Charchapatra

નવાં નવાં પુસ્તકો પસ્તીમાં કેમ વેચાઈ રહ્યાં છે?

ગુજરાત સરકારે સરકારી શાળાઓમાં બાળકોને પ્રવેશોત્સવ કરાવ્યો. વિદ્યાર્થીઓને મધ્યાહ્ન ભોજન શાળામાંથી અપાય છે. યુનિફોર્મ પણ શાળાઓ આપે છે. વિદ્યાર્થીઓને પુસ્તક પણ આપે છે પણ   કોણ જાણે વિદ્યાર્થીઓને આપવાનાં  પુસ્તકો પસ્તીમાં વેચાઈ રહ્યાં છે. બે દિવસ પહેલાં અરવલ્લી જિલ્લાના માલપુર સ્થિત એક ભંગારના વેપારીને ત્યાંથી ધોરણ 1 થી 8નાં 5000 જેટલાં સરકારી પુસ્તકોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. અરવલ્લી જિલ્લા પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે મહીસાગર જિલ્લાના ખાનપુર પંથકમાંથી ભંગારના વેપારીએ આ સરકારી પુસ્તકોનો જથ્થો ખરીદ્યો હતો. એક તરફ રાજ્યની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને પુસ્તકો અપાતાં નથી. આજે શાળા ખૂલવાને દોઢ મહિનો થઈ ગયો હજી પુસ્તકો અપાયાં નથી. અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી શાળામાંથી રાજ્ય સરકારનાં નવાં પુસ્તકો ટ્રક મારફત અન્ય રાજ્યોમાં સગેવગે કરાઈ રહ્યાં હતાં. આ ઘટના દર્શાવે છે કે સરકારી પુસ્તકોના વિતરણ અને વ્યવસ્થાપનમાં ગંભીર ક્ષતિઓ છે.  આ મામલામાં ઊંડી તપાસ થવી જોઈએ.
કાલીપુલ- સુરત, અબ્બાસભાઈ કૌકાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top