સુરત: મશરૂ ગેંગની ધરપકડ બાદ પોલીસને ચોંકાવનારી હકીકતો જાણવા મળી રહી છે, જેમાં મશરૂ ગેંગની સાથે કુલ 30 કરતાં વધારે ગેંગ જોડાયેલી છે. આ લોકો દ્વારા ચોક્કસ સમાજને ટાર્ગેટ કરવા પેપર એટલે કે કોલગર્લને જણાવાતું હતું. તેમાં ચોક્કસ સમાજના યુવાનો અને આધેડો ઇજ્જત જવાના ડરે પાંચ લાખથી એક કરોડ જેટલી રકમ આપતા હોવાની વાત જણાવતા જ એસઓજી પોલીસ પણ ચોંકી ગઇ છે.
- હનીટ્રેપના 5 હજાર કેસ પૈકી 80 % કેસ એક જ સમાજના
- સુરત અને આસપાસની 200 કરતા વધુ કોલગર્લને ચોક્કસ સમાજના યુવાનોને ટાર્ગેટ કરવા જણાવાતું હતું
- કોલગર્લ સહવાસ કર્યા બાદ કોન્ડોમ પોતાની પાસે રાખતી હતી, પોલ ખૂલ્યા બાદ કેટલાક દુબઈ પલાયન
- 70 કરોડ કરતાં વધારેની તોડબાજી કરાઈ, કેટલીક કોલગર્લ તો લક્ઝુરિયસ લાઇફ જીવે છે
હાલ એસઓજી પીઆઇ અતુલ સોનારા અને ડીસીપી રાજદીપ નકુમ દ્વારા શહેરમાં ચોક્કસ સમાજને આ રીતે ટાર્ગેટ કરવામાં આવતાં ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા બહાર આવવા માટે અપીલ કરાઇ છે. દરમિયાન આ ગેંગ સાથે સંકળાયેલી કેટલીક કોલગર્લ તો લક્ઝુરિયસ લાઇફ જીવી રહી છે. આ લોકો હાલમાં સુરત પોલીસના ડરથી દુબઇ પલાયન થઇ ગયા છે.
મશરૂ ગેંગ દ્વારા તોડબાજી બાદ કોલગર્લને સૂચના આપવામાં આવતી હતી કે, તે કોન્ડોમ પોતાની પાસે રાખે. બાદ જે-તે ચોક્કસ યુવાનનું સ્પર્મ સાચવી રાખી તેને બળાત્કારની ફરિયાદ દાખલ કરવા માટે આ કોન્ડોમ વાપરવામાં આવતો હતો. આ માટે શહેરના ટોચના વકીલોને મોં માંગી ફી આપવામાં આવતી હતી. આ વકીલો બાદમાં આરોપીને ડરાવતા હોવાની વિગતો એસઓજીની તપાસમાં બહાર આવી છે. સુરત અને આસપાસની 200 કરતા વધુ કોલગર્લને ચોક્કસ સમાજના યુવાનોને ટાર્ગેટ કરવા જણાવાતું હતું.
વકીલો દ્વારા ધમકી આપવામાં આવતી હતી
એસઓજીની તપાસમાં બહાર આવ્યું હતું કે, કેટલાક વકીલોની ટીમ મશરૂ ગેંગ સાથે સંકળાયેલી છે. તેઓ જો કોઇ ફરિયાદ કરવા જાય તો આ કોન્ડોમ અને તેની તમામ વિગતોની ધમકીઓ ફોન પર આપતા હતા. તેથી હનીટ્રેપનો શિકાર બનેલો જે-તે યુવાન કે આધેડ ચૂપચાપ બેસી જતા અને નાણાં આપી દેતા હતા. એક અંદાજ પ્રમાણે છેલ્લાં 3 વર્ષમાં પાંચ હજાર લોકોને હનીટ્રેપ કરાયા હોવાની કબૂલાત આ મશરૂ બ્રધર્સ દ્વારા કરવામાં આવી છે.
નકલી પીએસઆઈને ધાકધમકીની ટ્રેનિંગ અપાતી હતી
મશરૂ ગેંગ દ્વારા પીએસઆઇ કે પોલીસ બનીને જે લોકોને ઊભા કરવામાં આવતા હતા તે લોકોને કેવી રીતે વાત કરવી અને કેવી રીતે જે-તે ભોગ બનનારને ધાકધમકી આપવી તેની ટ્રેનિંગ અપાતી હતી. હનીટ્રેપમાં આ લોકો દ્વારા માર મારવામાં આવતા હોવાની વિગત પણ જાણવા મળી છે. રાજુ દ્વારા તે કેવી રીતે ધમકી આપતો હતો તેનું નાટક પણ પોલીસ આગળ ભજવીને બતાવાયું હતું.
કેવી રીતે પકડાઈ મશરૂ ગેંગ ?
કતારગામ પોલીસમાં અસ્મિતા, સુમિત મશરૂ, અમિત મશરૂ, અલ્પેશ પટેલ, રાજુ અને બે મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ હતી. જેના આધારે મોડી રાત્રે SOG પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે અમિત ઉર્ફે ભરત મનસુખભાઈ મશરૂ (ઉં.વ.33), સુમિત મનસુખ મશરૂ (ઉં.વ.36) અને અસ્મિતા ઉર્ફે પૂજા તે બાલુભાઈ ભરડવાની દીકરી તથા સચિન હર્ષદ ઠક્કરની પત્નીને ઝડપી પાડી છે. તેમની પાસેથી મોબાઈલ ફોન, પોલીસ હાથકડી અને પોલીસ આઈકાર્ડ પણ જપ્ત કરવામાં આવ્યાં છે.
ધરપકડથી શહેરમાં ચાલતા હનીટ્રેપ કૌભાંડનો પર્દાફાશ થયો
સુમિત મનસુખ મશરૂ (ઠક્કર) પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ઉમરા પોલીસ સ્ટેશનમાં કતારગામ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે. આ આરોપીઓ ભેગા મળી એક ટોળકી બનાવી નિર્દોષ વ્યક્તિઓને વારંવાર ફસાવી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ગંભીર ગુનાઓમાં ફસાવી દેવાનો ડર પેદા કરી, માતબર રકમ પડાવી આર્થિક લાભ મેળવતા હતા.
હાલ આરોપીઓ પાસેથી મળી આવેલાં પોલીસ આઈકાર્ડ ખોટાં હોવાનું જણાઈ આવતાં પોલીસે હાલના ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (સંગઠિત ગુના) અને બનાવટી દસ્તાવેજો અંગેની વિવિધ ગંભીર અને આજીવન કેદ સુધીની સજાને પાત્ર કલમો ઉમેરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ધરપકડથી શહેરમાં ચાલતા હનીટ્રેપ કૌભાંડનો પર્દાફાશ થયો છે.