Columns

ગાઝા પટ્ટીમાં રહેતાં લાખો લોકો કેમ રફાહ ક્રોસિંગ ઉપર એકઠાં થઈ રહ્યાં છે?

ઈઝરાયેલના હમાસ સાથેના યુદ્ધને સાત મહિના કરતાં વધુ સમય વીતી ગયો છે, પણ ઈઝરાયેલ યુદ્ધનો અંત લાવવા તૈયાર નથી. ઈઝરાયેલનો ઇરાદો સમગ્ર ગાઝા પટ્ટી પર કબજો જમાવ્યા પછી જ યુદ્ધવિરામ કરવાનો હોય તેવું જણાઈ રહ્યું છે. જાણકારો કહે છે કે ઈઝરાયેલની યોજના વેસ્ટ બેન્ક તેમ જ ગાઝા પટ્ટી પર કબજો જમાવીને બૃહદ્ ઈઝરાયેલની રચના કરવાની છે. આ દિશામાં આગળ વધવા તે હવે ઇજિપ્તની પશ્ચિમી સરહદે આવેલું રફાહ શહેર ખાલી કરાવવા માગે છે. ઈઝરાયેલની સેનાએ રફાહના જુદા જુદા વિસ્તારોમાં રહેતા લગભગ એક લાખ લોકોને તેમના ઘર છોડવાનો આદેશ આપ્યો છે. આ ચેતવણી આપવામાં આવી છે, કારણ કે ઈઝરાયેલ દક્ષિણ ગાઝા પર આયોજનબદ્ધ હુમલો કરવા જઇ રહ્યું છે. ઈઝરાયેલી સેના ટેક્સ્ટ મેસેજ અને સોશિયલ મિડિયા પ્લેટફોર્મ દ્વારા લોકોને રફાહ વિસ્તાર છોડી દેવાની ચેતવણી આપી રહી છે.

અમેરિકાએ ઘણી વખત કહ્યું છે કે જ્યાં સુધી રફાહમાં આશરો લઈ રહેલાં લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની યોજના બનાવવામાં ન આવે ત્યાં સુધી તે રફાહમાં ઈઝરાયેલના હુમલાને સમર્થન નહીં આપે. ઈઝરાયેલની સેનાના જણાવ્યા અનુસાર પૂર્વી રફાહમાંથી લોકોને તબક્કાવાર રીતે બહાર કાઢવામાં આવશે. જો કે રફાહમાં દસ લાખથી વધુ લોકોએ આશ્રય લીધો છે. ઘણા મહિનાઓથી ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ભારપૂર્વક કહે છે કે જ્યાં સુધી રફાહમાં મોટા પાયે ઓપરેશન હાથ ધરવામાં ન આવે ત્યાં સુધી યુદ્ધ જીતી શકાય તેમ નથી.

ઈઝરાયેલનો આરોપ છે કે રફાહમાં હમાસના હજારો લડવૈયાઓ છુપાયેલા છે અને તેઓ ત્યાંથી ઈઝરાયેલની સેના પર હુમલો કરી રહ્યા છે. ઘણા માનવાધિકાર સંગઠનોએ ઈઝરાયેલને રફાહ પર હુમલો ન કરવાની અપીલ કરી છે. માનવાધિકાર સંગઠનોએ ભય વ્યક્ત કર્યો છે કે જો ઈઝરાયેલ રફાહ પર હુમલો કરશે તો હજારો લોકોનાં મોત થઈ શકે છે. ઇઝરાયેલના વડા પ્રધાનનું કહેવું છે કે તેઓ જરૂરિયાતમંદ લોકોને સહાય પૂરી પાડવા માટે કેરેમ શાલોમ ક્રોસિંગ ખુલ્લો રાખશે.

જો ઈઝરાયેલ રફાહમાં આવું પગલું ભરશે તો અહીં આશરો લઈ લાખો રહેલાં લોકો પર તેની ભયાનક અને વિનાશક અસરો પડશે. હાલમાં ગાઝાની ૨૨ લાખની વસ્તીમાંથી અડધાથી વધુ લોકો રફાહમાં આશ્રય લઈ રહ્યાં છે. લોકો મોટી સંખ્યામાં ટેન્ટ અને અસ્થાયી આશ્રય ગૃહોમાં રહે છે. ઈઝરાયેલનું કહેવું છે કે તેણે અહીં હાજર હમાસની લશ્કરી ટુકડીને નષ્ટ કરવી પડશે, જેથી કરીને તે આ યુદ્ધના ઉદ્દેશને સંપૂર્ણપણે હાંસલ કરી શકે. ૭ મેના રોજ ઇઝરાયેલી ટેન્ક રફાહના ગાઝા વિભાગને કબજે કરવા માટે ઈજિપ્તને પાર કરીને અહીં પહોંચી ગઈ હતી. અગાઉ તેણે પૂર્વી રફાહમાંથી એક લાખ લોકોને સ્થળાંતર કરવાનું કહ્યું હતું. ઈઝરાયેલની ધમકી પછી ઇજિપ્ત સરહદે રફાહનાં લાખો લોકો ગભરાટમાં સરહદ પાર કરવા ભેગા થવા લાગ્યાં છે.

હાલમાં રફાહની વસ્તી અંદાજે ૧૪ લાખની છે. ૭ ઓક્ટોબરે હમાસના લડવૈયાઓએ ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો તે પહેલાં અહીં સ્થિતિ આવી નહોતી. તે સમય કરતાં પાંચ ગણાં વધુ લોકો અહીં રહે છે. હમાસના હુમલામાં ઈઝરાયેલનાં ૧,૨૦૦ લોકો માર્યા ગયાં હતાં અને ૨૫૦ લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. ગાઝા પટ્ટી અને ઇજિપ્ત વચ્ચે એકમાત્ર સરહદ ક્રોસિંગ રફાહમાં છે. ગાઝામાં સહાય પુરવઠો પહોંચાડવા માટે દાયકાઓથી તેનો ઉપયોગ કરવામાં આવે છે. રફાહ શહેર અંદાજે ૬૦ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે, જે લગભગ ન્યુયોર્કના મેનહટન શહેરની બરાબરનો વિસ્તાર છે.

ઈઝરાયેલ-હમાસ વચ્ચેના યુદ્ધ પહેલાં દરરોજ સેંકડો ટ્રકો ગાઝામાં પ્રવેશવા માટે આ પટ્ટીનો ઉપયોગ કરતી હતી. અગાઉ સરહદની નીચે ડઝનબંધ ટનલો હતી, જેના દ્વારા દાણચોરી થતી હતી. તેને નાકાબંધી કરીને બંધ કરવામાં આવી હતી, જેથી સહાય સામગ્રી ગાઝા સુધી પહોંચી ન શકે. તેથી રફાહ વેપાર માટે મહત્ત્વપૂર્ણ સ્થાન બની ગયું હતું. ઈઝરાયેલી સેનાનું કહેવું છે કે તેણે મે મહિનામાં રફાહ ક્રોસિંગ પર કબજો કર્યો હતો.

રફાહ ક્રોસિંગ એ ગાઝા પટ્ટીની દક્ષિણમાં સ્થિત એક સરહદ ક્રોસિંગ છે. તે ગાઝા પટ્ટીને ઇજિપ્તના સિનાઇ રણ સાથે જોડે છે. આ ઉપરાંત ગાઝા પટ્ટીમાં ઇરેઝ અને કેરેમ શાલોમ નામના અન્ય બે સરહદ ક્રોસિંગ છે. તેમાંથી ઇરેઝ ક્રોસિંગ ઉત્તર ગાઝાને ઇઝરાયેલ સાથે જોડે છે. કેરેમ શાલોમ ઇઝરાયેલ અને ગાઝા વચ્ચેનું ક્રોસિંગ પણ છે, પરંતુ તેનો ઉપયોગ માત્ર વ્યાપારી પ્રવૃત્તિઓ માટે જ થાય છે. હાલમાં આ બંને બોર્ડર ક્રોસિંગ બંધ છે, માટે રફાહનું મહત્ત્વ વધી ગયું છે. આવી સ્થિતિમાં સામાન્ય પેલેસ્ટાઈનીઓ માટે ગાઝા પટ્ટીમાંથી બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો રફાહ ક્રોસિંગ બની ગયો છે. ગાઝા પટ્ટીને માનવતાવાદી સહાય પૂરી પાડવાનો પ્રયાસ કરતી આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પણ આ ક્રોસિંગ દ્વારા ગાઝાની અંદર તેમની ટ્રકો લઈ જઈ શકે છે.

રફાહ ગાઝાના સૌથી જૂનાં ઐતિહાસિક શહેરોમાંનું એક છે. તે ફારુન, આશ્શૂરીઓ, ગ્રીક અને રોમનોએ જીતી લીધું હતું. જ્યારે ઇઝરાયેલ દેશ જાહેર કરવામાં આવ્યો ત્યારે તે ૧૯૧૭ થી ૧૯૪૮ સુધી બ્રિટિશ કબજા હેઠળ રહ્યું હતું. ત્યાર બાદ આરબ યુદ્ધ થયું હતું. જ્યારે લડાઈ સમાપ્ત થઈ ત્યારે ગાઝા પટ્ટીના બાકીના ભાગ સાથે રફાહ ઇજિપ્તના નિયંત્રણ હેઠળ આવી ગયું હતું.  ૧૯૬૭ના યુદ્ધમાં ઈઝરાયેલે રફાહ શહેર પર નિયંત્રણ મેળવ્યું હતું, કારણ કે તેણે ગાઝા અને ઇજિપ્તના સિનાઇ દ્વીપકલ્પ બંને પર કબજો કર્યો હતો.

આ સાથે તેણે વેસ્ટ બેન્ક, ગોલાન હાઇટ્સ અને પૂર્વ જેરુસલેમ પર નિયંત્રણ મેળવી લીધું હતું. ૧૯૭૯ માં ઇજિપ્ત અને ઈઝરાયેલ વચ્ચે શાંતિ કરાર થયો હતો. આ અંતર્ગત સિનાઈ ઈજિપ્તને પરત કરવામાં આવ્યું હતું. રફાહને વિભાજિત કરવામાં આવ્યું હતું. તેનો કેટલોક ભાગ ઇજિપ્તમાં રહ્યો હતો તો કેટલોક ભાગ ઈઝરાયેલના કબજા હેઠળના ગાઝામાં રહ્યો હતો. તેમની વચ્ચે કાંટાળા તારની સરહદ દોરવામાં આવી હતી. તે વાડ બંને બાજુનાં પરિવારોને અલગ કરીને રફાહ શહેરની મધ્યમાંથી પસાર થઈ હતી. ગાઝા પટ્ટીના અન્ય ઘણા ભાગોની જેમ રફાહ શહેર પણ જેઓ ૧૯૪૮ના યુદ્ધ દરમિયાન ભાગી ગયા હતા અથવા જેમને ભાગવાની ફરજ પડી હતી તેવાં હજારો પેલેસ્ટિનિયન શરણાર્થીઓનું ઘર બની ગયું છે.

ઈઝરાયેલ પર હમાસના હુમલા બાદ રફાહ ક્રોસિંગ સાથે જોડાયેલા સમાચારોમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા તીવ્ર બોમ્બમારા બાદ રફાહ ક્રોસિંગ બંધ થઈ ગયું છે. આ હુમલામાં ઈજિપ્ત અને પેલેસ્ટાઈન બંને તરફ હાજર લોકો ઘાયલ થયાં હતાં. ૧૨ ઓક્ટોબરે ઇજિપ્તની સરકારે ઈઝરાયેલને રફાહ ક્રોસિંગ નજીક બોમ્બમારો બંધ કરવા કહ્યું હતું જેથી ગાઝામાં લોકોને રાહત મળી શકે.

તેની સાથે ઇજિપ્તે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તેના કર્મચારીઓની સુરક્ષાની ખાતરી ન મળે ત્યાં સુધી તે આ ક્રોસિંગને ખોલશે નહીં. પશ્ચિમી દેશો એ પણ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે રફાહ ક્રોસિંગ ગાઝામાં વિદેશી પાસપોર્ટધારકો તેમજ માનવતાવાદી સહાય માટે સલામત માર્ગ બને. બ્રિટિશ વિદેશ સચિવ જેમ્સ ક્લેવરલી અને યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટની બ્લિંકને કહ્યું છે કે તેઓ ક્રોસિંગ ખોલવા માટે ઇઝરાયેલ અને ઇજિપ્ત તેમ જ આ ક્ષેત્રમાં અગ્રણી રાજકીય નેતાઓ સાથે કામ કરી રહ્યા છે.

ગયા અઠવાડિયે અમેરિકાના વિદેશ ખાતાના પ્રવક્તાએ કહ્યું હતું કે તેનાં નાગરિકોને રફાહ ક્રોસિંગ તરફ આગળ વધવા માટે કહેવામાં આવી રહ્યું છે, કારણ કે જો આ ક્રોસિંગ ખુલશે તો તે ખૂબ જ મર્યાદિત સમય માટે ખુલ્લું રહેશે અને ત્યાં પહોંચવામાં ખૂબ જ ઓછો સમય હશે. આ અફવાઓને કારણે ગાઝામાં રહેતાં લાખો લોકો ક્રોસિંગ ખૂલવાની આશામાં રફાહ ક્રોસિંગ તરફ આગળ વધી રહ્યાં છે.

Most Popular

To Top