આજે સવારે અમદાવાદમાં પરંપરાગત રૂટ પરથી ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહી હતી ત્યારે લગભગ સવારે 9.33 વાગ્યાની આસપાસ હાથી ધીમે ધીમે ચાલી રહ્યાં હતાં. હાથીનો કાફલો ખાડિયા વિસ્તાર તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે અચાનક જ સૌથી આગળ ચાલતો હાથી બેકાબૂ થઈ ગયો હતો. અને દોડવા લાગ્યો હતો. ત્યાર બાદ પાછળ બેથી ત્રણ હાથી આવી રહ્યા હતા, જે હાથી પણ લાઈનમાં આગળ ચાલવાની જગ્યાએ થોડા દોડવા લાગ્યા હતા.
ખાડિયા ચાર રસ્તાથી પોળ તરફના રસ્તા પર બેરિકેડ્સ મુકવામાં આવ્યા હતાં. પોળ તરફ વિફરેલા હાથી દોડવા લાગ્યો હતો. હાથીને પોતાની તરફ દોડતો જોઈ ચારથી પાંચ પોલીસકર્મચારીઓએ લોકોને સાઈડમાં ખસી જવા કહ્યું હતું પરંતુ ત્યાં સુધીમાં હાથી દોડીને તેઓ નજીક પહોંચી ગયો હતો. લોકોને ધક્કો મારી બેરિકેડ્સ તોડી હાથી પોળની અંદર દોડી ગયો હતો. બેરિકેડ્સ તોડવાને કારણે બેથી ત્રણ લોકો પડી ગયા હતા. જોકે તેમને સામાન્ય ઇજા થઈ છે. કોઈપણ વધારે ઈજાગ્રસ્ત થયા ન હોવાનું જાણવા મળ્યું છે.
હાથી બેકાબૂ થવાના કારણ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઝૂ વિભાગના અધિકારી આર.કે.સાહુએ જણાવ્યું કે વધુપડતી સિસોટી વાગતાં અને ડીજેના અવાજથી હાથી બેકાબૂ થઈ ગયો હતો. રથયાત્રામાં નર હાથી બેકાબૂ થતાં બે માદા હાથીએ એને કાબૂ કર્યો હતો.
રથયાત્રામાંથી બે માદા અને એક નર હાથી એમ કુલ 3 હાથીને દૂર કરાયા છે. પહેલાં રથયાત્રામાં 17 હાથી હતા હવે માત્ર 14 હાથી છે. સાહુએ કહ્યું વધારે પડતી સિસોટી વગાડવા અને ડીજે સાઉન્ડ સિસ્ટમ હોવાને કારણે હાથી બેકાબૂ બની ગયો હતો.
સાહુએ વધુમાં કહ્યું કે, ઝૂ વિભાગના સ્ટાફની મદદથી બે માદા હાથી વડે એને કાબૂમાં કરી લઈ ખાડિયામાં એક જગ્યા પર બાંધી દેવાયો છે. તેની સાથે સ્ટાફને રાખવામાં આવ્યો છે. હાલમાં હાથી શાંત છે. હાથીને કાબૂ બીજો હાથી જ કરી શકે છે માટે બે માદા હાથી વડે તેને કાબૂમાં લીધો હતો.