કોઈ વહાણ ડૂબવાનું હોય તે પહેલાં ઉંદરડા તેમાંથી કૂદી પડતા હોય છે. કોંગ્રેસની પણ હાલત તેવી જ છે. લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસની જીતનું સમીકરણ બગડતું જોવા મળી રહ્યું છે. તાજેતરમાં જ મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અશોક ચવ્હાણ ભાજપમાં જોડાયા હતા, ત્યાર બાદ હવે મધ્યપ્રદેશના પૂર્વ સીએમ કમલનાથ વિશે એવી અટકળો ચાલી રહી છે કે તેઓ પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ શકે છે. કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રીઓએ એક પછી એક ટેકો છોડી દેતાં કોંગ્રેસનું ચૂંટણી જીતવાનું સપનું ચકનાચૂર થતું જોવા મળી રહ્યું છે.
કમલનાથ કોંગ્રેસ છોડવા આતુર છે પરંતુ તેઓ માત્ર તેમના લોકસભા સાંસદ પુત્ર નકુલ નાથને જ ભાજપમાં મોકલી શકશે. કમલનાથ તેમના વિશ્વાસુઓ અને ઓછામાં ઓછા એક ડઝન ધારાસભ્યો સાથે દિલ્હીમાં રોકાયા છે અને તેમના ભવિષ્ય માટે યોજના તૈયાર કરી રહ્યા છે. આમાંથી ઓછામાં ઓછા ત્રણ ધારાસભ્યો છિંદવાડાના છે જ્યારે બાકીના અલગ અલગ જગ્યાએથી છે. તેઓ કમલનાથનું આગળનું પગલું શું હશે તે અંગે તેમના મૌન તોડવાની રાહ જોઈ રહ્યા છે. આ તમામ નિવેદનો છતાં કોંગ્રેસના નેતાઓ કમલનાથના નજીકનાં લોકોને મનાવવામાં વ્યસ્ત છે.
કોંગ્રેસનું એક પ્રતિનિધિમંડળ પણ વાતચીત માટે ભોપાલથી છિંદવાડા ગયું છે. હાલમાં છિંદવાડા જિલ્લામાંથી છ ધારાસભ્યો એવા છે જે કમલનાથના નજીકના સમર્થક છે. આ સિવાય ઓછામાં ઓછા નવ વધુ ધારાસભ્યો કમલનાથના સમર્થક છે, જેઓ જબલપુર અને ગ્વાલિયરના છે. આ સિવાય કોંગ્રેસ પાર્ટીનો હોદ્દો ધરાવતા અન્ય નેતાઓ ઉપરાંત વર્ષ ૨૦૨૨માં ચૂંટાયેલા પાંચ મેયરો પણ તેમના સમર્થક છે.
નવ વખતના લોકસભાના સાંસદ રહેલા કમલનાથનો જન્મ ૧૯૪૬માં કાનપુરમાં એક વેપારી પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ મહેન્દ્ર નાથ જ્યારે માતાનું નામ લીલા નાથ છે. તેમના પિતા એક મોટા ઉદ્યોગપતિ હતા, જેમણે ફિલ્મોના પ્રદર્શન અને વિતરણ, પ્રકાશન, બિઝનેસ પાવર ટ્રાન્સમિશન સંબંધિત કંપનીઓની સ્થાપના કરી હતી. કમલનાથે તેમનો પ્રારંભિક અભ્યાસ દેહરાદૂનની પ્રતિષ્ઠિત દૂન સ્કૂલમાં કર્યો હતો. તેઓ દૂન સ્કૂલમાં સંજય ગાંધીના સહાધ્યાયી હતા. કમલનાથે ૧૯૬૮માં કોલકાતાની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી બી.કોમ. કર્યું. તેમણે ૧૯૭૩માં અલકા નાથ સાથે લગ્ન કર્યા હતા. તેમને નકુલનાથ અને બકુલનાથ નામના બે પુત્રો છે. નકુલનાથ હાલમાં પિતાની પરંપરાગત છિંદવાડા લોકસભા બેઠક પરથી સાંસદ છે.
સંજય ગાંધીની મિત્રતા કમલનાથની રાજકીય ઇનિંગની શરૂઆત બની હતી. તેઓ ૧૯૬૮માં કોંગ્રેસમાં જોડાયા હતા. જેમ જેમ કોંગ્રેસમાં તેમનો સમય પસાર થતો ગયો તેમ તેમ તેઓ ગાંધી પરિવારની નજીક આવતા ગયા. લોકો કહેતા હતા કે કમલનાથને ઈન્દિરા ગાંધીના ત્રીજા પુત્ર તરીકે જોવામાં આવે છે. કમલનાથની રાજકીય ઇનિંગ પર નજર કરીએ તો તેઓ ૧૯૮૦માં સાતમી લોકસભાની ચૂંટણી જીતીને પહેલી વાર સંસદમાં પહોંચ્યા હતા. આ પછી સતત આઠ વખત લોકસભા ચૂંટણી જીતીને સંસદના નીચલા ગૃહ સુધી પહોંચવાની પ્રક્રિયા ચાલુ રહી હતી. આ દરમિયાન તેમણે ઘણી સરકારોમાં મંત્રીપદની જવાબદારીઓ પણ નિભાવી હતી.
મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ ૨૦૧૮ માં સત્તામાં આવી ત્યારે કમલનાથ મુખ્યમંત્રી બન્યા હતા અને ૨૦૦૧ થી ૨૦૦૪ સુધી કોંગ્રેસના મહાસચિવનું પદ પણ સંભાળ્યું હતું. ૨૦૧૮માં કોંગ્રેસ મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં સત્તારૂઢ ભાજપને હરાવીને સત્તામાં આવી હતી. આ પછી કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. એપ્રિલ ૨૦૧૯ની પેટાચૂંટણી જીત્યા બાદ તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. કમલનાથ ૧૭ ડિસેમ્બર ૨૦૧૮ થી ૨૦ માર્ચ ૨૦૨૦ સુધી મધ્યપ્રદેશના મુખ્ય મંત્રી રહ્યા હતા. જ્યોતિરાદિત્ય સિંધિયાને ટેકો આપતાં ધારાસભ્યોના બળવા પછી માત્ર ૧૫ મહિનામાં જ કમલનાથની કોંગ્રેસ સરકાર પડી ગઈ હતી. કમલનાથ ભાજપના રાજમાં ૨૦૨૦ થી ૨૦૨૨ સુધી વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે.
ગત વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલી મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં કમલનાથ મુખ્ય મંત્રી પદ માટે કોંગ્રેસનો ચહેરો હતા. વિધાનસભાની ચૂંટણીમાં હાર બાદ તેમણે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસ પાર્ટી આ ચૂંટણીમાં જીતનો દાવો કરી રહી હતી. ઘણા સર્વેમાં કોંગ્રેસને આગળ દેખાડવામાં આવી હતી, પરંતુ ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસ ખરાબ રીતે હારી ગઈ હતી. આ પછી તેમને પાર્ટી અધ્યક્ષપદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. તેમના સ્થાને જીતુ પટવારી મધ્ય પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ બન્યા હતા. કમલનાથ કેન્દ્રીય રાજનીતિમાં સ્થાન ઇચ્છતા હતા, પરંતુ રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારી ન મળવાને કારણે અને દિગ્વિજય સિંહ સાથેના મતભેદોને કારણે હવે તેમના ભાજપમાં જોડાવાની અટકળો ચાલી રહી છે.
અત્યાર સુધી કોંગ્રેસના ઘણા મુખ્ય મંત્રીઓ કોંગ્રેસનો હાથ છોડીને કમળમાં જોડાઈ ચૂક્યા છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અશોક ચવ્હાણ આ મહિનાની ૧૨ તારીખે કોંગ્રેસને અલવિદા કહીને ભાજપમાં જોડાયા હતા. અશોક ચવ્હાણ પહેલી વાર ૧૯૮૭માં લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા અને ૨૦૧૪માં બીજી વખત લોકસભા સાંસદ બન્યા હતા. જો કે, ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પહેલાં તેમણે કોંગ્રેસ છોડી દીધી હતી. તેમને રાજ્ય સભાની ટિકિટ આપવામાં આવી છે.
પંજાબના મુખ્ય મંત્રી રહી ચૂકેલા કેપ્ટન અમરિંદર સિંહે વર્ષ ૨૦૨૧માં કોંગ્રેસ છોડી દીધી તે પછી તેઓ ભાજપમાં જોડાયા હતા. આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કિરણ કુમાર રેડ્ડીએ ગયા વર્ષે એપ્રિલમાં કોંગ્રેસને અલવિદા કહી દીધું હતું. જે બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસ પાર્ટી છોડવાનું કારણ જણાવતાં તેમણે કહ્યું હતું કે ‘‘મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારે કોંગ્રેસ છોડવી પડશે. એક કહેવત છે કે મારો રાજા બહુ બુદ્ધિશાળી છે, તે ક્યારેય પોતાના માટે વિચારતો નથી, કે કોઈની સલાહ સાંભળતો નથી. તમે બધા સમજી ગયા હશો કે હું શું કહેવા માંગુ છું.’’
કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી એસ.એમ. કૃષ્ણા ૨૦૧૭માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાતાંની સાથે જ તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગુણગાન ગાયા હતા. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસમાં મોદી સાથે સ્પર્ધા કરવા માટે કોઈ નેતા નથી. ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી વિજય બહુગુણાએ પણ એક સમયે કોંગ્રેસ છોડી દીધી હતી. મે ૨૦૧૬ માં તેઓ રાજ્યના આઠ ભૂતપૂર્વ ધારાસભ્યો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. તેમના પુત્ર સૌરભ બહુગુણા પણ વિજય બહુગુણા સાથે ભાજપમાં જોડાયા હતા. ઉત્તરાખંડના અન્ય ભૂતપૂર્વ મુખ્ય મંત્રી નારાયણ દત્ત તિવારીએ પણ ૨૦૧૭માં કોંગ્રેસનો હાથ છોડી દીધો હતો, જે બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા. નારાયણ દત્ત તિવારી કોંગ્રેસના શક્તિશાળી નેતાઓમાં સામેલ હતા.
ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી જગદંબિકા પાલે પણ ૨૦૧૪માં કોંગ્રેસ છોડી દીધી હતી. ત્યાર પછી તેઓ કમળને પકડીને ભાજપમાં જોડાયા હતા. જગદંબિકા પાલ ત્રણ દિવસ માટે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી બન્યા હતા. પેમા ખાંડુ અરુણાચલ પ્રદેશના ૩૨ ધારાસભ્યો સાથે વર્ષ ૨૦૧૬માં ભાજપમાં જોડાયા હતા. તેઓ અરુણાચલ પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દોરજી ખાંડુના પુત્ર છે. તેઓ અગાઉ નબામ તુકીની સરકારમાં પ્રવાસન, શહેરી વિકાસ અને જળ સંસાધન મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. દિગંબર કામત ૨૦૦૭ થી ૨૦૧૨ સુધી ગોવાના મુખ્ય મંત્રી હતા. વર્ષ ૨૦૧૨માં તેમણે બહુમતીવાળી ભાજપ સરકારને પોતાનું સમર્થન આપ્યું હતું. ભાજપમાં કોંગ્રેસના એટલા બધા નેતાઓ આવી ગયા છે કે હવે ભાજપનું કોંગ્રેસીકરણ થઈ ગયું છે. – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.