Comments

ભારતનાં બુદ્ધિશાળી લોકોને અમેરિકાનું આકર્ષણ કેમ છે?

આ શીર્ષક કદાચ સંસ્કૃતિપ્રેમીઓને ગુસ્સે કરે તેવું છે. જ્યારે ભારત વિશ્વગુરુ થવા જઈ રહ્યું છે ત્યારે પરદેશનાં– અને તે પણ ભોગવાદી દેશ અમેરિકાનાં—વખાણ કરવાં એ તો ગુનો ગણી શકાય.પણ એ આક્ષેપ સહન કરીને પણ આ મુદ્દો ચર્ચવાની ઈચ્છા છે.
શા માટે આ મુદ્દો ચર્ચવો છે?
આમ તો આપણા દેશમાં છ ઋતુઓ છે. પણ આપણા દેશમાં એક સાતમી ઋતુ પણ છે. એ પણ કાયમી અને સદીઓથી છે. તેનું નામ છે “ઉતારી પાડવાની ઋતુ.” રામાયણ- મહાભારતથી આ ઋતુ ચાલી આવે છે. રામ, કર્ણથી લઈ મહાત્મા ગાંધી અને આજે અમર્ત્ય સેન સુધી આ ઋતુ કામ કરી રહી છે.

તેમાં પણ જ્યારથી સોશ્યલ મિડિયા આવ્યું છે ત્યાર પછી તો આ ઋતુ વસંત ઋતુ કરતાં વધારે ખીલી નીકળી છે. વસંત તો વર્ષમાં એક વાર આવે છે. આ ઋતુ તો બારે માસ ખીલેલી રહે છે. એવું નથી કે બીજા દેશોમાં આ ઋતુ નથી, પણ આપણે ત્યાં જે ખીલે છે, તેવી કદાચ બીજે નથી ખીલતી. આને ટીકા ન માનવી. આ એક તથ્ય છે. છાપાં, ટી.વી., સોશ્યલ મિડિયા જોઈ લેવાં. એટલે જ ભારતનાં પ્રતિભાશાળી લોકો પરદેશ ચાલ્યાં જાય છે. તેમાં પણ ખાસ કરીને અમેરિકા જાય છે.

પણ શા માટે જાય છે તે ચર્ચવું છે. એવું નથી કે અમેરિકામાં સત્યયુગ ચાલે છે. ત્યાં પણ અનેક મર્યાદાઓ છે. પણ ત્યાં મોટી બાબત એ છે કે બુદ્ધિશાળીઓ અને પ્રામાણિકતાથી કામ કરનારાઓની કદર છે. ત્યાં આપણા દેશ જેમ નાત- જાત કે ધર્મ જોવાતાં નથી અને તેના આધારે વ્યક્તિનું મૂલ્યાંકન નથી થતું — જે આપણે ત્યાં થાય છે, ત્યાં માત્ર કૌશલ્યનું જ સન્માન છે અને કદાચ ત્યાં કોઈ વિદેશી વ્યક્તિ કોઈ સંદર્ભમાં વિવાદમાં આવી જાય તોપણ તેની કાર્યક્ષમતાને આધારે જ મૂલવાય છે.

એક દૃષ્ટાંતને આધારે સમજીએ. હમણાં એક સુંદર પુસ્તક પ્રકાશિત થયું છે. તેનું નામ છે ‘સ્મૃતિસંપદા.’ તેમાં અમેરિકાનિવાસી ભારતીયોની જીવનગાથા વર્ણવતાં લેખો છે. એકેએક પ્રકરણ વાંચવા જેવાં છે. તેની ચર્ચા કયારેક કરીશું. અત્યારે તો એમાંથી એક આ સંદર્ભમાં વાત કરીએ. એમાં એક લેખ છે કવિ નટવર ગાંધીનો. તે અમેરિકામાં બહુ મોટા હોદ્દાઓ પર રહી ચૂક્યા છે. સાથે સાહિત્યકાર પણ છે. અત્યારે તો જીવનસંધ્યા માણે છે. પણ તેમનો લેખ ટકોરાબંધ લેખ છે. અમેરિકાને સમજવામાં ભારે મદદ કરે છે.

તે ત્યાં વૉશિંગ્ટનમાં ‘ચીફ ફાઇનાન્શિયલ ઑફિસર’ હતા. તે દરમિયાન તેમની ઓફિસમાંથી કેટલાંક લોકોએ પચાસ મિલિયન ડૉલરનું કૌભાંડ કર્યું હતું. (હાશ ! ત્યાં પણ આવાં જ લોકો છે! આવ્યો ને આ વિચાર?) નટવર ગાંધી જોડાયા પછી તેમણે ઓફિસને ખૂબ સુધારી નાખી હતી અને દેવાળામાંથી કાઢી ઉત્તમ કામગીરી કરતી બનાવી હતી. છતાં સ્ટાફનાં કેટલાંક લોકોએ આ કામ કર્યું. પણ અંતે તેઓનું કૌભાંડ ખુલ્લું પડ્યું. હાહાકાર મચી ગયો. સ્વાભાવિક રીતે ગાંધી જ જવાબદાર મનાયા. પ્રેસ કૉન્ફરન્સમાં તેમના પર માછલાં ધોવાયાં.

તે હોળીનું નાળિયેર બની ગયા. તેમનો જાહેરમાં હુરિયો બોલાયો. તે પોતે જ લખે છે કે, ‘અમેરિકામાં છાપાવાળા જ્યારે કોઈની પાછળ પડે છે ત્યારે એનાં છોતરાં જડમૂળથી કાઢી નાખે. ભલભલાને જોતજોતામાં ભોંયભેગા કરી નાખે.” તેમની બદનામીના સમાચારો મહિનાઓ સુધી આવતા રહ્યા. આપણો દેશ હોત તો બીજા દિવસે જ કાઢી મૂકયા હોત. જાતભાતના દરોડા પડ્યા હોત. જેલભેગા કરી નાખ્યા હોત. તેમનું ચારિત્ર્યહનન કરી નાખ્યું હોત. તો નટરવર ગાંધીની શું એવી જ હાલત થઈ?

અહીં જ અમેરિકાની ખૂબી આવે છે. આવડું મોટું કૌભાંડ થયા પછી પણ તેમને બીજાં સાત વર્ષ સુધી આ પદે ચાલુ રાખવામાં આવ્યા! તેમની મુદત પૂરી થયા પછી પણ બે વાર તેમને ફરી નિમણૂક અપાઈ. છૂટા થયા પછી પણ મેયરે તેમને એક વર્ષ જવા ન દીધા. તેમના વિશે ઓપિનિયન પોલ લેવાયો, ત્યારે બેંતાલીસ ટકા લોકોએ કહ્યું કે વોશિંગ્ટનને ગાંધીની જરૂર છે. ગાંધીએ જવાબદારી સ્વીકારી રાજીનામું આપવાની સામેથી તૈયારી બતાવી, પણ મેયરે ન જ છોડ્યા. જેમને તપાસ કરવાનું સોંપાયું તેમણે પણ કહ્યું કે ગાંધીની ઓફિસના નીચેના માણસોએ ચોરી કરી છે, ગાંધીએ નહીં. મેયર, કોંગ્રેસમેન, બિઝનેસનાં લોકો, સિટી કાઉન્સિલ—બધાએ તેમને જ ટેકો આપ્યો.

તે કેમ બચી શક્યા? તેમના જ શબ્દોમાં જોઈએ
“વોશિંગ્ટનના રાજ્યકર્તાઓ ટેક્સ ઓફિસને સુધારવાના મારા પ્રામાણિક પ્રયત્નો જોઈ શક્યા હતા. એ પ્રયત્નો દ્વારા જે ધરખમ સુધારા થયા હતા તે પણ સ્પષ્ટ હતા. એટલે જ મારા રાજીનામાનો સ્વીકાર ન થયો, એટલું જ નહીં, બીજાં સાત વર્ષ મને એ જ હોદા્ પર કામ કરવાની તક મળી.”

આમ કેમ શકય બન્યું ? તે માટે તે અમેરિકાની સિસ્ટમ સમજાવે છે. એ કહે છે કે આજે પણ અમેરિકામાં કાળા-ગોરાના ભેદ જબરા છે. રંગભેદ આજે પણ ચાલુ છે. પણ, તે લખે છે, “એ બધા રંગભેદ અને ડિસ્ક્રિમિનેશન (ભેદભાવ) વચ્ચે પણ અમેરિકનોમાં પારકી પ્રજાને સ્વીકારવાની અને પોતાના કરવાની અદ્ભુત ઉદારતા છે. એટલું જ નહીં, પણ એ ઇમિગ્રન્ટ પ્રજાને પોતાની રીતે જીવવાની, પોતાનો વિકાસ કરવાની તક અમેરિકા આપે છે. આ ઉદારતાને કારણે જ આખી દુનિયાનાં લોકો અમેરિકા આવવા તલપાપડ થાય છે.”

તો આપણા દેશમાં રહ્યા હોત તો આવી પ્રગતિ કરી શકત? તેનો જવાબ પણ તે જ આપે છે : “હું તો ત્યાં સુધી કહીશ કે હું જે વ્યક્તિગત પ્રગતિ અમેરિકામાં કરી શક્યો તે બીજે ક્યાંય કરી શકત નહીં અને આપણા દેશમાં તો નહીં જ. મને ઘણાં મિત્રો કહે છે કે હું દેશમાં રહ્યો હોત તો આનાથી વધારે પ્રગતિ કરી શક્યો હોત. મારે ધીરજ રાખવાની જરૂર હતી. બધા કહે છે કે જે દેશે મારું પચ્ચીસ વર્ષ સુધી જતન કર્યું તેને મેં શું છોડ્યો નહીં? એમાં મારી કૃતજ્ઞતા નથી? પણ મારી દલીલ છે કે મેં દેશ છોડ્યો કે મને દેશમાંથી ધકેલવામાં આવ્યો? એક સામાન્ય કલાર્કની નોકરી મેળવવામાં કે દૂરના પરામાં એક નાનકડી ઓરડી લેવામાં મને એટલી મુશ્કેલી પડી હતી કે હું મુંબઈ છોડવા તૈયાર થઈ ગયો હતો.’                          

અને અમેરિકામાં તેમની કેવી કદર થઈ? આવડા મોટા કૌભાંડ પછી પણ તેમને સાત વર્ષ ચાલુ રાખ્યા. જે દિવસે તેમને મિડિયાએ છોલી નાખ્યા, તે જ સાંજે તેમને ‘પબ્લિક ઓફિશિયલ ઓફ ધ યરનો એવૉર્ડ મળ્યો. આ લોકોએ છાપાની જરા પણ પરવા ન કરી. નિવૃત્ત થયા પછી અમેરિકાની યુનિવર્સિટીએ તેમની શરતો સ્વીકારી પ્રાધ્યાપક તરીકે નીમ્યા. વિશ્વ બેંકે તેમને સલાહકાર બનાવ્યા. અનેક સંસ્થાઓએ તેમને બોર્ડ મેમ્બર બનાવ્યા. વૉશિંગ્ટનની પ્રખ્યાત મેટ્રોપોલિટન ક્લબના સભ્ય બનાવ્યા, જ્યાં પ્રમુખ જેવી વ્યક્તિઓ સભ્ય હોય છે. આજે તેમના એક્યાસી વર્ષે પણ અમેરિકાની અનેક સંસ્થાઓ તેમનો લાભ લે છે. આપણો દેશ હોત તો તેમનું ભયંકર ચારિત્ર્યહનન કરી નાખ્યું હોત અને કદાચ તે જેલમાં હોત અને કૌભાંડ કરનારા કદાચ ઊંચા હોદ્દા પર હોત!

હવે સમજાશે કે ભારતનાં બુદ્ધિશાળી લોકો આજે પણ – જ્યારે ભારત સરસ વિકાસ કરે છે અને અહીં પણ તકો મળે છે ત્યારે, તે છતાં-અમેરિકા જવાનું કેમ પસંદ કરે છે. આપણા દેશની એક મુખ્ય ખાસિયત છે પૂર્વગ્રહ! હજારો ખ્યાલોના આધારે વ્યક્તિનું મૂલ્યાંકન કરાય છે. કયારે પણ માત્ર તેની કુશળતાને જ નથી જોવાતી. પોતે ભલે ગમે તેવા ભ્રષ્ટાચારી હોય, પણ બીજા તો શુદ્ધ અને પવિત્ર જ હોવા જોઈએ એ વહીવટ અને રાજકીય માન્યતાઓ બુદ્ધિશાળીઓને હેરાન કરે છે.

આપણે ત્યાં કયારે પણ કૌશલ્ય, નિષ્ણાતપણાને કે મેરિટને માન નથી અપાતું. માત્ર લાગવગને, પૈસાને અને અંગત સંબંધોને જ માન અપાય છે. અમેરિકામાં માત્ર ને માત્ર મેરિટને જ માન અપાય છે. માત્ર માન જ નથી અપાતું, તેની કદર થાય છે અને તેનો મહત્તમ લાભ લેવાય છે. તો પછી શા માટે બુદ્ધિશાળીઓ ત્યાં ન જાય? વિદેશમાં વસતાં ભારતીયોને નૈતિક ઉપદેશ આપવા બદલે ઉપદેશ આપનારાઓએ પોતે દંભ છોડી સુધરવાની જરૂર છે. એટલે જ ઈસુ કહે છે, “પહેલો પથ્થર તે ફેંકે જેણે પાપ ન કર્યું એકે.”
હરેશ ધોળકિયા
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top