ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ સાથેના યુદ્ધના ભાગ રૂપે ઈરાને ખાડી ક્ષેત્રમાં સાઉદી આરબ, કતાર, કુવૈત, ઓમાન, સંયુક્ત આરબ અમીરાત વગેરે દેશો પર મિસાઇલ હુમલા કરવાનું ચાલુ રાખ્યું છે. ઈરાનના દક્ષિણ પાર્સ તેલ ક્ષેત્ર પરના ઈઝરાયલના હુમલાનો બદલો લેવા માટે ઈરાને ગયા ગુરુવારે કતારના રાસ લાફાન ઉર્જા સંકુલ પર હુમલો કર્યો હતો. બંને સુવિધાઓ વિશ્વના સૌથી મોટા કુદરતી ગેસ ક્ષેત્રોનો ભાગ છે. અત્યાર સુધી કતાર અને અન્ય ગલ્ફ દેશોને ઈરાને વારંવાર નિશાન બનાવવામાં આવ્યા હોવા છતાં તેમણે ઈરાન સામે બદલો લીધો નથી. કોઈ અકળ કારણોસર તેઓ ઈરાન પરના હુમલાઓ ટાળી રહ્યા છે, પણ તેમની ધીરજ ખૂટી શકે છે.
અમેરિકા અને ઇઝરાયલે ઇરાન વિરુદ્ધ સંયુક્ત લશ્કરી કાર્યવાહી શરૂ કરી, ત્યારે ઈરાને ઝડપથી બદલો લીધો અને માત્ર ઇઝરાયલ જ નહીં પરંતુ અમેરિકા સાથે સંબંધિત ગલ્ફના દેશો પર પણ હુમલો કર્યો હતો. ગલ્ફના અધિકારીઓનું કહેવું છે કે આ ક્ષેત્રમાં અમેરિકી લશ્કરી થાણાંઓ પર હુમલા ઉપરાંત ઈરાને નાગરિક માળખાગત સુવિધાઓ પર પણ હુમલો કર્યો છે, જેમાં એરપોર્ટ, હોટલ, રહેણાંક વિસ્તારો અને ખાસ કરીને ઉર્જા મથકોનો સમાવેશ થાય છે. આમ છતાં, ગલ્ફના દેશોએ હજુ સુધી ખુદ ઈરાન સામે કોઈ હુમલો કર્યો નથી અને તેઓ યુદ્ધમાં સીધા સામેલ થવાનું ટાળી રહ્યા છે.
તેમના દૃષ્ટિકોણથી જોઈએ તો આ તેમનું યુદ્ધ નથી અને ઈરાન સામે બદલો લેવાથી તેઓ ઈરાનનાં મુખ્ય લક્ષ્યોમાં પરિવર્તિત થઈ શકે છે, કારણ કે તેમની પાસે ફાયદા કરતાં ગુમાવવાનું વધુ છે. ગલ્ફના અર્થતંત્રો ઊર્જા માળખાગત સુવિધાઓ, શિપિંગ અને રોકાણકારોના વિશ્વાસ પર આધાર રાખે છે અને ઈરાને બતાવ્યું છે કે આ બધાને વિક્ષેપિત કરી શકાય છે. ઈરાન પર્સિયન ગલ્ફ અને હોર્મુઝ સ્ટ્રેટનો ઉપયોગ કરી રહ્યું છે, જે વૈશ્વિક અર્થતંત્ર માટે મહત્ત્વપૂર્ણ જળમાર્ગો છે. જો ગલ્ફના દેશો ઈરાન સામે હુમલો કરે તો તેનો અર્થ એવો થઈ શકે છે કે ગલ્ફના દેશો ઈઝરાયેલ સાથે થઈ ગયા છે. ગલ્ફના દેશોમાં ઈઝરાયેલ સાથે જોડાણ કરવામાં ખચકાટ છે.
અમેરિકાએ ૨૦૦૩ માં ઇરાક પર આક્રમણ કર્યું હતું અને સદ્દામ હુસૈનની સરકારને ઝડપથી ઉથલાવી દીધી હતી. જોકે, આનાથી સત્તાનો શૂન્યાવકાશ સર્જાયો હતો, જેના કારણે બળવાખોરી, સાંપ્રદાયિક હિંસા અને લાંબા સમય સુધી અસ્થિરતાનો માહોલ સર્જાયો હતો. ગલ્ફના દેશોને હવે ડર છે કે અમેરિકા કોઈ પણ જાતના સ્પષ્ટ લક્ષ્ય વિના ઈરાન સામે ખુલ્લી લડાઈ ચલાવી રહ્યું છે, જે લડાઈ આ પ્રદેશને સમસ્યાઓ સાથે છોડી દેશે. અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચેના આ યુદ્ધને લઈને ખાડી દેશોમાં ગુસ્સો હોવા છતાં તેઓ હજુ પણ અમેરિકન લશ્કરી સુરક્ષા પર ખૂબ આધાર રાખે છે.
તેઓ અમેરિકન લશ્કરી થાણાંઓ અને સૈનિકોનું આયોજન કરે છે, ગુપ્ત માહિતી શેર કરે છે અને અમેરિકન હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ પર ખૂબ આધાર રાખે છે. ગલ્ફના અધિકારીઓના મતે અમેરિકાની આ હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ ઈરાનના મોટા ભાગના મિસાઈલ હુમલાઓને અટકાવી દીધા છે. અમેરિકાનાં થાણાં વિશે રાજકીય સ્તરે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હોવા છતાં, લશ્કરી સ્તરે સંબંધ મજબૂત સાબિત થયો છે. ગયા મહિને હુમલા શરૂ કર્યા પછી અમેરિકાએ તેના લશ્કરી અભિયાન માટે વિવિધ લક્ષ્યો જાહેર કર્યાં છે, જેમાં ઈરાનની પરમાણુ શસ્ત્રો વિકસાવવાની ક્ષમતાને નાબૂદ કરવાથી લઈને શાસન પરિવર્તન સુધીનો સમાવેશ થાય છે. ગલ્ફ નેતાઓ માને છે કે હુમલાઓને રોકવા માટે રાજદ્વારી પ્રયાસ એકમાત્ર રસ્તો છે.
ઈરાને બધા ગલ્ફ દેશોને સમાન તીવ્રતાથી નિશાન બનાવ્યા નથી, જે તેની વિલક્ષણ વ્યૂહરચના દર્શાવે છે. આ યુદ્ધમાં સૌથી વધુ હુમલાઓનો ભોગ બનેલા દેશોમાં સંયુક્ત આરબ અમીરાત એક રહ્યું છે. ૨૦૨૦ માં તેણે અને બહેરીને ઇઝરાયલ સાથેના સંબંધો સામાન્ય કર્યા હતા. તેનાથી વિપરીત ઈરાન અને પશ્ચિમના દેશો વચ્ચે મધ્યસ્થી ભૂમિકા ભજવનાર ઓમાનને ઓછું લક્ષ્ય બનાવવામાં આવ્યું છે. ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનીને અભિનંદન આપનાર ઓમાન એકમાત્ર ગલ્ફ દેશ હતો. આ અન્ય ગલ્ફ દેશોને અનુકૂળ આવ્યું નહોતું.
ઈરાન ગલ્ફના દેશોને તેની સામેના વ્યાપક ગઠબંધન બનાવવા તરફ ધકેલી રહ્યું છે. ગલ્ફના દેશો પર હુમલો કરીને ઈરાન તેમને દુશ્મન બનાવી રહ્યું છે અને મોટાં યુદ્ધનું જોખમ વધારી રહ્યું છે, જે કોઈ ઇચ્છતું નથી. ગયા બુધવારે સાઉદી અરેબિયામાં ગલ્ફ વિદેશ પ્રધાનોની બેઠક બાદ આરબ દેશોએ યુએન ચાર્ટરની કલમ ૫૧ હેઠળ સ્વ-બચાવના તેમના અધિકાર પર ભાર મૂક્યો હતો. ગયા અઠવાડિયે કતારના રાસ લાફાન ઉર્જા સંકુલ પર હુમલો કર્યા પછી ઈરાને ચેતવણી આપી હતી કે જો તેની સુવિધાઓ પર હુમલા ચાલુ રહેશે તો તે અમેરિકાના ગલ્ફ સાથીઓનો સંપૂર્ણપણે નાશ કરશે. જો ઈરાન સીધા તેમને નિશાન બનાવે તો ગલ્ફના દેશોનું વલણ પણ બદલાઈ શકે છે.
ઈરાન જે ખાડી દેશોમાં મિસાઈલ છોડી રહ્યું છે તેમાં સાઉદી અરેબિયા પાસે સૌથી વધુ સેના છે. સાઉદી અરેબિયા તેની મજબૂત લશ્કરી ક્ષમતાઓ અને મોટા સંરક્ષણ બજેટને કારણે મધ્ય પૂર્વમાં એક મોટી શક્તિ તરીકે ઉભરી આવ્યું છે. સાઉદી અરેબિયન આર્મીની સૌથી મોટી તાકાત તેની વાયુસેના માનવામાં આવે છે. ૨૦૨૪માં સાઉદી અરેબિયાનું વાર્ષિક સંરક્ષણ બજેટ ૮૦.૩૦ અબજ ડોલર હતું. રોયલ સાઉદી એરફોર્સ પાસે F-15 સ્ટ્રાઈક ઇગલ અને યુરોફાઇટર ટાયફૂન જેવા ૩૦૦ થી વધુ ફાઇટર જેટ છે, જે તેને તેના પડોશી દેશો પર મજબૂત ફાયદો આપે છે.
સાઉદી અરેબિયા પાસે અદ્યતન હવાઈ સંરક્ષણ પ્રણાલી “પીસ શીલ્ડ” પણ છે. સાઉદી અરેબિયા પાસે મિસાઇલો અને અદ્યતન ડ્રોન પણ છે. સાઉદી અરેબિયાની સેના પણ મજબૂત માનવામાં આવે છે, જે અમેરિકન અબ્રામ્સ ટેન્ક અને અત્યાધુનિક સશસ્ત્ર વાહનોથી સજ્જ છે. સાઉદી અરેબિયા તેના દરિયાઈ માર્ગો અને ઉર્જા મથકોનું રક્ષણ કરવા માટે તેની નૌકાદળને પણ મજબૂત બનાવી રહ્યું છે. જોકે, સાઉદી અરેબિયાનું સૈન્ય વિદેશી શસ્ત્રો અને ટેકનોલોજી પર ભારે નિર્ભર રહે છે. તે તેના મોટાભાગના શસ્ત્રો અને લશ્કરી સાધનો અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ પાસેથી મેળવે છે.
અન્ય એક ગલ્ફ રાષ્ટ્ર કુવૈત ઝડપથી એક મોટી લશ્કરી શક્તિ તરીકે ઉભરી રહ્યું છે. કુવૈતે તેની મજબૂત અર્થવ્યવસ્થા અને વ્યૂહાત્મક ભાગીદારીનો ઉપયોગ કરીને એક શક્તિશાળી લશ્કર બનાવ્યું છે. ૨૦૨૪ માં કુવૈતનું સંરક્ષણ બજેટ ૭.૭૯ અબજ ડોલર હતું. કુવૈતમાં ૧૮ થી ૩૫ વર્ષની વયના પુરુષો માટે ફરજિયાત લશ્કરી સેવા છે. કુવૈતી સેના પાસે અંદાજે ૩૬૭ યુદ્ધ ટેન્ક છે. વાયુસેનામાં ૧૩૧ વિમાનો છે, જેમાં ૫૦ ફાઇટર જેટનો સમાવેશ થાય છે.
આ ક્ષેત્રમાં વધતા ડ્રોન અને મિસાઇલ ખતરાઓના પ્રતિભાવમાં કુવૈત તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ અને હવાઈ દળનું સતત આધુનિકીકરણ કરી રહ્યું છે, જેમાં FA-18 હોર્નેટ જેવા ફાઇટર જેટનો સમાવેશ છે. સંયુક્ત આરબ અમીરાત મધ્ય પૂર્વમાં સૌથી આધુનિક અને શક્તિશાળી સૈન્યમાંનું એક છે. ઈરાને દુબઈ પર અનેક હુમલા કર્યા છે, જેમાં નોંધપાત્ર નુકસાન થયું છે. દુબઈએ ઘણી ઈરાની મિસાઈલોને તોડી પાડી છે પરંતુ હજુ સુધી કોઈ બદલો લેવાનો હુમલો કર્યો નથી.
યુએઈ પાસે ચોકસાઈથી હુમલો કરવાની ટેકનોલોજી અને ક્ષમતા છે. ૨૦૨૪ માં યુએઈનું વાર્ષિક સંરક્ષણ બજેટ ૨૨.૭૫ અબજ ડોલર હતું. યુએઈએ યમન અને લિબિયામાં લશ્કરી કાર્યવાહીમાં ભાગ લીધો છે અને ઇસ્લામિક સ્ટેટ સામે આંતરરાષ્ટ્રીય કાર્યવાહીને પણ ટેકો આપ્યો છે. વાયુસેના યુએઈની મુખ્ય તાકાત છે, જેમાં F-16 અને મિરાજ ૨૦૦૦ જેવાં ફાઇટર જેટનો સમાવેશ થાય છે. યુએઈ પાસે પેટ્રિઅટ અને THAAD જેવી અદ્યતન હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.