી ગણતરી કરશે ત્યારે સાથે જાતિગત વસ્તી ગણતરી પણ કરશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજકીય બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં લેવાયેલા સરકારના આ નિર્ણયની માહિતી આપતાં કહ્યું કે વસ્તી ગણતરી સાથે જાતિઓની ગણતરી પણ કરવામાં આવશે.
પ્રશ્ન એ છે કે અત્યાર સુધી જાતિગત વસ્તી ગણતરીથી દૂર રહેતી મોદી સરકાર તેના માટે શા માટે સંમત થઈ? જાણકારો કહે છે કે બિહારની ચૂંટણીમાં તેનો લાભ લેવા નીતીશકુમારના આગ્રહથી જાતિગત વસ્તી ગણતરીનો નિર્ણય લેવામાં આવ્યો છે. બિહાર અને કર્ણાટક રાજયોની સરકારે પોતાની રીતે જાતિ સર્વેક્ષણો કર્યાં અને જાણવા મળ્યું કે પછાત અને અત્યંત પછાત જાતિઓની વસ્તી કેટલી છે અને તે મુજબ તેઓ રાજકારણમાં કેટલો હિસ્સો રાખી શકે છે. જ્યારે મોદી સરકારે જાતિગત વસ્તી ગણતરી કરાવવાનો ઇનકાર કર્યો ત્યારે વિપક્ષે તેને દેશભરમાં મોટો મુદ્દો બનાવ્યો હતો. હવે મોદી સરકારે મજબૂરીથી જાતિગત વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લેવો પડ્યો છે.
કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ સહિત ઘણા વિપક્ષો દેશમાં જાતિગત વસ્તી ગણતરીની સતત માંગણી કરી રહ્યા છે. ગયા મહિને ગુજરાતમાં બે દિવસીય કોંગ્રેસ પરિષદ દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જાતિ વસ્તી ગણતરીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે દરેક વ્યક્તિએ જાણવું જોઈએ કે દેશમાં કેટલા દલિત, પછાત, આદિવાસી, લઘુમતી અને ગરીબ સામાન્ય વર્ગનાં લોકો છે. ત્યારે જ આપણને ખબર પડશે કે દેશનાં સંસાધનોમાં તેમનો હિસ્સો કેટલો છે. કેન્દ્ર સરકારના જાતિગત વસ્તી ગણતરીના નિર્ણયની જાહેરાત પછી રાહુલ ગાંધીએ તેનો શ્રેય વિરોધ પક્ષોને આપતાં કહ્યું કે જ્યાં સુધી જાતિગત વસ્તી ગણતરી ન થાય ત્યાં સુધી અમે આરામ કરીશું નહીં અને અમે અનામત પર ૫૦ ટકા મર્યાદાની દિવાલ પણ તોડીશું.
ભાજપને ડર હતો કે જો જાતિગત વસ્તી ગણતરી કરવામાં આવશે તો તેના પરિણામે પછાત અને અન્ય પછાત વર્ગોની અનામત બેઠકોની સંખ્યા વધારવી પડશે. આ ડર હવે સાચો સાબિત થઈ રહ્યો છે. મોદી સરકારના જાતિગત વસ્તી ગણતરીના નિર્ણય બાદ રાષ્ટ્રીય જનતા દળના નેતા અને બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યું કે વિરોધી પક્ષોની માંગણી છતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારે જાતિગત વસ્તી ગણતરી કરવાનો ઇનકાર કર્યો હતો. મોદી સરકારના મંત્રીઓ સંસદમાં આ વાતનો ઇનકાર કરી રહ્યા હતા પરંતુ હવે સરકારે અમારો મુદ્દો સ્વીકારવો પડ્યો છે. જ્યારે પરિણામો આવશે, ત્યારે અમારી માંગણી એ રહેશે કે દેશભરમાં વિધાનસભાની ચૂંટણીમાં પછાત અને અત્યંત પછાત વર્ગો માટે વસ્તી જેટલી ભાગીદારી હોવી જોઈએ. હવે અમારી આગામી લડાઈ બેઠકો વધારવા માટે હશે.
ભારતમાં ૧૯૩૧માં જાતિગત વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી. ત્યાર બાદ દેશમાં થયેલી વસ્તી ગણતરીમાં જાતિઓની ગણતરી કરવામાં આવી ન હતી. વસ્તી ગણતરીમાં દલિતો અને આદિવાસીઓની સંખ્યા ગણવામાં આવે છે અને તેમને રાજકીય અનામત પણ મળે છે, પરંતુ દેશમાં પછાત અને સૌથી પછાત (OBC અને EBC) જાતિનાં લોકોની સંખ્યા ગણાતી નથી. એવું માનવામાં આવે છે કે દેશની બાવન ટકા વસ્તી પછાત અને અત્યંત પછાત જાતિઓની છે. ઓબીસી સમુદાયના નેતાઓ માને છે કે વસ્તીના પ્રમાણમાં તેમની રાજકીય ભાગીદારી ખૂબ ઓછી છે. રાજકીય પક્ષો આ સમુદાયોનું સમર્થન મેળવવા માટે જાતિગત વસ્તી ગણતરીને સમર્થન આપી રહ્યા છે.
ભાજપ અત્યાર સુધી જાતિગત વસ્તી ગણતરીથી કેમ દૂર રહ્યો છે તે સમજની બહાર છે, જ્યારે એવું માનવામાં આવે છે કે ઉત્તર પ્રદેશ સહિત ઘણાં રાજ્યોમાં પછાત જાતિઓ અને દલિતોને એકત્ર કરીને ભાજપે સત્તા સુધીની સફર સરળ બનાવી છે. ભાજપ આ સમુદાયો પાસેથી મત લઈ રહ્યો છે પરંતુ તેમની સંખ્યા જાહેર કરવા માંગતો નથી, કારણ કે આમ કરવાથી ખબર પડશે કે રાજકારણમાં અને નોકરશાહીમાં પછાત અને અત્યંત પછાત જાતિઓનો હિસ્સો કેટલો ઓછો છે. એવું કહેવાઈ રહ્યું છે કે બિહારમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, તેમાં લાભ મેળવવા માટે ભાજપે આ પગલું ભર્યું હોઈ શકે છે.
મોદી સરકારના અભિગમમાં આ પરિવર્તન જાતિગત વસ્તી ગણતરી અંગે આરએસએસનો દૃષ્ટિકોણ સામે આવ્યા પછી થયું છે. સપ્ટેમ્બર ૨૦૨૪ માં આરએસએસની બેઠક પછી એવું કહેવામાં આવ્યું હતું કે તેમને જાતિગત વસ્તી ગણતરી સામે કોઈ વાંધો નથી પરંતુ તેમાંથી રાજકીય લાભ ન લેવો જોઈએ. આ જાતિગત વસ્તી ગણતરી દ્વારા ભાજપ એ પણ બતાવવા માંગે છે કે એક કે બે પછાત સમુદાયોને બાદ કરતાં OBC સમુદાયોનો મોટો ભાગ તેની સાથે છે. આ OBC સમુદાયને એકત્ર કરવાના ભાજપના પ્રયાસો પર મંજૂરીની મહોર સમાન હશે.
ભારતમાં બ્રિટીશ શાસન દરમિયાન ૧૮૭૨માં વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી હતી. ૧૯૩૧ સુધી જ્યારે પણ અંગ્રેજો ભારતની વસ્તી ગણતરી કરતા હતા, ત્યારે તેમાં જાતિ સંબંધિત માહિતી પણ નોંધાતી હતી. સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા પછી ૧૯૫૧માં જ્યારે ભારતે તેની પહેલી વસ્તી ગણતરી હાથ ધરી હતી, ત્યારે ફક્ત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનાં લોકોને જ જાતિના આધારે વર્ગીકૃત કરવામાં આવ્યાં હતાં. ત્યારથી, ભારત સરકારે નીતિગત નિર્ણય તરીકે જાતિગત વસ્તી ગણતરી કરવાનું ટાળ્યું છે.
સુપ્રીમ કોર્ટે પણ આ મુદ્દાને લગતા કેસોમાં પુનરોચ્ચાર કર્યો છે કે કાયદા મુજબ જાતિગત વસ્તી ગણતરી કરી શકાતી નથી, કારણ કે બંધારણ વસ્તીને માન્યતા આપે છે, જાતિ કે ધર્મને નહીં. ૧૯૮૦ના દાયકામાં જ્યારે ઘણા પ્રાદેશિક રાજકીય પક્ષોનો ઉદય થયો ત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ. રાજકારણમાં કહેવાતી ઉચ્ચ જાતિઓના વર્ચસ્વને પડકારવાની સાથે આ પક્ષોએ સરકારી શૈક્ષણિક સંસ્થાઓ અને નોકરીઓમાં કહેવાતી નીચલી જાતિઓને અનામત આપવા માટે પણ ઝુંબેશ શરૂ કરી. ૧૯૭૯માં ભારત સરકારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોને અનામત આપવાના મુદ્દા પર મંડલ કમિશનની રચના કરી.
મંડલ કમિશને OBC વર્ગનાં લોકોને અનામત આપવાની ભલામણ કરી હતી. પરંતુ આ ભલામણનો અમલ ફક્ત ૧૯૯૦ માં જ થઈ શક્યો. આ પછી સામાન્ય શ્રેણીનાં વિદ્યાર્થીઓએ દેશભરમાં હિંસક વિરોધ પ્રદર્શનો કર્યાં. જાતિગત વસ્તી ગણતરીનો મુદ્દો અનામત સાથે જોડાયેલો હોવાથી રાજકીય પક્ષોએ સમયાંતરે તેની માંગણી ઉઠાવવાનું શરૂ કર્યું હતું. આખરે વર્ષ ૨૦૧૦ માં જ્યારે મોટી સંખ્યામાં સાંસદોએ જાતિગત વસ્તી ગણતરીની માંગણી કરી ત્યારે તત્કાલીન કોંગ્રેસ સરકારે તેના માટે સંમત થવું પડ્યું હતું. જાતિગત વસ્તી ગણતરી ૨૦૧૧ માં હાથ ધરવામાં આવી હતી, પરંતુ આ પ્રક્રિયામાં સરકારે મેળવેલો ડેટા ક્યારેય જાહેર કરવામાં આવ્યો ન હતો.
૧૯૩૧ની વસ્તી ગણતરીમાં પછાત જાતિઓની વસ્તી બાવન ટકાથી વધુ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. બિહારના જાતિ સર્વેક્ષણમાં ઓબીસીને અત્યંત પછાત વર્ગ અને પછાત વર્ગ તરીકે ગણવામાં આવ્યા હતા. બિહારમાં બંનેની સંયુક્ત વસ્તી ૬૩.૧૩ ટકા છે. તેવી જ રીતે જાતિ સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે તેલંગાણામાં OBC વસ્તી ૬૫ ટકા હતી. હવે દેશમાં અને રાજ્યોમાં કુલ OBC વસ્તીનો ચોક્કસ આંકડો જાતિગત વસ્તી ગણતરી પછી જાણી શકાશે. જાતિગત વસ્તી ગણતરીની પહેલી અસર અનામતની મર્યાદા પર પડશે. સુપ્રીમ કોર્ટે અનામતની મર્યાદા ૫૦ ટકા રાખી છે. આ કારણે અનામત ૫૦ ટકાથી વધુ ન હોઈ શકે. જ્યારે મંડલ કમિશનની ભલામણો લાગુ કરવામાં આવી ત્યારે ઓબીસીની સંખ્યા અંગે કોઈ અધિકૃત ડેટા નહોતો. આવી સ્થિતિમાં OBC માટે ૨૭ ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ જાતિગત વસ્તી ગણતરી પછી ઓબીસી તેમની વસ્તી અનુસાર અનામતની માંગણી કરી શકે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે