Charchapatra

કોંગ્રેસની હારની આટલી ચિંતા કેમ?

આજે  ભાજપનો જે સમય ચાલી રહ્યો છે તેના માટે ભૂતકાળમાં કેટલાય કાર્યકરની આખી જિંદગીની નિઃસ્વાર્થ મહેનત જવાબદાર છે.આનાથી પણ વધુ સારો સમય કોંગ્રેસ પક્ષનો ઈતિહાસ પણ દર્શાવે છે.તે સમયના કોંગ્રેસના આગેવાનો પણ ધીમે-ધીમે અહંકાર અને ઘમંડને વશ થયા હતા.તેમણે એવું માની લીધું હતું કે કોંગ્રેસને કયારેય કોઈ હરાવી શકશે જ નહીં. કોંગ્રેસના નેતાઓ એક સમયે વિરોધ પક્ષની હાંસી ઉડાવી મજા લેતા હતા.સત્તા જાળવી રાખવા સામ-દામ-દંડ-ભેદ,પક્ષપલટાઓ,બીજા પક્ષના નેતાઓને લાલચ આપી પોતાની સાથે ભેળવી દેવા આવા તમામ પ્રકારના રસ્તાઓ અપનાવી ખૂબ લાંબા સમય સુધી સત્તા પર રહ્યા.એ નેતાઓ કુદરતનો પરિવર્તનનો નિયમ ભૂલી ગયા અને આજે આ હાલત થઈ છે. તેમ આજે થોડા જ સમયની સત્તા મેળવીને ભાજપના પણ કેટલાક નેતાઓ કે આગેવાનો અભિમાન અને ઘંમડનો શિકાર બન્યા છે. આશા રાખીએ કે પક્ષના જ બુદ્ધિજીવીઓ પક્ષની આંતરિક ખામી દૂર કરી લોકસેવાના કાર્ય કરતાં રહે.પ્રજાના પ્રશ્નોને સાંભળી તેનું નિવારણ લાવતા રહે.બાકી કુદરતનો નિયમ બધાને એકસરખી રીતે જ લાગુ પડે છે.કોઈના વગર કંઈ જ ઊભું રહેતું નથી. સમય સમયનું કામ કરતો જ જાય છે.
          – કિશોર પટેલ  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top