આપણું શહેર સ્વચ્છ રાખવાની નાગિરકોની ફરજ નથી? અત્ર, તત્ર, સર્વત્ર કચરાના ઢગલા દીસે છે! સુરત મહાનગરપાલિકા શહેરને સ્વચ્છ રાખવાના પ્રયત્ન તો અવશ્ય કરે જ છે, પરંતુ જે નાની કચરાપેટી છે એમાં સંપૂર્ણ કચરો સમાવિષ્ટ નથી જ થતો અને નહેરૂબ્રીજ અને વિવેકાનંદ બ્રીજ ઉપર કચરાપેટી હોવા છતાં પ્રજાજનો બહાર જ કચરાના ઢગલા કરે છે. આ કેટલે અંશે યોગ્ય ગણાય? વિવેકાનંદ બ્રીજ ઉપર પક્ષીઓને ગાંઠિયા ખવડાવવામાં પણ અત્યંત ગંદકી થાય છે. પક્ષીવિદોના જણાવ્યા મુજબ પક્ષીઓ માટે ગાંઠિયાનો આહાર યોગ્ય નથી. એમના પીંછાને નુકસાન થાય છે. પીંછાં કુદરતે એમના રક્ષણ માટે આપ્યા હોય છે. તો આ પુણ્ય કાર્ય કરવામાં પક્ષીઓને નુકસાન થઇ શકે છે. પ્રભુને અર્પણ કરેલાં પુષ્પો પણ આમથી તેમ વિખરાયેલાં જણાય છે. કચરાપેટીને બદલે બહાર જ કચરો અને પ્લાસ્ટીકની કોથળીઓ હવામાં ઊડતી જણાય છે! બ્રીજ ઉપર આવવા જવાની બે અલગ ટ્રેક ભાગ હોય છે એના ઉપર પણ અણસમજુ નાગરિક રોંગ સાઇડ આવવાની ધૃષ્ટતા કરે! (ઊંધા આવીને) અકસ્માત ન થાય તો જ આશ્ચર્ય! એક નાગરિક તરીકે સ્વચ્છતા જાળવવામાં અને વાહનવ્યવહારનું પાલન કરવા માટે આપણી નૈતિક ફરજોનું જ્ઞાન તો હોવું જ જોઇએ ને? અને મનપાએ પણ નાની કટાયેલી કચરાપેટી માટે વિચારવું જ રહ્યું, જેમાં કચરો સમાતો જ નથી! રખડતાં શ્વાન કચરો ફેંદીને ગંદકીમાં વધારો જ કરે છે.
સુરત – નેહા શાહ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
શહેરનાં નાગરિકો સ્વચ્છતા વિશે કેમ સભાન નથી?
By
Posted on