જો કોઈ માણસ પાણીમાં ડૂબી રહ્યો હોય તો તેને હાથ આપીને ઉગારી લેવાનો હોય, પણ તને પાટુ ન મારવાની હોય. જો કોઈ પડતાને પાટુ મારે તો તે તેનો મિત્ર નહીં પણ શત્રુ કહેવાય. અમેરિકાનું ફેડરલ રિઝર્વ માત્ર અમેરિકામાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં ડોલરના જથ્થાનું નિયંત્રણ કરે છે. જો ફેડરલ રિઝર્વ વધારે ડોલર છાપે તો દુનિયામાં તેજી આવે છે અને ઓછા છાપે તો મંદી આવે છે. ફેડરલ રિઝર્વ દ્વારા ડોલરના પુરવઠાને નિયંત્રિત કરવા રેપો રેટનો ઉપયોગ પણ કરવામાં આવે છે. જો રેપો રેટ ઓછો હોય તો દુનિયામાં ડોલરનો પુરવઠો વધે છે અને વધારે હોય તો પુરવઠો ઘટે છે. જો કોઈ તળાવનું પાણી શોષી લેવામાં આવે તો તેમાં રહેતી માછલીઓ તરફડિયાં મારે છે તેમ જો બજારમાં ડોલરનો પુરવઠો ઘટાડવામાં આવે તો અર્થતંત્ર ગૂંગળામણ અનુભવે છે.
અમેરિકાનું ફેડરલ રિઝર્વ અત્યાર સુધીમાં સતત નવ વખત રેપો રેટ વધારી ચૂક્યું છે, જેને કારણે બેન્કિંગ ક્ષેત્રમાં ભયંકર કટોકટી આવી છે. તાજેતરમાં અમેરિકાની ત્રણ બેન્કો ઉઠી ગઈ, તેની પાછળ રેપો રેટમાં કરવામાં આવેલો વધારો મુખ્ય કારણ હતું. રેપો રેટમાં વધારો થાય ત્યારે નવા બોન્ડના ભાવો વધે છે અને જૂના બોન્ડના ભાવોમાં કડાકો બોલી જાય છે, કારણ કે તેમાં વ્યાજ ઓછું મળતું હોય છે. જો કોઈ બેન્કમાં તરલતા ઘટી જાય અને તેને મૂડી ઊભી કરવા બોન્ડ વેચવાની ફરજ પડે તો તેને જબરદસ્ત ખોટ જાય છે. સિલિકોન વેલી બેન્કને ૨૧ અબજ ડોલરના જૂના બોન્ડ વેચવાની ફરજ પડી તેમાં તેને બે અબજ ડોલરની ખોટ ગઈ હતી. આ સમાચાર માર્કેટમાં ફેલાઈ જતાં તેના શેરોના ભાવોમાં કડાકો બોલી ગયો હતો. બેન્કે નવા શેરો વેચવા કાઢ્યા તેને કારણે ગ્રાહકોનો ગભરાટ વધી ગયો હતો. બધા ગ્રાહકો પોતાની મૂડી ઉપાડવા બેન્કમાં દોડ્યા ત્યારે બેન્ક ઉઠી ગઈ હતી. આવી કટોકટી છતાં ફેડરલ રિઝર્વે નવમી વાર વ્યાજના દરોમાં વધારો કરીને તેને ૪.૭૫થી ૫ ટકાની રેન્જમાં કર્યા છે. આ વધારો જોઈ સવાલ થાય છે કે ફેડરલ રિઝર્વની કઈ મજબૂરી છે કે તેણે વ્યાજના દરો વધારવા જ પડે છે?
દુનિયામાં ડોલર છાપવાની મોનોપોલી કેવળ ફેડરલ રિઝર્વ પાસે છે. અમેરિકાની સરકાર પણ ડોલર છાપવાની સત્તા ધરાવતી નથી. અમેરિકાની સરકારને જો નાણાંની જરૂર પડે તો તેણે ફેડરલ રિઝર્વ પાસેથી ડોલર ઉધાર લેવા પડે છે, જેનું વ્યાજ પણ ચૂકવવું પડે છે. ફેડરલ રિઝર્વ એક ખાનગી કોર્પોરેશન છે, જેની માલિકી મુઠ્ઠીભર લોકોના હાથમાં છે. આ મુઠ્ઠીભર લોકો અમર્યાદિત પ્રમાણમાં ડોલર છાપવાની સત્તા ધરાવે છે. ફેડરલ રિઝર્વ સતત ડોલરની નોટો છાપીને અમેરિકાની સરકારને અને બેન્કોને ધીર્યા કરે છે, જેના આધારે દુનિયાનું અર્થતંત્ર ચાલે છે. ડોલરની નોટો છાપવાને કારણે જગતમાં ફુગાવો વધે છે અને મોંઘવારી પણ વધે છે. મોંઘવારી વધે ત્યારે અમીરો વધુ અમીર બને છે, પણ નક્કી આવક ધરાવતો મધ્યમ વર્ગ મોંઘવારીમાં ભીંસાઈ જાય છે.
દુનિયામાં ડોલરનો જથ્થો કાયમ વધ્યા જ કરે છે. વર્ષ ૨૦૧૦માં ડોલરનો જથ્થો વધીને ૮,૫૦૦ અબજ ડોલર પર પહોંચી ગયો અને ૨૦૨૦માં તે વધીને ૧૬,૦૦૦ અબજ ડોલર પર પહોંચી ગયો હતો. ૨૦૧૦થી ૨૦૨૦ વચ્ચેનાં ૧૦ જ વર્ષમાં ફેડરલ રિઝર્વે ૭,૫૦૦ અબજ નવા ડોલરનું ઉત્પાદન કર્યું હતું. ૨૦૧૯ના નવેમ્બર મહિનામાં કોવિડ-૧૯ને કારણે અમેરિકાનું અર્થતંત્ર સ્થગિત થઈ ગયું તેને જીવતું રાખવા ફેડરલ રિઝર્વે ડોલર પેદા કરીને પૈસાનો પુરવઠો વધારવાનો રસ્તો અપનાવ્યો હતો. ફેડરલ રિઝર્વ દ્વારા ૧૯૬૦થી ૨૦૦૦ સુધીનાં ૪૦ વર્ષમાં જેટલા ડોલર છાપવામાં નહોતા આવ્યા, તેટલા ડોલર બે વર્ષમાં છાપવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૨૦ દરમિયાન કુલ ૩,૮૯૦ અબજ ડોલર અને ૨૦૨૧ દરમિયાન બીજા ૧,૯૨૦ અબજ ડોલર પેદા કરીને મંદીનો મુકાબલો કરવામાં આવ્યો. બે વર્ષમાં કુલ ૫,૮૧૦ અબજ ડોલર પેદા કરવામાં આવ્યા.
ફેડરલ રિઝર્વે બેફામ ડોલર છાપ્યા તેને કારણે અમેરિકામાં ફુગાવો માઝા મૂકવા લાગ્યો હતો. ફુગાવાનો દર પાંચ ટકાના ઐતિહાસિક સ્તર પર પહોંચી ગયો હતો. તેને કાબુમાં રાખવા ૨૦૨૨ના એપ્રિલથી રેપો રેટમાં વધારો કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. ૨૦૨૨ના માર્ચમાં રેપો રેટ ૦.૨ ટકાના નિમ્નતર સ્તરે પહોંચી ગયો હતો તેમાં નવ વખત વધારો કરીને તેને હાલ પાંચ ટકાના દર ઉપર પહોંચાડી દેવામાં આવ્યો છે, તો પણ ફુગાવો કાબુમાં આવતો નથી. ફેડરલ રિઝર્વે સંકેત આપ્યો છે કે હજુ તેને એક વાર રેપો રેટ વધારવાની ફરજ પડશે. ફેડરલ રિઝર્વના ટીકાકારો કહે છે કે તે સતત રેપો રેટ વધારીને અમેરિકામાં જ નહીં પણ દુનિયાભરમાં મંદી પેદા કરી રહ્યું છે. તેઓ સમજતા નથી કે રેપો રેટ વધારવાનું કારણ દુનિયામાં ડોલરનો વધી ગયેલો પુરવઠો છે.
ફેડરલ રિઝર્વે સતત નવમી વખત રેપો રેટ વધાર્યો છે ત્યારે રેપો રેટના ઇતિહાસ પર નજર રાખવાનું રસપ્રદ બની રહેશે. જો વર્ષ ૧૯૫૪થી શરૂ કરીએ તો તેના ઓગસ્ટ મહિનામાં રેપો રેટ માત્ર ૦.૮ ટકા હતો. તેમાં સતત ચડઊતર થયા જ કરતી હતી. ૧૯૭૪ના ઓગસ્ટમાં તે વધીને ૧૨ ટકા પર પહોંચી ગયો હતો. ત્યાર બાદ તેનું પતન શરૂ થયું હતું. ૧૯૭૬ના ઓગસ્ટમાં તે ઘટીને ૪ ટકાની નજીક પહોંચી ગયો હતો. ૧૯૮૦ના ડિસેમ્બરમાં રેપો રેટ વધીને ૨૦ ટકાના ઐતિહાસિક ઊંચા સ્તરે પહોંચી ગયો હતો.
૨૦૦૮માં અમેરિકામાં મહામંદી આવી હતી, જેને કારણે લેહમેન બ્રધર્સ જેવી મોટી નાણાં સંસ્થા ઉઠી ગઈ હતી. તેનો મુકાબલો કરવા અને બજારમાં નાણાંનો પુરવઠો વધારવા ૨૦૦૮ના નવેમ્બરમાં રેપો રેટ ઘટાડીને ૦.૩૯ ટકા જેટલો ઓછો કરી નાખવામાં આવ્યો હતો. તેને કારણે બજારમાં ડોલરનો પુરવઠો વધ્યો હતો અને મંદી હળવી થઈ હતી. વર્ષ ૨૦૦૮થી ૨૦૧૬ દરમિયાન વ્યાજનો દર ૦.૪ ટકાની આજુબાજુ જ રહ્યો હતો. તેને કારણે બજારમાં તેજી આવી હતી. નાણાંનો પુરવઠો વધી ગયો હતો. તેને કન્ટ્રોલ કરવા વ્યાજનો દર વધારવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
૨૦૧૯ના માર્ચ સુધીમાં તે વધીને ૨.૪ ટકા પર પહોંચી ગયો હતો. તેને કારણે પાછી મંદી આવતા વ્યાજનો દર પાછો ઘટાડવામાં આવ્યો હતો. ૨૦૨૦ના મે મહિનામાં તે ઘટીને ૦.૦૫ ટકાના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો હતો. તે દરમિયાન કોરોનાનું આગમન થયું હતું. લોકડાઉનને કારણે અમેરિકાનું અર્થતંત્ર ઠપ થઈ ગયું હતું. તેનો મુકાબલો કરવા ફેડરલ રિઝર્વ દ્વારા બે વર્ષમાં ૫.૮ ટ્રિલિયન ડોલર આપીને અમેરિકાના અર્થતંત્રમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેને કારણે ફુગાવો કાબુ બહાર જતાં વ્યાજના દરોમાં વધારો કરવામાં આવ્યો હતો.
રશિયા અને યુક્રેનના યુદ્ધને કારણે અમેરિકાએ રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદ્યા હતા, પણ તે બૂમરેંગ થયા હતા. યુરોપના દેશોને રશિયાનું ખનિજ તેલ અને ગેસ મળતા હતા તેમાં કાપ મૂકવામાં આવતા યુરોપમાં મોંઘવારી વધી ગઈ છે અને યુરોપના અનેક દેશો દેવાળું ફૂંકવાની અણી પર મૂકાઈ ગયા છે. રશિયાનું ખનિજ તેલ ખરીદવા ડોલરને બદલે રૂપિયા, યુઆન વગેરેની ડિમાન્ડ વધી ગઈ છે, જેને કારણે ડોલરની ડિમાન્ડ ઘટી ગઈ છે. આ પ્રક્રિયાને ડિ-ડોલરાઈઝેશન તરીકે ઓળખવામાં આવે છે. જો અમેરિકાનો ડોલર તેનું રિઝર્વ કરન્સી તરીકેનું સ્થાન ગુમાવી દેશે તો ડોલરના ભાવોમાં કડાકો બોલી જશે. જો વિશ્વમાં વેપાર કરવા માટે ડોલરની જરૂર નહીં રહે તો અમેરિકા તેનું મહાસત્તા તરીકેનું સ્થાન ગુમાવી દેશે અને આર્થિક રીતે કંગાળ બની જશે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.