મધ્ય પૂર્વમાં યુદ્ધની આગ હજુ ઓલવાઈ નથી ત્યાં બીજો મોરચો ખૂલતો હોય તેવું લાગે છે. આ વખતે યુદ્ધનું કેન્દ્ર સીરિયાનો સ્વેઇડા પ્રાંત છે, જ્યાં પરિસ્થિતિ ઝડપથી બગડી રહી છે. ઇઝરાયલી સેનાએ સોમવારે સીરિયન લશ્કરી ટેન્કોને નિશાન બનાવ્યાં હતાં, જેની પુષ્ટિ ખુદ ઇઝરાયલ સંરક્ષણ દળો (IDF) દ્વારા કરવામાં આવી છે. આ વખતે મામલો ફક્ત બંને દેશો વચ્ચેના લશ્કરી મુકાબલાનો નથી.
આ મામલો ડ્રુઝ સમુદાયની સુરક્ષા સાથે સંબંધિત છે, જે સીરિયા, ઇઝરાયલ અને લેબનોનમાં ફેલાયેલું ધાર્મિક લઘુમતી જૂથ છે. સ્વેઇડા પ્રાંતમાં છેલ્લા ઘણા દિવસોથી સીરિયન સરકારી દળો અને સ્થાનિક લશ્કર વચ્ચે અથડામણ થઈ રહી છે, પરંતુ સોમવારે જ્યારે સીરિયન સરકારે ત્યાં ફરીથી નિયંત્રણ મેળવવા માટે ભારે દળો મોકલ્યાં ત્યારે પરિસ્થિતિ વિસ્ફોટક બની ગઈ હતી. તેના જવાબમાં સ્થાનિક સશસ્ત્ર જૂથોએ મોરચો ખોલ્યો હતો. સીરિયામાં સુન્ની બેદુઈન અને ડ્રુઝ લડવૈયાઓ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે, જેમાં ઇઝરાયલની સહાનુભૂતિ ડ્રુઝ લડવૈયાઓ સાથે છે. ડ્રુઝ સમુદાયની સુરક્ષા ઇઝરાયલ માટે સંવેદનશીલ મુદ્દો છે.
ડ્રુઝ સમુદાયને ઇઝરાયલમાં વફાદાર લઘુમતી ગણવામાં આવે છે અને તેઓ મોટી સંખ્યામાં સેનામાં પણ સેવા આપે છે. ઇઝરાયલે પહેલાંથી જ ચેતવણી આપી હતી કે જો સીરિયામાં ડ્રુઝ નાગરિકો માટે ખતરો વધશે તો તે હસ્તક્ષેપ કરવામાં અચકાશે નહીં. હવે જ્યારે સ્વેઇડામાં ડ્રુઝ લશ્કર પર હુમલો કરવામાં આવ્યો ત્યારે ઇઝરાયલી સેનાએ સરહદ પારથી સીરિયન ટેન્કોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે.
ઇઝરાયલે ૧૯૬૭ના યુદ્ધમાં સીરિયાના ગોલાન હાઇટ્સ વિસ્તાર પર કબજો કર્યો હતો અને ૧૯૮૧માં તેને પોતાનામાં ભેળવી લીધો હતો, જેને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા આપવામાં આવી નથી. હવે જ્યારે સીરિયામાં એક નવું શક્તિ માળખું ઉભરી રહ્યું છે, ત્યારે ઇઝરાયલને ડર છે કે કટ્ટરપંથી ઇસ્લામિક દળો તેની સરહદો નજીક જમીન મેળવી શકે છે. આ ધમકીના જવાબમાં ઇઝરાયલી સેના પહેલાંથી જ સીરિયામાં સેંકડો હવાઈ હુમલા કરી ચૂકી છે અને હવે તે જમીન કાર્યવાહી કરવાનો પણ સંકેત આપી રહી છે. આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં ૩૬૦ થી વધુ લોકો માર્યા ગયાં છે, જેમાં બાળકો અને સીરિયાનાં સુરક્ષા દળોનો સમાવેશ થાય છે.
આજે દુનિયાભરમાં ડ્રુઝ સમુદાયનાં લગભગ ૧૦ લાખ લોકો રહે છે. તેમાંથી અડધાથી વધુ લોકો સીરિયામાં રહે છે, જ્યારે બાકીના લેબનોન અને ઇઝરાયલમાં રહે છે. સીરિયાનો ડ્રુઝ સમુદાય એક ધાર્મિક અને સાંસ્કૃતિક લઘુમતી જૂથ છે, જે ડ્રુઝ ધર્મનું પાલન કરે છે. ડ્રુઝ ધર્મને શિયા ઇસ્લામની એક શાખા માનવામાં આવે છે, પરંતુ તે એક સ્વતંત્ર અને ગુપ્ત ધાર્મિક પરંપરા છે જે ૧૧મી સદીમાં ઇજિપ્તના ફાતિમિદ ખલીફા અલ-હાકીમ દ્વિ-અમ્ર અલ્લાહના સમયમાં શરૂ થઈ હતી.
ડ્રુઝ ધર્મને એક ગુપ્ત અને એકેશ્વરવાદી ધર્મ માનવામાં આવે છે, જે ઇસ્લામ, નોસ્ટિસિઝમ, ખ્રિસ્તી ધર્મ અને પ્રાચીન ગ્રીક ફિલસૂફીથી પ્રભાવિત છે. ડ્રુઝ લોકો તેમનાં ધાર્મિક પુસ્તકો અને પ્રથાઓ ગુપ્ત રાખે છે અને સમુદાયના ફક્ત થોડા જ સભ્યો ઊંડા ધાર્મિક જ્ઞાન સુધી પહોંચે છે. તેના અનુયાયીઓ પુનર્જન્મમાં પણ માને છે અને ધર્માંતરણ અથવા નવા સભ્યોને સ્વીકારતાં નથી. સીરિયામાં ડ્રુઝ સમુદાયની વસ્તી લગભગ ૭ લાખ છે અને તેઓ ન તો મુસ્લિમ છે કે ન તો ખ્રિસ્તી. ડ્રુઝને આ બે ધર્મો વચ્ચેનો ધર્મ પણ કહેવામાં આવે છે. ઇઝરાયલમાં આ સમુદાયનું ખૂબ સન્માન કરવામાં આવે છે અને ઇઝરાયલી સેનામાં તેમની હાજરી એક અલગ ઓળખ છે.
એટલા માટે જ્યારે સીરિયામાં ડ્રુઝ માટે ખતરો વધ્યો ત્યારે ઇઝરાયલે તેને માત્ર માનવ અધિકાર સંકટ નહીં પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો માનીને હસ્તક્ષેપ કર્યો હતો. દમાસ્કસ અને સ્વેડા વચ્ચેના હાઇ વે પર કેટલાક સુન્ની બેદુઇનોએ એક ડ્રુઝ યુવકને માર માર્યો હતો અને તેને લૂંટી લીધો હતો, જેના કારણે બંને સમુદાયો વચ્ચેનો તણાવ હિંસામાં પરિણમ્યો હતો. જવાબમાં ડ્રુઝ લશ્કરે ઘણાં બેદુઇનોનું અપહરણ કર્યું હતું, જેનાથી પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી. તણાવ વધતાં રાષ્ટ્રપતિ અહેમદ અલ-શારાના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકારે રાજધાની દમાસ્કસથી લગભગ ૧૦૦ કિલોમીટર દૂર આવેલા આ પ્રદેશમાં સૈનિકો મોકલ્યા હતા. શરૂઆતમાં ડ્રુઝ લડવૈયાઓએ પ્રતિકાર કર્યો હતો, પરંતુ બાદમાં આત્મસમર્પણ કર્યું હતું. સરકારી દળો દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ૧૯ ડ્રુઝ સૈનિકો માર્યા ગયા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
ઇઝરાયલી સેનાએ સોમવારે જાહેરાત કરી હતી કે તેણે સ્વેઇડા પ્રાંતના અલ-સામી ગામના વિસ્તારમાં ઘણી ટેન્કો પર બોમ્બમારો કર્યો છે. ઇઝરાયલે પહેલાંથી જ સ્પષ્ટતા કરી દીધી છે કે જો તેમને ધમકી આપવામાં આવશે તો તે ડ્રુઝ લઘુમતીના રક્ષણ માટે હસ્તક્ષેપ કરશે. તેણે સીરિયન સરકારના વચગાળાના અધિકારીઓને ચેતવણી આપી હતી કે તેઓ ઇઝરાયલના કબજા હેઠળના ગોલાન હાઇટ્સની સરહદે આવેલા દક્ષિણ દેશના તે વિસ્તારોમાં તેમના સૈનિકો તૈનાત ન કરે. જો કે કેટલાંક લોકો માને છે કે ઇઝરાયલ ડ્રુઝ સમુદાય સામે હિંસાનાં બહાનાં હેઠળ ઇઝરાયલી સરહદ નજીકના વિસ્તારમાં સીરિયન સૈન્યની હાજરીનો અંત લાવવા માંગે છે. ઇઝરાયલી સેનાએ સીરિયન શાસનને સ્પષ્ટ ચેતવણી આપી છે કે અમે સીરિયામાં ડ્રુઝને નુકસાન થવા દઈશું નહીં.
તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને ગુરુવારે ઇઝરાયલ પર સીરિયાના ડ્રુઝ લઘુમતીનો ઉપયોગ યુદ્ધગ્રસ્ત દેશમાં વિસ્તરણ માટે કરવાનો આરોપ મૂક્યો હતો. એર્દોગને ટેલિવિઝન ભાષણમાં કહ્યું કે ઇઝરાયલ ડ્રુઝનું બહાનું બનાવીને છેલ્લા બે દિવસમાં સીરિયાના પડોશી વિસ્તારોમાં તેની લડાકુ પ્રવૃત્તિઓ વધારી રહ્યું છે. હું ફરી એક વાર સ્પષ્ટ અને સીધી રીતે ભાર મૂકવા માંગુ છું કે ઇઝરાયલ એક ગેરકાયદેસર અને સિદ્ધાંતવિહીન રાજ્ય છે. આ સંદર્ભમાં આ ક્ષેત્રમાં આપણી સૌથી મોટી સમસ્યા ઇઝરાયલનું આક્રમણ છે અને જો તેને તાત્કાલિક રોકવામાં નહીં આવે તો તે આપણા પ્રદેશને અને પછી દુનિયાને આગ લગાડવામાં અચકાશે નહીં.
સ્વેઇડામાં થયેલી તાજેતરની હિંસા અને તેમાં સામેલ આંતરરાષ્ટ્રીય શક્તિઓની ભૂમિકા સ્પષ્ટપણે દર્શાવે છે કે સીરિયા ફરી એક વાર વૈશ્વિક રાજકારણના કેન્દ્રમાં આવી ગયું છે. એક તરફ જ્યાં દેશ આંતરિક સ્થિરતા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે તો બીજી તરફ બાહ્ય શક્તિઓની દખલગીરી આ પ્રક્રિયાને વધુ જટિલ બનાવી રહી છે. જો કે સાઉદી અરેબિયા દ્વારા શાંતિ માટે કરવામાં આવી રહેલા પ્રયાસોને સકારાત્મક માનવામાં આવી રહ્યા છે. સીરિયામાં સાઉદી અરેબિયાની ભૂમિકા ફક્ત માનવતાવાદી સહાય સુધી મર્યાદિત નથી, પરંતુ તેની પાછળ એક સ્પષ્ટ વ્યૂહરચના છે. બશર અલ-અસદના શાસન દરમિયાન સીરિયા ઈરાનના પ્રભાવ હેઠળ હતું, જેના કારણે સાઉદી અરેબિયા હંમેશા અસ્વસ્થ રહેતું હતું. હવે જ્યારે સીરિયામાં સુન્ની નેતૃત્વ છે અને અલ-શારા સાઉદી અરેબિયાના સમર્થનથી સરકાર ચલાવી રહ્યું છે ત્યારે ઈરાનની ભૂમિકા ઘણી હદ સુધી મર્યાદિત થઈ ગઈ છે.
નિષ્ણાતો માને છે કે આ વ્યૂહરચના દ્વારા સાઉદી અરેબિયા મધ્ય પૂર્વમાં ઈરાનના પ્રભાવને ઘટાડવામાં સફળ થઈ રહ્યું છે અને તેની પકડ મજબૂત કરી રહ્યું છે. બશર અલ-અસદના લાંબા શાસન અને વર્ષોના ગૃહયુદ્ધ પછી સીરિયામાં હવે એક નવું નેતૃત્વ ઉભરી આવ્યું છે. વર્તમાન રાષ્ટ્રપતિ અહેમદ અલ-શારા સાથે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન દ્વારા તેમના નાના ભાઈ જેવો વ્યવહાર કરવામાં આવે છે. અલ-શારાની સત્તામાં હાજરી સાઉદી અરેબિયા માટે માત્ર સીરિયાની આંતરિક સ્થિરતામાં યોગદાન આપવાની જ નહીં પરંતુ સમગ્ર ક્ષેત્રમાં તેની રાજદ્વારી પકડને મજબૂત કરવા માટેની આશાસ્પદ તક છે.
ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે સ્વીકાર્યું કે તેમણે સેનાને સ્વેઇડામાં સીરિયન દળો પર હુમલો કરવાનો આદેશ આપ્યો હતો અને ત્યાંની ડ્રુઝ વસ્તીનું રક્ષણ કરવાનો દાવો કર્યો હતો. એક સંયુક્ત નિવેદનમાં નેતન્યાહૂ અને કાત્ઝે જણાવ્યું હતું કે તેમણે સૈન્યને સીરિયન દળો અને શસ્ત્રો પર તાત્કાલિક હુમલો કરવાનો આદેશ આપ્યો છે, જેથી સીરિયન શાસન ડ્રુઝ સમુદાયને નુકસાન પહોંચાડે નહીં, કારણ કે ઇઝરાયલનાં ડ્રુઝ નાગરિકો સાથે સીરિયાનાં ડ્રુઝ નાગરિકો ઊંડા ભાઈચારાનું જોડાણ અને પારિવારિક સંબંધો ધરાવે છે.