Charchapatra

સિનિયર સિટીઝનોને રેલવેમાં કન્સેશન કેમ બંધ?

તા.21 મે ‘ગુજરાતમિત્ર’ દૈનિકનાં ચર્ચાપત્રો દેશનાં નોંધપાત્ર કાર્યો વાંચી આ લખવા માટે મારા મનને રોકી ન શક્યો. લેખકે  ખરેખર દેશમાં થયેલ નોંધપાત્ર એવા 10 મુદ્દાનું વિગતવાર લખાણ કરેલ છે તે ખોટું તો નથી જ. એટલું જ નહીં, પણ આપણા દેશનાં વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી માટે વપરાયેલા પ્રશંસાનાં પુષ્પોમાં પણ અતિશ્યોક્તિ નથી જ, પણ આવા લેખકે એક અગત્યના એવા મુદ્દાની કમી કેમ રાખી તે સમજી શકાય તેમ નથી. એ મુદ્દો એટલે કે આખા દેશમાં વસતા સિનિયર સિટિઝનને અત્યાર સુધી સમગ્ર દેશમાં હરવા-ફરવા કે ધાર્મિક યાત્રાએ જવા માટે રેલવેમાં જે કન્સેશન મળતું હતું તે આજ મોદી સાહેબની સરકારે કલમના એક જ ઝાટકે સદંતર બંધ કરી દીધું. આપણા દેશમાં જે સાંસદો- અને ધારાસભ્યો છે તેમને તેમજ તેમનાં પરિવારને આખા દેશમાં હરવા ફરવા માટે રેલવેમાં મફતમાં મુસાફરી કરવાની છૂટ આપવામાં આવે છે જે વાતની દેશની સમગ્ર જનતાને ખબર છે.

હરવા ફરવા માટે જેવા કે સિમલા, મસુરી માટે નહીં, પણ જીવનની આથમતી ઢળતી ઉંમરે હરિદ્વાર કે સોમનાથ જેવા સમગ્ર દેશમાં આવેલા ધાર્મિક જાત્રાના સ્થળે જવા આવવા માટે પણ રેલવેમાં અત્યાર પહેલાં જે કન્સેશન (મફત નહીં) મળતું હતું તે શક્ય હોય તો ફરી ચાલુ કરી નોંધપાત્ર કામગીરીમાં એક ઓર મોર પિચ્છ લગાડી દેશની સારી કામગીરીને ઉજાગર કરે. આશા અમર છે. આજે નહીં તો ગમે ત્યારે ફકત અને ફકત યાત્રા ધામોનાં પ્રવાસ માટે પણ સિનિયર સિટિઝનને રેલવેમાં આ અગાઉ જે કન્સેશન મળતું હતું જે મળશે અને મળશે જ, લખી રાખો.
સુરત  – કીકુભાઈ જી. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

શું વાત છે ? મફત મળે
ભારતમાં 400 થી વધુ નદીઓ આવેલી છે. ત્રણ બાજુ સમુદ્ર છે છતાં BJP સરકાર આવ્યા પછી લગભગ તમામ મોટાં શહેરોમાં પ્રજાને પીવાનું પાણી મીટર લગાવીને લીટર દીઠ વેચાતું આપવામાં આવે છે. બોમ્બે હાઈ અને હજીરાના દરિયામાંથી નીકળતો ગેસ પણ પ્રજાને વેચાતો જ મળે છે. ન્યુક્લીયરથી કે હાઈડ્રો પ્રોજેક્ટથી ઉત્પન્ન થતી વીજળીનો પણ સરકાર વેપાર કરે છે અર્થાત્ પ્રજાને વેચાણ આપી રૂા. વસૂલે છે. હવે તો આ સરકારે બધે પ્રાઈવેટાઈઝેશન કરતાં સરકારી ટોઈલેટના ઉપયોગ માટેય રૂા. વસુલાય છે.

બીજી બાજુ તુર્કમેનીસ્તાન દુનિયાનો એક માત્ર એવો દેશ છે જ્યાં તમામ પ્રજાને 1993 થી રાંધણગેસ વીજળી અને પીવાનું પાણી તદ્દન મફત આપવામાં આવે છે. વીજળી-પાણી અને ગેસનાં મીટરોયે નથી. આપણે ત્યાં તો ચૂંટણી આવે એટલે દરેક રાજકીય પક્ષ માત્ર રેવડી વ્હેંચે છે પણ પ્રજાને મફત કાંઈ નથી મળતું. કુદરતી સંપત્તિ વેચી વેચીને સરકારના મિત્રો માલેતુજાર બને છે. પ્રજાએ તો પેશાબ કરવાનાયે રૂપિયા ચુકવવા પડે છે.
સુરત     – જીતેન્દ્ર પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.       

Most Popular

To Top