Columns

ગુજરાતના કિસાનો સામેનો કેસ પેપ્સિકો કંપની કેમ હારી ગઈ?

કેટલીક મલ્ટિનેશનલ કંપનીઓ આપણા દેશમાં ધંધો કરવા આવે છે, આપણાં સંસાધનોનો ઉપયોગ કરીને અબજો રૂપિયાની કમાણી કરે છે, અને પછી આપણી પ્રજા ઉપર જ દાદાગીરી કરે છે. અમેરિકાની પેપ્સિકો કંપનીની આવી દાદાગીરી ગુજરાતમાં ચાલી નથી. પેપ્સિકો કંપની એક ખાસ જાતના બટાકાની વેફર બનાવતી હતી. તે બટાકાની જાત ઉપર તેણે પેટન્ટ મેળવી લીધી હતી; પણ ગુજરાતના ખેડૂતો પરાપૂર્વથી તે બટાકા ઉગાવતા હતા. તેમને હેરાન કરવા પેપ્સિકો કંપનીએ ગુજરાતના કેટલાક કિસાનો પર કેસ કર્યો અને વળતર માગ્યું.

ગુજરાતના કિસાનો ખમીરવંતા હતા માટે તેમણે પેપ્સિકો કંપની સામે અદાલતમાં લડાઈ આપી હતી. કિસાનોની ઝુંબેશને કારણે પેપ્સિકો કંપની દ્વારા કિસાનો પર કરવામાં આવેલા કેસો પાછા ખેંચી લેવામાં આવ્યા હતા, પણ કિસાનો દાખલો બેસાડવા માગતા હતા, માટે તેમણે પોતાની લડત ચાલુ રાખી હતી. પેપ્સિકો કંપની એ વાત ભૂલી ગઈ હતી કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ (આઈપીઆર) માટેના કાયદાની ચુંગાલમાંથી ભારતના કિસાનોને મુક્ત રાખવા ભારતની સંસદ દ્વારા ખાસ કાયદો ઘડવામાં આવ્યો હતો, જે પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વરાઇટીઝ એન્ડ ફાર્મર્સ રાઇટ્સ એક્ટ ૨૦૦૧ તરીકે ઓળખાય છે.

આ કાયદા મુજબ ભારતના કિસાનો કોઈ ચોક્કસ જાતનું બિયારણ વાપરી શકે છે, સંઘરી શકે છે, તેની અદલાબદલી કરી શકે છે અને તેને બજારમાં વેચી પણ શકે છે; શરત માત્ર એટલી છે કે તે બિયારણની કોઈ બ્રાન્ડ હોવી ન જોઈએ. પેપ્સિકો કંપની દ્વારા જે બટાકા વાપરવામાં આવતા હતા તે તદ્દન નવી જાત નહોતી પણ ગુજરાતમાં મળતી બટાકાની જાતમાં મામૂલી ફેરફારો કરીને તેનો પ્રચાર નવી જાત તરીકે કરવામાં આવ્યો હતો. ૨૦૨૧ના ડિસેમ્બરમાં પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વરાઇટીઝ એન્ડ ફાર્મર્સ રાઇટ્સ ઓથોરિટી દ્વારા ગુજરાતના કિસાનોની તરફેણમાં જે ચુકાદો આવ્યો હતો તેના પર હવે દિલ્હી હાઈ કોર્ટ દ્વારા મંજૂરીની મહોર મારવામાં આવી છે.

પેપ્સિકોએ વર્ષ ૨૦૧૬માં પેકેજ્ડ ચિપ્સમાં વપરાતી બટાકાની એક જાત FC-5 માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જે અંતર્ગત આ બિયારણના ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ કંપની પાસે આવ્યા હતા. વર્ષ ૨૦૧૮ માં કંપનીએ બટાકાના બીજની આ જાત ઉગાડવા બદલ ગુજરાતના પાંચ ખેડૂતો પર કેસ કર્યો હતો. ત્યારબાદ ૨૦૧૯ માં ફરી ચાર ખેડૂતો સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કંપનીએ આ તમામ પાસેથી દોઢ-દોઢ કરોડ રૂપિયાનું વળતર માંગ્યું હતું. આ મામલો મીડિયામાં આવ્યા બાદ બીજ અધિકાર મંચના કેતન શાહે આ મામલે હસ્તક્ષેપ શરૂ કર્યો હતો. એલાયન્સ ફોર સસ્ટેનેબલ એન્ડ હોલિસ્ટિક એગ્રીકલ્ચર (ASHA) ની કવિતા કુરુગંતિએ પેપ્સિકો સામે પ્લાન્ટ વેરાયટી અને ખેડૂતોના અધિકારના સંરક્ષણના ફોરમમાં અરજી દાખલ કરી હતી. તે સમયે પેપ્સિકોએ પીછેહઠ કરી હતી, પરંતુ તે ખેડૂતોને આ જાત ઉગાડવા દેવા તૈયાર ન હતી.

૨૦૨૧ના ડિસેમ્બરમાં ૩૦ મહિનાની સુનાવણી બાદ આ કેસમાં નિર્ણય ખેડૂતોના પક્ષમાં આવ્યો હતો. પેપ્સિકોનું સર્ટિફિકેટ રદ કરવા પાછળનું કારણ એ હતું કે બટાકાની જાત પર કંપનીને આપવામાં આવેલ IPR નિયત જોગવાઈઓ મુજબ નથી. છોડની જાતોના રક્ષણ અને ખેડૂતોના અધિકારોના મામલે પણ આ અધિકાર જનહિતમાં ન હતો. કંપની પાસે આ અધિકાર જાન્યુઆરી ૨૦૨૨ સુધી હતો અને તે તેને ૩૧ જાન્યુઆરી, ૨૦૩૧ સુધી રિન્યૂ કરાવી શકતી હતી. હવે તે રદ કરવામાં આવ્યું છે. આ બટાકાની જાતનો ઉપયોગ પેપ્સિકો દ્વારા પોટેટો ચિપ્સ બનાવવા માટે કરવામાં આવે છે. બટાકાની આ જાત પ્રમાણમાં ઓછો ભેજ ધરાવે છે, જેના કારણે તેનો ઉપયોગ ચિપ્સ બનાવવા માટે થાય છે. કંપનીએ ખેડૂતો સામે પેટન્ટ ઉલ્લંઘનનો કેસ દાખલ કર્યો હતો, જ્યારે કાયદો બૌદ્ધિક સંપદા અધિકારોને કારણે ખેડૂતોને બટાકાના બીજની આ જાતની ખેતી કરતા અટકાવતો નથી.

પેપ્સિકો કંપની તરફથી કેસનો સામનો કરી રહેલા ખેડૂતોમાંથી એક બિપિન પટેલે કહ્યું હતું કે, અમે ઘણા સમયથી બટાકાનું વાવેતર કરીએ છીએ, પરંતુ અમને કદી પણ કોઈ મુશ્કેલીનો સમાનો નથી કરવો પડયો. અમે એક વખત પાકને ઉગાડયા બાદ વધેલા બીજનો ઉપયોગ આગામી વર્ષ માટે કરીએ છીએ. જો કે બિપીન પટેલે એ નથી જણાવ્યું કે તેમને પેપ્સિકો કંપનીના આ બટાકાની જાતનું બીજ કેવી રીતે મળ્યું. પેપ્સિકો કંપની દ્વારા પહેલાં અમદાવાદની કોર્ટમાં કિસાનો વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો હતો. તેમાં કિસાનો હારી જતાં તેમણે પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વરાઇટીઝ એન્ડ ફાર્મર્સ રાઇટ્સ ઓથોરિટી સમક્ષ અપીલ કરી હતી, જેનો ચુકાદો ગુજરાતના કિસાનોની તરફેણમાં આવ્યો હતો.

ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અંબુભાઈ પટેલ કહે છે કે ખેડૂતો અનેક જગ્યાએથી બિયારણ લેતા હોય છે. એવામાં તેમના પર આ રીતે કરોડોનો દાવો કરવો અને એમ કહેવું કે તેઓ પેપ્સિકો માટે ખતરો છે તે બરાબર નથી. જતન ટ્રસ્ટ સાથે જોડાયેલા કપિલ શાહ કહે છે કે ભારતમાં પીપીવી ઍન્ડ એફઆરએ એટલે પ્રૉટેક્શન ઑફ પ્લાન્ટ વેરાઇટી ઍન્ડ ફાર્મર્સ રાઇટ્સ ઍક્ટ હેઠળ ખેડૂતોને બિયારણના વાવેતરને લઈને રક્ષણ મળેલું છે. ૧૯૦ થી વધુ કાર્યકરોએ કેન્દ્રીય કૃષિમંત્રી અને પ્રૉટેક્શન ઑફ પ્લાન્ટ વેરાઇટી ઍન્ડ ફાર્મર્સ રાઇટ્સ ઑથૉરિટીને પત્ર લખીને કહ્યું હતું કે પેપ્સિકો પીપીવી ઍન્ડ એફઆરએની કલમ-૬૪ નું પોતાની રીતે અર્થઘટન કરીને ખેડૂતો પર કેસ કર્યો હતો. કલમ-૬૪ પ્રમાણે જો કોઈ રજિસ્ટર કરેલી વેરાઇટીનું વેચાણ, આયાત, નિકાસ કે પછી વિના પરવાનગીએ ઉત્પાદન કરે તો તેને કાયદાનું ઉલ્લંઘન માનવામાં આવશે.

જોકે, આ કાયદાની કલમ ૩૯ (iv)માં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કાયદાની તમામ જોગવાઈઓ છતાં ખેડૂત બિયારણની બચત, ઉપયોગ, વાવતેર, ફરી વાવેતર, આદાન-પ્રદાન કરી શકે છે. તે બિયારણ કોઈને આપી શકે છે અને વેચી પણ શકે છે. તેમજ બિયારણના રજિસ્ટ્રેશન પહેલાં બિયારણથી લેવામાં આવેલા પાકનું વેચાણ કરતા હતા એ જ રીતે કરી શકે છે. કૃષિ બાબતોના નિષ્ણાત દેવેન્દ્ર શર્મા કહે છે કે જો ખેડૂત કોઈ અન્યના નામે રજિસ્ટર્ડ બિયારણ વાપરી લે તો પણ કાયદા પ્રમાણે તેના પર કેસ ન થાય. તેમ છતાં પેપ્સીકો દ્વારા કેસ કરવામાં આવ્યો હતો. તેને બહોળી પ્રસિદ્ધિ મળતાં ગુજરાતના કિસાનો દ્વારા પેપ્સીકો સામે આંદોલન કરવામાં આવ્યું હતું. તેનાથી ડરી જઈને પેપ્સીકો કંપનીએ કિસાનો સામેના કેસો પાછા ખેંચી લીધા હતા, પણ બટાકાના બીજ વાપરવા પરનો પ્રતિબંધ ચાલુ રહ્યો હતો. હવે તેની સામે લડીને પણ કિસાનોએ જીત મેળવી છે.

અગાઉ કોકા કોલા નામની જાયન્ટ કંપનીને કેરળના એક નાનકડાં ગામની ગ્રામ પંચાયતે પાઠ ભણાવ્યો હતો. આ ગામમાં કોકા કોલા કંપનીનો બોટલિંગ પ્લાંટ આવ્યો હતો. તેઓ જમીનમાંથી કરોડો લિટર પાણી ખેંચતા હતા, જેને કારણે ગામના કૂવાઓ સૂકાઈ ગયા હતા. પાણી મેળવવા લોકોએ સેંકડો ફીટ ઊંડાં બોરવેલ કરાવવા પડતા હતા. ગ્રામ પંચાયત દ્વારા કોકા કોલા કંપનીને બોટલિંગ પ્લાંટ બંધ કરવાની નોટિસ આપવામાં આવી તેની સામે કંપની હાઈ કોર્ટમાં ગઈ હતી. હાઈ કોર્ટમાંથી આ કેસ સુપ્રિમ કોર્ટમાં ગયો હતો. કેરળની ગ્રામ પંચાયત સુપ્રિમ કોર્ટ સુધી લડીને જીતી ગઈ હતી, જેને કારણે કોકા કોલાને પોતાનો બોટલિંગ પ્લાંટ બંધ કરવાની ફરજ પડી હતી.

Most Popular

To Top