કેટલાક લોકો હજુ માને છે કે શેરબજાર ભારતના અર્થતંત્રનું બેરોમીટર છે, પણ તે વાત વાસ્તવિકતાથી જોજનો દૂર છે. ભારતનાં અર્થતંત્રમાં છેલ્લા ૧૨ મહિનામાં કોઈ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો નથી; તેમ છતાં સેન્સેક્સ ઉછળીને ૬૦,૦૦૦ ને પાર પહોંચી ગયો છે. એક બાજુ દેશમાં ગરીબી, બેકારી, ભૂખમરો અને અપોષણ વધી રહ્યા છે, પણ બીજી બાજુ જે ટોચની ૫૦૦ કંપનીઓ છે, તેનો નફો વધી રહ્યો છે. તેમાં જથ્થાબંધ વિદેશી રોકાણ આવી રહ્યું છે. તેને કારણે તેના શેરોના ભાવો વધી રહ્યા છે. તેને કારણે કંપનીના સંચાલકોની મૂડી કુદકે ને ભૂસકે વધી રહી છે. શેર બજાર હવે જુગારીઓનો અડ્ડો બની ગયું છે. રિઝર્વ બેન્ક દ્વારા વારંવાર ચેતવણી આપવામાં આવે છે કે શેર બજારનો ફુગ્ગો ગમે ત્યારે ફૂટી જશે, પણ લોકોના લોભને કોઈ થોભ નથી.
ટૂંકા ગાળાનું રોકાણ કરીને નફો ગાંઠે બાંધી લેવા સૌ પડાપડી કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર હસ્તકની કંપની આઇઆરસીટીસીના ભાવોમાં બે જ દિવસમાં જે ઉથલપાથલ જોવા મળી રહી છે તે ખતરાની ઘંટડી સમાન છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન ભારત સરકારના સંચાલન હેઠળની કંપની છે. તેને રેલવેની ઓનલાઇન ટિકિટો બૂક કરવાની અને ચાલુ ટ્રેને કેટરિંગ સેવાઓ પૂરી પાડવાની ઇજારાશાહી આપવામાં આવી છે. મંગળવારે આઇઆરસીટીસીના શેરનો ભાવ વધીને ઓલ ટાઇમ હાઇ ૬,૩૯૩ રૂપિયા પર પહોંચી ગયો હતો. તેમાં સટોડિયાઓની લેવાલી નીકળી હોવાથી વાયદાના સોદા પર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી સંભાવના પેદા થઈ હતી.
તેને કારણે સટોડિયાઓએ શેરો વેચવા કાઢતાં ભાવો ગગડીને બુધવારે ૪,૩૭૧ પર પહોંચી ગયા હતા. આઇઆરસીટીસીનું માર્કેટ કેપિટલાઇઝેશન જે બે દિવસ પહેલાં ૧.૦૨ લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું હતું તે બુધવારે ઘટીને ૬૯,૯૩૬ કરોડ રૂપિયા પર આવી ગયું છે. માર્કેટના નિષ્ણાતો કહે છે કે તે ઘટીને હજુ ૪,૨૦૦ કે ૩,૮૦૦ રૂપિયા પર પણ આવી શકે છે. બજારનું નિયંત્રણ સટોડિયાઓના હાથમાં છે. આઇઆરસીટીસીના શેરનું લિસ્ટિંગ ૨૦૧૯ના ઓક્ટોબરમાં થયું ત્યારે તેનો ભાવ ૩૨૦ રૂપિયા ચાલતો હતો.
ત્યાર બાદ તેના શેરોના ભાવોમાં ૨૦ ગણો વધારો જોવા મળ્યો હતો. છેલ્લાં એક જ વર્ષમાં તેના ભાવોમાં ૩૦૦ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. આઇઆરસીટીસીના શેરનું લિસ્ટિંગ થયું તેના થોડા સમયમાં કોરોના આવ્યો અને લોકડાઉન કરવામાં આવ્યું. તેને કારણે મોટા ભાગની ટ્રેનો બંધ થઈ ગઈ હોવાથી કંપનીને ૨૦૨૦ના એપ્રિલથી જૂન દરમિયાન ૨૪.૬૦ કરોડ રૂપિયાની ખોટ ગઈ હતી. હવે કોરોનાનો ડર ઓછો થયો છે અને મોટા ભાગની બંધ પડેલી ટ્રેનો ચાલુ થઈ ગઈ હોવાથી કંપનીએ ૨૦૨૧ના એપ્રિલથી જૂનના ગાળામાં ૮૨.૫૨ કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. હવે દિવાળીનું વેકેશન નજીક આવી રહ્યું છે.
રેલવે તંત્ર દ્વારા અનેક સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી હોવાથી આઇઆરસીટીસીના નફામાં પણ વધારો થશે. આ કલ્પનાથી તેના શેરોના ભાવો બેફામ વધવા લાગ્યા હતા. ભારત સરકાર હસ્તકની માત્ર નવ કંપનીઓનું જ માર્કેટ કેપ એક લાખ કરોડ રૂપિયાથી વધુ છે. તેમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, લાઇફ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, કોલ ઇન્ડિયા, ભારત પેટ્રોલિયમ, ઇન્ડિયન ઓઈલ વગેરે કંપનીઓ જ આ ઊંચાઇ પર પહોંચી હતી. આઇઆરસીટીસીએ એક જ વર્ષમાં તેના માર્કેટ કેપમાં ૩૦,૦૦૦ કરોડ રૂપિયા જેટલો વધારો કર્યો હતો. તેનું માર્કેટ કેપ એક લાખ કરોડ પર પહોંચ્યા પછી કડાકો બોલ્યો હતો. તેમાં એક વર્ષ દરમિયાન જે ૩૦,૦૦૦ કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો તે ધોવાઈ ગયો હતો.
આઇઆરસીટીસીના ભાવોમાં કડાકો બોલવાનાં અનેક કારણો આપવામાં આવે છે. તેમાંનું પહેલું કારણ એ છે કે રેલવેનું ખાનગીકરણ કરવાની તૈયારી ચાલી રહી છે. જો રેલવેનું ખાનગીકરણ કરવામાં આવે તો રેલવેની સેવાઓ પરની સરકારની ઇજારાશાહીનો અંત આવે. તે સાથે રેલવેની ટિકિટો ઓનલાઇન બૂક કરવાની આઇઆરસીટીસીની ઇજારાશાહીનો પણ અંત આવે. જે કંપનીઓ દ્વારા ટ્રેનો ચલાવવામાં આવે તેમના દ્વારા જ ટિકિટોનું બૂકિંગ કરવામાં આવે અને કેટરિંગની સેવાઓ પણ તે કંપની દ્વારા જ આપવામાં આવે.
જો તેમ થાય તો આઇઆરસીટીસીનો નફો ઘટી જાય. તેવી સંભાવના ઊભી થવાની તેના ભાવો ગગડી ગયા હતા. જોકે રેલવેનું ખાનગીકરણ થવામાં હજુ વર્ષો નીકળી જશે. તેથી આઇઆરસીટીસીનો નફો તાત્કાલિક ઘટી જાય તેવી સંભાવના નથી; પણ સટોડિયાઓ દ્વારા આ સંભાવનાને ચગાવી બજારને તોડવામાં આવ્યું હતું. બજાર તૂટતું જોઈને શોર્ટ ટર્મ રોકાણકારો માલ વેચવા આવ્યા હતા, જેને કારણે તેના શેરોના ભાવો વધુ તૂટ્યા હતા.
આઇઆરસીટીસીના શેરો ઘટવાનું ત્રીજું કારણ રેલવે દ્વારા રેગ્યુલેટરની નિમણુક કરાવાની સંભાવના હતી. જો રેલવે દ્વારા તેની તમામ સેવાઓ માટે રેગ્યુલેટરની નિમણુક કરવામાં આવે તો પણ આઇઆરસીટીસીના ભાવો ગગડી જાય તેમ છે. વર્તમાનમાં તેના દ્વારા ચાલતી ટ્રેને જે કેટરિંગ સેવાઓ આપવામાં આવે છે તે બિલકુલ સંતોષકારક નથી, પણ પેસેન્જરો પાસે કોઈ વિકલ્પ ન હોવાને કારણે તેને ચલાવી લેવી પડે છે. રેલવેમાં જે લંચ આપવામાં આવે છે તે વાસી હોય છે. ચા અને કોફીમાં પાણીનું પ્રમાણ ભરપૂર હોય છે. મમતા બેનરજી જ્યારે રેલવે પ્રધાન હતાં ત્યારે તેમણે ૧૦ રૂપિયામાં જનતા ખાના આપવાની જાહેરાત કરી હતી.
આ જનતા ખાણું લગભગ મળતું નથી. કેટરિંગના કર્મચારીઓ દ્વારા ખાદ્યપદાર્થોના વધુ ભાવો વસૂલ કરવામાં આવે છે. વેઈટરોના ટીશર્ટ પર લખ્યું હોય છે, બિલ નહીં તો પૈસા નહીં, પણ તેઓ બિલબુક રાખતા જ નથી. ૧૫ રૂપિયાની પાણીની બોટલના ૨૦ રૂપિયા વસૂલ કરવામાં આવે છે. ફરિયાદ કોઈ સાંભળતું નથી. જો રેલવેમાં રેગ્યુલેટે નિમવામાં આવે તો તેની મનમાની બંધ થાય અને પેસેન્જરોને સારી સેવા મળે. તેમ કરવા જતાં કંપનીનો નફો ઘટી જાય તેવા ડરથી પણ તેના શેરોના ભાવો ગગડ્યા હતા. ભાવો ઘટવાનું ચોથું કારણ એ છે કે તેના ભાવોમાં ખોટો વધારો થયો હતો. હવે તે વાસ્તવિક સપાટીએ આવ્યા છે.
કેન્દ્ર સરકાર તેની નફો કરતી કંપનીઓ વેચવા તૈયાર થઈ છે તેમાં રેલવેનો પણ સમાવેશ થાય છે. પહેલા તબક્કામાં રેલવે કેટલાંક સ્ટેશનો વેચવા માગે છે. આ સ્ટેશનોને શણગાર કરીને જાણે કે બજારમાં ઊભાં રાખવામાં આવ્યાં છે. જે સ્ટેશનો વેચવાનાં છે તેની પ્લેટફોર્મ ટિકિટના ભાવો બેફામ વધારી દેવામાં આવ્યા છે. અગાઉ જે પ્લેટફોર્મ ટિકિટ ૧૦ રૂપિયામાં મળતી હતી તેના ૩૦થી ૫૦ રૂપિયા કરી દેવામાં આવ્યા છે. આટલું ઓછું હોય તેમ હવે મુસાફરી કરનારા દરેક ઉતારુ પાસેથી પ્લેટફોર્મનો ઉપયોગ કરવાનો ચાર્જ વસૂલ કરવામાં આવશે.
દાખલા તરીકે કોઇને સુરતથી અમદાવાદ જવું હશે તો તેની ટિકિટમાં સુરત ઉપરાંત અમદાવાદની પ્લેટફોર્મ ટિકિટનો ચાર્જ પણ જોડી દેવામાં આવશે. આ રૂપિયા પ્લેટફોર્મ ખરીદનારી કંપનીના ગજવામાં જશે. ટૂંકમાં અત્યાર સુધી રેલવે જે સેવાઓ મફતમાં આપતી હતી તેનો હવે તોડીને ચાર્જ વસૂલ કરવામાં આવશે. જો રેલવેના પેસેન્જરોનું કોઈ સંગઠન જાગતું હોય તો તેણે તેનો વિરોધ કરવો જોઈએ. કોરોનાનું બહાનું બતાડીને રેલવે દ્વારા અનેક ટ્રેનોમાં સિઝન ટિકિટ વિતરણ બંધ કરી દેવામાં આવ્યું છે. નોકરિયાતો માટે તે બોજો અસહ્ય છે. ટ્રેનો હવે આમ આદમીને બદલે ખાસ આદમીની સેવા કરતી થઈ ગઈ છે. -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.