Charchapatra

‘ચીન આપણા કરતાં આગળ કેમ’ સંદર્ભે

ગુ.મિ.માં પ્રગટ થયેલ આ વિષય પર ચર્ચાપત્ર વાંચતા આઘાતની લાગણી અનુભવી! ચર્ચાપત્રીએ ચીન આપણા કરતાં આગળ કેમ એનાં કારણો દર્શાવ્યા. આ કારણોમાનાં મોટા ભાગનાં સરમુખત્યારી શાસનનાં સર્વસામાન્ય લક્ષણો હોય, ચર્ચાપત્રી એવું જતાવવા માંગે છે કે ચીનનો અસામાન્ય વિકાસ તેની સામ્યવાદી (સરમુખત્યારી) રાજવ્યવસ્થાને આભારી છે. જ્યારે ભારત એ દોડમાં પાછળ રહી ગયું છે કેમકે અહીં લોકશાહી છે! આ એક સ્વીકારી ન શકાય એવો કુતર્ક છે. સરમુખત્યારી શાસનવ્યવસ્થા જ જો વિકાસ કે વેપારનું પ્રેરકબળ હોય તો અમેરિકા, કેનેડા, જાપાન, ઑસ્ટ્રેલિયા, યુરોપિયન કે સ્કેન્ડિનેવિયન રાષ્ટ્રોનો વેપાર કે વિકાસ શેને આભારી છે?

આ સંદર્ભે અત્રે એ કહેવું અભિપ્રેત છે કે ફક્ત ચોક્કસ પ્રકારની રાજ્ય કે શાસનવ્યવસ્થા જ વિકાસનું પ્રેરકબળ હોય શકે નહીં. એ બાબતે પ્રજાનો પુરુષાર્થ અને શ્રમ પ્રત્યેનો અભિગમ; વિજ્ઞાન અને ટેકનોલોજી, ધાર્મિકતા, પ્રજા અને નેતાનું શિક્ષણ, સ્વાસ્થ્ય, રમતગમત તેમજ પ્રમાણિકતા પ્રત્યેનો અભિગમ; નાગરિક શિસ્ત –  જેવાં પરિબળો વધુ મોટો ભાગ ભજવે છે. ચીનનો શ્રમિક ભારતના શ્રમિક કરતા ક્યાંય વધુ કામઢો, કાર્યકુશળ અને પ્રામાણિક છે; પ્રજા શિસ્તબદ્ધ છે અને પોતાનો બચેલો સમય બિનજરૂરી વિધિવિધાનોમાં ખર્ચવાને બદલે રમતગમત અને શરીર પાછળ ખર્ચે છે; શિક્ષણનું સ્તર ખૂબ ઉચ્ચ કક્ષાનું છે; ચીનનાં હરણફાળ વેપાર કે વિકાસ પાછળના આ મુખ્ય કારણો છે, નહીં કે શાસનવ્યવસ્થા.
નવસારી           – કમલેશ આર મોદી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ભય જમાવતો પક્ષ
દેશમાં જ્યાં જુઓ ત્યાં ભય જમાવતા પક્ષની તાનાશાહી સરેઆમ જોવા મળી રહી છે. પ્રજા અને કહેવાતા બુદ્ધિજીવીઓએ આંખો પર પટ્ટી બાંધી અને મૌન વ્રત ધારણ કરી લીધું છે. હિન્દુને મુસ્લિમનો ભય, મુસ્લિમને હિન્દુનો ભય, કોઈકને બુલડોઝરનો ભય, કોઈને સરકારી એજન્સીઓનો ભય, કોઈને પક્ષપલટાનો ભય, કોઈને સરકાર પડી જવાનો ભય. ભૂતકાળની સરકારમાં જ્યારે આવા હુમલા થતાં કે રેલ અકસ્માત થતાં તો સરકાર પર સવાલોનો મારો ચાલતો.

આજે એક પણ ન્યુઝ ચેનલમાં છે હિંમત કે સરકારની વિફળતા છે એવું કહી બતાવે? અરે એટલો ભયનો માહોલ છે કે પોતાના સ્વજન હુમલામાં મૃત્યુ પામે તો એક દિવસ રોષ નીકળે સરકાર પર અને પછી ચોવીસ કલાકમાં જ સરકાર સારી છે એવું બોલવું પડે! ખબર નહિ આટલી દેશભક્તિ અને બહાદુરી આપણને ક્યાં લઇ જશે. કદાચ આ બધી મુસીબતોમાં પણ દેશના ભૂતકાળની સરકારો અને નેતાઓ જ જવાબદાર હશે.
સુરત     – કિશોર પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top