મેહુલ ચોકસી અને નીરવ મોદી જેમ ભારત છોડીને ભાગી ગયા હતા તેમ કેન્દ્ર સરકાર પાસેથી ૩,૦૦૦ કરોડ રૂપિયા એડવાન્સના રૂપમાં મેળવ્યા પછી સિરમ ઇન્સ્ટિટ્યૂટના સીઈઓ અદર પૂનાવાલા પોતાના પરિવાર સાથે ભારત છોડીને બ્રિટન ચાલ્યા ગયા છે. થોડા સમય પહેલાં પૂનાવાલાએ લંડનમાં સપ્તાહના ૫૦ લાખ રૂપિયાના ભાડે બંગલો ખરીદ્યો હતો. ત્યાર પછી સમાચાર આવ્યા હતા કે ભારત સરકાર દ્વારા તેમને ઝેડ કેટેગરીની સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે. તેના પરથી ખ્યાલ આવતો હતો કે તેમના જીવ પર કોઈ જોખમ પેદા થયું છે. તેમને ભારત સરકાર પર અને તેનાં સુરક્ષા દળો પર ભરોસો નહોતો, માટે તેઓ પોતાનો જીવ બચાવવા ભારત છોડીને ભાગી ગયા છે. લંડનના ટાઇમ્સ મેગેઝિનને આપવામાં આવેલા ઇન્ટરવ્યૂમાં પૂનાવાલાએ કહ્યું હતું કે વેક્સિન મેળવવા માટે તેમને મોટા મોટા લોકોના ધમકીભર્યા ફોન આવતા હતા. તેનાથી ડરીને તેઓ વિદેશ ભાગી ગયા છે. જો કે તેમણે દાવો કર્યો છે કે તેઓ થોડા દિવસોમાં ભારત પાછા ફરશે. અદર પૂનાવાલાના પલાયન બાબતમાં જાતજાતની થિયરીઓ સાંભળવા મળી રહી છે.
ઇન્ડિયા ટુ ડે ટી.વી.ના રાહુલ કંવરના હેવાલ મુજબ અદર પૂનાવાલાને જે લોકો તરફથી ધમકીઓ મળતી હતી તેમાં શિવસેનાનો પણ સમાવેશ થાય છે. અદર પૂનાવાલાએ રાહુલ કંવરને કેટલાક વીડિયો મોકલ્યા હતા, જેમાં સ્થાનિક શિવસૈનિકો તેમની ફેક્ટરીની બહાર ટોળે વળ્યા હતા અને તેમને વેક્સિનના ડોઝ પહેલાં આપવાની માગણી કરી રહ્યાં હતાં. વીડિયોમાં દેખાતું હતું કે શિવસૈનિકો પૂનાવાલાને ગંદી ગાળો પણ આપી રહ્યા હતા. જો મહારાષ્ટ્રના શાસક પક્ષ તરફથી મળેલી ધમકીને કારણે પૂનાવાલા ભારત છોડીને ભાગી ગયા હોય તો તે ગંભીર મામલો ગણાવો જોઈએ. પૂનાવાલાએ તેની સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવી જોઈએ. જો શિવસૈનિકો દ્વારા પૂનાવાલા પાસે ખંડણી માગવામાં આવી હોય તો તે પણ ગંભીર બાબત બની જાય છે.
મહારાષ્ટ્રમાં શિવસેના-કોંગ્રેસ-રાષ્ટ્રવાદી કોંગ્રેસના ગઠબંધનનું શાસન હોવાથી પૂનાવાલા પૂના છોડીને ચાલ્યા ગયા તેને કારણે મહા વિકાસ અઘાડી સરકારનું નાક કપાઇ ગયું છે. મીડિયાના હેવાલો મુજબ મુકેશ અંબાણીના બંગલા બહાર વિસ્ફોટકો પ્લાન્ટ કરવાની ઘટના બની તે પછી તેમનો પરિવાર પણ મુંબઈ છોડીને જામનગર રહેવા ચાલી ગયો છે. હવે શિવસૈનિકોની કથિત ધમકીથી કંટાળીને અદર પૂનાવાલા ભારત છોડીને જતા રહ્યા તેને કારણે પણ મહા વિકાસ અઘાડી સરકારની બદનામી થઈ છે. જો કે તેને કારણે થયેલું નુકસાન સરભર કરવા શિવસેનાનાં પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ ટ્વિટ કરીને અદર પૂનાવાલાએ કરેલી સેવાને બિરદાવી હતી. તેમણે લખ્યું હતું કે કેન્દ્રના શાસક પક્ષને બદલે તેમને હુમલાના નિશાન બનાવવામાં આવ્યા તે દુ:ખદ છે. મહાવિકાસ અઘાડીના એક ઘટક કોંગ્રેસે કહ્યું છે કે અદર પૂનાવાલાએ પોલીસમાં ફરિયાદ કરવી જોઈતી હતી. જો કે તેમને મળેલી સુરક્ષા જોતાં તેમણે કેન્દ્ર સરકાર સમક્ષ ફરિયાદ કરી જ હશે.
જો અદર પૂનાવાલાને વેક્સિનના ડોઝ મેળવવા બાબતમાં દબાણ કરવામાં આવતું હોય તો તે રાજ્યના મુખ્ય પ્રધાનો કે ખાનગી કંપનીઓના અધિકારીઓ જ હોઈ શકે છે, કારણ કે સામાન્ય માનવીનું કંપની પાસેથી વેક્સિન ખરીદવાનું કોઇ ગજું નથી. કેન્દ્ર સરકારે બહાર પાડેલી નવી ગાઇડલાઇન મુજબ રાજ્ય સરકારે અને ખાનગી કંપનીઓએ સિરમ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી ડાયરેક્ટ વેક્સિન ખરીદવાની રહેશે. સિરમ દ્વારા જેટલી વેક્સિનનું ઉત્પાદન કરવામાં આવશે તેના ૫૦ ટકા ડોઝ તે કેન્દ્ર સરકારને આપશે અને બાકીના ૫૦ ટકા રાજ્ય સરકારો ઉપરાંત ખાનગી કંપનીઓને વેચશે. આ ૫૦ ટકા માટે રાજ્ય સરકારો અને કંપનીઓ વચ્ચે હરીફાઈ થવાની સંભાવના છે.
મની કન્ટ્રોલ નામના ન્યૂઝ પોર્ટલના હેવાલ મુજબ અદર પૂનાવાલાએ ખાનગી કંપનીઓને વેક્સિનની સપ્લાય કરવા તેમની પાસેથી મોટી રકમ એડવાન્સના રૂપમાં લઈ રાખી હતી. તેઓ સમયસર વેક્સિન સપ્લાય કરવામાં નિષ્ફળ ગયા ત્યારે કંપનીના અધિકારીઓએ તેમની પાસે કડક ઉઘરાણી ચાલુ કરી હતી. અદર પૂનાવાલાએ તેમને વેક્સિન આપવાની લાચારી વ્યક્ત કરી ત્યારે તેમણે પોતાના રૂપિયા પાછા માગ્યા હતા. અદર પૂનાવાલા રૂપિયા પાછા આપવાની સ્થિતિમાં નહોતા માટે તેમણે ધમકીઓ આપવાની શરૂઆત કરી હતી. આ ધમકીથી ડરીને પૂનાવાલા પલાયન થઈ ગયા હતા. ભારતના ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓ માફિયા તત્ત્વો સાથેની સાંઠગાંઠ માટે પણ જાણીતા છે. અદર પૂનાવાલાને હત્યાની ધમકી મળી હોય તેવી પણ સંભાવના છે.
લંડન ભાગી ગયા પછી સિરમ ઇન્સ્ટિટ્યૂટના અદર પૂનાવાલાએ ધડાકો કર્યો હતો કે કેન્દ્ર સરકારે વેક્સિનના ઓર્ડર સમયસર મૂક્યા ન હોવાથી જુલાઈ મહિના સુધીમાં વેક્સિન મળવાની સંભાવના બહુ ઓછી છે. જો પૂનાવાલાની વાત સાચી હોય તો ભારતમાં ચાલી રહેલી વેક્સિનેશનની ઝુંબેશ બે મહિના સુધી સ્થગિત કરી દેવી પડશે. પૂનાવાલા કહે છે કે કેન્દ્ર સરકાર દ્વારા વેક્સિનનો છેલ્લો ઓર્ડર માર્ચ મહિનામાં મૂકવામાં આવ્યો હતો. સરકારે માર્ચ મહિનામાં ૧૧ કરોડ ડોઝનો ઓર્ડર મૂક્યો હતો, પણ તેની ડિલિવરી મે, જૂન અને જુલાઈ મહિનામાં આપવાની હતી. આ ૧૧ કરોડ ડોઝ સામે સરકારે તેમને ૨૮ એપ્રિલના ૧૭૩૨.૫૦ કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. જો પૂનાવાલા હવે આ ૧૧ કરોડ ડોઝ સમયસર ન ચૂકવે તો કરોડો રૂપિયા જોખમાઈ જાય તેમ છે.
આ વર્ષના જાન્યુઆરી મહિનામાં સરકાર દ્વારા વેક્સિનેશનની ઝુંબેશ શરૂ કરવામાં આવી ત્યારે કદાચ સરકારને ખબર જ નહીં હોય કે લોકોમાં વેક્સિનની આટલી ડિમાન્ડ નીકળશે. આ કારણે સરકારે પ્રારંભમાં સાવચેતીપૂર્વક ઓર્ડરો આપ્યા હતા. સરકારે પ્રારંભમાં વેક્સિનના ૨.૧ કરોડ ડોઝનો જ ઓર્ડર આપ્યો હતો. માર્ચ મહિનામાં ડિમાન્ડમાં ઉછાળો આવતાં સરકારે બીજા ૧૧ કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો હતો. સરકાર દ્વારા સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઉપરાંત ભારત બાયોટેક પાસેથી પણ વેક્સિનની ખરીદી કરવામાં આવે છે. કેન્દ્ર સરકારે અત્યાર સુધી રાજ્યોને અને કેન્દ્રશાસિત પ્રદેશોને વેક્સિનના ૧૬.૫૪ કરોડ ડોઝ પૂરા પાડ્યા છે. તેમાંના ૧૫.૭૬ લાખ ડોઝ વપરાઇ ગયા છે. રાજ્યો પાસે અત્યારે ૭૮ લાખ ડોઝ વપરાયા વગરના પડ્યા છે. કેન્દ્ર સરકાર તેમને બીજા ૫૬ લાખ ડોઝ મોકલવાની છે. આ ૧.૩૪ કરોડ ડોઝ ખલાસ થઈ જશે તે પછી વેક્સિનેશનની ઝુંબેશ અટકાવી દેવાની રાજ્યોને ફરજ પડશે. અદર પૂનાવાલાના કહેવા મુજબ જે ૧૧ કરોડ ડોઝનો નવો ઓર્ડર આપવામાં આવ્યો છે તેની ડિલિવરી જુલાઈ મહિના પહેલાં થઈ શકે તેમ નથી. કદાચ અમેરિકા દ્વારા કાચો માલ મોકલવામાં થયેલો વિલંબ પણ તેના માટે જવાબદાર હોઈ શકે છે.
કેટલાક લોકો કહે છે કે તાજેતરમાં વેક્સિનને કારણે થઈ રહેલાં મરણનો આંકડો વધી જતાં કેટલાંક લોકો દ્વારા પૂનાવાલાને ધમકીઓ આપવામાં આવી હતી. આ ધમકીઓમાં તેમને કોર્ટમાં ઘસડી જવાની ધમકીનો પણ સમાવેશ થતો હતો. અગાઉ પૂનાવાલાએ સરકારને વિનંતી કરી હતી કે વેક્સિનથી થતાં મરણ બાબતમાં તેમને ખટલાનો સામનો કરવાથી મુક્તિ આપવામાં આવે. સરકારે આ માગણી ઠુકરાવી દીધી હતી. કેસના ડરથી તેઓ ભારત છોડી ગયા હોય તેવી પણ સંભાવના છે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.