દક્ષિણ આફ્રિકામાંથી સફળ અંગ્રેજો સામેનો વિદ્રોહ (1908-15) કરી ગાંધીજી 9 જાન્યુઆરી 1915માં મુંબઇના બારામાં ઊતર્યા. તેમનું સ્વાગત કરવા માનવમહેરામણ ઉમટયો હતો પણ મુખ્ય હતા સૂરતના પાટીદાર આશ્રમના કાર્યકરો કુંવરજી, કલ્યાણજી, કેશવજી વગેરે અને અનાવિલ આશ્રમના સ્થાપક દયાળજી નાનુભાઇ દેસાઇ મોખરે હતા. ગાંધીજી સાથેનો તેમનો પત્ર દ્વારા સતત સંપર્ક કેળવાયો હતો પણ પ્રત્યક્ષ મુલાકાત થઇ ના હતી એટલે કુંવરજીએ ગાંધીજીનો હાથ પકડી કહ્યું ‘હું કુંવરજી’, કલ્યાણજીએ કહ્યું હું ‘કલ્યાણજી’ અને દયાળજીએ કાનમાં કહ્યું ‘હું દલુ’ ગાંધીજીએ હસતા હસતા તેમને હસ્તધૂનન કર્યા અને ત્રણેએ ગાંધીજીને કહ્યું ‘તમે પત્ર દ્વારા અમને વચન આપ્યું હતું કે તમે સુરત અમારા આશ્રમોની મુલાકાત લેશો.’
ગાંધીજીએ વચન આપતા જણાવ્યું કે ‘હું જરા સ્થાયી થતા જરૂરથી સુરત આવીશ.’’ વલ્લભભાઇ પટેલ આ સમયે ગાંધીજીના પરિચયમાં ના હતા. ગાંધીજી મુંબઇ બંદરે ઊતર્યા ત્યારે તેમનો પહેરવેશ કાઠિયાવાડી ઢબની પાઘડી, અચકન અને ધોતિયું પહેરેલુ હતું અને કસ્તુરબાએ દેશી સાડી અને મર્યાદા દર્શાવતી માથે સાડી ઓઢી હતી. દેશના લોકોને આ સંદેશો હતો કે ગાંધીજીના પગ દેશની માટીમાં છે અને ભરતીય સંસ્કૃતિની ઉચ્ચતામાં છે. પશ્ચિમના પહેરવેશને જાકારો આપ્યો હતો. ગાંધીજીએ સૂરત આવતા પહેલાં જી.કે.ગોખલેની સલાહથી દેશવ્યાપી પર્યટનનો કાર્યક્રમ આદર્યો. કારણ ગાંધીજી ગોખલે જેમને રાજકીય ગુરુ માનતા હતા તેમની આગળ મુંઝવણ વ્યકત કરી કે, ‘‘દક્ષિણ આફ્રિકામાં ભારતની જુદી જુદી કોમો, જ્ઞાતિઓ, ધાર્મિક માન્યતા ધરાવતી પ્રજાને એક કરી શકયો હતો કારણ બધાના પ્રશ્નો સમાન હતા. અહીં મને મુશ્કેલ લાગે છે.’’ ગોખલેએ દેશવ્યાપી ભ્રમણની સલાહ આપી.
ગાંધીજીનું ભાષણ જહાંગીર કાવસજી હોલમાં મુંબઇમાં રખાયું. પારસીઓ મોટી સંખ્યામાં હતા. ગાંધીજીનો પહેરવેશ અને ગુજરાતી ભાષામાં બોલવાનું શરૂ કરતાં તેમનું વકતવ્ય જરા પણ આકર્ષક ના હતું. એક પારસી બાનુ બોલી ઊઠયા, ‘અરે? આ તો આપણો ધનો દરજી’ પણ આખરે ગાંધી જમીની વાસ્તવિકતાના માણસ હતા. આ સમયે તેઓ મહાત્મા ના હતા. કેવળ ગાંધીભાઇ કહેવાતા. કુંવરજી, કલ્યાણજી, દયાળજી વગેરે પાટીદારો બોમ્બ બનાવવાનું પડતું મૂકતા શાંત અહિંસક સત્યાગ્રહના સન્નિષ્ઠ કર્મવીરો કેવી રીતે બન્યા તે પણ રસપ્રદ ઘટના છે. આ કાર્યકરોની વિચારસરણી પણ ધીમે ધીમે પરિવર્તિત થઇ હતી.
1909થી પાટીદાર યુવક મંડળ (1908)ની દિશામાં પરિવર્તન આવ્યું. કુંવરજી સૂરત કોંગ્રેસમાંથી છૂટી પોતપોતાની નોકરીમાં લાગી ગયા. વાંઝની સરકારી શાળામાં રાષ્ટ્રીય રંગથી રંગાયેલા કુંવરજીએ સાદો યુનિફોર્મ, ભીંતો ઉપર રાષ્ટ્રીય નેતાઓના ફોટા ટીંગાડયા. ‘વંદે માતરમ્’ વિદ્યાર્થીને ગાતા કર્યા. એટલું જ નહિ પણ બ્રિટિશ માલનો બહિષ્કાર કરો તેવો પ્રચાર કર્યો. ખાંડને ‘હાડકાનો પાવડર’ છે એમ કહ્યું. ઉચ્ચ અધિકારીઓની કરડી નજર થઇ અને બારડોલી તાલુકાના વરાડ ગામે તેમની બદલી થઇ ગઇ. બારડોલીની પ્રજાનો પરિચય કુંવરજીને થયો. છૂપો વેરો આશીર્વાદ સમાન ઘટના થઇ.
વરાડ સ્કૂલ હેડ માસ્તર માથાભારે અનાવિલ હતો. કુંવરજીની મુલાકાત તેમની સાથે થઇ. તેમણે કુંવરજીને કહયું ‘તમે રાજદ્રોહીઓ છો’. તમારે શાળામાં પ્રવેશ કરવાનો નથી. શાળા છોડી જતા રહો.’ કુંવરજી ગાંજયા કયાં જાય તેવા હતા. તેમણે હેડ માસ્તરને પોતાની બદલીનો હુકમ બતાવ્યો અને કહ્યું કે તમે મને લેખિતમાં આપો કે મારી સેવાઓ તેમને અમાન્ય છે. કુંવરજીનું અપમાન કર્યું. કુંવરજીએ વળતો જવાબ આપ્યો તમે અનાવિલ છો તો હું પણ પાટીદારબંધુ છું, ચાલો આપણે મુકાબલો કરી લઇએ. વરાડ ગામમાં મુખિયાએ પણ કુંવરજીને કહ્યું તમે ગામ છોડી ચાલ્યા જાવ. ખેતીવાડી કરો. વાંઝમાં તમારા બાપદાદાની જમીન છે. કુંવરજી માન્યા નહીં. ગામનો મુખી કુંવરજી પર નજર રાખવા જોડે રહેવા લાગ્યો. કુંવરજીએ પોતાની નોકરી શરૂ કરી પરંતુ સરકારી તંત્રમાં કુંવરજી વિદ્રોહી તરીકે પંકાઇ ચૂકયા હતા. ઓલપાડ તાલુકાના મોરા સુંવાળી નામના નાના છેવાડાના ગામે બદલી થતા નોકરી છોડી દીધી. તેમના જીવનમાં ચમત્કારિક વળાંક આવ્યો. સામાજિક સેવાના કાર્યમાં ગળાડૂબ ડૂબ્યા.
તે પહેલાં તેમના જીવનને જુદો જ વળાંક આપતો પ્રસંગ બન્યો. એક વખત કુંવરજી અનાજ કરિયાણાની દુકાને વાંઝ ગામમાં બેઠા હતા ત્યાં એક નારણજી પટેલ નામનો યુવાન આવ્યો. તેણે ખાંડ અને ચા માંગ્યા. કરિયાણાવાળાએ ગુસ્સે થઇ તેનું અપમાન કરતા કહ્યું તમે આટાનો બધો સામાન લઇ જાવ છો પૈસા ચૂકવતા નથી. જાવ હું તમને સામાન નહીં આપું. નારાયણ રડમસ ચહેરે પાછો ફર્યો. કુંવરજીભાઇ તેને ખૂબ ઓળખતા એ પ્રામાણિક યુવાન સમાજસેવાના કાર્યો કરતો અને સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલો હતો. કુંવરજીભાઇને આ જીવનનું સત્ય લાધ્યું. સમાજસેવા કે દેશ સેવા કરવી હોય તો હાંડલા ખાલી હોય તો ના થાય. કુંવરજીભાઇએ નોકરી છોડી.
કુંવરજી અને સ્વદેશી આંદોલન
કુંવરજીએ ‘સ્વદેશી સ્ટોર’ નામની દુકાન કાઢી. સ્વદેશી ચીજવસ્તુઓનું વેચાણ શરૂ કર્યું. હાથવણાટના કાપડ, દેશમાં બનતા સાબુ, દિવાસળી, તાળા, પમ્પ વગેરે વેચતા. કુંવરજી કલ્યાણજીએ પાટીદાર યુવકોમાં વાંઝની પ્રજામાં સ્વદેશી ચીજવસ્તુઓનો પ્રચાર મોટા પાયે કર્યો. 1904-05માં બંગભંગના આંદોલનના મુખ્ય પાસા સ્વરાજની માંગણી, સ્વદેશીનો પ્રચાર અને બ્રિટિશ માલનો બહિષ્કાર. આ આંદોલનનો પડઘો દેશવ્યાપી પડયો. હકીકતમાં આ આંદોલન 1942 સુધી પ્રસરતું રહેલું. વિદેશી કાપડની હોળી થતી. બ્રિટિશ માલની માંગ ઘટી ગઇ. જયારે જયારે કોંગ્રેસનું અધિવેશન ભરાતું ત્યારે સમાન્તરે સાથે સાથે દેશી માલનો પ્રચાર કરવા ‘સ્વદેશી માલના’ પ્રદર્શન ભરાવવાનો શિરસ્તો ઊભો થયો હતો. બંગાળમાં છોકરાછોકરીના લગ્ન તો જ કરવામાં આવતા કે જયારે સ્વદેશી ચીજવસ્તુઓ જ મંડપમાં વાપરવામાં આવે. સૂરતમાં પણ જાફરઅલી કાપડની મિલ શરૂ થઇ હતી. હાથશાળનો કાપડઉદ્યોગ મોટા પાયે શરૂ થયેલો. અમદાવાદમાં 1861થી કાપડની મિલો શરૂ થઇ. 1909 સુધી તો 10 જેટલી મિલો અસ્તિત્વમાં આવી હતી. ઠેર ઠેર સ્વદેશ ઉદ્યોગવર્ધક મંડળીઓ, સ્વદેશી સ્ટોર્સ સ્થપાતા ગયા. કુંવરજી સ્વદેશી હીરો બની ચૂકયા હતા.
ગાંધીજીના આગમન પહેલાં સૂરત જિલ્લો કેટલો- જાગૃત હતો?
સમાજ પરિવર્તન, જ્ઞાતિ સુધારણાની દિશા ઊઘડી ચૂકી હતી. કુંવરજીભાઇએ મને કહેલું બહેન! સમાજસુધારણા કરવી હોય તો ઘાસ જે દિશામાં પવન હોય તે દિશા તરફ વળે છે તેમ સમાજનો વિરોધ કરવાથી સુધારણા ના થાય. અનુસમાજની ભીતરમાં રહી સુધારો કરાય. આ સૂચન મેં આજીવન યાદ રાખ્યું. કુંવરજીભાઇએ જોયું કે પાટીદાર જ્ઞાતિમાં સૌથી અનિષ્ટ પ્રથા દહેજ, બાળલગ્નોની છે. જ્ઞાતિસુધારણાની ઝુંબેશ શરૂ કરતા પહેલાં તેમને સંસ્થાગત પગલાં લેવા અનિવાર્ય લાગ્યા. સંસ્થાની સ્થાપનાના મંચ ઉપર પાટીદાર યુવાનોના માનસમાં પરિવર્તન કરવાના પ્રયાસથી તેમણે 1908માં પાટીદાર યુવક મંડળની વાંઝમાં સ્થાપના કરી.
કુંવરજી, કલ્યાણજીની કર્મભૂમિ વાંઝ રહી અને સામાજિક કારકિર્દીની શરૂઆત પણ પોતાની જ્ઞાતિથી કરી. પિતા વિઠ્ઠલભાઇ ખેતીવાડી કરતા અને આસપાસના વિસ્તારમાં તેઓ વગદાર, આબરૂદાર હતા. લોકોને મદદ કરતા. પાટીદાર યુવક મંડળ શરૂઆતમાં લેઉઆ- ઉચ્ચ પાટીદારોનું બનેલું રહ્યું પણ સમય જતા કુંવરજીભાઇએ સામાજિક વિસ્તરણ કરી કડવા, માતિયા, આંજણા વગેરે પાટીદારોના તડોનો સમાવેશ કર્યો. કુંવરજીભાઇના પ્રેરણાસ્ત્રોત વડોદરા જિલ્લાના પેટલાદના જાણીતા કેળવણીકાર અને સમાજસેવક મોતીભાઇ અમીન હતા. તેમણે પેટલાદમાં આવી સંસ્થા સ્થાપી હતી એટલું જ નહિ પણ વડોદરાના ગામડે ગામડે તેમણે ફરતા પુસ્તકાલયની શરૂઆત કરેલી.
મંડળે પાટીદાર હિતેચ્છુ નામનું માસિક સામાયિક શરૂ કર્યું. જ્ઞાતિસુધારણા, કુરિવાજો સામેની ઝુંબેશ કેળવણીનો પ્રચાર, અંગ્રેજોની નીતિની ટીકા વિશેષ કરીને જમીન મહેસૂલના પ્રશ્નો ચર્ચાતા. આ જ વખતે વડોદરા રાજયના સિનોરથી પટેલ બંધુ સામાયિક નીકળતું. પાટીદાર હિતેચ્છુ, પટેલ બંધુના ધ્યેયો સમાન હોવાથી વધારે ફેલાવો થાય તે હેતુથી બંને સામાયિકો ભેગા કર્યા. છેવટે પટેલ બંધુ નામ રખાયું. શરૂઆતમાં બ્રિટિશ રાજ પ્રત્યે વફાદારી વ્યકત કરતું પંચય જયોર્જ, ઇંગ્લેન્ડના રાજાના કોરોનેશન, ગાંધીએ બેસવાના સમારંભને અભિનંદન આપતા ગીતની રચના કલ્યાણજીએ કરેલી. સાથે સાથે સ્વદેશીનો પ્રચાર પણ થતો. 1913માં કલકત્તાથી બહાર પડતા મોડર્ન રીવ્યૂમાં પટેલ બંધુની પ્રશંસા કરતા લખાય કે પાટીદારોનું અગ્રગણ્ય મુખપત્ર છે જે પાટીદાર ખેડૂત કોમની પ્રગતિપ્રેરક છે.
જ્ઞાતિમાંથી ખેતી, ખેડૂત, તેમની સમસ્યા, બ્રિટિશ હકૂમત સામેની કમરતોડ જમીન મહેસૂલની ઉઘરાણી સામેનો વિદ્રોહ પાટીદાર યુવક મંડળે રૂઢિચુસ્ત વડીલો અને નવા અંગ્રેજી કેળવણી પામેલા બુધ્ધિજીવીઓના ફાલને એકત્રિત કરી સુધારાના ઠરાવો પસાર કરવા જ્ઞાતિ પરિષદો સૂરતમાં બોલાવવાનું શરૂ થયું. સૌરાષ્ટ્ર ગુજરાતના પાટીદારો એક થવા માંડયા. સરકાર સામે મુંબઇની વિધાન પરિષદમાં ખેડૂતના પ્રતિનિધિ હોવાની માંગણી થઇ.
આ પ્રવૃત્તિઓ ગુજરાત બહાર જાહેર થઇ. ઉત્તરપ્રદેશમાં બારાબાંકી સ્થળે ભરવામાં આવતી 9મી અખિલ હિંદ ખેડૂત ક્ષત્રિય પરિષદના પ્રમુખ બનવાનું આમંત્રણ કુંવરજીને મળ્યું. કુંવરજી હંમેશાં પડદા પાછળના લોખંડી સક્રિય કાર્યકર હતા. ગુજરાત કોલેજમાં ગણિતના પ્રોફેસર તરીકે કામ કરતા જેઠાલાલ સ્વામીનારાયણના નામની સૂચના થઇ. બધા જ પાટીદારો, પ્રોફેસર સ્વામીનારાયણ 1913માં બારાબંકી પહોંચ્યા. અમદાવાદમાં બેરીસ્ટર તરીકે સ્થિર થયેલા વલ્લભભાઇ પટેલ પણ જોડાયા. 1914માં ‘અખિલ હિંદ ખેડૂત ક્ષત્રિય’ પરિષદ વિઠ્ઠલભાઇના પ્રમુખપણા હેઠળ અમદાવાદમાં ભરાઇ.
અનાવિલ આશ્રમ (1906) અને પાટીદાર આશ્રમ (1917)
જવાળામુખીના સક્રિય મુખ સમા અનાવિલ અને પાટીદાર આશ્રમો જોતજોતામાં રાષ્ટ્રીય પ્રવૃત્તિના કેન્દ્રો બન્યા પણ કેવી રીતે? સૂરતની બહુમતી તેમ જ વર્ચસ્વ ધરાવતી બે કોમો પાટીદાર, અનાવિલોની યુવા પેઢી મજબૂત બાંધાના સન્નિષ્ઠ કાર્યકરો તરીકે આ સંસ્થાઓમાં તાલીમ પામ્યા. શિસ્તપાલન, સાદાઇ, અખાડાની તાલીમ આપી કોમીય એકતાની ભાવનાવાળી યુવા પેઢી અહીં તૈયાર થઇ. તે તૈયાર કરનારા અનાવિલ આશ્રમના સ્થાપક દયાળજી નાનુભાઇ દેસાઇએ 1906માં તેની સ્થાપના અનાવિલ યુવકોનું માનસિક, શારીરિક ચણતર ઘડવા કર્યું. સમાજસેવા અને દેશસેવાનો ધ્યેય મુખ્ય હતો. દયાળજીભાઇ નવસારી તાલુકામાં આવેલા વાસ્મા ગામમાં 16 નવેમ્બર 1877માં જન્મ્યા હતા. સરકારી રેવન્યુ ખાતામાં નોકરી કલાર્ક તરીકે કરતા. બારડોલી તાલુકાના વાલોડ ગામે બદલી થયેલી. તેઓ સ્વામી રામતીર્થ અને વિવેકાનંદના ભકત હતા. હોમરૂલ આંદોલન, કોંગ્રેસમાં ઉદ્દામવાદી પક્ષમાં જોડાતા તેમણે નોકરી છોડી દીધી.
સંસ્થા દેવામાં જ રહે
13.11.1911માં કુંવરજી, કલ્યાણજીએ અનાવિલ આશ્રમના મોડેલ ઉપર પાટીદાર આશ્રમની સ્થાપના કરી. જાણીતા અગ્રણી થિયોસોફીકલ સોસાયટીના વડા અને જજ મધુવચરામ બળવચરામ વહોરા ઉદ્ઘાટન પ્રસંગે આવ્યા. કુંવરજીભાઇએ તેમનો આભાર માનતા કહ્યું ‘હું પ્રાર્થના કરું છું કે અમારી સંસ્થા દેવામાં જ રહે.’ તરત મધવચરામે પ્રશ્ન કર્યો આ તે કેવી પ્રાર્થના? કુંવરજીભાઇએ કહ્યું, અમારી એક બોર્ડિંગ રાંદેરમાં નીકળી હતી. પાટડી દરબારે મોટું દાન કર્યું. પૈસા પુષ્કળ થતાં વહીવટદારોમાં ઝઘડા શરૂ થયા. બોર્ડિંગ પડી ભાંગી. સંસ્થા દેવામાં હોય તો વહીવટ ખૂબ સુંદર અને સરસ રીતે ચાલે. બધું ઠરીઠામ થતા પાટીદાર યુવક મંડળે ગાંધીજીને માટે આમંત્રણ પત્રિકા તૈયાર કરી.
ગાંધીજીને આમંત્રણ અને દલુ-કલુ કુંવરજીની અમદાવાદમાં મુલાકાત-1916
ગાંધીજી એક વર્ષમાં દેશનું પરિભ્રમણ કરી કોચરબ આશ્રમથી સાબરમતી આશ્રમમાં વસવાટ માટે આવી ગયા હતા. સવારનો પહોર હતો, ગાંધીજી રેંટિયો કાંતતા હતા. કલ્યાણજીએ આમંત્રણપત્ર ગાંધીજીને આપ્યો. કયારે સૂરત પધારો છો? આફ્રિકામાં તમારી સાથે કાર્ય કરનારા સૂરતના અને અમારા આશ્રમના યુવકો રાહ જુવે છે. ગાંધીજીએ પત્ર સ્વીકાર્યો. વહેલામાં વહેલી તકે સૂરત આવવા કબૂલ થયા. ગાંધીજીએ તેઓ સમક્ષ પોતાના કાર્યભારની સમસ્યા રજૂ કરી. તેઓને વિનંતી કરી કે તેમના ધ્યાનમાં કોઇ ભાષા ઉપર પ્રભુત્વ ધરાવનાર કસાયેલી કલમવાળી વ્યકિત હોય તો કહેજો. ગાંધીજી બીજા રૂમમાં પૂણી લેવા ગયા. દયાળજીએ કુંવરજી કલ્યાણજી આગળ ઇચ્છા વ્યકત કરી હું ગાંધીજીનો સેક્રેટરી બની જાઉં? કલ્યાણજીએ તેમને રોકયા. આ વ્યકિત આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ છે. એમનું પત્રવ્યવહાર અને મુલાકાતીઓ સાથે વાતચીત કરવાનું ઘણું મોટું કામ રહ્યું. દયાળજી! તમારું કામ નહીં. કલ્યાણજીએ મહાદેવ દેસાઇના નામનું સૂચન કર્યું. ગાંધીજીને ઘણું ગમ્યું. તેઓ મહાદેવ દેસાઇથી પરિચિત હતા.દયાળજી ઘણા નિરાશ થયા. ગાંધીજીની આશ્રમની ચમત્કારિક મુલાકાત હવે પછી ચર્ચીશું.