આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો દુષ્પ્રભાવ દુનિયાની બીજી કોઈ પણ કંપનીઓ કરતાં ટેક જાયન્ટ કંપનીઓ ઉપર વધુ પડી રહ્યો છે. દુનિયામાં જ્યારે યંત્રો આવ્યાં ત્યારે કરોડો મજૂરો બેકાર થઈ ગયાં હતાં. તેવી રીતે જ્યારે કોમ્પ્યુટરો આવ્યાં ત્યારે કરોડો કારકુનો બેકાર થઈ ગયાં હતાં. હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા ઉપયોગને કારણે ટેક જાયન્ટ કંપનીઓમાં ઊંચા પગારે નોકરી કરતાં લાખો આઇટી પ્રોફેશનલો બેકાર થઈ જવાનો ભય પેદા થયો છે. એલન મસ્કે ટ્વિટર ખરીદી લીધું તે પછી તેણે કુલ ૭,૫૦૦ કર્મચારીઓ પૈકી અડધાં કર્મચારીઓને ઘરભેગાં કરી દીધાં છે. ન્યુયોર્કમાં તો ટ્વિટરનાં કર્મચારીઓ સડકો પર મોરચાઓ કાઢી રહ્યાં છે. ભારતમાં ટ્વિટરના આશરે ૨૫૦ ફુલટાઇમ કર્મચારીઓ હતાં.
તેમાંથી ૯૫ ટકાની હકાલપટ્ટી કર્યા પછી તેમાં માંડ ડઝન કર્મચારીઓ બચ્યાં છે. ભારતમાં ૧૦૦ જેટલી ભાષાઓ બોલાય છે. તે બધામાં જે કન્ટેન્ટ મૂકવામાં આવે તેના પર ટ્વિટરના સંપાદકો નજર રાખતા હોય છે. તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપરાંત મનુષ્યના મગજની પણ જરૂર રહે છે. ભારતમાં માત્ર ૧૨ કર્મચારીઓ વડે ટ્વિટર કેવી રીતે ગાડી ગબડાવી શકશે? તે કોઈને સમજાતું નથી. દરમિયાન ટ્વિટર દ્વારા જેમની ભૂલથી હકાલપટ્ટી કરવામાં આવી હતી તેમાંનાં કેટલાંક કર્મચારીઓને પાછાં નોકરીમાં બોલાવાઈ રહ્યાં છે.
મેટા, માઇક્રોસોફ્ટ અને એમેઝોન જેવી ટેક જાયન્ટ કંપનીઓ પણ પોતાનો સ્ટાફ ઘટાડી રહી છે, તેનું મુખ્ય કારણ એ છે કે જગત ઝડપથી મંદી તરફ ઘસડાઈ રહ્યું હોવાથી અને વ્યાજના દરો વધી રહ્યા હોવાથી તેમનો નફો ઘટી રહ્યો છે. તેના માલિકો અને ટોચના સંચાલકો પોતાની આવકમાં ઘસારો ન પહોંચે તે માટે લાખો કર્મચારીઓનો ભોગ લઈ રહ્યા છે. વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ ફેસબુકની પેરન્ટ કંપની મેટા પણ હજારો કર્મચારીઓને છૂટા કરવાની વિચારણા ચલાવી રહી છે. જે કંપનીઓ હકાલપટ્ટી નથી કરી રહી તેમણે નવી ભરતીઓ પર હાલ પ્રતિબંધ મૂકી દીધો છે.
એલન મસ્કે ૪૪ અબજ ડોલરમાં ટ્વિટર ખરીદી લીધું કે તરત તેમણે ભારતીય મૂળના સીઈઓ પરાગ અગ્રવાલ, કાનૂની બાબતનાં વડાં વિજયા ગડ્ડે અને સીએફઓ નેડ સેગલની હકાલપટ્ટી કરી હતી. ત્યાર પછી તા. ૪ નવેમ્બરે તેમણે બીજા આશરે ૩,૫૦૦ કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કરી છે. આ કર્મચારીઓને ઇમેઇલ દ્વારા મેસેજ મોકલીને આગલા દિવસે જ તેમની હકાલપટ્ટી કરવામાં આવી હતી. અમેરિકામાં આ વર્ષે સેનેટની ચૂંટણી આવવાની છે. વળી ૨૦૨૪માં પ્રમુખપદની ચૂંટણી આવવાની છે.
૨૦૨૦માં અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી થઈ તેમાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને હરાવવામાં ટ્વિટરે મોખરાની ભૂમિકા ભજવી હતી. ટ્વિટરે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જોડાયેલાં હજારો હેન્ડલ બ્લોક કરી દીધા હતા. તેને કારણે ડોનાલ્ડ ટ્રમ્પના સંદેશાઓ મતદારો સુધી પહોંચી શક્યા નહોતા અને તેઓ હારી ગયા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે હવે ૨૦૨૪ની ચૂંટણીમાં ઝંપલાવવાની જાહેરાત કરી છે. એલન મસ્કે તેમને ટેકો આપવાનો નિર્દેશ આપ્યો છે. તેને કારણે ડોનાલ્ડ ટ્રમ્પના વિજયી થવાના સંયોગો ઉજળા બની ગયા છે. ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ જાહેરાત કરી છે કે તે પણ ટૂંક સમયમાં મોટી સંખ્યામાં કર્મચારીઓને છૂટા કરી રહી છે.
ગયા મહિને મેટાએ જાહેર કર્યું હતું કે તેનો ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રણ મહિનામાં નફો ઘટવાનો છે અને આવતા વર્ષે તેનો ખર્ચો પણ વધવાનો છે. આ જાહેરાત સાથે જ મેટાના શેરોના ભાવોમાં ૬૭ અબજ ડોલરનો કડાકો બોલી ગયો હતો. મેટાને ગયા એક વર્ષ દરમિયાન શેરોના ભાવોમાં કડાકાને કારણે ૫૦૦ અબજ ડોલરનું નુકસાન થયું છે. મેટાની કમાણીમાં ઓટ આવવાનું મુખ્ય કારણ જાગતિક મંદી ઉપરાંત ટિકટોક જેવી ચાઇનીઝ એપની વધી રહેલી લોકપ્રિયતા છે. એપલે પોતાની પ્રાઇવસી પોલીસીમાં ફેરફાર કર્યો તેને કારણે પણ મેટાના નફામાં ગાબડું પડી ગયું છે. અગાઉ મેટા એપલના ફોનધારકોનો ડેટા સહેલાઈથી ચોરી શકતું હતું, પણ હવે તે મુશ્કેલ બની ગયું છે. મેટાવર્સ પાછળના ખર્ચાને કારણે પણ મેટાના નફામાં ધોવાણ થયું છે.
સ્નેપચેટનું સંચાલન કરતી સ્નેપ કંપનીએ પણ ઓગસ્ટ મહિનામાં તેના ૬૪૦૦ પૈકી ૨૦ ટકા કર્મચારીઓને પાણીચું પકડાવી દીધું હતું. કર્મચારીઓની હકાલપટ્ટી કરવાનું કારણ એ હતું કે સ્નેપચેટના શેરોની કિંમતમાં એક વર્ષમાં ૮૦ ટકાનો ઘટાડો થયો હતો. સ્નેપના સીઈઓ દ્વારા તેના કર્મચારીઓને જે પત્ર લખવામાં આવ્યો તેમાં કહેવામાં આવ્યું હતું કે કંપની લાંબા ગાળે તેના ધંધામાં સફળતા હાંસલ કરી અને નફામાં વધારો કરી શકે તે માટે આ કઠોર પગલું લેવું જરૂરી હતું.
માઇક્રોસોફ્ટ કંપનીએ પણ તાજેતરમાં કોઈ પણ જાતની જાહેરાત કર્યા વિના પોતાના આશરે હજાર કર્મચારીઓની હકાલપટ્ટી કરી નાખી હતી. એક્સિયોસ નામની સમાચાર સંસ્થા દ્વારા આ સમાચાર જાહેર કરવામાં આવ્યા હતા. તેણે સમાચારની ચકાસણી કરવા માઇક્રોસોફ્ટને પત્ર લખ્યો ત્યારે તેણે જવાબમાં લખ્યું કે ‘‘બીજી બધી કંપનીઓની જેમ અમે પણ નિયમિતપણે અમારી પ્રાયોરિટી નક્કી કરતા હોઈએ છીએ અને તે મુજબ માળખાકીય ફેરફારો કરીએ છીએ. આવનારા સમયમાં અમે વિકાસશીલ વિસ્તારોમાં નવા લોકોને નોકરીમાં રાખવાનું ચાલુ રાખીશું.’’
માઇક્રોસોફ્ટ માટે હજારો કર્મચારીઓની નોકરી માત્ર માળખાકીય ફેરફાર છે.કોમ્પ્યુટરની ચીપ બનાવવા માટે જાણીતી ઇન્ટેલ કંપની ખર્ચાઓ ઘટાડવા માટે અને નફો વધારવા માટે હજારો કર્મચારીઓને છૂટા કરી રહી છે. તેણે ૨૦ ટકા સ્ટાફ ઘટાડવાનો નિર્ણય કર્યો છે. ઇન્ટેલના નફામાં ગાબડું પડવાનું મુખ્ય કારણ એ છે કે કોમ્પ્યુટરનાં ઘણાં કામો હવે મોબાઈલ ફોન કરતા હોવાથી કોમ્પ્યુટરના વેચાણમાં ઘટાડો દેખાઈ રહ્યો છે. કોવિડ-૧૯ની મહામારી દરમિયાન કોમ્પ્યુટરના વેચાણમાં વૃદ્ધિ જોવા મળી હતી, પણ હવે તેમાં ઓટ આવી છે. દુનિયામાં કોમ્પ્યુટરની ચીપની અછતને કારણે પણ ઇન્ટેલ કંપનીને તેના ઉત્પાદનમાં ઘટાડો કરવાની ફરજ પડી છે.
ઓનલાઇન શોપિંગની સૌથી મોટી કંપની એમેઝોને હજુ સુધી કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત નથી કરી, પણ તેમણે નવી ભરતીઓ કરવાની બંધ કરી દીધી છે. અગાઉ તેમણે નવી ભરતી કરવા માટે જાહેરાતો આપી હતી. તેના જવાબમાં લાખો અરજીઓ આવી હતી. તે બધા અરજદારોને ઇમેઇલ કરી દેવામાં આવ્યો હતો કે તેઓ તમામ કોર્પોરેટ સ્ટોરોમાં ભરતી બંધ કરી રહ્યા છે. કોર્પોરેટ સ્ટોરો દ્વારા કંપનીના ઓનલાઇન અને ઓફલાઈન ધંધાનું સંચાલન કરવામાં આવે છે. ભરતી પર પ્રતિબંધ મૂકતાં પહેલાં આ વિભાગમાં આશરે ૧૦,૦૦૦ જગ્યાઓ માટે જાહેરાત આપવામાં આવી હતી. એમેઝોનમાં ભવિષ્યની ૧૦,૦૦૦ નોકરીઓ હાલ પૂરતી તો થિજાવી દેવામાં આવી છે.
આઇ-ફોન બનાવતી એપલ કંપની દ્વારા તેના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિભાગ સિવાયના તમામ વિભાગોમાં નવી ભરતી રોકી દેવામાં આવી છે. ચીને કોવિડ-૧૯ને નામે આર્થિક નાકાબંધી કરી તેને કારણે એપલની સપ્લાય લાઇન ખોરવાઇ ગઇ છે, જેને કારણે વેચાણને પણ ફટકો પડ્યો છે. દુનિયાની મોટા ભાગની કંપનીઓ હવે સ્ટાફ ઘટાડી રહી છે, પણ તેમનો નફો વધી રહ્યો છે. જેટલાં લોકો નોકરીઓ ગુમાવશે તેમને સરકાર મદદ કરશે, પણ તેઓ સરકારના ગુલામ બની જશે.આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.