માયાવતીની માયાનો કોઈ પાર નથી. બહુજન સમાજ પાર્ટી પર પોતાનું એકચક્રી સામ્રાજ્ય કાયમ રાખવા માટે તેમણે તેમના ભત્રીજા આકાશ આનંદને બહુજન સમાજ પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. બહુજન સમાજ પાર્ટીનાં વડાં માયાવતીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે અને કહ્યું છે કે તેમના સસરાની જેમ આકાશ આનંદને પણ પાર્ટી અને દલિત આંદોલનના હિતમાં હાંકી કાઢવામાં આવ્યા છે. આકાશ આનંદને ૨૦૧૯ માં બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર બનાવવામાં આવ્યા હતા અને ૨૦૨૩ માં માયાવતીએ તેમને પોતાના રાજકીય ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા હતા, પરંતુ હવે સંબંધોમાં ખટાશ આવી જતાં આકાશ આનંદને માત્ર પાર્ટીના પદો પરથી જ નહીં પરંતુ પાર્ટીમાંથી પણ હાંકી કાઢવામાં આવ્યા છે.
આકાશ આનંદને રાજકારણ માટે બસપાનાં વડાં માયાવતીએ પોતે તૈયાર કર્યા હતા. તેમને આઠ વર્ષ સુધી બઢતી આપવામાં આવી હતી અને મહત્ત્વપૂર્ણ હોદ્દા આપવામાં આવ્યા હતા. તે પછી એવું લાગતું હતું કે તેમની મહત્ત્વાકાંક્ષાઓ વધતી જતી હતી, જેનાથી પાર્ટીને નુકસાન થઈ શકે છે. તેથી તેમણે પોતાના ભત્રીજાને પાર્ટીમાંથી હાંકી કાઢ્યો છે. માયાવતીનો આવો નિર્ણય નવો નથી. તેઓ આવા કઠિન નિર્ણયો માટે જાણીતાં છે. બસપામાં આવા નેતાઓની લાંબી યાદી છે. જ્યારે માયાવતીને લાગ્યું કે કોઈ નેતાની મહત્ત્વાકાંક્ષાઓ ખૂબ વધી રહી છે, ત્યારે તેમણે તેમને દૂર કર્યા અને બહાર ફેંકી દીધા છે. આ માટે તેમણે પાર્ટીમાં એક મજબૂત પ્રથા પણ બનાવી છે.
૧૯૮૪માં કાંશીરામે બસપાની સ્થાપના કરી હતી. તે પહેલાં જ તેમણે દલિત આંદોલનની આગેવાની લઈને તેના પર કામ શરૂ કરી દીધું હતું. પછી તેમણે પાર્ટીની અંદર ઘણા નેતાઓ તૈયાર કર્યા હતા. જેમ જેમ પક્ષ આગળ વધતો ગયો તેમ તેમ નેતાઓની સંખ્યા પણ વધતી ગઈ. એક સમય હતો જ્યારે બસપા પાસે દરેક ક્ષેત્રમાં દરેક જાતિના મોટા નેતાઓ હતા. તે પછી જ્યારે પાર્ટીનું સુકાન માયાવતીના હાથમાં આવ્યું ત્યારે તેમણે નવા નેતાઓ બનાવ્યા પરંતુ તેમણે ઘણા જૂના નેતાઓને બહારનો રસ્તો પણ બતાવ્યો. તેમને લાગ્યું કે કોઈ નેતાની મહત્ત્વાકાંક્ષાઓ ખૂબ વધી રહી છે અને તે તેમને નુકસાન પહોંચાડી શકે છે તો તેમને તરત જ ફેંકી દેવામાં આવ્યા હતા.
માયાવતી અપરિણીત હોવાથી તેમણે પોતાના ભત્રીજાને રાજકીય વારસદાર બનાવ્યા હતા. હવે માયાવતીએ કહ્યું છે કે જ્યાં સુધી તેઓ જીવિત છે ત્યાં સુધી તેમનો કોઈ ઉત્તરાધિકારી નહીં હોય. બસપા સુપ્રીમોએ કહ્યું કે તેમના માટે પાર્ટી પહેલા આવે છે અને અન્ય સંબંધો પછી આવે છે. માયાવતીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે ગઈકાલે બસપાની અખિલ ભારતીય બેઠકમાં આકાશ આનંદને રાષ્ટ્રીય સંયોજક સહિતની તમામ જવાબદારીઓમાંથી દૂર કરવામાં આવ્યા હતા, કારણ કે તેઓ તેમના સસરા અશોક સિદ્ધાર્થના પ્રભાવ હેઠળ રહ્યા હતા.
તેમની પાસેથી પસ્તાવો થવાની અપેક્ષા હતી. પરંતુ તેનાથી વિપરીત, આકાશ દ્વારા આપવામાં આવેલો લાંબો જવાબ તેના પસ્તાવા અને રાજકીય પરિપક્વતાની નિશાની નથી, પરંતુ સ્વાર્થી અને ઘમંડી છે, જે તેના સસરાના પ્રભાવથી ભરેલો છે. બહુજન સમાજ પાર્ટીના પદ પરથી હટાવ્યા પછી આકાશ આનંદે સોશિયલ મીડિયા પર લખ્યું કે હું સૌથી આદરણીય બહેન શ્રીમતી માયાવતીજીનો કાર્યકર છું. તેમના નેતૃત્વ હેઠળ, મેં બલિદાન, વફાદારી અને સમર્પણના અવિસ્મરણીય પાઠ શીખ્યા છે. આ બધા મારા માટે માત્ર એક વિચાર નથી, પરંતુ જીવનનો હેતુ છે.
આકાશ આનંદ માયાવતીના સૌથી નાના ભાઈ આનંદ કુમારનો પુત્ર છે. ૨૦૧૭ માં અભ્યાસ પૂર્ણ કરીને લંડનથી પાછા ફર્યા પછી જ તેઓ બસપાના કાર્યમાં જોડાયા હતા. સહારનપુરમાં ઠાકુરો અને દલિતો વચ્ચેના અથડામણ દરમિયાન તેઓ માયાવતી સાથે ત્યાં ગયા હતા. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પછી આકાશ આનંદને બસપાના રાષ્ટ્રીય સંયોજક બનાવવામાં આવ્યા હતા પરંતુ તેઓ પાર્ટીને જીતની રેસમાં લાવવામાં નિષ્ફળ રહ્યા હતા. તાજેતરમાં યોજાયેલી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આકાશ આનંદ પાર્ટીના પ્રભારી હતા, પરંતુ બેઠક જીતવાની વાત તો દૂર રહી, પાર્ટીના મત હિસ્સામાં પણ ઘટાડો થયો હતો. માયાવતીએ ગયા વર્ષે લોકસભા ચૂંટણી પહેલા આકાશ આનંદને રાષ્ટ્રીય સંયોજક પદ પરથી દૂર કર્યા હતા.
તેમને હટાવવાનું કારણ એ હતું કે તેમને હજુ વધુ પરિપક્વ થવાની જરૂર હતી. ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પછી આકાશ આનંદ ફરીથી પાર્ટીમાં પાછા ફર્યા હતા. જાન્યુઆરીમાં એક રીતે આકાશને બઢતી આપવામાં આવી અને રાજ્યની જવાબદારીઓમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા અને તેમને સંગઠન અને અભિયાન સંબંધિત રાષ્ટ્રીય જવાબદારીઓ સોંપવામાં આવી હતી. હવે ૨૦૨૫ માં ફરી એકવાર પાર્ટીનાં વડાં માયાવતી અને આકાશ વચ્ચે કડવાશ વધી ગઈ છે અને આના કેન્દ્રમાં આકાશના સસરા અશોક સિદ્ધાર્થનું નામ વારંવાર આવી રહ્યું છે. રવિવારે લખનૌમાં બસપાની બેઠક બાદ જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કાંશીરામના પગલે ચાલીને આકાશ આનંદને તમામ પદો પરથી દૂર કરવામાં આવ્યા છે અને તેમના સસરા અશોક સિદ્ધાર્થને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. અશોક સિદ્ધાર્થે દેશભરમાં પાર્ટીને બે જૂથોમાં વહેંચીને તેને નબળી બનાવી દીધી છે.
બહુજન સમાજ પાર્ટીનું કહેવું છે કે આકાશ આનંદ સામે થયેલી કાર્યવાહીની જવાબદારી તેમના સસરા અશોક સિદ્ધાર્થની છે. અશોક સિદ્ધાર્થના કારણે માત્ર પાર્ટીને જ નુકસાન થયું નથી, પરંતુ આકાશ આનંદનું રાજકીય કરિયર પણ બરબાદ થયું છે. અશોક સિદ્ધાર્થ પણ બસપા અને માયાવતી માટે અજાણ્યા નથી. માયાવતીના વફાદાર લોકોમાં અશોક સિદ્ધાર્થનું નામ પહેલી હરોળમાં હતું. પરંતુ ૧૨ ફેબ્રુઆરીના રોજ માયાવતીએ X પર એક પોસ્ટમાં લખ્યું કે દક્ષિણ રાજ્યોના પ્રભારી ડૉ. અશોક સિદ્ધાર્થ ચેતવણીઓ છતાં જૂથવાદમાં રોકાયેલા હતા. આકાશના લગ્ન ૨૦૨૩ માં અશોક સિદ્ધાર્થની પુત્રી પ્રજ્ઞા સિદ્ધાર્થ સાથે થયા હતા. માયાવતી પછી અશોક સિદ્ધાર્થને બસપામાં બીજી હરોળના મહત્ત્વપૂર્ણ નેતા તરીકે જોવામાં આવતા હતા. માયાવતીએ અશોક સિદ્ધાર્થને રાજ્યસભામાં મોકલ્યા હતા અને તેમને દક્ષિણ ભારતમાં બહુજન સમાજ પાર્ટીનો વિસ્તાર કરવાની જવાબદારી સોંપી હતી. માયાવતી સાથેના સંબંધોમાં વિશ્વાસને કારણે જ અશોક સિદ્ધાર્થની પુત્રી પ્રજ્ઞા અને આકાશના લગ્ન થયા હતા. એવું કહેવાય છે કે આકાશને ફરીથી રાષ્ટ્રીય સંયોજક બનાવવામાં અશોક સિદ્ધાર્થે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
બસપાના રાજ્યસભા સાંસદ રામજી ગૌતમ અને અશોક સિદ્ધાર્થ વચ્ચે પહેલાથી જ તણાવના અહેવાલો હતા. સિદ્ધાર્થને રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા, મહારાષ્ટ્ર અને દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં બસપા પ્રચારના પ્રભારી બનાવવામાં આવ્યા હતા પરંતુ પાર્ટી ખરાબ રીતે નિષ્ફળ ગઈ હતી.પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ તેમને બસપામાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. પોતાના ભત્રીજાને તમામ મહત્ત્વપૂર્ણ પદો પરથી દૂર કરવાના નિર્ણયને યોગ્ય ઠેરવતા માયાવતીએ બસપાના સ્થાપક કાંશીરામનો ઉલ્લેખ કરતાં કહ્યું કે કાંશીરામ પાર્ટીમાં કામ કરતા પરિવાર અને સંબંધીઓના વિરોધમાં નહોતા, પરંતુ તેઓ તેમને અન્ય કાર્યકરો કરતાં વધુ વિશેષાધિકારો મળવાની વિરુદ્ધ હતા.રસપ્રદ વાત એ છે કે આકાશ આનંદના સ્થાને તેમના પિતા આનંદ કુમાર અને રામજી ગૌતમને રાષ્ટ્રીય સંયોજક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આકાશ આનંદને બીજી વખત બસપાના રાષ્ટ્રીય સંયોજક પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. હવે પ્રશ્ન એ છે કે શું આકાશ આનંદનું બસપામાં ભવિષ્ય ખતમ થઈ ગયું છે? જોકે, આકાશને બદલે તેમના પિતાને જવાબદારી આપ્યા પછી, એવું લાગતું નથી કે તેનું ભવિષ્ય સમાપ્ત થઈ ગયું છે. માયાવતી લગભગ ૭૦ વર્ષનાં છે અને પાર્ટીને એક યુવાન નેતાની જરૂર છે. આવી સ્થિતિમાં, આકાશ હાલ પૂરતું આનંદને પૃષ્ઠભૂમિમાં રાખી શકે છે પરંતુ આખરે પાર્ટીનું સુકાન પરિવારના હાથમાં આવશે. ચિંતાનો વિષય એ છે કે છેલ્લા દોઢ દાયકામાં પાર્ટી ઘણી નબળી પડી ગઈ છે. પાર્ટીનો ટેકો ઝડપથી ઘટ્યો છે અને બસપા પોતાનો ખોવાયેલો ટેકો પાછો મેળવશે તેવા કોઈ સંકેતો દેખાતા નથી. કદાચ માયાવતી સાથે તેમનો બહુજન સમાજ પક્ષ પણ સમાપ્ત થઈ જાશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
