Sports

શુભમન ગિલ કેમ રિટાયર્ડ હર્ટ થયો?, BCCIએ અપડેટ આપ્યું

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડનમાં બે ટેસ્ટ મેચની સિરિઝની પહેલી ટેસ્ટ રમાઈ રહી છે. મેચના બીજા દિવસે આજે ભારતીય કેપ્ટન શુભમન ગિલને બેટિંગ કરતી વખતે ગરદનમાં દુઃખાવો ઉપડ્યો હતો, જેના લીધે ગિલે મેદાન છોડવું પડ્યું હતું. માત્ર 4 રન બનાવી તે રિટાયર્ડ હર્ટ થયો હતો. શુભમન ગિલને ગરદનમાં શેનો દુઃખાવો ઉપડ્યો તે અંગે હવે બીસીસીઆઈએ ખુલાસો કર્યો છે.

ચાહકોના મનમાં પ્રશ્ન ઊભો થયો છે કે શુભમન ગિલનું એવું શું થયું જેના કારણે તે કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં બેટિંગ કરી શકતો ન હતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ બાબતે અપડેટ આપ્યું છે.

BCCI એ જણાવ્યું હતું કે શુભમન ગિલને ગરદનમાં દુઃખાવો છે અને BCCI ની મેડિકલ ટીમ દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આજે તા. 15 નવેમ્બરે તે રમી શકશે કે નહીં તે અંગેનો નિર્ણય રિપોર્ટના આધારે લેવામાં આવશે.

જોકે, કેપ્ટન ગિલ સવારે બેટિંગ કરવા ઉતર્યો ન હતો. આ નિર્ણય કદાચ સાવચેતીના ભાગરૂપે લેવાયો હતો. ગયા વર્ષે ગિલને આવી જ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો અને તે ન્યુઝીલેન્ડ સામે રમી શક્યો ન હતો.

ગિલ સાથે શું થયું?
આ અગાઉ આજે સવારે વોશિંગ્ટન સુંદરના આઉટ થયા પછી શુભમન ગિલ મેદાન પર આવ્યો હતો. ગિલે પહેલા બે બોલમાં એક પણ રન બનાવ્યો નહીં, પરંતુ તે ઓવરના પાંચમા બોલ પર તેણે સિમોન હાર્મરની બોલને બેકવર્ડ સ્ક્વેર લેગ પર ચોગ્ગો ફટકાર્યો. આ શોટ રમ્યા પછી શુભમન તરત જ તેની ગરદન પકડી લીધી. તેને ગરદનમાં તીવ્ર દુ:ખાવો ઉપડ્યો હતો.

પંતે કેપ્ટનશિપ સંભાળી
ભારત 189 પર ઓલઆઉટ થયું ત્યાર બાદ દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનો બીજી ઈનિંગમાં બેટિંગ કરવા ઉતર્યા ત્યારે પણ શુભમન ગિલ મેદાનમાં ઉતર્યો નહીં અને ઋષભ પંતે કેપ્ટનશીપ સંભાળી. જોકે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ગિલ બીજી ઇનિંગમાં બેટિંગ કરવા આવશે.

કોલકાતા ટેસ્ટ રોમાંચક બની
એકંદરે કોલકાતા ટેસ્ટ એક રોમાંચક તબક્કા તરફ આગળ વધી રહી છે, કારણ કે બંને ટીમોના બોલરોએ અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે. નોંધનીય છે કે, ભારતનો પહેલો દાવ 189 રન પર સમાપ્ત થયો. દક્ષિણ આફ્રિકાએ અગાઉ પોતાની પહેલી દાવમાં 159 રન બનાવ્યા હતા. ભારતે માત્ર 30 રનની લીડ મેળવી હતી.

Most Popular

To Top