Comments

કેમ ભારતમાં પાંચમાંથી ચાર પબ્લિક હેલ્થસેન્ટર અપૂરતાં અથવા કથળેલાં ધારાધોરણવાળી છે?

તાજેતરમાં ભારતની આરોગ્ય સેવાઓ બાબતે એક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. આ અહેવાલનું તારણ ભારતમાં આરોગ્ય સેવાઓ કેવી કંગાળ સ્થિતિમાં છે તે દર્શાવે છે. ભારતમાં યોગ્ય તે ડિગ્રી ધરાવતાં તબીબી શિક્ષકોની મોટી ખોટ તો છે જ, એ ઉપરાંત રાજ્ય જાહેર સેવાઓના માળખામાં પણ તબીબોની મોટી ઊણપને કારણે એલોપથી ડૉક્ટરોની જગ્યાઓ ખાલી રહે છે એટલું જ નહીં પણ શહેરોથી દૂર એવા ગ્રામ્ય વિસ્તારોમાં જવા માટે એમબીબીએસ, એમ.ડી, એમ.એસ. જેવી શૈક્ષણિક લાયકાતો ધરાવતા ડૉક્ટરો તૈયાર નથી એટલું જ નહીં પણ બૉન્ડની મુદત પૂરતા સેવા આપવાને બદલે દંડની રકમ ભરી મોટા ભાગે આ ફરજિયાત સેવા આપવામાંથી મુક્તિ લઈ લે છે. જેઓ બૉન્ડ ભરી આપી તાત્કાલિક અસરથી છૂટા થવા માગતા નથી તેઓમાંથી મોટી સંખ્યા બૉન્ડની મુદત પૂરી થયે નોકરીમાંથી રાજીનામું આપી દે છે, જેને કારણે એ જગ્યાઓ પણ ખાલી પડે છે.

ભારત સરકારનું સેલ્ફ અસેસમેન્ટ કહે છે કે, ભારતીય તબીબી સેવાનું માળખું કટોકટીભરી સ્થિતિમાં છે. પાંચમાંથી ચાર પબ્લિક હેલ્થસેન્ટર સામાન્ય ધારાધોરણથી નીચે છે એવું આ અહેવાલનું તારણ છે. દેશની મોટા ભાગની તબીબી સેવાઓ સરકારે નિર્ધારિત કરેલાં જરૂરી ધારાધોરણો કરતાં નીચી ગુણવત્તા ધરાવે છે. દેશમાં લગભગ બે લાખ જેટલી આરોગ્ય સેવાઓને આવરી લેતાં આ તારણો છે, જે મુજબ જિલ્લા કક્ષાની હૉસ્પિટલ, પેટા જિલ્લા હૉસ્પિટલ, કૉમ્યુનિટી હેલ્થ સેન્ટર્સ, પ્રાઇમરી હેલ્થ સેન્ટર તેમજ આયુષ્યમાન આરોગ્ય મંદિરોનો સમાવેશ થાય છે.

ઇન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડડર્સ (IPHS) ડેશબોર્ડમાં દર્શાવ્યા મુજબ અંદાજે ૨૦ ટકા જેટલી નિર્ધારિત ચકાસાયેલ સેવાઓ ૮૦ ટકા અથવા એથી ઊંચો સ્કોર પામી શકે છે અને બીજી રીતે કહેવું હોય તો એમ કહી શકાય કે, દેશની ૮૦ ટકા જેટલી આરોગ્ય સેવાઓ નિર્ધારિત ધારાધોરણો કરતાં ઘણી નીચી ગુણવત્તા ધરાવે છે. આનો અર્થ એ થાય કે પાયાની આરોગ્ય સેવાઓ લગભગ આખા દેશમાં નિર્ધારિત સ્તર કરતાં ઘણી નીચી છે.

આ અહેવાલ માટે કરવામાં આવેલી ચકાસણી દરમિયાન સામાન્ય એવા કિસ્સાઓમાં પણ મોટા પડકારોનો સામનો કરવાની પરિસ્થિતિ છે. દા.ત. જે સવલતોનું પરીક્ષણ કરવામાં આવ્યું તેનાથી ૪૨ ટકા (૧૭૧૯૦ સેવાઓ) ૫૦ ટકા કરતાં નીચે હોવાનું જણાવ્યું છે, જે પરથી ભારતમાં ઉપલબ્ધ આરોગ્ય સેવાઓની પ્રાપ્તિની ગુણવત્તા કેટલી નીચી છે, તેનો ખ્યાલ આવી શકશે. ૫૦ ટકાથી ૮૦ ટકા વચ્ચે આવતી હોય એવી ૧૫૧૭૨ સેવાઓમાં પણ વિવિધ સ્તરે એક યા બીજી સેવાની ગેરહાજરી અથવા સેવા અપૂરતી હોય, જે સામે કુલ ૨,૦૦,૯૮૮ સેવાઓમાંથી માત્ર ૪ ટકા એટલે કે ૮,૦૮૯ સેવાઓ જ ૮૦ ટકા કરતાં વધુ પૂર્તતા કરતી હોય તે પ્રકારની સ્થિતિમાં છે.

ઉપરોક્ત સરવેની વિગતો આંખો ખોલી નાખે તેવી છે. ૯૬ ટકા જેટલી સેવાઓ એક યા બીજી ક્ષતિ ધરાવે છે, જે દેશમાં પ્રવર્તતી આરોગ્ય સેવાઓના સ્તરની ગુણવત્તાની બાબતમાં ઘણું નીચું સ્તર પ્રવર્તતું હોવાનું પ્રતિપાદિત કરે છે અને આ અહેવાલના પાયાના તારણ મુજબ પાંચમાંથી ચાર પબ્લિક હેલ્થ સેન્ટર ભારતીય હેલ્થ કેર સિસ્ટમમાં અપૂરતી ગુણવત્તા ધરાવે છે. આ માટે વધતી જતી આરોગ્ય સેવાઓની જરૂરિયાત સામે રાજ્ય તેમજ કેન્દ્રીય સ્તરે ફાળવવામાં આવતું અપૂરતું બજેટ તેમજ એલોપથી વિદ્યાશાખામાં અપૂરતી સીટ હોવાનું કારણ ગણી શકાય.

ભારત સરકારની મિનીસ્ટ્રી ઑફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફે૨ દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર દેશની કુલ ૬૮૧ મેડિકલ કૉલેજમાં ૧,૦૪,૩૩૩ સીટ ઉપલબ્ધ છે, જેમાં સૌથી વધુ સીટ ધરાવતાં રાજ્યો જોઈએ તો તામિલનાડુ (૧૧૨૫૫), કર્ણાટક (૧૦૧૪૫), મહારાષ્ટ્ર (૯૮૯૫) અને ઉત્તર પ્રદેશ (૯૦૫૩)નો સમાવેશ થાય. ગુજરાતમાં ૩૭૦૦ સરકારી અને ૨૦૦૦ ખાનગી કોલેજની સીટ મળીને ૫૭૦૦ મેડિકલ સીટ છે.

ભવિષ્યમાં આ દિશામાં ભારત સરકાર શું કરવા માગે છે તેની વિગતોમાં ઊંડા ઊતરીએ તો ૭૦,૦૦૦ જેટલી હેલ્થ ઇન્સ્ટીટયૂશન ઇન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડડર્સ (IPHS) મુજબની થાય તેવું નવી સરકાર જૂન ૨૦૨૫માં આવી તેના પહેલા ૧૦૦ દિવસમાં પ્રસ્થાપિત કરવાનું લક્ષ્યાંક રાખ્યું હતું. વાસ્તવિકતા આનાથી ક્યાંય પાછળ છે. ભારત સરકાર આ ઉપરાંત આવી સંસ્થાઓનું નેશનલ પોલીસી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ મુજબ આકસ્મિક ઇન્સ્પેક્શન કરી આરોગ્ય સેવાઓનું આકસ્મિક ગુણવત્તા નિયંત્રણ પરીક્ષણ કરવા ધારે છે. જો કે આવું ઇન્સ્પેક્શન થઈ શકે તે માટે જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતો સ્ટાફ પૂરતી સંખ્યામાં છે કે નહીં તે મોટો પ્રશ્ન છે.

સ૨કા૨ નેશનલ હેલ્થ મિશન હેઠળ પબ્લિક હેલ્થ સેવાઓ માટે જરૂરી ૬૦ ટકા રકમ આપશે, જ્યારે બાકીની ૪૦ ટકા રાજ્યોએ વેઠવાની રહેશે, જે મોટા ભાગનાં રાજ્યો વેઠી શકે તેમ નથી. આમ, જ્યારે ખૂબ મોટી સંખ્યામાં આ દેશની વસતી (લગભગ ૮૦ ટકા) ગરીબીની રેખાની આજુબાજુ જીવે છે તે સંયોગોમાં જાહેર આરોગ્ય સેવાઓ માટે આવાં પાંખા નાણાંકીય સાધનો અને કેળવાયેલ સ્ટાફનો અભાવ હોય ત્યાં શું થઈ શકે?

બીજા એક અભ્યાસ મુજબ આટલી બધી સેવાઓ અંગે ભારત સરકાર વાત કરે છે તો પણ રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને ભેગાં થઈને માંદગી સમયે થતાં કુલ ખર્ચમાંથી માત્ર ૪૦ ટકા વેઠે છે, જ્યારે દવાઓ સમેત ૬૦ ટકા જેટલો ખર્ચો માણસે પોતાના ગજવામાંથી વેઠવાનો હોય છે. આનો સીધો અર્થ એ થાય કે ભારતમાં જાહેર ક્ષેત્રીય આરોગ્ય સેવાઓએ ઘણી મોટી સંખ્યામાં ક્ષતિઓ પૂરી કરવાની છે, જ્યારે તે સામે કહેવાતી ઉચ્ચ સવલતો ધરાવતી ખાનગી આરોગ્ય સેવાઓ ખૂબ મોંઘી પડે છે એટલે સામાન્ય માણસને પરવડતી નથી.
ડૉ.જયનારાયણ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top