Columns

બોલિવૂડની ફિલ્મોમાં પઠાણોને હંમેશા પરગજુ કેમ બતાડવામાં આવે છે?

પઠાણ ફિલ્મનો વિવાદ વધુ ને વધુ વિસ્ફોટક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. અયોધ્યાના તથાકથિત સંત પરમહંસ આચાર્યે ધમકી આપી છે કે ‘‘અત્યારે તો અમે શાહરૂખ ખાનની ફિલ્મનાં પોસ્ટરો બાળી રહ્યા છીએ; જો તે મને મળશે તો હું તેને જીવતો બાળી દઈશ.’’કોઈ હિન્દુ ધર્મગુરુ આટલી ઉગ્ર ભાષામાં વાત કરે તેના પરથી પઠાણ ફિલ્મનું ભવિષ્ય બહુ ધૂંધળું લાગે છે. આ લેખમાં આપણે માત્ર પઠાણ ફિલ્મની વાત નથી કરવી પણ હિન્દી ફિલ્મોમાં પઠાણ કોમના કરવામાં આવતાં કાલ્પનિક ચિત્રણની વાત કરવી છે. બોલિવૂડની કાબુલીવાલાથી લઈ જંજીર અને છલિયાથી લઈ ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મોમાં પઠાણોનું ચિત્રણ ઉમદા, દેશપ્રેમી, પરગજુ અને ઇમાનદાર લોકો તરીકે જ કરવામાં આવ્યું છે. ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મમાં તો મુંબઈની કુખ્યાત પઠાણ ગેન્ગના માફિયા ડોન કરીમ લાલાને ભારતના રોબિન હૂડ તરીકે વર્ણવવામાં આવ્યો હતો. હિન્દી ફિલ્મોમાં પઠાણોનું જેવું ચિત્રણ કરવામાં આવે છે તેની અને પઠાણ કોમની વાસ્તવિકતા વચ્ચે બહુ મોટો ફરક છે.

ભારતના ભાગલા પહેલાં પંજાબ અને બંગાળ પ્રાંતમાં વસતાં હિન્દુઓની જે સામુહિક કતલ કરવામાં આવી તેમાં પઠાણ કોમનાં તોફાની તત્ત્વોનો બહુ મોટો ફાળો હતો. ૧૯૪૬ના ઓક્ટોબરમાં કોલકાતામાં અને નવેમ્બર-ડિસેમ્બરમાં નોઆખલીમાં જે હિંસાનું તાંડવ જોવા મળ્યું તેમાં પઠાણ કોમનો મોટો ફાળો હતો. અવિભાજીત બંગાળના વડા પ્રધાન હુસૈન શાહીદ સુહરાવર્દીએ તેમના પોલીસ દળમાં મોટી સંખ્યામાં પઠાણોની અને પંજાબી મુસ્લિમોની ભરતી કરી હતી. સુહરાવર્દી દ્વારા જ્યારે સીધા હુમલાનો કોલ આપવામાં આવ્યો ત્યારે પઠાણ પોલીસ કર્મચારીઓ દ્વારા અનેક હિન્દુ વસાહતોમાં લૂંટફાટ કરવામાં આવી હતી, તેમની હત્યાઓ કરવામાં આવી હતી અને હિન્દુ મહિલાઓ પર બળાત્કારો પણ ગુજારવામાં આવ્યા હતા. બરાબર આવા જ પ્રકારના અત્યાચારો પંજાબ અને નોર્થ-વેસ્ટ ફ્રન્ટિયર પ્રાંતોમાં પઠાણોની ગેન્ગો દ્વારા ગુજારવામાં આવ્યા હતા.

લાહોરમાં રહેતાં કેટલાંક હિન્દુ પરિવારો દ્વારા તેમને સલામત રીતે અમૃતસર પહોંચાડવા માટે એક પઠાણને મોટી રકમ ચૂકવી ભાડે ડ્રાઇવર રાખવામાં આવ્યો હતો. તેણે પંજાબના મુસ્લિમોના કહેવાથી તમામ હિન્દુ પુરુષોને મારી નાખ્યા હતા અને મહિલાઓને વેચી મારી હતી. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાંથી અપહરણ કરીને લાવવામાં આવેલી હિન્દુ મહિલાઓને જેલમની બજારમાં ૧૦થી ૨૦ રૂપિયામાં વેચી કાઢવામાં આવતી હતી. આ દરમિયાન જ મુંબઈમાં પૃથ્વી થિયેટરનું સંચાલન કરતાં પૃથ્વીરાજ કપૂરે ‘પઠાણ’નામનું નાટક તૈયાર કર્યું હતું. તેમાં એક પઠાણની કાલ્પનિક કથા કહેવામાં આવી હતી, જેણે રમખાણો દરમિયાન પોતાના હિન્દુ મિત્રના પુત્રને સહીસલામત ભારત પહોંચાડવા માટે પોતાના એકમાત્ર લાડકવાયા પુત્રનું બલિદાન આપ્યું હતું.

ભારતના ભાગલા સમયે પૃથ્વીરાજ કપૂર મુંબઈમાં વસવાટ કરતા હતા અને તેમણે ફિલ્મી દુનિયામાં પોતાનું નામ બનાવી લીધું હતું. તેમનો પરિવાર પેશાવરથી હિજરત કરીને ૧૯૨૦ના દાયકામાં મુંબઈ આવ્યો હતો. તેઓ મૂળ પંજાબી ખત્રી હતા, પણ તેમની માતૃભાષા પશ્તો હોવાને કારણે તેઓ પોતાની જાતને પઠાણોના વંશજ સમજતા હતા. પઠાણ નાટકમાં પૃથ્વીરાજ કપૂરે શેર ખાનની મુખ્ય ભૂમિકા ભજવી હતી, જ્યારે તેના પુત્રની ભૂમિકા રાજ કપૂરે ભજવી હતી. અનિલ કપૂરના પિતા સુરિન્દર પૃથ્વીરાજ કપૂરના પિત્રાઈ હતા. અનિલ કપૂર પણ પોતાને પઠાણનો વંશજ સમજે છે. અનિલ કપૂરના કહેવા મુજબ તેની મૂછ તેના પઠાણ હોવાની નિશાની છે.

ભારતના ભાગલા સમયે પઠાણો દ્વારા જે હિંસા આચરવામાં આવી હતી તે બાબતમાં મૌન ધારણ કરીને બોલિવૂડના નિર્માતાઓ દ્વારા પઠાણોના ગુણગાન ગાતી ફિલ્મો બનાવવામાં આવી હતી, જેમાં દરેક પઠાણને વફાદાર, ઇમાનદાર અને ચારિત્ર્યવાન બતાડવામાં આવ્યા હતા. ૧૯૬૦ના દાયકામાં રિલીઝ થયેલી છલિયા ફિલ્મમાં મુખ્ય ભૂમિકા રાજ કપૂરની હતી. તેમાં પ્રાણે અબ્દુલ રહેમાન ખાન નામના પઠાણની ભૂમિકા ભજવી હતી. તેણે ભાગલાનાં રમખાણો દરમિયાન એક હિન્દુ મહિલાને મુસ્લિમ ટોળાંથી પોતાના પ્રાણના ભોગે બચાવી હતી, તેવી તેમાં કથા હતી. તેના પછીના વર્ષે બલરાજ સહાનીની કાબુલીવાલા ફિલ્મ રિલીઝ થઈ હતી, જે કવિવર રવીન્દ્રનાથ ટાગોરની કાલ્પનિક કથાને આધારે હતી.

તેમાં પણ પઠાણ પાત્રનું નામ શેર ખાન રાખવામાં આવ્યું હતું. કાબુલીવાલા ફિલ્મમાં મુસ્લિમ પઠાણ અને હિન્દુ બાળા વચ્ચેની મૈત્રીની વાત કરવામાં આવી હતી. આ ફિલ્મો ભારતમાં પઠાણોની છાપ ઉજળી કરવામાં બહુ મદદરૂપ બની હતી. ૧૯૭૩માં બોલિવૂડમાં ‘જંજીર’ફિલ્મ રિલીઝ થઈ હતી, જેમાં પ્રાણે શેર ખાન નામના પઠાણનું પાત્ર ભજવ્યું હતું. તેમાં અમિતાભ બચ્ચને પહેલી વખત એંગ્રી યંગ મેનની ભૂમિકા ભજવી હતી, જે તેના માટે સફળતાનાં તાળાં ખોલનારી સાબિત થઈ હતી. આ ફિલ્મમાં ઇન્સ્પેક્ટર વિજયનું પાત્ર ભજવતા અમિતાભ બચ્ચન અને માફિયા ડોન શેર ખાન વચ્ચેની મૈત્રીની વાત કરવામાં આવી હતી. આ ફિલ્મની કથા અને પટકથા સલિમ-જાવેદે લખી હતી.

આ ફિલ્મમાં શેર ખાનની બહાદુરી, ઝિંદાદિલી અને વફાદારીના ગુણગાન ગાવામાં આવ્યા હતા. આ ઘટનાનાં બે વર્ષ પહેલાં બાંગ્લા દેશની લડાઈ થઈ હતી, જેમાં પાકિસ્તાનથી આવેલા પઠાણ સૈનિકોએ બાંગ્લા દેશની મુસ્લિમ મહિલાઓ પર અત્યાચારો ગુજારવામાં કંઇ બાકી રાખ્યું નહોતું. બોલિવૂડમાં પઠાણોની વફાદારી અને ઇમાનદારીના ગુણગાન ગાતી ઘણી ફિલ્મો આવી ગઈ, પણ ‘પઠાણ ફાઇલ્સ’જેવી કોઈ ફિલ્મ પઠાણો દ્વારા હિન્દુઓ પર ગુજારવામાં આવેલા જુલમો બાબતમાં આવી નથી. તાજેતરમાં સંજય લીલા ભણસાલી દ્વારા ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નામની ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું હતું,

જેમાં માફિયા ડોન કરીમ લાલા કેવી રીતે વેશ્યાના કોઠામાં ફસાઈ ગયેલી એક હિન્દુ કન્યાને ઉગારે છે, તેની કથા મીઠું-મરચું ભભરાવીને કરવામાં આવી હતી. કરીમ લાલા એક ક્રૂર માફિયા ડોન હતો, જે દાણચોરીથી માંડીને સુપારી લઈને હત્યાના ગુનાઓમાં સંડોવાયેલો હતો. મુંબઈમાં જેટલા પણ દારૂના અને જુગારના અડ્ડાઓ ચાલતા હતા, તેમાં તેની ભાગીદારી હતી. કરીમ લાલાના જીવન પર અગાઉ પણ અનેક ફિલ્મો બની ગઈ છે. દાઉદ ઇબ્રાહિમ અને કરીમ લાલા વચ્ચેની દુશ્મનાવટ પણ જગજાહેર હતી. તેના ગુણગાન ગાઈને બોલિવૂડના નિર્માતાઓ દર્શકોને અને ખાસ કરીને નવી પેઢીના યુવાનોને ક્યો સંદેશો આપવા માગે છે? તે સમજાતું નથી.

શાહરૂખ ખાન પોતે પઠાણ છે. તેના પૂર્વજો પણ પેશાવરમાં વસતા હતા. શાહરૂખ ખાનને પોતાના પૂર્વજો માટે આદર હોય તે સમજી શકાય તેવી વાત છે, પણ તેને કારણે તેને ઇતિહાસ સાથે ચેડાં કરવાનો કે ઇતિહાસનો અનાદર કરવાનો અધિકાર મળી જતો નથી. તાજેતરમાં અફઘાનિસ્તાનમાં જે ઘટનાઓ બની તેને કારણે તાલિબાન તરીકે ઓળખાતા પઠાણો ફરી બદનામ થઈ ગયા છે. તેમના અસલી સ્વરૂપ પર ફિલ્મ બનાવવાને બદલે શાહરૂખ ખાન પોતાની ફિલ્મ દ્વારા તેમને હીરો ચિતરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેની સામે દેશભરમાં જે વિરોધનો વંટોળ પેદા થયો છે તેના પરથી ખ્યાલ આવે છે કે હિન્દુઓ હવે આ પ્રકારનું ચિત્રણ ચલાવી લેવા તૈયાર નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top