અમેરિકા દ્વારા દાવો કરવામાં આવતો હતો કે તેણે ઈરાનના વાયુદળને સંપૂર્ણપણે ખતમ કર્યું છે. આ દાવાને ખોટો પુરવાર કરતાં ઈરાને અમેરિકાનાં અદ્યતન F-15E ફાઈટર જેટને ફૂંકી મારીને અમેરિકાનું નાક કાપ્યું છે. હકીકતમાં છેલ્લાં ૨૦ વર્ષમાં પહેલી વખત અજેય ગણાતા અમેરિકાના ફાઇટર જેટને તોડી પાડવામાં આવ્યું છે. ઈરાનના સૈન્ય દ્વારા ખભા ઉપર ઉપાડી શકાય તેવાં મિસાઈલ વડે આ ફાઈટર જેટ તોડી પાડવામાં આવ્યું છે.
આ ફાઈટર જેટના બે પાઈલોટો પૈકી એક બચી ગયો હતો, પણ બીજો ઈરાનના પહાડો વચ્ચે રઝળી પડ્યો હતો. જો આ બીજો પાઈલોટ ઈરાનના હાથમાં આવી જાય તો તેને જીવતો રાખવા માટે ઈરાન દ્વારા જબરદસ્ત સોદાબાજી કરવા ઉપરાંત તેની પાસેથી અમેરિકાના સૈન્યની સંવેદનશીલ માહિતી કઢાવી શકે તેવો ભય હતો. આ કારણે અમેરિકા દ્વારા રઝળી પડેલા પાઈલોટને બચાવવા માટે દિલધડક મિશન હાથ ધરવામાં આવ્યું હતું. આ મિશન બાહ્ય રીતે સફળ થયું હતું. પણ એક પાઈલોટને બચાવવા માટે અમેરિકાએ તેનાં વાયુદળનાં બે વધુ વિમાનો અને એક હેલિકોપ્ટર કુરબાન કરી દેવાં પડ્યાં હતાં.
બે ક્રૂ સભ્યો સાથેનું અમેરિકાનું એક F-15E ફાઇટર જેટ ૩ એપ્રિલે ઈરાન ઉપર IRGC દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. પાઇલોટ અને ગનર બચી ગયા હતા. પરંતુ તેમને ઈરાનની જમીનમાં ઉતરાણ કરવાની ફરજ પડી હતી. પાઇલોટને કલાકોમાં બચાવી લેવામાં આવ્યો હતો, પણ ગનરની શોધમાં અમેરિકન દળો દ્વારા ક્યારેય ન જોયેલું ભૂમિ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઈરાનના શાસન સાથે જોડાયેલા ટી.વી.એ અમેરિકન પાઈલોટ પર ઈનામ જાહેર કર્યું હોવાથી ઈરાની સૈનિકોએ તેની શોધખોળ શરૂ કરી હતી. ઘાયલ પાઈલોટ લગભગ બે દિવસ સુધી ખડકાળ પર્વતોમાં છુપાઈ રહ્યો હતો. અમેરિકાના સ્પેશ્યલ ફોર્સ, સીઆઈએ, ડ્રોન, ટ્રાન્સપોર્ટ પ્લેન અને હેલિકોપ્ટરને મિશનમાં ઊતારવા પડ્યાં હતાં. તેમાંથી કેટલાંક વિમાનોને પાછળથી ઈરાનની ભૂમિ પર જ અમેરિકા દ્વારા ઉડાવી દેવામાં આવ્યાં હતાં, જેથી તેઓ દુશ્મનના હાથમાં ન જાય.
આ નાટક ૩ એપ્રિલના રોજ વહેલી સવારે શરૂ થયું, જ્યારે એક અમેરિકન F-15E સ્ટ્રાઈક ઈગલને ઈરાન ઉપર ગોળી મારી દેવામાં આવી હતી. પાઈલોટ દૂરના પર્વતીય વિસ્તારમાં ઊતર્યો અને લગભગ ૪૮ કલાક સુધી ગુમ રહ્યો હતો. ઈરાની દળોએ અને સ્થાનિક લશ્કરે તરત જ તેમની શોધ શરૂ કરી હતી. ઈરાને સ્થાનિક લોકોને ગુમ થયેલા અમેરિકનને શોધવામાં મદદ કરવા પણ વિનંતી કરી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલો આ પાઈલોટ ઈરાનના ઝાગ્રોસ પર્વતોમાં છુપાઈ ગયો હતો.
કલાકો સુધી તે ઓળખ ન થાય તે માટે કાળજીપૂર્વક આગળ વધતો રહ્યો હતો. પાઈલોટને બચાવવા માટે મોટા પાયે કામગીરીની જરૂર હતી. તેમાં અમેરિકાના સ્પેશ્યલ ફોર્સ, ડ્રોન, હેલિકોપ્ટર, ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને એલિટ યુનિટો બધાં જ સામેલ હતાં. ૨૦૦ થી વધુ અમેરિકન કમાન્ડોએ તેમાં ભાગ લીધો હતો. તેમને ઈરાનની જમીન પર ઊતારવા માટે ઈરાની સૈન્ય દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી જૂની હવાઈ પટ્ટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
અમેરિકાએ ઈરાની દળોને ગેરમાર્ગે દોરવા માટે ગુપ્તચર ટીમો અને CIA ની છેતરપિંડીની યુક્તિઓનો પણ ઉપયોગ કર્યો હતો. ખોટા અહેવાલો ફેલાવવામાં આવ્યા હતા, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પાઈલોટને પહેલાંથી જ બચાવી લેવામાં આવ્યો છે. ઈરાની શોધ ટીમોને F-15E પાઈલોટના વાસ્તવિક સ્થાનથી દૂર કરવા માટે ખોટા સંકેતોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ખાસ દળોની ટીમો આખરે પહાડોમાં ઘાયલ અધિકારી સુધી પહોંચી, પરંતુ તેને શોધી કાઢ્યા પછી પણ મિશન લગભગ નિષ્ફળ ગયું હતું. કેટલાંક પરિવહન વિમાનો અને હેલિકોપ્ટર ભંગાર જેવી કામચલાઉ હવાઈ પટ્ટી છોડી શક્યાં નહીં. યાંત્રિક સમસ્યાઓ, ઉબડખાબડ ભૂપ્રદેશ અને દુશ્મનના ગોળીબારના જોખમને કારણે ટેકઓફ ખૂબ જોખમી બન્યું હતું. ત્યાર બાદ અમેરિકન કમાન્ડરોએ એક કડક નિર્ણય લીધો. તેમણે સંવેદનશીલ સાધનો કબજે થવાનું જોખમ લેવાને બદલે ઈરાનની અંદર પોતાનાં કેટલાંક વિમાનોનો નાશ કર્યો હતો.
ઓનલાઈન ફરતા ફોટોમાં નાશ પામેલા MC-130 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને MH-6 લિટલ બર્ડ હેલિકોપ્ટરનો કાટમાળ દેખાય છે. F-15E ને તોડી પાડવું એ પોતે જ એક મોટું નુકસાન હતું. F-15E ની કિંમત ૧૦ કરોડ ડોલર સુધી હોઈ શકે છે. આ ઉપરાંત ઓપરેશન દરમિયાન ઉપયોગમાં લેવાતાં પરિવહન વિમાન, હેલિકોપ્ટર, ડ્રોન, બળતણ, દારૂગોળો અને હવાઈ સહાય ઉમેરો, જેનો અમેરિકન સૈનિકોએ નાશ કર્યો હતો. આ ખર્ચ કરોડો ડોલરમાં પહોંચે છે. બચાવ અભિયાન દરમિયાન કોઈ અમેરિકન સૈનિકનું મોત થયું ન હતું, પરંતુ આ કામગીરીમાં મોટા પ્રમાણમાં અમેરિકાનાં ફાઈટર તથા પરિવહન વિમાનોનો નાશ થયો હતો. આ યુદ્ધમાં અમેરિકાને પહેલાંથી જ ઘણા અબજો ડોલરોનું નુકસાન થયું છે.
ઈરાન પર સૈન્ય મોકલવા ઉતાવળા થયેલા ડોનાલ્ડ ટ્રમ્પ હવે શું કરશે? તેના પર આખી દુનિયાની નજર છે. જો ટ્રમ્પ જમીન પર સૈનિકો મોકલવાનું નક્કી કરે તો ઈરાનના સૌથી મોટા તેલ નિકાસ કેન્દ્ર, ખાર્ગ ટાપુને વોશિંગ્ટનના સંભવિત લક્ષ્ય તરીકે જોવામાં આવી રહ્યું છે, કારણ કે તેના પર કબજો કરવાથી ઈરાનની અર્થવ્યવસ્થાને ભારે ફટકો પડી શકે છે. એવી ચર્ચા છે કે ટ્રમ્પ સમૃદ્ધ યુરેનિયમ મેળવવા માટે મર્યાદિત ભૂમિ કાર્યવાહીનો વિકલ્પ પસંદ કરી શકે છે. આવાં મિશનમાં સેંકડો કે હજારો કર્મચારીઓ સામેલ થઈ શકે છે અને તેમને નોંધપાત્ર જોખમમાં મૂકી શકે છે.
નિષ્ણાતો ચેતવણી આપે છે કે આવી કામગીરી લોજિસ્ટિકલી જટિલ, લાંબી અને જાનહાનિ થવાની સંભાવના ધરાવતી હશે, જેમાં સફળતાની કોઈ ગેરંટી નથી. F-15E એરમેન માટે શરૂ કરાયેલ બચાવ મિશન દર્શાવે છે કે ઈરાનની અંદર એક નાનું ઓપરેશન પણ કેટલું જોખમી બની શકે છે. પર્વતોમાં છુપાયેલા એક અધિકારીને શોધવા માટે વિશાળ મલ્ટી એજન્સી લશ્કરી પ્રયાસની જરૂર હતી. જ્યારે ભૂપ્રદેશે ખરેખર અમેરિકન એરમેનને ટકી રહેવા અને છુપાયેલા રહેવામાં મદદ કરી હતી, ત્યારે ખાર્ગ ટાપુ પર પરિસ્થિતિ અલગ હશે. ખાર્ગ ટાપુ સપાટ, વધુ ખુલ્લો અને વધુ વસ્તી ધરાવતો છે. તે ઈરાની લશ્કરી સ્થળો, બંદરો અને રસ્તાઓની નજીક પણ છે, જેનું તેહરાનનું IRCG તેની બધી શક્તિથી રક્ષણ કરે છે. જો અમેરિકન સૈનિકો ત્યાં ફસાઈ જાય તો તેઓ કોઈ પર્વતની ટેકરી પર છુપાયેલા નહીં હોય. તેઓ કોઈ રિફાઇનરી સંકુલ, ભૂગર્ભ ગુફા, કોઈ નગર કે શહેરી વિસ્તારમાં ફસાઈ શકે છે, જ્યાં નજીકમાં ભારે ઈરાની સૈનિકો તૈનાત હશે.
તાજેતરના અમેરિકન બચાવ મિશનમાં ફક્ત એક પાઈલોટનો સમાવેશ થતો હતો. ખાર્ગ ટાપુ પર ભૂમિ કાર્યવાહી અથવા સમૃદ્ધ યુરેનિયમ કબજે કરવાના પ્રયાસમાં સેંકડો કે હજારો સૈનિકો સામેલ થઈ શકે છે. જો કંઈક ખોટું થાય, તો અમેરિકા ફક્ત બે વિમાન ગુમાવશે નહીં, પણ હજારો સૈનિકોના જીવ જોખમમાં મૂકાઈ જશે. આવી પરિસ્થિતિમાં લાંબા ગોળીબાર, ભારે જાનહાનિ, નુકસાન પામેલા લશ્કરી હાર્ડવેર અને અબજો ડોલરનાં શસ્ત્રોનો નાશ થઈ શકે છે.
પાઈલોટના બચાવથી કદાચ એ સાબિત થયું હશે કે અમેરિકા ઈરાનમાં અંદર સુધી કામગીરી કરી શકે છે, પરંતુ તેનાથી એ પણ ખુલાસો થયો કે તેમાં દુર્ઘટના માટે ખરેખર કેટલી મોટી સંભાવના હતી. એક ઘાયલ પાઈલોટે અમેરિકાને એક પ્રતિકૂળ પ્રદેશમાં એક નાનકડું યુદ્ધ શરૂ કરવા મજબૂર કર્યું હતું. મિશન સફળ થયું, પાઈલોટ જીવતો ઘરે પાછો ફર્યો, પરંતુ આગમાં હોમાઈ ગયેલી કરોડો ડોલરની સંપત્તિ ઈરાનમાં મોટું અમેરિકન ભૂમિ યુદ્ધ કેવું થઈ શકે છે, તેનો સ્પષ્ટ સંકેત હોઈ શકે છે. કદાચ આ વાતનો ખ્યાલ આવતાં ડોનાલ્ડ ટ્રમ્પ બેબાકળા થયા છે અને ગાળાગાળી કરી રહ્યા છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.