Columns

મેલાનિયા ટ્રમ્પને અચાનક જેફરી એપ્સ્ટેઇન સાથેના સંબંધો બાબતમાં સફાઈ કેમ આપવી પડી?

મનોવિજ્ઞાનનો નિયમ છે કે તમે જે વસ્તુનો ઇનકાર કરો છો, તે વસ્તુ સાથે તમારે કોઈ ઊંડો સંબંધ હોય છે. અમેરિકાનાં ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પે કુખ્યાત જાતીય ગુનેગાર અને સ્વર્ગસ્થ ફાઇનાન્સર જેફરી એપ્સ્ટેઇન સાથે કોઈ જોડાણ હોવાનો કે તેમના ગુનાઓ વિશે કોઈ જાણકારી હોવાનો સ્પષ્ટપણે ઇનકાર કર્યો છે, પણ તેને કારણે મેલાનિયા અને જેફરી એપ્સ્ટેઇન વચ્ચેના સંબંધો બાબતમાં લોકોની શંકાઓ વધુ પ્રબળ બની છે.

વ્હાઇટ હાઉસ ખાતે અચાનક બોલાવવામાં આવેલી એક પ્રેસ કોન્ફરન્સમાં પહેલેથી તૈયાર કરાયેલું નિવેદન વાંચતાં મેલાનિયા ટ્રમ્પે કહ્યું કે તેમના વિરુદ્ધ ફેલાતી વાર્તાઓ સંપૂર્ણપણે ખોટી છે અને તેમની છબીને દૂષિત કરવાનો વ્યર્થ પ્રયાસ છે. મેલાનિયા ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું કે જેફરી એપ્સ્ટેઇને તેમનો પરિચય ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરાવ્યો ન હતો. તેઓ પહેલી વાર ટ્રમ્પને ૧૯૯૮માં ન્યૂયોર્કમાં એક પાર્ટીમાં મળ્યાં હતાં. તેઓ ન તો એપ્સ્ટેઇનની મિત્ર હતી કે ન તો તેમના નજીકના સહયોગી ઘિસ્લેન મેક્સવેલની મિત્ર હતી. જો કે તેઓ ન્યૂયોર્ક અને ફ્લોરિડામાં કેટલાક સહિયારા સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપતાં હતાં.

મેલાનિયા ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાના ન્યાય વિભાગે એપ્સ્ટેઇન ફાઇલ્સ ટ્રાન્સપરન્સી એક્ટ સંબંધિત દસ્તાવેજો મોટી સંખ્યામાં જાહેર કર્યા છે. આ દસ્તાવેજોમાં ૨૦૦૨નો ‘‘લવ મેલાનિયા’’ નામનો ઇમેઇલ સામેલ છે અને માનવામાં આવે છે કે તે ઘિસ્લેન મેક્સવેલને મોકલવામાં આવ્યો હતો. જેફરી એપ્સ્ટેઈન પર સગીર છોકરીઓની તસ્કરી કરવાના અને જાતીય શોષણના ગંભીર આરોપો છે. તેણે ૨૦૧૯ માં ન્યૂયોર્કની જેલમાં આત્મહત્યા કરી હતી. મેલાનિયા ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈરાન યુદ્ધવિરામ બાબતમાં ઈસ્લામાબાદમાં વાટાઘાટો ચાલી રહી છે અને એપ્સ્ટેઇન કેસ ફરીથી રાજકીય ચર્ચામાં આવી રહ્યો છે. મેલાનિયા દ્વારા આ નિવેદન આ તબક્કે કેમ જાહેર કરવામાં આવ્યું અને તેમણે નિવેદન આપતાં પહેલાં પોતાના પતિની સલાહ લીધી હતી કે કેમ? તે બાબતમાં તર્કવિતર્કો થઈ રહ્યા છે.

મેલાનિયા ટ્રમ્પને અચાનક જાહેર નિવેદન કરવા બહાર આવવું પડ્યું, તેની પાછળ અમાન્ડા ઉંગારો નામની મોડેલની સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલી પોસ્ટ હોવાનું કહેવાય છે. આ મહિલાએ એક એકાઉન્ટનો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની મેલાનિયા ટ્રમ્પનો  ભાંડો ફોડી કાઢવાની ધમકી આપી છે. પોતાને એપ્સ્ટેઇન ફાઇલ્સનો ભોગ બનનાર ગણાવતા  મહિલાએ કહ્યું કે હું બે દાયકાથી અમેરિકાની પ્રથમ મહિલાની નજીક છું.

હું મેલાનિયાના જેફરી એપ્સ્ટેઇન સાથેના ગુપ્ત સંબંધોનો ખુલાસો કરીશ. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X પર અમાન્ડા ઉંગારોએ એક પોસ્ટમાં લખ્યું છે કે હું ૨૦ વર્ષથી તમારી આસપાસ છું. તમને ખબર હતી કે હું ICEમાં છું. આટલાં વર્ષો પછી દુઃખ એ છે કે હું તમારા પરિવાર, તમારાં માતા અને પિતાના સંપર્કમાં છું. તેથી મારા વિશે બોલતી વખતે ચૂપ રહો, કારણ કે હું જે જાણું છું તે બધું જાહેર કરીશ. આ એકાઉન્ટ લેટિન અમેરિકાથી સંચાલિત થઈ રહ્યું છે અને ડિસેમ્બર ૨૦૨૫ થી સક્રિય છે.

મેલાનિયા ટ્રમ્પને ચેતવણી આપનાર અમાન્ડા ઉંગારો એક મોડેલ હોવાનું કહેવાય છે અને તે ડોનાલ્ડ ટ્રમ્પના ભૂતપૂર્વ મોડેલિંગ એજન્ટ અને સહયોગી પાઓલો ઝામ્પોલીની ભાગીદાર હોવાનું કહેવાય છે. પાઓલો ઝામ્પોલી એ જ વ્યક્તિ છે જેણે મેલાનિયા ટ્રમ્પને તેની મોડેલિંગ કારકિર્દી દરમિયાન અમેરિકા આવવામાં મદદ કરી હતી અને તેણીને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પરિચય કરાવ્યો હતો. એવું કહેવાય છે કે અમાન્ડા ઉંગારોને પણ પાઓલો ઝામ્પોલી દ્વારા શોધી કાઢવામાં આવી હતી જ્યારે તે મોડેલિંગ એજન્ટ તરીકે કામ કરી રહ્યો હતો. ત્યાર બાદ તેણે ઉંગારોને મોડેલિંગ કારકિર્દી માટે તૈયાર કરી અને તેણીને અમેરિકા આવવા માટે પ્રોત્સાહિત કરી હતી.

બ્રાઝિલના અખબાર ઓ ગ્લોબો સાથેની એક મુલાકાતમાં અમાન્ડા ઉંગારોએ જેફરી એપ્સ્ટેઇન સાથેની તેમની પહેલી મુલાકાતનું વર્ણન કર્યું હતું. તેણીએ કહ્યું કે ૧૭ વર્ષની ઉંમરે તેણીએ જેફરી એપ્સ્ટેઇનના ખાનગી વિમાનમાં પેરિસથી ન્યૂ યોર્કની મુસાફરી કરી હતી. ઉંગારોના જણાવ્યા અનુસાર તેણી તેના એજન્ટ જીન-લુક બ્રુનેલ સાથે વિમાનમાં ચઢી હતી. વિમાનમાં લગભગ ૩૦ સુંદર છોકરીઓ હતી. મને તરત જ અસ્વસ્થતા અનુભવાઈ અને હું વિમાનમાંથી ઉતરવા માંગતી હતી.

ઉંગારોએ આખી મુસાફરીને ખૂબ જ ખલેલ પહોંચાડનાર અનુભવ તરીકે વર્ણવી હતી. અમાન્ડા ઉંગારો અને પાઓલો ઝામ્પોલીનો સંબંધ ૨૦૧૩ માં સમાપ્ત થયો હતો. એક મુલાકાતમાં ઉંગારોએ કહ્યું હતું કે માર-એ-લાગો ખાતે નવા વર્ષની પાર્ટીઓમાં અમે અને એક અન્ય દંપતી ટ્રમ્પ અને મેલાનિયા સાથે એક જ ટેબલ પર બેઠાં હતાં. તેણીએ એવો પણ દાવો કર્યો હતો કે ઝામ્પોલી જ મેલાનિયા અને ડોનાલ્ડ બંને વચ્ચે ગાઢ સંબંધ ધરાવતું કારણ હતું.

જેફરી એપ્સ્ટેઇન તપાસ સાથે જોડાયેલા નવા જાહેર થયેલા દસ્તાવેજોમાં અમેરિકાનાં ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પનો સંબંધ ફરી એક વાર સામે આવ્યો છે. અમેરિકાના ન્યાય ખાતાની વેબસાઇટ પર દૂર કરાયેલી અને પછીથી પુનઃસ્થાપિત કરાયેલી છબીઓમાં એપ્સ્ટેઇનના ઘરમાં એક ડેસ્ક દર્શાવવામાં આવી હતી, જેમાં ફોટાઓથી ભરેલું ખુલ્લું ડ્રોઅર હતું. એક ફોટામાં ટ્રમ્પ, એપ્સ્ટેઇન અને જાતીય અપરાધીની નજીકની સહયોગી ઘિસ્લેન મેક્સવેલ સાથે મેલાનિયા હતી. ન્યાય વિભાગ દ્વારા શેર કરાયેલા એક ફોટામાં મેલાનિયાની આગામી દસ્તાવેજી ફિલ્મના દિગ્દર્શક બ્રેટ રેટનરને દર્શાવવામાં આવ્યા હતા. આ ફોટામાં રેટનરને એપ્સ્ટેઇનના લાંબા સમયના સહયોગી સ્વર્ગસ્થ ફ્રેન્ચ મોડેલ એજન્ટ જીન-લુક બ્રુનેલ સાથે પોઝ આપતાં જોઈ શકાય છે.

બ્રુનેલનું ૨૦૨૨ માં પેરિસની જેલમાં મૃત્યુ થયું હતું, જ્યાં તે એક સગીર પર બળાત્કારના આરોપમાં ટ્રાયલની રાહ જોઈ રહ્યો હતો. એપસ્ટેઇન કેસની સૌથી અગ્રણી ફરિયાદીઓમાંની એક, વર્જિનિયા ગિફ્રેએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે તે સગીર હતી ત્યારે તેને બ્રુનેલ સાથે અનેક વખત સેક્સ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. ગિફ્રે પોતે એપ્રિલમાં ૪૧ વર્ષની ઉંમરે આત્મહત્યા કરીને મૃત્યુ પામી હતી. ૫૬ વર્ષીય રેટનર પર ઘણી અન્ય મહિલાઓએ પણ જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે, જેમાં ઓલિવિયા મુન અને નતાશા હેન્સ્ટ્રીજ તેમજ ૧૮ વર્ષની ઉંમરે એલિયટ પેજનો સમાવેશ થાય છે.

૨૦૧૪ ના હર્ક્યુલસ પછી પ્રથમ દિગ્દર્શક પ્રોજેક્ટમાં રેટનર મેલાનિયા સાથે પાછા ફરવા માટે તૈયાર છે, જે  મેલાનિયા ટ્રમ્પ પર કેન્દ્રિત એક દસ્તાવેજી ફિલ્મ છે. જેફરી એપ્સ્ટેઇન વિશે મેલાનિયા ટ્રમ્પની ટિપ્પણીઓ વ્હાઇટ હાઉસના અધિકારીઓ માટે પણ આશ્ચર્યજનક હતી. વ્હાઇટ હાઉસના કેટલાક અધિકારીઓ ફર્સ્ટ લેડીના નિવેદનના સમયથી આશ્ચર્યચકિત થયા હતા. આનાથી એવી અફવાઓ ફેલાઈ હતી કે તે કદાચ આવનારી કોઈ ઘટના પહેલાં પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહી હશે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે મેલાનિયા ટ્રમ્પની નજીકનાં લોકોમાં આ અંગે મતભેદ હતો કે તેમણે આ નિવેદન આપવું જોઈએ કે નહીં, કારણ કે આ મામલો પહેલાંથી જ ઉકેલાઈ ગયો છે. જો કે, વ્હાઇટ હાઉસના અધિકારીએ જણાવ્યું હતું કે મેલાનિયા ટ્રમ્પને એપ્સ્ટેઈન સાથે જોડતા અહેવાલો અને ચર્ચાઓ હજુ પણ ઓનલાઈન ફરી રહી છે, જેના કારણે મેલાનિયા ટ્રમ્પે આ બાબતે સત્તાવાર રીતે પોતાનું સ્થાન સ્પષ્ટ રીતે જાહેર કર્યું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે તેઓ એપ્સ્ટેઈન અંગે આ નિવેદન આપવાની તેમની પત્નીની યોજનાથી અજાણ હતા. આ અચાનક નિવેદનથી સોશ્યલ મીડિયા પર જાતજાતની અટકળો શરૂ થઈ ગઈ છે, જેમાં મોટા ભાગની ચર્ચાનું કેન્દ્ર અમાન્ડા ઉંગારો છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top