ગુજરાતની દારૂબંધી વિશે ચર્ચાપત્ર વિભાગમાં ઘણા ચર્ચાપત્રો લખ્યા છે. ઘણા લોકોની દારૂબંધી હટાવવાની માંગણી હોવા છતાં સરકાર તરફથી દારૂબંધી હટાવવાના મુદ્દે કોઈ નિવેદન આવતું નથી. ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ ગુજરાતનાં પડોશી તમામ રાજ્યોમાં દારૂબંધી નથી ત્યાં દારૂ છૂટથી મળે છે અને તેના કારણે ગુજરાતમાં બોર્ડર પારથી દારૂ આવતો રહે છે અને પીવાતો રહે છે. ગુજરાતમાં દારૂની કાયમી રેલમછેલ રહે છે. ગુજરાતીઓને પીવા માટે દારૂ તો મળી જ રહે છે પરંતુ પીનારાઓને બીતા બીતા પીવો પડે છે ફરક એટલો જ છે. ત્યારે દારૂબંધી માત્ર નામની પુરવાર થાય છે.
01-05-1960 એ મહારાષ્ટ્રથી ગુજરાત છૂટુ પડ્યું અને અલગ ગુજરાત રાજ્ય બન્યું. તે જ દિવસથી ગુજરાતમાં દારૂબંધી દાખલ કરવામા આવી હતી. જો દારૂ પીવાથી સ્વાસ્થ્ય ને હાનિ પહોંચતી હોય તો પછી આખા દેશમા દારૂબંધી હોવી જોઈએ. ગુજરાતની દારૂબંધી ગુજરાતીઓનાં આત્મસન્માનને ઠેસ પહોંચાડવા બરાબર છે. બંધારણે બક્ષેલા કાયદા મુજબ પ્રજા એ શું ખાવું, શું પીવુ તે સરકાર નક્કી ન કરી શકે તો પછી કાયદા મુજબ ગુજરાતની દારૂબંધીને ગેરકાયદે કેમ ન કહી શકાય? ગુજરાતની દારૂબંધીથી સરકારને હજારો કરોડની આબકારી આવકનું નુકસાન થાય છે.
સુરત – વિજય તુઈવાલા આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.