Comments

મોટાભાગના મુસ્લિમ દેશો મહાસત્તા માટે કેમ ઉપલબ્ધ છે

અમેરિકન સૈનિકો અફઘાનિસ્તાન છોડીને જઈ રહ્યા છે ત્યારે આખા જગતમાં અત્યારે અફઘાનિસ્તાન વિષે ચર્ચા થઈ રહી છે. વિશ્વસમાજ અફઘાન પ્રજાની દયા ખાઈ રહ્યો છે. ત્રણ દાયકામાં ઉપરાઉપરી ત્રીજી વાર મહાસત્તાઓ અફઘાનિસ્તાનની ભૂમિનો અને ત્યાંની પ્રજાનો ઉપયોગ કરીને જતા રહેવાની ઘટના બની છે. તેઓ પોતાની જરૂરિયાત હોય ત્યારે પૂછ્યા વિના આવે છે અને જરૂરિયાત પૂરી થાય ત્યારે પૂછ્યા વિના જતા રહે છે. ૧૯૭૯ માં સોવિયેત રશિયા આવ્યું અને ૧૯૮૯ માં જતું રહ્યું.

૧૯૮૦ માં અમેરિકા આવ્યું અને એ પણ દાયકા પછી જતું રહ્યું. ૨૦૦૧ માં ન્યૂયોર્કની ઘટના પછી અમેરિકાએ પાછો અફઘાનપ્રવેશ કર્યો અને હવે અફઘાનિસ્તાન અને ત્યાંની પ્રજાને અલ્લાહને ભરોસે છોડીને પાછું જઈ રહ્યું છે. તેઓ શા માટે આવે છે અને શા માટે જતા રહે છે એ તમે જાણો છો. સંસ્થાનવાદનો અંત આવ્યો હોવા છતાં જગતના શક્તિશાળી દેશો કેટલાક દેશોનો સંસ્થાન તરીકે ઉપયોગ કરે છે. અફઘાનિસ્તાનનો રશિયા અને અમેરિકાએ ઉપયોગ કર્યો છે. ખપ પૂરો થાય ત્યારે મોઢું ફેરવી લે છે. સંસ્થાનવાદના યુગમાં એક વાત સારી હતી કે સંસ્થાનોના માલિકો માલિક તરીકે કાયમ માટે ત્યાં રહેતા હતા અને શોષણ કરતા હોવા છતાં માલિક તરીકેની જરૂરી હોય એટલી ફરજ પણ અદા કરતા હતા. આ તો સંસ્થાનો કરતાં પણ ઉતરતી સ્થિતિ છે. સંસ્થાનવાદના યુગમાં સંસ્થાનો સાથે રખાત જેવો વ્યવહાર કરવામાં આવતો હતો, જ્યારે બીજા વિશ્વયુદ્ધ પછી શરૂ થયેલા નવસંસ્થાનવાદી યુગમાં મહાસત્તાઓ કેટલાક દેશો સાથે કોલગર્લ જેવો વહેવાર કરે છે.

હમણાં કહ્યું એમ જે ઉપયોગ કરવા આવે છે એ શા સારુ આવે છે અને ખપ પૂરો થાય ત્યારે શા માટે જતા રહે છે એ તો આપણે જાણીએ છીએ, પણ સવાલ એ છે કે કેટલાક દેશો પોતાની ભૂમિનો અને પ્રજાનો ઉપયોગ શા માટે કરવા દે છે? બીજું જો તમે બીજા વિશ્વયુદ્ધ પછીના જગત ઉપર નજર કરશો તો ધ્યાનમાં આવશે કે સૌથી વધુ મુસ્લિમ દેશોએ પોતાની ભૂમિનો અને પોતાની પ્રજાને ઉપયોગ કરવા દીધો છે. એવું શું છે કે મુસ્લિમ દેશો મહાસત્તાઓ માટે હાથવગા છે? તપાસી જુઓ સાત દાયકાનો ઈતિહાસ અને ખાતરી કરી લો. મુસલમાનો દાવો કરે છે એમ ઇસ્લામ જો જગતનો સર્વશ્રેષ્ઠ અને સ્વયંસંપૂર્ણ ધર્મ છે તો પછી મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો હાથવગા કેમ છે? મુસલમાનો તો કહે છે કે ઇસ્લામ રાજકીય ધર્મ પણ છે; એટલે કે ભૂતકાળના, અત્યારના અને આવનારા યુગમાં મુસલમાને કેમ જીવવું જોઈએ એનું માર્ગદર્શન ઇસ્લામમાંથી મળી રહે છે. બીજા ધર્મો પરલોકનો મહિમા કરે છે અને આ લોકની બાબતમાં ઉદાસીન રહેવાનું શીખવે છે, જ્યારે ઇસ્લામ આ લોકની વાસ્તવિકતાને સ્વીકારે છે. આ લોકમાં સાબદા રહીને કેમ જીવાય એ શીખવે છે.

વળી ખુદા મુસલમાનના મુસલમાન તરીકેના સાબદાપણા ઉપર નજર પણ રાખે છે અને ગુનેગારને સજા કરે છે અને માટે તેમના અભિપ્રાય મુજબ મુસલમાને આધુનિક જગતે જે રાજ્યવ્યવસ્થા (મોડર્ન સ્ટેટ) સ્વીકારી છે એ સ્વીકારવાની જરૂર નથી. અમે જ વિશ્વગુરુ છીએ એટલે અમને કોઈએ શીખવાડવાનું ન હોય. જગતે ઇસ્લામ અને મુસલમાન પાસેથી શીખવું જોઈએ અને જો આજે નહીં શીખે તો કાલે તો માર ખાઈને શીખવું જ પડશે. જો ધર્મ શ્રેષ્ઠ અને સ્વયંસંપૂર્ણ છે અને ઇસ્લામને માનનારી પ્રજા શ્રેષ્ઠ અને સ્વયંસંપૂર્ણ ધર્મને માનતી હોવાથી સ્વાભાવિકપણે શ્રેષ્ઠ છે તો પછી જગતની મહાસત્તાઓ ઉપયોગ કેમ કરે છે? માત્ર ઉપયોગ નથી કરતી, મનફાવે ત્યારે ઉપયોગ કરે છે અને મનફાવે ત્યારે તરછોડીને જતી રહે છે? આમાં શ્રેષ્ઠત્વ ક્યાં રહ્યું?

આનો ઉત્તર શોધવો જોઈએ. મોઢું ફેરવી લેવાથી કોઈ પ્રશ્નનો અંત આવતો નથી, બલકે વકરે છે. મુસ્લિમ દેશોમાં આવું જ બની રહ્યું છે. મુસલમાનોને હમણાં કહ્યું એમ કહેવામાં આવે છે કે ઇસ્લામ જગતનો શ્રેષ્ઠ અને સ્વયંસંપૂર્ણ ધર્મ છે અને મુસલમાનો જન્નતની અધિકારી અને અલ્લાહની ખાસ માનીતી પ્રજા છે એટલે જે શીખવાનું છે એ જગતે શીખવાનું છે. મુસલમાને જગત પાસેથી કાંઈ શીખવાનું નથી. એ લોકો આજે નહીં તો કાલે ઇસ્લામના માર્ગે આવશે અને ઇસ્લામમાં કહ્યું છે એવું ખલીફાનું રાજ સ્વીકારશે. આપણો પ્રયાસ પણ એ દિશાનો છે. ખલીફાનું સાચું ઇસ્લામિક રાજ્ય સ્થાપવાનું છે; જે એક સમયે હતું. વચ્ચેના સમયમાં દૂષિત થયું અને હવે આપણે તેને પાછો આકાર આપવાનો છે. જો વિશ્વમાં આકાર પામેલું આધુનિક રાજ્ય સ્વીકારીશું તો સાચું ખલીફાનું ઇસ્લામિક રાજ્ય ક્યારેય નહીં સ્થપાય. બોલ, સાચા મુસલમાન તરીકે તને શું જોઈએ છે?

અહીં આધુનિક રાજય એટલે શું એ સંક્ષેપમાં સમજી લઈએ. આધુનિક રાજ્યમાં નાગરિક ભાગીદાર હોય છે. આધુનિક રાજ્યમાં નાગરિક અભિપ્રાય ધરાવે છે અને વ્યક્ત કરે છે. આધુનિક રાજ્ય ધર્મનિરપેક્ષ હોય છે એટલે કે તેનો કોઈ ધાર્મિક પક્ષપાત હોતો નથી. આધુનિક રાજ્યનું પોતાનું બંધારણ હોય છે. ધર્મ સાથે લેવાદેવા ન હોય એવી કાયદાપોથી હોય છે અને કાયદાનું રાજ હોય છે. આધુનિક રાજ્યમાં સ્વતંત્ર ન્યાયતંત્ર હોય છે. ટૂંકમાં આધુનિક રાજ્યમાં ધર્મ અને ધર્મના ઠેકેદારો રાજ નથી કરતા. નાગરિકે વિકસાવેલા અને અપનાવેલા રાજ્યના પ્રતિનિધિઓ રાજ કરે છે.

એ પ્રતિનિધિઓ પણ કાયદા સમક્ષ સમાન હોય છે અને જવાબ આપવા બંધાયેલા હોય છે. સંક્ષેપમાં એવું રાજ્ય, જેમાં નાગરિક ભાગીદાર હોય, નાગરિક હકદાર હોય એટલે સ્વાભાવિકપણે નાગરિકનો ડારો હોય. પણ મુસલમાનોને તો કહેવામાં આવ્યું છે કે સાચા મુસલમાને બહાર દૃષ્ટિ કરવાની નથી. કાફીરોએ એક દિવસ ઈસ્લામને શરણે આવવું જ પડશે એટલે તેમની તરફ શું જોવાનું! આપણે વિશ્વગુરુ છીએ કારણ કે આપણે મુસલમાન છીએ. આ રીતે પ્રજાને રાજ્યતંત્રમાંથી બહાર કરી નાખી. બસ, એ પછી શું જોઈએ! જે પ્રજા રાજ્યતંત્રમાં ભાગીદાર ન હોય અને હકદાર ન હોય એને પૂછે કોણ અને તેનાથી ડરે કોણ?

જગતની મહાસત્તાઓ મુસ્લિમ દેશોનો મનફાવે ત્યારે ઉપયોગ કરી શકે છે, કારણ કે ત્યાંના શાસકોને પ્રજાનો ડર નથી. તેઓ મહાસત્તાઓ સાથે સોદા કરે છે. આરબ દેશો પાસે તો મબલખ તેલ છે એટલે અબજો ડોલર્સના સોદા થાય છે. સોદામાં ધર્મના ઠેકેદારો (મૌલવીઓ વગેરે) ભાગીદાર હોય છે. તેઓ જે તે દેશોના મુસલમાનોને સમજાવે છે કે એક દિવસ કાફીરો આપણા શરણે આવવાના છે, માટે રાહ જુઓ. મુસલમાનને રાજ્યમાં ભાગીદાર બનાવવાની જગ્યાએ પ્રતીક્ષા કરતો કરી મૂક્યો છે અને પ્રતીક્ષાલયમાં બેસાડી દીધો છે. તમે તો વિશ્વગુરુ છો ભાઈ, જગતની પ્રજા એક દિવસ તમારા પગ ચૂમશે. આ રીતે મુસ્લિમ વિશ્વમાં મુસલમાન પ્રતીક્ષાલયમાં બેઠો છે, ત્યાંના શાસકો અને મૌલવીઓ વિશ્વસત્તાઓ સાથે સોદા કરે છે. અન્યથા ખોબા જેવડું ઇઝરાયેલ તેની ચારે બાજુએ આવેલા અને કદમાં તેના કરતાં વિશાળ મુસ્લિમ દેશોને હંફાવી શકે ખરું? પ્રજાને નશામાં રાખીને, પ્રતીક્ષાલયમાં બેસાડી રાખીને, તેને રાજ્યતંત્રની બહાર રાખીને સોદાઓ કરવામાં આવી રહ્યા છે એટલે મુસ્લિમ દેશો શક્તિશાળી હોવા છતાં પરાજીત છે. થોડાક અપવાદ છોડીને મોટા ભાગના મુસ્લિમ દેશો મહાસત્તાઓ માટે ઉપલબ્ધ છે.

તો આમાંથી ધડો લેવા જેવું એ છે કે રાજ્યમાં પ્રજાની ભાગીદારી હોવી જ જોઈએ. પ્રજા ભાગીદાર હશે તો શાસકોને ડર રહેશે. શાસકો ડરેલા રહેશે તો તેઓ ધરતીના અને પ્રજાના સોદા નહીં કરે. માટે સતત શાસકો ઉપર નજર રાખવી જોઈએ કે તેઓ ધર્મના કે બીજી અસ્મિતાઓના નશા કરાવીને રાજ્યમાંની આપણી ભાગીદારી ઘટાડી તો નથી રહ્યા ને? બીજો ધડો એ છે કે ક્યારેય પોતાને સર્વશ્રેષ્ઠ અને વિશ્વગુરુ સમજવા નહીં, વિશ્વવિદ્યાર્થી બનીને રહેવામાં ફાયદો છે. જે શીખે એ આગળ વધે. પ્રજાને રાજ્યમાં ભાગીદાર બનતી અટકાવવી હોય તો તેને વિશ્વગુરુ જાહેર કરી દો. એ પછી શીખવાનું કાંઈ રહેતું નથી, માત્ર પ્રતીક્ષાલયમાં બેસવાનું છે કે એક દિવસ વિશ્વની પ્રજા આપણા પગ ચૂમવા
આવવાની છે.

હવે એ તો તમે જાણો જ છો કે પ્રતીક્ષાલયમાં બેસી ગયેલો માનવી સક્રિય હોતો નથી. એ બસ મીઠાં સપનાં જોતો, રાહ જોતો બેસી રહે છે અને એ રીતે રાજ્યમાંની ભાગીદારી ગુમાવે છે. માટે જ્યારે કોઈ શાસક તેની બહુમતી પ્રજાને એમ કહે કે આપણે તો વિશ્વગુરુ છીએ ત્યારે સાવધાન થઈ જવું જોઈએ. તેમનો ઈરાદો તમને રાજ્યતંત્રમાંથી બહાર ધકેલવાનો છે કે જેથી મનમાની કરી શકાય.તો આ છે મુસ્લિમ વિશ્વનું સત્ય અને આધુનિક રાજ્યતંત્રમાં ભાગીદારી ધરાવતી પ્રજા માટે સાવધાનીનું વોર્નિંગ બોર્ડ: નજર હટી દુર્ઘટના ઘટી!
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top