Comments

દિલ્હીમાં આપ અને કોંગ્રેસ એકબીજાના વિરોધમાં કેમ?

દિલ્હીની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ છે. ભાજપ, આપ અને કોંગ્રેસ વચ્ચે લડાઈ છે. ભાજપ તો આપ પર હુમલાવર છે એ સમજી શકાય છે પણ કોંગ્રેસ પણ આપ પર હુમલા કરી રહી છે. રાહુલ ગાંધીએ અરવિંદ કેજરીવાલ પર હુમલો કર્યો છે. એમણે કહ્યું કે, અરવિંદ કેજરીવાલ પણ મોદીની જેમ જુઠાં વચનો આપે છે. કેજરીવાલે સત્તા પર આવી એમ કહેલું કે, દિલ્હીને ચોખ્ખું કરી દઈશું, ભ્રષ્ટાચાર મિટાવી દઈશું પણ દિલ્હીમાં શ્વાસ લેવાનું જોખમી બની ગયું છે. કેજરીવાલે જવાબમાં કહ્યું કે, રાહુલ મારી વિરુદ્ધ ઘણું બોલ્યા છે પણ મારે જવાબ નથી દેવો અને હું રાહુલ વિષે બોલું તો જવાબ ભાજપ કેમ આપે છે?

રાહુલ અને કેજરીવાલ બંને એકબીજા સામે બોલે એ સમજી શકાય એમ છે. ઇન્ડિયામાં બંને પક્ષ સાથે છે પણ દિલ્હીમાં આમનેસામને છે. દિલ્હીમાં એક સમય એવો હતો કે, કોંગ્રેસનો દબદબો રહ્યો. ૧૯૯૩થી અહીં ભાજપ કોંગ્રેસને હરાવી ના શક્યો ત્યારે આપનો જન્મ થયો નહોતો અને ૨૦૧૩થી જુઓ કે આપ કોન્ગ્રેસને આસાનીથી હરાવે છે અને છેલ્લી બે ટર્મથી કોંગ્રેસનું અહીં ખાતું ખૂલ્યું નથી. લોકસભામાં બંને વચ્ચે સમજૂતી થઇ હતી પણ દિલ્હી વિધાનસભામાં નહિ.

કોંગ્રેસ વિરોધ કરી રહી છે એ રાજકીય રીતે સ્વાભાવિક છે કારણ કે, જ્યાં જ્યાં સમજૂતી થઈ ત્યાં આપે કોન્ગ્રેસની મતબેન્કમાં ગાબડું પાડ્યું છે. ગુજરાતમાં ૨૦૧૭માં કોંગ્રેસે ૪૩ ટકા મત સાથે ૭૭ બેઠક મેળવી હતી અને ૨૦૨૨માં સમજૂતી કરી તો નુકસાન થયું. ૨૮ ટકા મત સાથે માત્ર ૧૭ બેઠકો મળી અને આપે ૧૩ ટકા મત સાથે ૫ બેઠકો મેળવી. ગોવામાં પણ કોંગ્રેસને આપના કારણે નુકસાન થયું હતું. પંજાબમાં કોંગ્રેસને હરાવી આપ સત્તા પર આવ્યો અને હરિયાણામાં આપ સાથે સમજૂતી ના કરી તો સત્તા ગુમાવી. ભાજપ આશ્ચર્યજનક રીતે જીતી ગયો. ટૂંકમાં કહીએ તો આપ કોન્ગ્રેસના ભોગે મજબૂત બન્યો છે એમ કહી શકાય.

બીજું કે, દેશમાં નરેન્દ્ર મોદી લોકપ્રિયતાની ટોચે છે અને એ પછી રાહુલ ગાંધી છે પણ ત્રીજા ક્રમે અરવિંદ કેજરીવાલ છે. મમતા બેનર્જી કે પછી અખિલેશ યાદવ કે સ્ટાલિન એ બધા નેતાઓ એમનાં રાજ્યો પૂરતા સીમિત રહ્યા છે અને જો આપ ફરી દિલ્હીમાં જીતે તો શક્ય છે કે, ૨૦૨૯માં કેજરીવાલ અન્ય વિપક્ષોને પોતાની સાથે લઇ વિપક્ષી નેતા બની શકે. દિલ્હીમાં મમતા અને સપાએ તો આપને ટેકો જાહેર કર્યો જ છે. એટલે કે કેજરીવાલની જીતનો સિલસિલો અટકે એ કોંગ્રેસ માટે જરૂરી છે અને દિલ્હીમાં કોંગ્રેસ મજબૂતીથી લડે તો આપની વોટબેન્કમાં ગાબડું પડ્યું અને તો ભાજપનો સ્કોર વધી શકે એમ છે.

કારણ કે કોંગ્રેસને સત્તા મળે એવા કોઈ સંજોગો નથી. કદાચ આ જ કારણે આપ અને કોંગ્રેસ એકબીજા પર હુમલા કરી રહ્યા છે. બીજી બાજુ ભાજપ કેજરીવાલના ગળા ફરતે    સકંજો કસી રહી છે. ઇડીને કેજરીવાલ સામે કામ ચલાવવા ગૃહ મંત્રાલયે છૂટ આપી દીધી છે અને અત્યાર સુધીમાં આપના ૨૫ ધારાસભ્યો સામે ભ્રષ્ટાચારના આરોપો છે અને કેસ ચાલ્યા છે. કેટલાંક જેલમાં પણ ગયાં છે. ભાજપે પૂરી તૈયારી કરી છે અને દિગ્ગજોને મેદાનમાં ઊતાર્યા છે અને કોંગ્રેસ પણ એ જ રાહે છે. આનું નામ જ રાજકારણ છે.

કર્નાટકમાં કોણ બનશે મુખ્યમંત્રી?
કર્ણાટકમાં અત્યારે તો સિદ્ધારમૈયા મુખ્યમંત્રી છે પણ એમને અઢી વર્ષ થઇ રહ્યાં છે. એને ૨૦૨૩માં સતા મળી ત્યારે એવું નક્કી થયું હતું કે, અઢી વર્ષે મુખ્યમંત્રી બદલાશે અને એ જ શરતે ડી કે શિવકુમાર ઉપમુખ્યમંત્રી બન્યા હતા અને એ મુખ્યમંત્રી પદ માટે મુખ્ય દાવેદાર છે. પણ હવે એક બીજું નામ ચર્ચામાં આવ્યું છે. આર. બી. તીમ્માપુર . આ દલિત નેતા છે અને અત્યારે કર્નાટક સરકારમાં મંત્રી છે. ડી કે શિવકુમાર મુખ્યમંત્રી ના બને એટલે દલિત કાર્ડ ઊતર્યું છે અને એમાં સિદ્ધારમૈયા પણ સામેલ છે.

થોડા દિવસો પહેલાં કર્નાટક કોંગ્રેસ દલિત સેલની બેઠક બોલાવાઈ હતી અને એમાં રાજ્યમાં દલિત નેતાને મુખ્યમંત્રી બનાવવા માટેની માગણી મુકાવાની હતી. પણ રણદીપ સુર્જેવાલાએ દરમિયાનગીરી કરી અને એ બેઠક અટકાવી હતી. હવે આ બેઠક ક્યારે મળશે એ વિષે કોઈ નિર્ણય થયો નથી પણ બેઠક ના બોલાવાય તો રોષ પેદા થઇ શકે છે. આ આખા એપિસોડમાં સિધ્ધારમૈયા કોઈ ચાલ ચાલી રહ્યાનું સમજાય છે. કારણ કે, એ ઇચ્છતા નથી કે, ડી કે શિવકુમાર મુખ્યમંત્રી બને. હવે આ પ્રશ્ન કેન્દ્રીય નેતાગીરી પાસે પહોંચ્યો છે. ડી. કે.ને ઝાઝો સમય કોંગ્રેસ ના પાડી શકે એમ નથી. એ તાકાતવર છે અને કોંગ્રેસની વિપરીત સ્થિતિમાં એણે સંકટમોચકની ભૂમિકા ઘણીવાર નિભાવી છે. બીજી બાજુ કેન્દ્ર સરકારની એજન્સીઓ દ્વારા વારે ડીકે અને અન્ય નેતાઓને ત્યાં દરોડા પડયા છે. કેસ ચાલે છે. કોંગ્રેસ આ સ્થિતિમાં નવા મુખ્યમંત્રીની પસંદગી કઈ રીતે કરે છે એ રસપ્રદ ઘટના બનવાની છે.
કૌશિક મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top