Comments

શા માટે અંગ્રેજોએ સાવરકરને 50 વર્ષની જેલની સજા કરી હતી?

વાત આપણે વિનાયક દામોદર સાવરકરની કરી રહ્યા છીએ. દાયકાઓથી જાણકારોને બધી જ જાણકારી હતી, પણ આખરે તેમણે પણ સહન તો કર્યું જ છે એમ વિચારીને અને એ ઉપરાંત દરેક વ્યક્તિની સરખામણી હિંમત અને ચારિત્ર્યની બાબતે ગાંધીજી સાથે અમે મર્દાનગી અને જિંદાદિલીની બાબતે ભગતસિંહ સાથે ન કરાય એમ વિચારીને આંખ આડા કાન કરતા હતા. એક વાર મેં ચન્દ્રકાન્ત બક્ષી અને હસમુખ ગાંધી માટે લખ્યું હતું કે તે બન્નેની મર્દાનગી સામેવાળાની ખાનદાની ઉપર નિર્ભર હતી. સાવરકરની બાબતે પણ કાંઈક આવું જ છે. જાણકારોએ ખાનદાની બતાવીને આંખ આડા કાન કર્યા હતા.

વાચકોએ એક પ્રશ્ને મનન કરવું જોઈએ. શા માટે અંગ્રેજોએ વિનાયક દામોદર સાવરકરને કચકચાવીને ૫૦ વરસની જેલની સજા કરી હતી? એટલું ઓછું હતું તે તેમને આંદામાનની જેલમાં મોકલીને સજાને કાળા પાણીની સજામાં ફેરવી હતી. શા માટે? જાણીબૂઝીને તેમને ફાંસીની સજા કરવામાં નહોતી આવી. મૃત્યુ માણસને મુક્તિ અપાવતું હોય છે, જ્યારે જેલની સજા જો વસમી હોય તો તે કાચાપોચા માણસને તોડી નાખતી હોય છે. વળી ફાંસીની સજા કરી શકાય એવો કોઈ ગંભીર ગુનો તેમણે કર્યો પણ નહોતો. તેમણે પિસ્તોલ હાથમાં લીધી નહોતી, કોઈની હત્યા કરી નહોતી, કોઈની ઉપર બોંબ ફેંક્યો નહોતો, જ્યાં ક્રાંતિકારી ઘટના બની હતી ત્યાં હાજર પણ નહોતા વગેરે હકીકતો જોતાં અંગ્રેજ સરકાર તેમને મૃત્યુદંડની સજા કરી શકે એમ નહોતી. તો પછી કચકચાવીને સીધી પચાસ વરસની કાળા પાણીની સજા શા માટે કરી? કાયદો હાથમાં લઈને પ્રત્યક્ષ ગુનો કરનારા ક્રાંતિકારીઓને પણ આવી સજા કરવામાં આવી નહોતી તો અહીં તો સાવરકરની ગુનેગાર તરીકેની કોઈ સીધી ભાગીદારી જ નહોતી. એમાં કોઈ શંકા નથી કે અંગ્રેજ સરકારે ખાર કાઢ્યો હતો. પણ શા માટે?

યશવંત દિનકર ફડકે નામના આધુનિક મહારાષ્ટ્રના ઇતિહાસકાર હતા. તેમણે ‘વિસાવ્યા શતકાચા મહારાષ્ટ્ર’ના નામે છ ભાગમાં મહારાષ્ટ્રનો ઈતિહાસ લખ્યો છે. એમાં તેમણે લખ્યું છે કે ૨૦ મી સદીના પહેલા દશકમાં મહારાષ્ટ્રમાં થાણે નાશિક અને પુણે જિલ્લામાં યુવકો દ્વારા હિંસાની નાનીમોટી ઘટનાઓ બનતી રહેતી હતી. એ દરેક ઘટના વખતે તપાસમાં બહાર આવતું હતું કે તેઓ ‘અભિનવ ભારત’ નામના સામયિકમાં આવતા વિનાયક દામોદર સાવરકરના લેખો વાંચતા હતા અને એ વાંચીને તેઓ ઊકળી ઊઠતા હતા. દેશની આઝાદી ખાતર હથિયાર હાથમાં લીધા વિના યુવકનું જીવન વ્યર્થ છે એમ સાવરકરને વાંચ્યા પછી તેમને લાગવા માંડતું હતું. લગભગ દરેક હિંસક ક્રાંતિકારી ઘટનાના સગડ ‘અભિનવ ભારત’ અને સાવરકર સુધી જતા હતા.

આ તો એક વાત થઈ. ફડકેએ હજુ બીજી વાત કહી છે એ મહત્ત્વની છે. તેઓ લખે છે કે જેમ અંગ્રેજો દરેક જગ્યાએ સાવરકરની સંડોવણી જોઇને ગુસ્સે થતા હતા એમ સાવરકરની ઉશ્કેરણીથી ઉશ્કેરાઈને ક્રાંતિ કરવા નીકળી પડતા યુવકોના મા-બાપો પણ સાવરકર ઉપર ગુસ્સે થતા હતા. કોઈ યુવક બોંબ બનાવતા બોંબ ફાટવાને કારણે માર્યો જતો હતો, કોઈ પકડાઈ જતો હતો, કોઈ બોંબ ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ કરીને પકડાઈ જતો હતો અને ક્વચિત્ માર્યો જતો હતો. જે પકડાઈ જતા હતા તેમને જેલથી લઈને ફાંસીની સજા થતી હતી. વળી બ્રિટીશ સરકાર હચમચી જાય અને દુનિયા જોતી રહે એવી સંગઠિત સશસ્ત્ર ક્રાંતિની કોઈ મોટી ઘટના તો બનતી જ નહોતી. દેશને સ્વરાજ અપાવવાની બાબતે લગભગ નગણ્ય કહેવાય એવી ઘટનાઓ બનતી હતી, માત્ર યુવકોનાં મૂલ્યવાન જીવન વેડફાતાં હતાં.

સરવાળે કોઈ મોટી ક્રાંતિકારી ઘટનાના અભાવમાં કારણ વિના શહીદ થયેલા કે પકડાઈ ગયેલા યુવકોના મા-બાપો અને તેનાં સગાંવહાલાંઓની અંદર સાવરકરની બાબતમાં અસંતોષ પેદા થવા લાગ્યો. તેમને એ વાતની પણ જાણ થઈ કે આ ભાઈ તો લંડનમાં રહીને બેરિસ્ટરનું ભણે છે અને સુરક્ષિત જગ્યાએ બેસીને ઉશ્કેરણીજનક લખાણો લખીને આપણાં છોકરાઓને ઉશ્કેરે છે. આવો અભિપ્રાય માત્ર અંગ્રેજોનો નહોતો બન્યો, મહારાષ્ટ્રની પ્રજાની અંદર પણ આવો અભિપ્રાય બનવા લાગ્યો હતો. પ્રમાણ જોઈતાં હોય તો પુસ્તકનું નામ મેં આપ્યું છે. ‘શોધ સાવરકરાંચા’ નામનું ફડકેનું એક બીજું પુસ્તક પણ છે એ પણ જોઈ જવાની ભલામણ છે. યાદ રહે, ફડકે સાવરકર વિરોધી પ્રચારક નહોતા, પણ પ્રમાણો ટાંકીને જ લખનારા વસ્તુનિષ્ઠ ઇતિહાસકાર હતા. એની ખાતરી પણ તમે કોઈ મરાઠી વિદ્વાનને પૂછીને કરી શકો છો. જે વાત તેમણે કહી છે તેનાં પ્રમાણો પણ તેમણે પોતાનાં પુસ્કોમાં ટાંક્યાં છે.

હમણાં મેં કહ્યું કે અંગ્રેજોને અને પોતાનાં સંતાનોને ગુમાવનારા મા-બાપોને એમ બન્નેને લાગવા માંડ્યું હતું કે સાવરકર ‘સુરક્ષિત’ જગ્યાએ બેસીને મહારાષ્ટ્રના યુવકોને ઉશ્કેરે છે. સવાલ એ છે કે બ્રિટીશ સામ્રાજ્યની જ્યાં રાજધાની હતી એ લંડન શહેરમાં બેસીને એ જ બ્રિટીશ સામ્રાજ્ય વિરોધી પ્રવૃત્તિ કરવી એ સુરક્ષિત પ્રવૃત્તિ કહેવાય? લંડન સુરક્ષિત જગ્યા કહેવાય? પહેલી નજરે તો તમે કહેશો કે એ અત્યંત અસુરક્ષિત જગ્યા કહેવાય. સાવરકરે પોતે પોતાના લંડનનાં વર્ષોને અત્યંત બહાદુરીનો દાવો કરતા ‘શત્રુની છાવણીમાં’ તરીકે ઓળખાવ્યાં હતાં.

શિવાજી મહારાજ સામે ચાલીને મુઘલ સામ્રાજ્યની રાજધાની આગરા ગયા હતા એ ઘટનાનું સ્મરણ થશે. સાવરકરની આ જ તો ખૂબી હતી. શત્રુની છાવણીમાં. સાવરકરનું આ લખાણ ‘સમગ્ર સાવરકર વાંગ્મય’ના પહેલા ખંડમાં જોવા મળશે. એ જ ખંડમાં એક બીજું લખાણ પણ જોવા મળશે. એ પ્રકરણ છે શ્યામજી કૃષ્ણવર્મા ઉપરનું. શ્યામજી કૃષ્ણવર્મા નામના એક ગુજરાતી ક્રાંતિકારી અને દાનવીર માટે સાવરકરે લખ્યું છે કે તેઓ ભારતમાં રાજકીય સંકડામણમાં આવતા ભારત છોડીને લંડન જતા રહ્યા હતા.

આ જોઇને લોકમાન્ય તિલકે શ્યામજી કૃષ્ણવર્માને પૂછ્યું હતું કે તમે ભારત છોડીને લંડન જવાની ઉલટી યાત્રા કેમ કરી? જવાબમાં શ્યામજી કૃષ્ણવર્માએ તિલકને કહ્યું હતું કે ભારત કરતાં લંડન વધારે સલામત છે. અંગ્રેજો બેવડું ધોરણ અપનાવે છે. લંડનમાં તેઓ સભ્યતાનો દેખાડો કરે છે, પણ ભારતમાં અસભ્યતાપણે વર્તે છે. અહીં કાયદાનું રાજ છે, અહીં ખુલ્લો સમાજ છે, અહીં મુક્ત અને સ્વતંત્ર ન્યાયતંત્ર છે, અહીં નિર્ભીક સ્વતંત્ર અખબારો છે, રાજકીય પક્ષોમાં સંસ્થાનવાદી શોષણનો વિરોધ કરનારા રાજકીય નેતાઓ છે.

આમની સભામાં સરકારનો કાન આમળવામાં આવે છે, ઊહાપોહ કરનારા વિદ્વાનો છે એ જોતાં સરકારને નાછૂટકે મર્યાદામાં રહેવું પડે છે. ભારત કરતાં વધુ સલામતી લંડનમાં છે. આ પત્ર ‘શત્રુની છાવણીમાં’ પ્રવેશવાની હિંમત દાખવનારા સાવરકરે પોતે તેમના લખાણમાં ટાંક્યો છે. એ વાતની સાહેદી પુરાવવા કે લંડન ક્રાંતિકારીઓ માટે સલામત ભૂમિ છે અને પોતે ક્રાંતિ સારુ રણનીતિના ભાગરૂપે ભારત છોડીને લંડન ગયા હતા. સાવરકર એક બાજુએ જેને ‘શત્રુની છાવણી’ તરીકે ઓળખાવતા હતા એ ખરેખર તો શ્યામજી કૃષ્ણવર્મા કહે છે એમ સલામત ભૂમિ હતી. સાવરકર પણ આમ જ માનતા હતા, પરંતુ ભૂલ એ થઈ કે તેમણે સલામતીમાં જરાક વધારે પડતી સલામતી જોઈ હતી. એ તેમની ભ્રમજન્ય મહાભૂલ હતી. એ શું ભૂલ હતી એ હવે પછી તપાસીશું. 
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top