કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ આજે તા. 2 એપ્રિલને બુધવારે લોકસભામાં વકફ સંશોધન બિલ રજૂ કર્યું. બિલ પર ચર્ચા શરૂ કરતા કિરેન રિજિજુએ કહ્યું, ઓનલાઇન, મેમોરેન્ડમ, વિનંતીઓ અને સૂચનોના રૂપમાં કુલ 97,27,772 અરજીઓ પ્રાપ્ત થઈ છે. સમિતિ સમક્ષ 284 પ્રતિનિધિમંડળોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા અને સૂચનો આપ્યા.
સરકારે તે બધાનો કાળજીપૂર્વક વિચાર કર્યો છે પછી ભલે તે JPC (સંયુક્ત સંસદીય સમિતિ) દ્વારા હોય કે સીધા જ આપવામાં આવેલા મેમોરેન્ડા દ્વારા. ઇતિહાસમાં પહેલાં ક્યારેય કોઈ બિલને આટલી મોટી સંખ્યામાં અરજીઓ મળી નથી.
વકફ મિલકત પર બોલતા રિજિજુએ કહ્યું, જો વકફ બોર્ડ પાસે લાખો એકર જમીન અને લાખો કરોડની મિલકત છે, તો તેનો ઉપયોગ દેશના ગરીબ મુસ્લિમો માટે કેમ નથી થઈ રહ્યો? રિજિજુએ કહ્યું કે રેલ્વે અને સેનાની જમીન જાહેર સંપત્તિ છે, જેનો ઉપયોગ દેશ માટે થાય છે. એ કોઈની અંગત મિલકત નથી.
તમને જણાવી દઈએ કે વક્ફ બોર્ડ પાસે રેલ્વે અને સેના પછી દેશમાં ત્રીજી સૌથી મોટી મિલકત છે. આજે વક્ફ બોર્ડ દેશભરમાં લગભગ 8 લાખ 70 હજાર મિલકતોનું નિયંત્રણ કરે છે. આ મિલકતો લગભગ 9 લાખ 40 હજાર એકર જમીનમાં ફેલાયેલી છે. જેની અંદાજિત કિંમત 1 લાખ 20 હજાર કરોડ રૂપિયા છે. વિશ્વમાં સૌથી વધુ વકફ મિલકતો ભારતમાં છે.
તો પછી આપણા દેશના મુસ્લિમો ગરીબ કેમ છે?
કિરેન રિજિજુએ કહ્યું કે ભારતીય રેલ્વે પાસે ભારતમાં સૌથી વધુ જમીન છે. આ પછી સંરક્ષણ આવે છે અને ત્રીજા સ્થાને વક્ફ બોર્ડ આવે છે. હું તેને સુધારવા માંગુ છું. રેલ્વેએ હજારો કિલોમીટર સુધી પાટા પાથર્યા છે. તે રેલવેની મિલકત નથી. તે દેશની મિલકત છે. સંરક્ષણ દેશનું રક્ષણ કરે છે, તેની મિલકત દેશની છે. તેમની જમીન દેશની છે.
વકફ મિલકત ખાનગી મિલકત છે. વિશ્વમાં સૌથી વધુ વકફ મિલકતો ભારતમાં છે. આવું કેમ છે? તમે 60 વર્ષથી સત્તામાં છો. વકફ પાસે દુનિયાની સૌથી મોટી મિલકત છે, તો પછી આપણા દેશના મુસ્લિમો ગરીબ કેમ છે? મુસ્લિમોના કલ્યાણ માટે કોઈ કામ કેમ ન થયું?
